પ્રિયદર્શીનો મુખમલકાટ – મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’

[ ‘હું શાણી અને શકરાભાઈ’નામની સુપ્રસિદ્ધ કૉલમ લખતા મધુસૂદનભાઈના તાજેતરમાં પ્રકાશિત થયેલા હળવા રમૂજી લેખોના પુસ્તક ‘પ્રિયદર્શીનો મુખમલકાટ’માંથી પ્રસ્તુત લેખો સાભાર લેવામાં આવ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] શિયાળાની સવારે સ્ટેશને જવા વિશે

શિયાળો આવે છે અને અમારા દામ્પત્યમાં તકરાર શરૂ થઈ જાય છે. હું કુંભકર્ણના આશીર્વાદ પામેલો ઊંઘવાની તરફેણ કરનારો છું. ગુહિણીને કદાચ મધમાખીએ ઉદ્યમની દીક્ષા આપી હશે…. શિયાળાની સવારે હું મોડે સુધી ઊંઘી રહેવાનો પુરસ્કર્તા છું. મારી માન્યતા છે કે શિયાળામાં સવારની ઊંઘ અત્યંત આરામદાયક છે. સૂર્યને જ્યારે ઊગવું હોય ત્યારે ઊગે, હું ઊંઘવું છોડતો નથી. પત્ની ‘આરામ હરામ હૈ’ની પ્રકૃતિ ધરાવે છે. ઘડિયાળ ભલે મોડી પડે, પત્ની વહેલી સવારે છ વાગે, દાંત ટાઈપરાઈટર પર અક્ષરો પડે ને કડકડાટ બોલે તેમ કડકડ બોલે, શબ્દો બરફના નાના ચોસલા જેવા બહાર ફેંકાય છતાં એની સવાર શિયાળામાં પણ અચૂક છ વાગે ઊગે જ.

મારા હિતસ્વીઓ મારી આળસની આકરી ટીકા કરતા હોય, પત્નીનો તેમને ફૂલ સપોર્ટ હોય. વહેલી સવારે ફરવા જવાના ફાયદા જોરદાર શબ્દોમાં ગણાવતા હોય. હું સવારે ફરવા જવાના ગેરફાયદા અને ઊંઘવાના ફાયદા ગણાવતો હોઉં – એમાંથી ચકમક ઝરે, તણખા નીકળે. છેવટે ‘રહેવા દો ને ! ગમે તેટલી દલીલ કરશો પણ પથ્થર પર પાણી’ એમ કટાક્ષમાં બોલી પત્ની ચર્ચામાંથી ઊભી થઈ જાય.

એક વાર કુદરત મારા પર રૂઠી હશે કે પછી મંગળ અથવા શનિ વકર્યા હશે. અમારાં ગંગાસ્વરૂપ સાસુ (આજના જમાનામાં તો ‘મમ્મી’) મુંબઈથી અમારું આંગણું પાવન કરવા આવવાનાં હતાં. એમનો ફોન આવતાં જ અમને ફાળ પડી. એ પધારવાનાં હતાં તેની મને ચિંતા નહોતી. પત્ની એની મમ્મીનો હવાલો સંભાળી લેવા સક્ષમ હતી. મારે એમની કશી આળપંપાળ કરવાની નહોતી. મારા રોજિંદા કાર્યક્રમમાં એમની દખલ નહોતી. માત્ર એમની એક જ બૂરી આદત હતી – સવારે પાંચ વાગે નાહીને ભજન ગાવાની. મારા બેડરૂમની પાસે જ નાનકડું પૂજામંદિર હતું. મોટા અવાજે ભજન ગાવાથી ભગવાન વહેલા પ્રસન્ન થઈ જાય તેવી કદાચ એમની માન્યતા હશે. ભગવાન એમનાં ભજનોથી જાગતા હશે કે નહિ તેની મને ખબર નથી, પણ હું જરૂર જાગી જતો. એમના ભજનની અસર મારી ઊંઘ પર થતી, મને કોઈની સાથે દુશ્મની નથી, પણ મને કાચી ઊંઘમાંથી કોઈ ઉઠાડે તો એને હું જરૂર દુશ્મન ગણું.

