જગન્નાથ કવિ – સર પ્રભાશંકર પટ્ટણી

[ જીવનને સુંદર બોધ આપતી પ્રેરક વાર્તાઓના પુસ્તક ‘વાતોમાં બોધ’ પુસ્તકમાંથી અત્રે એક વાર્તા સાભાર લેવામાં આવી છે. છેક ઈ.સ. 1940માં પ્રકાશિત થયેલી આ વાર્તાઓ ફરીથી 2001માં અને તે પછી 2007માં પુનઃપ્રકાશિત કરવામાં આવી છે. આજના સમયમાં પણ તે એટલી જ પ્રસ્તુત છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]હિં[/dc]દમાં મૌર્યકુળના રાજાઓનું મોટું વિસ્તારવાળું રાજ્ય હતું. કલ્યાણનગર એ રાજ્યનું મુખ્ય શહેર હતું. અને હિંદમાં અત્યારે જે કેટલાંક મોટાં સમૃદ્ધિવાન શહેરો છે, એવું સમૃદ્ધિવાન એ શહેર હતું. એ નગરથી બહુ છેટેના એક સામાન્ય ગામમાં જગન્નાથ નામના એક બ્રાહ્મણ રહેતા હતા. વિદ્યામાં પારંગત હોવાની સાથે કવિતા કરવાની પણ એમનામાં ઉત્તમ શક્તિ હતી. એમના મગજની કેળવણી જ માત્ર અપ્રતિમ હતી એમ ન હતું. એ કેળવણી ઉપર એના હૃદયનું સામ્રાજ્ય હતું. એમનું અંતઃકરણ શુદ્ધ અને પ્રાણીમાત્ર ઉપર સ્નેહની નજરથી જોવાની ટેવવાળું હતું.

જગન્નાથ એક નાના ગામડામાં રહેતા હતા. છતાં પણ એની વિદ્વત્તાએ અને એના સહૃદયપણાએ, લાંબે દૂરથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે એણે આકર્ષ્યા હતા. વગર વેતને સર્વને શિક્ષણ આપતા હતા. એનું અને એના કુટુંબનું પોષણ ગામ કરતું હતું અને કવિ તરીકેની એની કીર્તિને લીધે આસપાસનાં બીજાં રાજ્યોમાં એને આમંત્રણ થતાં. અને જૂના જમાનાના રિવાજ પ્રમાણે ત્યાંથી વિદાયગીરી વખતે સારો પોશાક મળતો હતો. આ પોશાકનું એક પ્રખ્યાત વિશિષ્ટ અંગ કવિને સુવર્ણનાં કડાં પહેરાવવાનું હતું. પાંચાલ દેશના એક નૃપતિએ આમંત્રણ કરીને કવિને બહુ કીમતી પોશાક આપ્યો અને સોનાનાં કીમતી કડાં હાથમાં નાખ્યાં. કવિ ગરીબ હોવાથી જ્યારે એને જરૂર પડશે ત્યારે પોશાકમાં આપેલાં કડાં વેચી નાખીને, એ પોતાની જરૂરિયાત પૂરી પાડશે એવા ભયથી એ કડાંને હાથમાં નાખ્યા પછી પાછાં નીકળી શકે નહીં એવાં એને સંકોડી લેવામાં આવ્યાં હતાં. કેમ કે રાજાનો આશય એવો હતો કે આ કડાંઓ કવિને હંમેશાં રાજાની ઉદારતાનું ભાન કરાવ્યા કરે.

