સંપર્ક બિંદુ – વિમલા ઠકાર

[ મૌન સાધનાના માર્ગ પર આગળ વધીને મૌન શિબિરો યોજનારા તેમજ માઉન્ટ આબુમાં રહેતા અને ‘વિમલાતાઈ’ નામે પ્રખ્યાત ગાંધી-વિનોબાયુગના પૂ. વિમલા ઠકારના પ્રવચનોના કેટલાક અંશો ‘સંપર્ક બિંદુ’ નામની માસિક પત્રિકા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. આ પત્રિકા મેળવવા માટે આપ રાજકોટના શ્રી શ્રેયસભાઈ કારિયાનો આ નંબર પર +91 9825416769 અથવા આ સરનામે vimalprakashantrust@yahoo.com સંપર્ક કરી શકો છો. પ્રસ્તુત લેખમાં આ પત્રિકામાંથી કેટલાક લેખો ‘વિમલ પ્રકાશન ટ્રસ્ટ’ના આભારસહ લેવામાં આવ્યા છે.]

[1] મુંબઈમાં, અમદાવાદમાં, વડોદરામાં કે ગૌહત્તીમાં ગમે ત્યાં આપ રહેતા હો ત્યાં તમારી જાગૃતિની માત્ર વધે એ વિમલબહેનની સાથે સખ્ય અને સહયોગ વધારવા બરાબર છે. દેહનિષ્ઠોની વચ્ચે તમારે ઘેરાઈને રહેવાનું છે, જેમ વિભીષણ રહેતા હતા. એના હોઠો પર રામનામ હતું. એની ભીંતો ઉપર પણ રામનામ હતું. આપની અંદર આત્માની જાગૃતિ રહે. પછી આપની આત્મરતિની અને જાગૃતિની માત્રા વધતી જશે અને આપમેળે સહયોગ થતો જશે. કારણ કે પછી તો તમારા સ્પંદનના આવર્તનો (frequency) મારી સાથે સંવાદ સાધશે. જો આપ ઘરમાં અને બહાર વિકારો, વિચારો, અને આકાંક્ષાઓમાં, વાસનાઓમાં, ઈર્ષા અને દ્વેષમાં ડૂબેલા રહેશો તો તમારું અને અમારું મિલન કેવી રીતે થશે ?

રેડિયોમાં ચાવી ફેરવવાથી એ અપેક્ષિત તરંગ લંબાઈ પકડી લે છે, એનાં આવર્તનો (frequency)ને પણ પકડી લે છે, તેમ આપના સ્પંદનોની ઊંચાઈ, વિશુદ્ધતા, ગતિશીલતા જેમ જેમ વધતી જશે, તેમ તેમ આપની વચ્ચેનું ભૌતિક અંતર નષ્ટ થતું જશે. વાસ્તવિક રીતે દેશ અને કાળનું અંતર છે જ નહિ. આપને જે અમારી સાથે અંતર લાગે છે તે નીકળી જશે અને આપણે હંમેશા મળેલા રહીશું. તાનપુરો જો મળેલો હોય તેની વચ્ચે આપ પ્રણવ બોલશો તો આંગળીના સ્પર્શ વિના એના તાર છેડાય છે અને એમાંથી નાદ નીકળે છે. તેવી રીતે આ વિશ્વચેતનાનો જે પ્રણવ નિનાદિત થઈ રહ્યો છે, એ નાદથી જે રીતે આ તાનપૂરો વાગી ઊઠે છે તેવી રીતે આપના તાનપુરામાંથી પણ એ જ નાદ આપમેળે ઝણઝણી ઊઠશે. ત્યારે આપ અને અમે વિશ્વચેતનાની સાથે એકરૂપ થઈ જઈશું. ત્યાં પછી વિયોગ નહિ હોય તેવા બિંદુ પર પહોંચીને આપણું મિલન સધાશે. મૃત્યુ, દેહનું મૃત્યુ પણ આપણને જુદા નહિ પાડી શકે. અમને આ મિલનની પ્યાસ છે. આ સખ્યની પ્યાસ છે. આપને ઉપર ઊઠતાં જોઈએ, આપનું ઊર્ધ્વગમન થતાં જોઈએ.