ગંગાસ્વરૂપ સાસુના ફોનથી હું ભડકી ઊઠ્યો. મુંબઈથી એમની ટ્રેન સવારે ચાર વાગે આવતી હતી. ગાડીના આગમનનો સમય જાણી, વહેલી સવાર અને તેય શિયાળાની વહેલી સવારનો ખ્યાલ મારાં હાડકાં ધ્રુજાવવા લાગ્યાં. સવારે ચાર વાગે સ્ટેશને પહોંચવાનું, મતલબ કે મારે કડકડતી અને અંગેઅંગ ધ્રુજાવતી ઠંડીમાં ત્રણ વાગે ગોદડું ખંખેરીને ઊભા થઈ જવાનું અને હું ગોદડું ના ખંખેરું તોય પત્ની જ મને ખાટલામાંથી ખંખેરી મૂકે ! સાસુ ભલે ગંગાસ્વરૂપ હતાં. મારા ‘મમ્મી’ બન્યાં હતાં. છતાં મને ગુસ્સો આવી ગયો – એ ગંગાસ્વરૂપને દિવસે આવતી ગાડીમાં આવવાનું ના સૂઝ્યું તે રાતે ઊપડતી ગાડી પસંદ કરી ? પણ ગુસ્સાને વાચા આપવાની હિંમત નહોતી. એની કિંમત ચૂકવવી પડે તેની બીક હતી.

પત્નીએ સીધો જ આદેશાત્મક સવાલ પૂછ્યો :
‘સવારે મમ્મીને તેડવા જશો ને ?’ (મતલબ કે જશો જ.)
‘હા, હા. કેમ નહિ ?’ ગળામાંથી અમારો બોદો અવાજ નીકળ્યો. એ આખો દિવસ તો અમે ટેન્શનમાં વિતાવ્યો, પણ રાત એનાથીય ખતરનાક નીકળી. આંખો ભરીને ઊંઘી લેવાય એટલે સાડા નવ વાગતામાં સૂવાની તૈયારી કરી. તે જોઈને પત્ની અમારી ‘લીલા’ જોઈ કટાક્ષમાં બોલી :
‘કેમ ? સાડા નવમાં ?’
‘ઊંઘ પૂરી થાય ને !’ એટલું કહેતાં અમે ગોદડામાં લપેટાઈ ગયા. લપટાઈ ગયા.
પત્ની કહે : ‘તમે ચિંતા ન કરો. નિરાંતે ઊંઘો. હું તમને ત્રણ વાગે ઉઠાડીશ.’ એનો ઊંઘ પર પૂરો કન્ટ્રોલ હતો. એ દસ સાડા દસે પોઢે પણ ધાર્યું જાગી શકે. એલાર્મની જરૂર જ નહિ. વિધાતાએ ખરી ઘડી છે. ગોદડામાં ભરાઈને દેહ ભલે સૂતો પણ મન ઓછું સૂએ ? એ અજંપો કરતું જ રહ્યું. રાતના બારના ટકોરા ગોદડાની ગુફામાંથીય મેં સાંભળ્યા. અને મને ઊંઘે ઘેરી લીધો.

કેટલું ઊંઘ્યો તે ખબર ના રહી. પણ એકાએક સફાળો જાગ્યો ત્યારે ઘડિયાળમાં ત્રણ ઉપર પાંચ મિનિટ થઈ ગઈ હતી. પત્નીય તક ચૂકી ગઈ. ભલે સૂતી. એમ વિચારી હું ફટાફટ આસ્તેથી બહાર નીકળ્યો. બ્રશ પતાવી દીધું. શેવિંગ કરી, નાહી લીધું. બહાર નીકળતાં જરા ખખડાટ થયો અને પત્નીની તો શ્વાનનિદ્રા. એ તરત જાગી ને બહાર દોડી આવી :
‘કેમ, આટલા વહેલા ઊઠી ગયા ?’
‘વહેલા ? અરે ત્રણ વાગી ગયા હતા. તું ઊંઘતી રહી. હું જાગી ગયો. જરા મોડો પડ્યો હોત તો ગાડી આવી ગઈ હોત.’
પત્ની વિસ્મયથી કહે : ‘અરે પણ જરા ઘડિયાળમાં તો જુઓ હજી હમણાં બે વાગ્યા….’ મેં ઘડિયાળમાં જોયું તો બરાબર બે ઉપર બે મિનિટ થઈ હતી. ત્યારે મને કેમ ત્રણ વાગ્યાનો ભ્રમ થયો ? ખરેખર તો મધરાતે એકને પંદર મિનિટ થઈ હતી. મોટો કાંટો ત્રણ પર હતો ને નાનો કાંટો એક ઉપર. મને ત્રણ વાગીને પાંચ મિનિટનો ભ્રમ થયો. મેં મધરાતે જ નાહી નાખ્યું. હવે ફરી ઊંઘવાનું બને તેમ નહોતું. મધરાતે સ્નાતક થયા પછી નિદ્રાસન ભોગવવું અશક્ય હતું.

