- ReadGujarati.com - http://www.readgujarati.com -

જીવનની પાઠશાળા – સં. અલકેશ પટેલ

[ સુંદર જીવનપ્રેરક બોધ સાથેની દષ્ટાંતકથાઓના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘જીવનની પાઠશાળા’માંથી કેટલીક કથાઓ અત્રે સાભાર લેવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] મેં તમને ઓળખ્યાં નહિ

હજુ હમણાં જ 45મો જન્મદિવસ ઊજવનાર હેમાબહેનને હાર્ટઍટેક આવ્યો. તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. ઑપરેશન ટેબલ સુધી પહોંચતા પહોંચતા તો તેમને બહુ જ નજીકથી મૃત્યુનો અહેસાસ થયો. તેઓ આમ ખાસ ધાર્મિક વૃત્તિનાં નહોતાં, છતાં મૃત્યુ સમયે ઈશ્વરને યાદ કર્યા અને ઑપરેશન થિયેટરની બહાર તેમની મૂર્તિ જોઈને પૂછ્યું, ‘હે ભગવાન, શું મારો અંતિમ સમય આવી ગયો છે ?’ ભગવાને કહ્યું : ‘ના, હજુ તો તમારી પાસે 43 વર્ષ, બે મહિના અને આઠ દિવસનું જીવન બાકી છે.’ પછી તો તેમનું ઑપરેશન સારી રીતે પાર પડ્યું.

તે સંપૂર્ણ સાજા થઈ ગયા, છતાં ત્યાંથી રજા લઈને ઘરે જવાને બદલે તેમણે હૉસ્પિટલમાં જ રહીને ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી. હોઠ, નાક ઠીક કરાવ્યાં. પેટ પર વધી ગયેલી ચરબી દૂર કરાવી. આ રીતે શરીરનાં જે અંગોમાં તેમને ખામી લાગી તે બધાં જ અંગો તેમણે ઠીકઠાક કરાવી લીધાં. એટલે સુધી કે બ્યુટિશિયનને હૉસ્પિટલમાં જ બોલાવી વાળનો રંગ પણ બદલાવી નાખ્યો. હેમાબહેન આવું કરે તે પણ સ્વાભાવિક હતું, કારણ કે તેમની પાસે સરસ રીતે જીવન જીવવા માટે હવે ચાર દાયકા કરતાં વધુ સમય હતો.

હૃદયરોગના ગંભીર હુમલા પછી તેમને તો જાણે નવું જીવન જ મળ્યું હતું. તેથી ભવિષ્યના જીવન માટે તેમણે પોતાની જાતને સંપૂર્ણપણે ફિટ કરી લીધી. હૉસ્પિટલમાં છેલ્લામાં છેલ્લું ઑપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા પછી તે ઘરે જવા નીકળ્યાં. જીવનના અનેરા ઉત્સાહ સાથે તે રોડ ક્રોસ કરતાં હતાં ત્યારે જ એક એમ્બ્યુલન્સની ટક્કર વાગી અને તેમનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ બાદ ઈશ્વર સાથે ભેટો થયો ત્યારે તેમણે ઈશ્વરને પૂછ્યું કે, ‘તમે તો કહ્યું હતું કે મારે હજુ 43 વર્ષ, બે મહિના અને આઠ દિવસ જેટલું જીવવાનું બાકી છે. તો પછી આ શું થયું ? શા માટે મને અહીં બોલાવી લીધી ?’
જવાબમાં ભગવાને એટલું જ કહ્યું કે : ‘હું તને ઓળખી જ ન શક્યો.’

બોધ : બોધ સરળ અને સ્પષ્ટ છે – કુદરતે તમને જે રંગ-રૂપ આપ્યાં હોય તેને જાળવી રાખો. બનાવટી જીવન તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. બની શકે કે તમે તમારી ઓળખ પણ ગુમાવી દો !
.

[2] વિશ્વાસ

નવસારીનો એક નટ હતો. તેની કલાબાજી જોઈને લોકો મોઢામાં આંગળાં નાખી જતા હતા. હવે તેણે મોટા શહેરોમાં જઈને ત્યાં પણ પોતાની કળા બતાવવાનો નિર્ણય કર્યો. નાના નગરો અને ગામોમાં તો તે વાંસ ઉપર દોરડું બાંધી તેના ઉપર સંતુલન રાખીને ચાલતો અને બધા ખુશ થઈ જતા, પરંતુ શહેરના લોકોને ખુશ કરવા તેણે વધારે સાહસપૂર્ણ ખેલ કર્યો. વીસ માળ ઊંચા બે મકાનોની અગાસી વચ્ચે બંધાયેલા દોરડા પર તે સંતુલન માટે હાથમાં એક ડંડા સાથે એક છેડેથી બીજા છેડે ચાલીને જતો. બીજા છેડેથી પાછા ફરતી વખતે પોતાના એક સહાયકને ખભે બેસાડીને આવતો. એક દિવસ લોકો તેનો આ સ્ટંટ જોઈને તાળીઓ વગાડી રહ્યા હતા ત્યારે તેણે પૂછ્યું : ‘શું તમને સૌને ખાતરી છે કે આ સ્ટંટ હું બીજી વાર કરી શકીશ ?’ બધાએ ઉત્સાહભેર એકીઅવાજે ‘હા’ કહ્યું. તે બોલ્યો : ‘અચ્છા, તો જે લોકો મારા સહાયક બનવા માટે તૈયાર હોય તે આગળ આવે. હું તમને મારા ખભે બેસાડીને આ છેડેથી સામેના છેડા સુધી લઈ જઈશ.’ આ સાંભળતાંની સાથે જ ચોતરફ શાંતિ છવાઈ ગઈ અને ટોળું ધીમે ધીમે વિખરાવા લાગ્યું.