[2] સુખ અને દુઃખના ઝરૂખામાંથી આપણે જોતાં નથી. સુખ અને દુઃખમાં આપણે ગૂંચવાઈ જઈએ છીએ. એટલા માટે જીવનનો આનંદ લૂંટવા પામતા નથી. બહિર્મુખી ઈન્દ્રિયો છે જેને આપ લોકો કર્મેન્દ્રિયો કહો છો. એમની દ્વારા વિષયો સાથે સંબંધ થઈ જાય છે. રંગનો, રૂપનો, શબ્દનો, સ્વાદનો, સૌરભનો સંબંધ થાય છે. વ્યક્તનો સંબંધ થાય છે. આ વ્યક્તના સંબંધમાંથી જે સુખદુઃખના સંવેદનો ઊઠે છે એમને મન પોતાના પાલવમાં ઝીલી લે છે. એનો પાલવ ફેલાયેલો છે. પાલવ ફેલાવીને, સુખ અને દુઃખના સંવેદનોને મન એકઠું કરે છે, પરિગ્રહણ કરે છે. અસલમાં આ પરિગ્રહણની વસ્તુ નથી. આ પરિગ્રહો સૂક્ષ્મ છે અને આ પરિગ્રહમાં જેનો અનુરાગ થઈ જાય છે, અવાંચ્છિત પ્રતિ દ્વેષ અને વાંચ્છિત પ્રતિ રાગ, અપ્રિય તરફ દ્વેષ અને પ્રિય તરફ રાગ, એ પ્રકારે રાગદ્વેષમાં એનું દામન ગૂંચવાઈ જાય છે. સાગરકિનારે ચમકતા પથ્થરો એકઠા કરનાર બાળકો અને મનના પાલવમાં સુખદુઃખના સંવેદનો એકઠા કરનાર માનવા એ બંનેની વચ્ચે શો ફરક છે ? બાળકો લડી-ઝઘડીને કહે છે, ‘મારી પાસે વધારે ચમકદાર પથ્થર છે અને તારી પાસે ઓછો ચમકદાર પથ્થર છે; મારી પાસે તો આટલા બધા રંગોના પથ્થર છે અને તારી પાસે તો બે જ રંગના પથ્થર છે; મારી પાસે તો ત્રિકોણ, ચતુષ્કોણ અને ષટકોણ છે અને તારી પાસે કશું જ નથી.’ આવી જ રીતે સુખદુઃખના સંવેદનોને એકત્ર કરવામાં આત્મશ્લાઘા, આત્મગૌરવ, આત્મગ્લાનિ અને વિષાદ માનીને આપણે જીવીએ છીએ. એટલા માટે આનંદની ઉપલબ્ધિ થતી નથી.

આ ઈન્દ્રિય-વિષય સંબંધમાં જિંદગી વહી જાય છે. ઈન્દ્રિયો આપણા જ જીવનનો બલી લે છે. ઈન્દ્રિય-વિષયના સંબંધથી થતાં સુખદુઃખને ઝરૂખા સમજીને, એમાંથી જોવાની જાગૃતિ જેની પાસે હોય તે જીવી જાય છે. આ થયો બહિર્મુખી ઈન્દ્રિયોનો વ્યાપાર. મનનો પાલવ ફેલાયેલો પડ્યો છે. એમાં સુખદુઃખનાં સંવેદન આવે તોપણ એને જોઈ લીધા અને ખરી જવા દીધાં, એને સ્મૃતિમાં એકઠાં ન કર્યા. સ્મૃતિમાં જો એમને એકઠાં કરતાં જઈશું તો પરિગ્રહના બોજમાં દબાઈ જઈશું. પરિગ્રહ મનુષ્યને દબાવે છે. પછી એ પરિગ્રહ વિચારનો હોય, વૃત્તિનો હોય, સંવેદનાનો હોય, પાષાણ-પથ્થરોનો હોય, ધનદોલત કે પદાર્થનો હોય અથવા વ્યક્તિઓનો હોય. એટલા માટે વીતરાગ પરિગ્રહી નથી અને અપરિગ્રહી પણ નથી.

