ખજાનો – સં. રેણુકા મલય દવે

[ ‘તપન સ્મૃતિ ટ્રસ્ટ’ દ્વારા પ્રકાશિત થતા ‘તથાગત’ સામાયિકમાંથી આપણે અગાઉ ઘણા લેખો માણ્યા છે. તાજેતરમાં આ સામાયિકના પચાસેક જેટલા અંકોમાંથી ચૂંટેલી વાચનસામગ્રી સંપાદિત કરીને ‘ખજાનો’ નામનું એક પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ‘જાણવા જેવું’, ‘અજમાવી જુઓ’, ‘વાનગીઓ’, ‘જૉક્સ’ સહિત અનેક રસપ્રદ વિભાગો છે. પુસ્તકના વેચાણમાંથી પ્રાપ્ત થતી રકમ બાળવિકાસની પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાશે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે રેણુકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. –તંત્રી.]

[1] વિશ્વનું ઊંડામાં ઊંડું સરોવર સાઈબીરિયાનું બૈકલ સરોવર છે, જેની મહત્તમ ઊંડાઈ 1637 મીટર અને સરેરાશ ઊંડાઈ 749 મીટર છે. પાણીના જથ્થાની દષ્ટિએ વિશ્વનું તે મોટામાં મોટું (23,600 ચો. કિ.મી.) સરોવર છે.

[2] વિશ્વમાં યુરોપ ખંડ જ એક એવો ખંડ છે જ્યાં રણ આવેલું નથી. યુરોપનો કોઈ પણ પ્રદેશ એવો નથી કે જ્યાં વાર્ષિક 9 ઈંચથી ઓછો વરસાદ પડતો હોય.

[3] પૃથ્વી ઉપરનો ઍન્ટાર્ટીકા એક એવો પ્રદેશ છે જેના ઉપર કોઈ પણ દેશનો અધિકાર નથી.

[4] માઉન્ટ એવરેસ્ટ પછી ઊંચાઈમાં આવતું ભારતનું K2 શિખર બરફ વર્ષા પછી થોડા સમયગાળા માટે એવરેસ્ટ કરતાં વધુ ઊંચું હોય છે.

[5] ભૂતાનનું રાજધાની શહેર થિમ્પુ, વિશ્વમાં એક માત્ર એવું શહેર છે, કે જ્યાં ટ્રાફિક સિગ્નલ નથી. 7500 ફૂટની ઊંચાઈએ વસેલું આ શહેર માત્ર 1,00,000 (એક લાખ)ની વસ્તી ધરાવે છે.

[6] વિશાળ સહારાના રણના અલ્જિરીયા દેશમાં પડતા એક ભાગમાં તીસીલ એન. અજ્જેર (Tassili N’ Ajjer) નામની જગ્યામાં સેન્ડસ્ટોન (રેતીના પથ્થરો)ના ડુંગરો ઘસારાથી ખવાઈને અદ્દભૂત આકારો બનેલા છે. વળી આ પથ્થરો ઉપર 6000 થી 7000 વર્ષ જૂનાં અદ્દભૂત ચિત્રો અને વિવિધ પ્રાણીઓના આકારો કોતરવામાં આવેલાં છે. આ પ્રદેશમાં લાખો વર્ષ પહેલાં નદીઓ વહેતી હશે તેના પુરાવા મળે છે. વિવિધ આકારો જોવા www.fjexpeditions.com/tassili.html પર ક્લિક કરો.

[7] ઉંદરના હૃદયના ધબકારા દર મિનિટે 300 જેટલા હોય છે. તે ખૂબ જ ધીમા અવાજને સાંભળી શકતા હોવાથી ધરતીકંપની સૌ પ્રથમ જાણ તેને થાય છે.

[8] આપણે જાણીએ છીએ કે ઘુવડ રાત્રે જોઈ શકે છે. મનુષ્ય કરતાં રાત્રિના સમયે તેની દષ્ટિની તીવ્રતા લગભગ 100 ગણી હોય છે.

[9] બાજ પક્ષીની એક જાત પેરેગ્રાઈન (Pergrine Falcon) એ વિશ્વમાં સૌથી વધુ ઝડપે ઉડતું પક્ષી છે. તે કલાકના 350 કિ.મી. ને ઝડપે ઉડી શકે છે.

[10] ઓરિસ્સામાં હાવરા-નાગપુર રેલ્વે લાઈન ઉપર આવેલું આઈ બી (IB) સ્ટેશન સૌથી ટૂંકું નામ ધરાવતું ભારતનું રેલ્વે સ્ટેશન છે.

[11] આપણી ગૅલેક્સી આકાશગંગાનો આકાર બે રકાબી એકબીજા પર અવળી સવળી મૂકી હોય તેવો છે. આપણી આ આકાશગંગાના એક છેડેથી બીજા છેડે પહોંચતાં એક પ્રકાશના કિરણને 1 લાખ વર્ષ થાય.

[12] સાપ-સીડીની રમતની શોધ 13મી સદીના કવિ સંત જ્ઞાનદેવ દ્વારા થઈ હતી. રમતમાં આવી ‘સીડી’ કે ‘નિસરણી’ સદગુણોને સૂચવે છે, જ્યારે ‘સર્પ’ દૂષણો સૂચવે છે. અગાઉ આ રમત કોડીઓથી રમાતી હતી. પરંતુ કાળક્રમે તેમાં ફેરફારો થતા રહ્યા.

[13] ટેસ્ટ ક્રિકેટનો જન્મ તા. 15 માર્ચ, 1877ના રોજ મેલબોર્ન ક્રિકેટ મેદાન ઉપર ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચથી થયો, જેમાં ઓસ્ટ્રેલિયા 45 રનથી જીત્યું હતું.