બોધ : કોઈની પ્રતિભા વખાણવી અને તેની ક્ષમતામાં વિશ્વાસ કરવો એ બે જુદી-જુદી વાતો છે. કળાકાર હોય કે બાળક – તેની ક્ષમતામાં વિશ્વાસ મૂકવાથી તે વધારે ઉત્તમ પરિણામો આપી શકે છે.
.

[3] બુદ્ધિશાળી શિયાળ

પોતાની ગુફા અને સાથીઓથી અલગ પડી ગયેલું એક શિયાળ ગીચ ઝાડીમાંથી રસ્તો શોધવા મથામણ કરી રહ્યું હતું. જંગલ એટલું બધું ગાઢ હતું કે તેમાંથી પસાર થવામાં મુશ્કેલી પડે. એવામાં બરાબર તેની સામે જ એક સિંહ આવી ગયો. શિયાળ પાસે ભાગવાનો કોઈ રસ્તો જ નહોતો એટલે ફફડી ઊઠ્યું. સિંહ એક છલાંગમાં જ તેને ઝડપી લે એટલું જ અંતર હતું. તેથી શિયાળ ભાગી શકે એવી સ્થિતિમાં જ નહોતું. છતાં તેણે ઝડપથી યુક્તિ વિચારી લીધી અને સિંહ છલાંગ મારે એ પહેલા મોટેથી તાડૂક્યું : ‘મારા માર્ગમાં આડે આવવાની તેં હિંમત કેવી રીતે કરી ? શું તને ભગવાનનો ડર નથી લાગતો ?’ આવા આકસ્મિક હુમલાથી સિંહ તો ડઘાઈ જ ગયો. તેને આ રીતે કોઈ સવાલ કરે એવી તો તેને કલ્પના પણ નહોતી. ક્ષણિક આઘાતમાંથી બહાર આવેલા સિંહે શિયાળને પૂછ્યું : ‘તું આવો દાવો કેવી રીતે કરી શકે ? તને ભગવાને મોકલ્યું છે એની સાબિતી શું ?’

શિયાળ પાસે જવાબ તૈયાર જ હતો. તેણે કહ્યું : ‘ચાલ મારી સાથે જંગલમાં ફર, તને ખબર પડી જશે. તું મારી પાછળ પાછળ ચાલજે અને જોજે કે તમામ પ્રાણીઓ મને કેટલું સન્માન આપે છે !’ આમ સિંહ શિયાળની પાછળ પાછળ ચાલવા લાગ્યો અને બન્યું એવું જ. નાનાં-મોટાં પ્રાણીઓ કાં તો ભાગી જતાં અથવા આ બંનેને રસ્તો કરી આપતાં. જોકે હકીકત તો એ હતી કે શિયાળની પાછળ ચાલી રહેલા સિંહને કારણે આ પ્રાણીઓ ડરીને આવું કરતાં હતાં. એ બધું જોઈને સિંહ પણ જાણે પ્રભાવિત થઈ ગયો, પરંતુ પોતાના આ ચતુરાઈભર્યા ઉપાયને કારણે શિયાળનો જીવ તો બચી ગયો.

બોધ : ગમે તેવી મુશ્કેલી આવી પડે છતાં શાંત રહીને તેના ઉપર યોગ્ય વિચાર કરવામાં આવે તો માર્ગ ચોક્ક્સ મળી રહે છે. ડરી જવાને બદલે બુદ્ધિપૂર્વક તર્કનો ઉપયોગ કરવામાં આવે તો આપણે ગંભીર મુશ્કેલીમાં સપડાતા બચી જઈ શકીએ છીએ.

[કુલ પાન : 54 (મોટી સાઈઝ). કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : અરુણોદય પ્રકાશન. 202, હર્ષ કૉમ્પ્લેક્સ, ખત્રીપોળ, પાડાપોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22114108. ઈ-મેઈલ : arunodayprakashan@yahoo.co.in ]