પત્નીએ કહ્યું : ‘મસાલાની ગરમાગરમ ચા પીઓ…. તાજગી આવશે….’
પત્નીએ ચા બનાવી. થોડો સાલમપાક ખવડાવ્યો. મેં ઠંડીનો સામનો કરવા માટે સ્વેટર ચડાવ્યું. ઉપર ગરમ કોટ. ટાઢ જાણે મારા ઉપર જ તૂટી પડવાની હતી. પત્ની પાસે મફલર માગ્યું. વખતે ઠંડી ગળામાં ગરદનમાં ઘૂસી જાય તો ? મફલર લાવીને પત્નીએ કહ્યું :
‘હવે તમારી મન્કી કેપ લાવું ? તમારા કાનમાં ઠંડી ઘૂસી જશે તો ?’
અમે જરાય શરમાયા વગર મન્કી કેપ ચડાવી દીધી. અને સવા ત્રણ વાગે અમે નીકળ્યા. ઠંડીને મારી હટાવી અને વાજતેગાજતે ગંગાસ્વરૂપ સાસુને લઈ આવ્યા.
.

[2] મોંઘી કરકસર

‘સાંભળ્યું કે ? પત્નીનો સાદ પડ્યો. મારું ધ્યાન નવી આવેલી નવલકથામાં હતું, એટલે મેં નવલકથામાં જ મોઢું રાખીને કહ્યું : ‘હા, હા, સાંભળ્યું.’
‘શું સાંભળ્યું ?’
‘તેં જે કહ્યું તે.’
‘પણ મેં શું કહ્યું ? કહો જોઈએ.’
‘જે મેં સાંભળ્યું તે તેં કહ્યું.’
પત્નીએ મારા હાથમાંથી નવલકથા ખેંચી લીધી : ‘તમને કશી ખબર પડે છે ?’
‘શેની ખબર ?’
‘દિવસે દિવસે મોંઘવારી કેટલી વધતી જાય છે.’
‘હા… આપણી ચંપાની ઉંમર પણ કેટલી ઝડપથી વધતી જાય છે.’
‘એની તો ચિંતા છે જ, પણ આ મોંઘવારી ? તેલના ભાવ કેટલા વધ્યા. તેલ લેવા જાવ તો ખબર પડે.’
‘હું તેલ લેવા જાઉં ? વોટ ડુ યુ મીન ?’
‘અરે, પણ તમને મેં ક્યારે તેલ લેવા મોકલ્યા ? તમે પાછા જાવ એવા ઉજમાળા ખરા ને !’
‘હવે તેલ ખાવાનું બંધ કરીએ.’

‘દિવાળીમાં મઠિયાં, સુંવાળી કોણ ખાશે ? જુઓ, હવે આપણે કરકસર કરવી પડશે, હજી ચંપાને પરણાવવાની છે. તેમાં પચાસ હજારની લોન લેવી પડશે. માટે અત્યારથી જ આપણા માસિક બજેટમાં કાપ મૂકવા માંડો, હજી તો સરકાર એટલા બધા કરવેરા નાખશે કે કમર બેવડી વળી જશે.’
‘મારી તો કમર પરણ્યો ત્યારથી જ બેવડ વળેલી જ છે ને ?’
‘તે મેં તમારી કમર બેવડી વાળી દીધી.’
‘હું ક્યાં તારી પર આક્ષેપ મૂકું છું ? પણ પરણ્યા પછી સંસારમાં વર ઘોડો બનીને ગાડીનો ભાર ખેંચે પછી તેમની કમર બેવડી વળી જાય તેમાં નવાઈ શી ? પણ મુદ્દાની વાત કર ને ! આપણે બજેટમાં ક્યાં કાપ મૂકીશું ?’
‘તમે પેન્ટ પહેરીને ઘરમાં ફરો છો ને ?’
‘હા… એ તારી આંખે આવે છે ? હું રહ્યો ઑફિસર, ઘરમાં હું બરમુડો પહેરીને ફરું ? ટુવાલ વીંટીને ફરું ?’
‘તમે તો છેલ્લે પાટલે જ બેસો છો. હું ક્યાં તમને બરમુડો કે ટુવાલ વીંટવાનું કહું છું.’
‘ત્યારે હું શેમાં કસર કરું ?’
‘જુઓ, આપણે રામાને રજા આપી દઈએ. ત્રણ કામના એ નવસો રૂપિયા લઈ જાય છે. કપડાં હું ધોઈ નાખું, તમે કચરા પોતું કરો, ને વાસણ પણ હું માંજીશ. બોલો મંજૂર ? મહિને નવસો રૂપિયા એટલે વરસના 10800 રૂપિયા બચી જશે.’
‘મને કરકસરની એ યોજના ગમી. કચરા-પોતું કરવામાં રોજ માત્ર અડધો કલાક જાય એમાં શું ?’