[3] આ વિશ્વનો આધાર પરમાત્મા સ્વયં બન્યા છે. પ્રભુ વિશ્વાધાર બન્યા છે. કેવી રીતે ? વટવૃક્ષનું બીજ તો એટલું નાનું છે કે માઈક્રોસ્કોપ લઈને જોવા જશો તો ક્યાંય એમાં વૃક્ષ નહીં દેખાય. શાખાઓ-પાંદડાંઓ-પુષ્પો આ બીજનો વિસ્તાર – કશું જ દેખાશે નહીં. આટલા નાનકડા બીજમાં બધું સમાયું છે. બીજના વિસ્તારને વૃક્ષ કહે છે. બીજ એક હતું, વૃક્ષમાં અનેકતા આવી. અનેકતા બહારથી નથી આવી. અનેકતા લાવવા માટે પાંચ-દસ શાખાઓ બહારથી લાવીને એના પર લગાડવામાં નથી આવી. બીજમાંથી જ અંકુર-છોડ-શાખાઓ બની. પાંદડાં-કોમળ-કળીઓ-પુષ્પો-ફળો-આ અનેકતા એકતાનો વિસ્તાર નથી ? પરબ્રહ્મ પરમાત્મા એક છે. એમની એકતા- એક હોવાપણું એ જ ચરમ સત્ય છે. એ જ નિરપેક્ષ સત્ય છે. આજના લોકો આ ચીજને પકડી નથી શકતા. બીજમાં વૃક્ષ છે. વૃક્ષમાં અનેકતા દેખાય છે. બીજ એક છે. આ એક વૃક્ષની અનેક શાખાઓ અને ફળો છે. એમાં પાછાં બીજ આવે છે. એ બીજમાંથી પાછાં અનેક વૃક્ષો બને છે. જુઓ છો ને ! એક નાનો બીજનો વિસ્તાર છે આ, જે આંખોથી જોઈ શકો છો. પરમાત્માની સત્તા એક-અખંડ-અવિભાજ્ય છે. તૂટેલા શેકેલા, બીજને વાવશો તો એમાંથી અંકુર નહીં નીકળે. ખંડિત બીજમાંથી અંકુર ન નીકળે. નાનું બીજ પણ અખંડ-અક્ષત હોવું જોઈએ.

[4] આપણા પૂર્વજો રસિક હતા, જીવન-પ્રેમી હતા. એમણે ઈશ્વરની સ્થાપના કરી. સગુણ-સાકાર પથ્થરની મૂર્તિ કે રત્નની મૂર્તિ લાવીને એની પ્રાણપ્રતિષ્ઠા કરી અને એ રૂપને આરાધ્ય દેવ બનાવ્યા. એનું એક વિજ્ઞાન બનાવી દીધું. એને નિર્ગુણ-નિરાકારનું પ્રતીક માન્યું. નિર્ગુણ નિરાકાર સાથે ઈન્દ્રિયો દ્વારા સંબંધ બાંધી શકાતો નથી. તેથી યુક્તિ કરી. ઘરમાં જ પ્રભુની પ્રતિમા મૂકીને કહ્યું : ‘તું અંતર્યામી છે. અનન્ત છે, ઘટ-ઘટ વ્યાપી છે.’ કોઈને પણ થાય કે આ નાનું સરખું રૂપ ઘટ-ઘટ વ્યાપી કેવી રીતે હોય ? પણ એ સર્વજ્ઞ, નિર્ગુણ, નિરાકાર, કાલાતીત, ગુણાતીત એવી સત્તાની સાથે સંબંધ કાયમ રહે માટે તેનો એક પ્રતિનિધિ બનાવ્યો. એ રૂપ જોતાં જોતાં આંખોમાં વસી ગયું, ચિત્તમાં વસી ગયું એટલે માણસ જ્યાં જાય ત્યાં એને પ્રભુ એની સાથે જ છે એવો અનુભવ થાય છે. આ ઘટનાને કારણે પ્રભુ સાક્ષાત્કાર થયો, આત્મસાક્ષાત્કાર થયો એમ કહેવાય છે. સગુણ સાકાર દ્વારા નિર્ગુણ નિરાકાર સાથે ભાવ સંબંધ બંધાય છે. એ ભાવ સંબંધને કારણે ભાવ સમાધિ લાગે છે. એને આત્મ સાક્ષાત્કાર કહેશો તો ત્યાં કોઈ પ્રતીક નહીં હોય, કોઈ સગુણ-સાકાર રૂપ નહીં હોય. આ આત્મસાક્ષાત્કાર બુદ્ધિને થાય છે. બ્રહ્મસૂત્રમાં ભગવાન શંકરાચાર્યે ભાષ્ય કરતાં કહ્યું છે, ‘તે બુદ્ધિનો વિષય નથી કે અવિષય પણ નથી. તે બુદ્ધિગ્રાહ્ય કહેવામાં પણ થોડો દોષ છે. તે બુદ્ધિથી પણ અતીત-પર છે.’