[14] પૃથ્વી પોતાની ધરી ઉપર ભમરડાની જેમ એક કલાકમાં આશરે 1000 માઈલ (1610 કિ.મિ.)ની ઝડપે ફરે છે. પરંતુ અવકાશમાં તે (સૂર્યની આસપાસ) દર કલાકે 67,000 માઈલ (107803 કિલોમિટર)ની ઝડપે દોડે છે.

[15] પ્રકાશની ઝડપે આપણે જો અવકાશમાં પ્રવાસ કરીએ તો આપણી સૌથી નજીકની આકાશગંગા (ગૅલેક્સી) એન્ડ્રોમેડા સુધી પહોંચતાં 20 લાખ વર્ષ લાગે. અવકાશમાં આવી 100 અબજ (1 ઉપર 11 મીંડા) આકાશગંગા છે. આ ઉપરથી તમે અવકાશના કદની કલ્પના કરી જુઓ.

[16] વિશ્વમાં હયાત 20,000 જાતનાં પતંગિયાઓમાંથી ભારતમાં આશરે 1440 જાતનાં પતંગિયાં જોવા મળે છે. જે પૈકી પશ્ચિમઘાટમાં જોવા મળતી એક જાતમાં પાંખોનો વ્યાપ 10 સે.મી.થી પણ વધુ જણાયો છે.

[17] મગર પોતાના શિકારનો થોડો ભાગ ત્યાં ને ત્યાં જ ચાવી જાય છે, જ્યારે મોટો ભાગ ખેંચીને સુરક્ષિત જગ્યાએ લઈ જાય છે. આમ કરવાથી ઘણી વાર તેના દાંત તૂટી જતા હોય છે. મગરને જીવનકાળ દરમ્યાન આશરે 50 જોડી નવા દાંત ખોરાક ચાવવા મળી રહેતા હોય છે.

[18] ઍલેકઝાન્ડર ગ્રૅહામ બેલ – જેમણે ટેલિફોનની શોધ કરી છે – તે ખરેખર તો બહેરા બાળકોના શિક્ષક હતા. ટેલિફોનની શોધ તેમણે તેમની બહેરી પત્ની અને માતા સાંભળી શકે તે માટે કરી હતી.

[19] ‘ક્રેસકોગ્રાફ’ એ ભારતના જગપ્રસિદ્ધ વનસ્પતિ શાસ્ત્રી ભૌતિકશાસ્ત્રી જગદીશ્ચંદ્ર બોઝ દ્વારા શોધાયેલા એક એવા મશીનનું નામ છે, જે વનસ્પતિમાંથી ઉદ્દભવતી સંવેદનાઓ અને લાગણીઓને માપે છે.

[20] આપણા શરીરમાં દર મિનિટે લગભગ 30 કરોડ જેટલા કોષો મૃત્યુ પામે છે પણ તેમનું સ્થાન તરત નવા કોષો લઈ લે છે. આ રીતે પુખ્ત વ્યક્તિના શરીરમાં કોષોની સંખ્યા લગભગ એકસરખી જ રહે છે.

[21] હૃદયના ધબકારામાં એટલી શક્તિ રહેલી છે કે કોઈ મુખ્ય ધમની પર ચીરો મૂકવામાં આવે તો લોહીનો ફુવારો 6 ફૂટ જેટલો ઊંચો ઊછળી શકે છે.

[22] દરેક ખંડનું અંગ્રેજીમાં જે નામ છે તેનો પહેલો અને છેલ્લો અક્ષર સરખો છે. દા.ત., Asia, Africa, Europe. વગેરે.

[23] શીખવામાં સૌથી અઘરી ભાષા (BASQUE) બાસ્ક છે જે સ્પેન અને દક્ષિણ પશ્ચિમ ફ્રાન્સમાં બોલાય છે. આ ભાષા દુનિયાની કોઈપણ ભાષા સાથે સમાનતા ધરાવતી નથી.

[24] વૅસ્ટ ઈન્ડિઝમાં એક વૃક્ષ થાય છે, જેનાં પાંદડાં વિશિષ્ટ આકારનાં હોય છે. જ્યારે આ પાંદડાંઓને પવન સ્પર્શે છે ત્યારે પવન સાથેના ઘર્ષણથી તેમાંથી એક પ્રકારનો વિચિત્ર અવાજ ઉત્પન્ન થાય છે, જાણે સંગીતની સુરાવલી છેડી હોય ! એટલું જ નહિ પણ પવનની વધઘટ સાથે તે સંગીતમાં આરોહ-અવરોહ પણ ઉત્પન્ન થાય છે. આથી આ વૃક્ષ ‘સિંગિંગ ટ્રી’ યાને ‘ગીત ગાતું વૃક્ષ’ તરીકે ઓળખાય છે.

[25] આરામની પળોમાં લોહીને શરીરનું એક સંપૂર્ણ ચક્કર લગાવતા 1 મિનિટ જેટલો સમય લાગે છે, જ્યારે શારીરિક શ્રમ કરતી વખતે આ સમય ઘટીને 10 સેકંડ જેટલો થઈ જાય છે.

[કુલ પાન : 152. કિંમત રૂ. 75. પ્રાપ્તિસ્થાન : તપનસ્મૃતિ ટ્રસ્ટ. જે-201, કનકકલા-2, મા આનંદમયી માર્ગ, સીમા હોલની સામે, સેટેલાઈટ, અમદાવાદ-380015. ફોન : +91 79 26931633.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “ખજાનો – સં. રેણુકા મલય દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.