પત્નીએ બીજે દિવસે મને સાવરણી પકડાવી. મેં સાવરણી એવી અડઘડ રીતે ઝાલી. બગલમાં મારી.
પત્ની કહે : ‘અરે, આમ સાવરણી પકડાતી હશે ? તમે તો જાણે બગલમાં બંદૂક ભેરવી હોય તેવું લાગે છે.’ પત્નીએ સાવરણી કેમ ઝાલવી તેની રીત સમજાવી. હું બી.કૉમ થયો, પણ કોર્સમાં ક્યાંય સાવરણી કેમ પકડવી તેનું ચેપ્ટર આવતું નહોતું. પણ પેન્ટ પહેરીને ખૂણામાં સાવરણી ફેરવતા ફાવતું નહોતું.
મેં ફરિયાદ કરી : ‘કચરો વાળવામાં પેન્ટ નડે છે.’
‘અરે, પણ પેન્ટ પહેરીને કચરો કઢાતો હશે ?’
‘ત્યારે પેન્ટ કાઢી નાખું.’
‘અરે, પણ તમને મેં એવું ક્યાં કીધું છે ? તમે તમારી પેલી જૂની જરી ગયેલી ટૂંકી ચડ્ડી પહેરીને વાસીદું વાળો ને !’
‘પણ, હું ટૂંકી ચડ્ડીમાં કેવો લાગીશ ?’
‘પણ, ઘરમાં શરમ શી ? અહીં કોણ તમને જોવા આવવાનું છે ?’ મેં બાથરૂમમાં જઈને મારી જૂની ચડ્ડી પહેરી લીધી, પત્નીની સૂચનાથી શર્ટ કાઢી નાખ્યું, ને પ્યાલા બરણીવાળા માટે ખાસ સાચવી રાખેલી કાણાકાણાવાળી ગંજી પહેરી લીધી. મારો મોટો બાબો કહે :
‘પપ્પા, હવે તમે અસલ રામા જેવા લાગો છો. ફેન્સી ડ્રેસની સ્પર્ધામાં તમને જરૂર ઈનામ મળે.’ અમારો સુપુત્ર મને ‘જોક’ મારીને ચાલ્યો ગયો. નવા જમાનામાં પપ્પાનીય જોક મારવાનું સ્વાતંત્ર્ય દીકરાઓએ મેળવી લીધું છે ! પત્ની કહે : ‘હું જરા દૂધ લઈને હમણાં આવું છું હોં. તમે ત્યાં સુધીમાં કચરો પતાવી દેજો.’

પત્ની ‘કચરો’ મને પધરાવી ગઈ (કે વળગાડી) અને હું આમતેમ સાવરણી ઘુમાવવા લાગ્યો. થોડીક જ વારમાં તો મારું કાંડું દુઃખવા લાગ્યું. સાવરણી મેં બીજા હાથમાં પકડી. એટલામાં બેલ વાગ્યો. આદતના જોરે મેં તરત બારણું ખોલ્યું. સામે ટપાલી ઊભો હતો. મને કહે :
‘જયંતીલાલનો મનીઑર્ડર છે. એમને બોલાવો.’
મેં કહ્યું : ‘અરે, હું જયંતીલાલ છું.’
ટપાલી હસી પડ્યો, ‘તું વળી જયંતીલાલ ક્યાંથી થઈ ગયો ? ઢીંચીને આવ્યો છે ?’ મારો મિજાજ ગયો. મેં સાવરણી ઊંચી કરી અને અંગ્રેજીમાં રુઆબ છાંટ્યો : ‘યુ રાસ્કલ ! વોટ ડુ યુ મીન ?’
ટપાલી ગભરાઈ ગયો. એટલામાં મારી પત્ની આવી ગઈ. મને એકદમ ઘરમાં હડસેલી દીધો. ટપાલીને કહે :
‘લાવો, ક્યાં સહી કરવાની છે ?’
‘બહેન, મનીઑર્ડર છે. પણ આ તમારો રામો મને કહે : હું જયંતીલાલ છું… પાછો મારો બેટો અંગ્રેજીમાં ફાડતો હતો.’ પત્ની શો જવાબ આપે ? સહી કરીને પૈસા લઈ લીધા. ઘરમાં આવીને મારો ઊધડો લીધો :
‘તમે આવા વેશમાં બારણું ખોલ્યું જ કેમ ?’
‘ફોર્સ ઑફ હેબિટ. તું હંમેશાં મને જ બારણું ખોલવા મોકલે છે. એટલે ટેવ મુજબ મેં બારણું ઉઘાડ્યું. પણ એ ઈડિયટ ટપાલીની હું ખબર લઈ નાખીશ.’
‘હશે…. હવે એ બિચારાએ તમને એકદમ ઓળખ્યા નહિ !’