[5] કોઈ કહે કે પ્રભુ-પરમાત્મા છે, તો કહેવામાં આવે કે એ છે એમાં અમારે શું લેવા-દેવા ? એ તો પોતાની જગ્યાએ છે, આપણે આપણી જગ્યાએ છીએ. અદ્વૈત જાણી લીધું, દ્વૈતનું નિરાકરણ પણ થઈ ગયું, પણ પ્રભુસત્તા છે અને એની સાથે પોતાનો શું સંબંધ છે એ જાણવાની અને સંબંધને જીવવાની આકાંક્ષા-ભાવ ચિત્તમાં ઊઠતો નથી તો જિજ્ઞાસા જાગતી નથી. પરમાત્મા અને આત્મા જેમને કહેવામાં આવે છે, એ શું ચીજ છે એ તો જરા જોઈ લઉં ! ‘હું’ ‘હું દિવસભર કરું છું’, તો આ ‘હું’ શું ચીજ છે ? એ અસલી છે કે નકલી છે ? એની કોઈ સત્તા છે ? પ્રાતિભાસિક સત્તા છે ? શું છે એ જરા જોઉં તો ખરો ! જ્યારે ભાવ જાગી ઊઠશે ત્યારે જિજ્ઞાસા જાગી ઊઠશે. ભાવ જાગતો નથી તો કેટલાયે મનુષ્યોનાં વ્યક્તિત્વ છિન્નવિછિન્ન થઈ જાય છે. પછી એ લોકોના દુઃખનો, હતાશા-નિરાશાનો કોઈ પાર નથી રહેતો, કારણ કે સેતુ એમને આ પારથી પેલે પાર લઈ જઈ શકતો નથી. શબ્દજ્ઞાન સેતુ બનતું નથી, સેતુ બને છે ભાવ ! ઈન્દ્રિયોના જે અંગત વિષયો છે એ વિષયોમાંથી તથા વિષયોમાં જે રસ લે છે એ રસ તરફથી બુદ્ધિને પોતાનામાં વાળી લેવાય છે ત્યારે પ્રજ્ઞા આત્મામાં પ્રતિષ્ઠિત થાય છે, ત્યારે આત્માનુસંધાન-આત્મલક્ષીવૃત્તિ-આત્મદષ્ટિ વ્યવહારમાં સહજ રીતે પ્રગટ થાય છે. પદયાત્રામાં કેટલીય વાર રવિશંકર દાદાની સાથે રહેવાનો સુઅવસર સાંપડ્યો હતો. પંચમહાલમાં અમે સાથે હતાં ત્યારે મેં પૂછ્યું કે , ‘દાદા, તમારું ભક્તિ તરફનું વલણ કેવી રીતે થયું ?’ એમણે કહ્યું કે, ‘મારા ગામમાં રામાયણ-ભાગવતની કથા થતી હતી. ત્યાં સાંભળવા જતો. પરમાત્મા તો છે ! એવું મેં સાંભળ્યું. તો બીજું મેં કંઈ ન કર્યું. ઈન્દ્રિયો વિષય તરફ જતી હતી એમને મે અંદર પ્રભુની તરફ વાળી લીધી. ચિત્ત પ્રભુઅભિમુખ બની ગયું એટલે વૃત્તિઓ પણ પ્રભુઅભિમુખ બની ગઈ.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “સંપર્ક બિંદુ – વિમલા ઠકાર”

Copy Protected by Chetan's WP-Copyprotect.