વિદાયગીરી થયા પછી કવિવર જગન્નાથ પોતાને ગામ જવા નીકળ્યા. ઘણાં ગરીબોનાં નસીબ બે ડગલાં આગળ ને આગળ હોય છે; તે પ્રમાણે કવિને કમનસીબે રસ્તામાં ચોર મળ્યા. ચોરોએ પોશાકનો સઘળો સામાન કવિ પાસેથી ખૂંચવી લીધો. પણ સોનાનાં કડાં હાથમાંથી નીકળી શકે એમ ન હોવાથી ચોરોએ કવિનાં કાંડાં કાપીને એ કડાં મેળવ્યાં. અને દુઃખથી રાડ પાડવાને લીધે આસપાસનાં માણસોને તુરત ખબર પડી જશે એવી ધાસ્તીથી ચોરોએ પાસેના એક કૂવામાં જગન્નાથને ફેંકી દીધા. કૂવો બહુ ઊંડો ન હતો અને પાણી ઘણું થોડું હતું એટલે કવિનો જીવ તો બચ્યો પણ હાથની વેદનાને લીધે કવિથી દુઃખની ચીસો પડાઈ જતી હતી.

થોડાક વખત પછી નાગદેશનો રાજા એ પ્રદેશમાં શિકારે આવ્યો. કૂવા પાસેથી પસાર થતાં, તેમાંથી આવતો મનુષ્યનો અવાજ સાંભળીને સાથેના સેવકોને તપાસ કરવાનો અને તેમાં કોઈ માણસ હોય તો તેને મદદ કરી બહાર કાઢવાનો રાજાએ હુકમ કર્યો. જગન્નાથને કૂવામાંથી બહાર કાઢી, રાજા પાસે હાજર કરવામાં આવ્યા, ત્યારે રાજાના પૂછવાથી એના ઉપર કેવા પ્રકારની વિટંબણા પડી હતી એ એણે કહી સંભળાવ્યું. એ બ્રાહ્મણની વાત ઉપરથી એની વિદ્વત્તાની અને તેની કવિતા શક્તિની માહિતી મળતાં, રાજા એને પોતાના શહેરમાં લઈ ગયો અને રાજ્ય વૈદ્યોને સુપ્રત કરી એનું શરીર સ્વાસ્થ્ય અને કાપી નાખેલાં કાંડાંનો ઉપચાર કરવાનું કહેવામાં આવ્યું. કેટલેક દિવસે કવિરાજ કાંડા વગરના પણ સ્વસ્થ આરોગ્યવાળા થઈ ગયા. રાજા વિદ્યાપ્રેમી હતા એટલે જેમ જેમ જગન્નાથના વિદ્યાપ્રેમનું અને હૃદયના ગુણોનું એને ભાન થતું ગયું તેમ તેમ નરેશની પ્રીતિ એના ઉપર વિશેષ વધતી ગઈ. પ્રીતિવાળાં માણસો રાજ્યકાર્યમાં માથાં મારે છે એવો સ્વભાવ, એ વિદ્વાન બાહ્મણનો ન હતો. નૃપતિની પ્રીતિ એની વિદ્યા ઉપરના ભાવને લીધે છે એમ તે સમજતા હતા, એટલે એ સ્નેહના પરિઘમાં જગન્નાથ પોતાનું જીવન ધન્ય માનીને ગાળતા હતા. એના આ વર્તનથી રાજાની ઓર પ્રીતિ એના ઉપર વધી.