અમારો વાર્તાલાપ શમ્યો. ત્યાં ફરી કોઈકે બારણું ખખડાવ્યું. પત્નીએ મને રસોડામાં પૂરી દીધો ને તાકીદ કરી કે અંદર ગુપચુપ રહેજો. કશો અવાજ કરશો નહિ. પત્નીએ બારણું ખોલ્યું :
‘અરે, મેના માસી ! અત્યારે ક્યાંથી ?’
‘ઘરની વહુ કાલે રાતે જ એને પિયર ગઈ છે. અમે તો વહુ લાવ્યા પછી નોકરને છૂટો જ કરી દીધો હતો. પણ હવે એ ચાર દિવસ માટે ગઈ છે. એટલે રામાની જરૂર છે. હું તે મૂઈ ઠીબરાં ઘસું કે ઝાડુ મારું ?’
‘પણ મેના માસી ! કોઈ રામો શોધી લાવો ને ?’
‘હું ક્યાં અત્યારે શોધવા જાઉં ? પણ હમણાં તારે ત્યાં કોઈ રામો ટપાલી સાથે વાત કરતો ‘એમણે’ જોયો એટલે મને કહે કે જયંતીલાલને ઘેર રામો છે, ચાર દિવસ માટે એને પકડી લાવ. બહેન, મારે ઉતાવળ નથી. તારું કામ પતી જાય પછી જરા મારે ઘેર એને મોકલજે ને ! હું એને કામકાજમાં થોડો ટેકોય કરીશ ને વધ્યુંઘટ્યું ખાવાનુંય દઈશ.’

મારી પત્ની તો ડઘાઈ જ ગઈ. એણે મેનામાસીને અષ્ટમપષ્ટમ સમજાવીને વિદાય કર્યા, મને કહે :
‘તમને કશી ગતાગમ છે કે નહિ ? તમે ઓટલે ઊભા ટપાલી સાથે વાતો કરતા હતા ? આવા વેશમાં ઓટલા પર ઊભા રહેવાતું હશે ? કોઈ તમને શું સમજે ?’
‘રામો’ મેં કહ્યું.
પત્ની કહે : ‘રહેવા દો ! મારે તમારી પાસે કામ નથી કરાવવું. તમે તો મારી આબરૂના કાંકરા કરાવી નાખ્યા.’
‘તારી આબરૂના કાંકરા કેવી રીતે થયા ? મેનામાસીએ મને રામો ગણ્યો. તેમાં તમારી આબરૂ કેવી રીતે ગઈ ?’
‘વાહ ! મારા ધણીને કોઈ રામો કહી જાય તો મારી શોભા વધતી હશે, ખરું ને ? હવે નથી કરવી કરકસર ! મોંઘવારી કાંઈ આપણને એકલાંને જ થોડી નડે છે ?’

[ કુલ પાન : 154. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

[poll id=”72″]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous જગન્નાથ કવિ – સર પ્રભાશંકર પટ્ટણી
સંપર્ક બિંદુ – વિમલા ઠકાર Next »   

5 પ્રતિભાવો : પ્રિયદર્શીનો મુખમલકાટ – મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’

 1. Kalidas V. Patel { Vagosana } says:

  મધુસૂદનભાઈ,
  બહુ દિવસે આપના આવા હાસ્યસભર લેખ વાંચવા મળ્યા.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 2. gita kansara says:

  ” પ્રિયદર્શેી.”
  હાસ્યસભર લેખ વાચેી મન ફ્રેશ થઈ.ગયુ.આવા લેખ આપેીને વાચકોને રમુજેી નાવમા લઈ જશોને?

 3. Mn Babariya says:

  Absolutely humorous article. Loved

 4. NIKUNJ PATEL says:

  “hu shani ne shakara bhai ” no hu kayami vachak su…aa sharas lekh se maja avi

 5. RIKEN says:

  હું બી.કૉમ થયો, પણ કોર્સમાં ક્યાંય સાવરણી કેમ પકડવી તેનું ચેપ્ટર આવતું નહોતું. પણ પેન્ટ પહેરીને ખૂણામાં સાવરણી ફેરવતા ફાવતું નહોતું. —- BAHUJ SARAS,,,

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.