કેટલાક માસ પછી એને લૂંટી ગયેલા ચોરો નાગ રાજ્યની રાજનગરીમાં લૂંટી લીધેલો માલ અને કડાં વગેરે વેચવા આવ્યા. અને એક સોનીને ત્યાં એ કડાં વેચતા હતા તેવામાં એ રસ્તે થઈને જગન્નાથ કવિ રાજા પાસે જતા હતા, એના ઉપર પેલા ચોરોની નજર પડી. અને એ કોણ છે એની માહિતી સોની પાસેથી એમણે મેળવી. એ વાત થતી હતી તે દરમિયાન કવિ અને ચોરોની નજર પણ એક થઈ. ચોરોને મનમાં ઘણી ધાસ્તી લાગી. પણ ચોરોને ઓળખ્યા પછી એ શહેરમાં થોડા દિવસ પોતાને ત્યાં મહેમાન તરીકે રહેવાનું આમંત્રણ કર્યું. આ આમંત્રણ આપવાનો જગન્નાથનો આશય અતિ ઉચ્ચ હતો. પણ સારાં માણસોનાં કામ અને આશયના ઉપર નીચ લોકો દુષ્ટતાનો ઢોળ ચડાવે છે. અને એમની દયા તથા ઉદારતામાં પણ પ્રપંચ હશે એવા શકથી જુએ છે. તે પ્રમાણે ‘જગન્નાથ આપણને આમંત્રણ આપી ફોસલાવીને કેદ કરાવશે…’ એવું ચોરોને લાગ્યું. પણ રાજા સાથેના જગન્નાથ કવિના માનભર્યા સંબંધની વાત સોની દ્વારા ચોરોના જાણવામાં આવેલી હોવાથી એ આમંત્રણનો ઈન્કાર કરવાની હિંમત તેઓ કરી શક્યા નહીં. ના પાડવાથી તુરત પકડાઈ જવાની બીક અને આમંત્રણ સ્વીકારી જગન્નાથને ઘેર જઈ ત્યાં રહી લાગ આવ્યે નાસી છૂટવાની આશા, એ બન્ને ભાવોના મિશ્રણે ચોરોએ કવિનું આમંત્રણ સ્વીકાર્યું. જગન્નાથ એ ત્રણે ચોરોને પોતાને ઘેર લઈ ગયા. અને જે રીતે તે પોતાના મકાનમાં રહેતા હતા તે જ પ્રમાણે આ આવેલા મિત્રોની શુશ્રૂષા થાય એવી સેવકોને એણે આજ્ઞા કરી હતી.

એક દિવસ કવિ, રાજા પાસે જઈ શક્યા ન હતા. એથી સાંજને વખતે દરબારમાંથી તેડું આવ્યું. ત્યાં ગયા પછી તે દિવસની ગેરહાજરીનો સવાલ પૂછતાં રાજાને જણાયું કે કવિને ત્યાં એમના ઘણા જૂના અને સ્નેહ સંબંધવાળા ત્રણ મિત્રો મહેમાન તરીકે છે. અને કવિના મિત્રો એટલે કવિવર જેવા હશે એ ભાવથી એમનું પણ સન્માન કરવાની ઈચ્છાથી, બીજે દિવસે એમને દરબારગઢમાં લાવવાની રાજાએ કવિને વિનંતી કરી. મિજબાનોની ઓળખાણ કરાવતાં કવિએ રાજાને કહ્યું કે ‘એક વખત એ મિત્રો માર ઘણા જ ગાઢ પરિચયમાં આવ્યા છે. અને એમની સાથે રહેવાની મારી તીવ્ર ઈચ્છાને માન આપીને એમણે મારે ત્યાં રહેવાની મહેરબાની કરી છે. આપ એમને મળીને જરૂર ખુશી થશો એવા એ છે. આવતી કાલે આપ નામદારની આજ્ઞા પ્રમાણે હું એમને મારી સાથે લેતો આવીશ. તેઓ પોતાને વતન જવાની આજે જ બહુ ઉતાવળ કરતા હતા. જોકે હજી તો પોતાના સમાગમનો થોડો જ દિવસ લાભ આપ્યો છે. કૃપા કરી આપ નામદાર એમને સમજાવીને થોડા દિવસ વધારે અહીં રહે એમ કરો તો હું આપનો મોટો ઉપકાર માનીશ.’ બીજે દિવસે દરબારમાં જવાના નિયમ પ્રમાણેના વખતે પેલા ત્રણે મિત્રોની સાથે જગન્નાથ કવિ દરબારમાં આવ્યા. રાજાની સાથે મિજબાનોની ઓળખાણ કરાવી. થોડો વાર્તાલાપ પણ થયો. ચોરો પણ કેટલીક વખત એના ધંધાની હોશિયારીમાંથી મનુષ્યના મનનું હરણ કરવાની શક્તિ મેળવી લે છે. પકડાઈ જવાની ધાસ્તીએ ક્ષણભરનો ખોટો વિવેક એમની વાણીમાં ખૂબ ઠાલવ્યો હતો.

એક તરફ જગન્નાથનો આગ્રહ અને બીજી તરફ રાજાજી સાથેનો હંમેશાંનો મેળાપ, રહેવાનું અને સુંદર ખાવાપીવાનું અને એ બધું છતાં કરેલું પાપ રાત્રીદિવસ એમને સતાવી રહ્યું હતું. સ્નેહમાં એમણે લુચ્ચાઈ જોઈ. ખૂબ ફોસલાવીને અંતે જીવનની હાણ કરશે એવી શંકા એ વિદ્વાન કવિ ઉપર એમને આવવા લાગી. અને જેમ જેમ વિદાય માટે આગ્રહ થતો ગયો તેમ તેમ કવિએ ચોરોને વધારે વખત રહેવાનો આગ્રહ કરવાથી ચોરોનાં હૃદય જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ વધારે ને વધારે ધડકવા લાગ્યાં. છએક માસ સુધી તો આ ઘટમાળ ચાલ્યા કરી. જવાના અને રાખવાના આગ્રહ વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. ક્યાં જગન્નાથ કવિનો ઉચ્ચાશય અને ક્યાં ચોરોના પાપે કરેલી હૃદયની સજા ! સંસારમાં આવા અનુભવો થોડે ઘણે અંશે દરેકને થયા વગર રહેતા નથી. આખરે ચોરોના આગ્રહને માન આપીને કવિએ એમને જવા દેવાની હા પાડી અને રાજાસાહેબની છેવટની રજા લીધા પછી જેવું એવું ઠર્યું.

બીજે દિવસે દરબારમાં જગન્નાથ કવિએ પોતાના મિત્રોને વિદાયગીરી જોઈએ છીએ તે વાત કરી. રાજાજીએ એ ચોરોને ચાલી આવેલી રાજરીત પ્રમાણે બહુ કીમતી શિરપાવ બક્ષિસ કર્યો, અને એમને ગામ પહોંચાડવાને માટે સારાં વાહનો, અધિકારીઓ અને ચોકીદારો સાથે આપ્યા. કવિની આ બધી મહેનતનો અર્થ ચોરોએ તો એવો જ કર્યો કે આ અધિકારીઓ અને ચોકીદારો એટલા માટે મોકલવામાં આવે છે કે રસ્તામાં આપણને ગિરફતાર કરીને પરભારા કેદખાનામાં મોકલી દેવામાં આવશે, એટલે ગિરફતારીમાંથી બચવા માટે ચોરોએ એક કુમાંડ ઊભું કર્યું. પોતાનું ગામ નજીક આવ્યું એટલે બપોરના વિશ્રામ વખતે ડેરાતંબુ નંખાયા ત્યારે ચોરોએ રાજાના અધિકારીઓને બોલાવીને કહ્યું કે, ‘અમારે આપને એક ઘણી જ રહસ્ય વાત કરવાની છે. અને તે એ છે કે જેને તમે જગન્નાથ કવિ તરીકે ઓળખો છો, તેણે રાજાજી પાસે અમારી આટલી બધી શુશ્રૂષા કરાવી, તેનું મૂળ કારણ એ છે કે તે અમારા ગામનો હરિજન હોઈ, તેને એવી ધાસ્તી લાગી કે જો તે અમને સારી રીતે રખાવે નહીં તો અમે રાજાજીને તેના કુળની વાત જાહેર કરી દઈએ.’ ઉપકારના ઉપર આવો મોટો અપકાર કરવાની દુષ્ટતાને પરિણામે પૃથ્વી એકદમ ફાટી અને ચોરો એમાં ગરક થઈ ગયા. લોકો માને છે, કે કરેલાં પાપનું ફળ કોક દિવસ પણ મળે છે. લોકવદન્તી એવી છે કે આ જન્મમાં નહીં તો બીજા કોઈ જન્મમાં પણ કર્મનું ફળ ભોગવ્યા વિના છૂટકો નથી. પરંતુ શાસ્ત્રમાં એમ પણ કહ્યું છે કે : अत्युग्र पुण्य पापानम इहैव फ़लमश्नुते ॥ ‘અતિ ઉગ્ર એવું પુણ્ય કર્યું હોય અથવા તો પાપ કર્યું હોય તો તેનું ફળ આ જન્મમાં તુરત જ ફળીભૂત થાય.’ આ પ્રમાણે ચોરોની ઉગ્ર દુષ્ટતાનું ફળ તેઓને તત્કાળ મળ્યું.

રાજ્યના અધિકારીઓને ઘણું આશ્ચર્ય થયું. તેઓ પોશાક વગેરે લઈ પાટનગરમાં પાછા આવ્યા. અને પોતાને થયેલા આશ્ચર્યની સઘળી હકીકત રાજાજીને નિવેદન કરી. કવિવર જગન્નાથ તે વખતે હાજર હતા. પોતાને હરિજન જાતિના ગણાવાની વાત થઈ ત્યાં સુધી કોઈ પણ પ્રકારના ખેદની વૃત્તિ સુદ્ધાં એમના ચહેરા પર દેખાઈ ન હતી. પોતે બતાવેલી કૃપા અને ચોરોની દુષ્ટતા જાણ્યા છતાં એમના મનમાં એ ચોરોને વિષે લેશ પણ તિરસ્કારની ભાવના સ્ફુરી નહીં. પરંતુ અધિકારીઓએ છેવટે કહ્યું કે ‘ચોરોએ જ્યારે જગન્નાથ કવિની જાત માટે કહ્યું ત્યારે તુરત જ પૃથ્વી ફાટી.’ એ છેવટનું વાક્ય અધિકારીઓએ કહેતાં દયાથી આર્દ્ર એવા જગન્નાથથી ચીસ પડાઈ ગઈ અને તેઓ હાથનાં ઠૂંઠાં ઘસવા મંડી ગયા. अत्युग्र पुण्य पापानम इहैव फ़लमश्नुते પ્રમાણે, ઉપર ચોરોના ઉગ્ર પાપની વાત થઈ અને જગન્નાથની સહૃદયતાની ઉગ્રતાના ગુણને લીધે, પ્રભુએ એના હાથનાં ઠૂંઠામાંથી બન્ને હાથ બહાર કાઢ્યા. રાજા તો આ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો. ચોરોનો વિનાશ અને જગન્નાથના હાથનું પાછું પ્રાપ્ત થવું, એ પ્રસંગથી આખી મંડળી મુગ્ધ બની ગઈ. અને થોડી વારના મૌન પછી રાજાજીએ કવિને પૂછ્યું, ‘મહારાજ, તમે કોઈ મહા પ્રતાપી પુરુષ છો. કૃપા કરીને કહેશો કે આ બધા પ્રસ્તાવનું રહસ્ય શું છે ?’ આગ્રહને લીધે કવિએ પોતાનાં કાંડાં કપાયાના પ્રસંગથી તે ચોર મિત્રોને શિરપાવ અપાવ્યા સુધીની સઘળી વાત કહી સંભળાવી ત્યારે માણસ માણસમાં કેટલો ફેર છે, તેનું ભાન સાંભળનારાઓને થયું.

જગતમાં અસુરો પણ જન્મે છે; તેમ જગતમાં ઈશ્વરાવતારો પણ થાય છે. અને દુષ્ટતા અને સહૃદયતાના ઘર્ષણનાં આવાં ઘણાં દષ્ટાંતો બધા દેશના ઈતિહાસમાં છે. જેને જોઈએ તેવું ગ્રહણ કરી લે એવો આ વાર્તાનો સાર છે.

[કુલ પાન : 106. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

[poll id=”71″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “જગન્નાથ કવિ – સર પ્રભાશંકર પટ્ટણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.