અર્થના આકાશમાં – જિજ્ઞા ત્રિવેદી

[ ભાવનગર સ્થિત નવોદિત ગઝલકાર જિજ્ઞાબેનના તાજેતરમાં પ્રકાશિત થયેલા ગઝલસંગ્રહ ‘અર્થના આકાશમાં’થી કેટલીક ગઝલો અત્રે સાભાર પ્રકાશિત કરવામાં આવી છે. તેમના આ ગઝલસંગ્રહને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા નવોદિત સર્જકોના વિભાગ અંતર્ગત પસંદ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિજ્ઞાબેનના સ્વરમાં ‘શબ્દનું ફૂટ્યું કિરણ’ નામની ઑડિયો સીડી પણ પ્રગટ થઈ છે જેમાં તેમણે કેટલીક ગઝલો ઑડિયો રૂપે રજૂ કરી છે. રીડગુજરાતીને આ સંગ્રહ ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને સર્જનક્ષેત્રે તેમની કલમ સતત વિકસતી રહે તેવી શુભકામનાઓ. આપ તેમનો આ નંબર પર +91 9427614969 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત અંતમાં આપવામાં આવી છે.-તંત્રી.]

[1] હોવો જોઈએ

માગણીને જેટલો અધિકાર હોવો જોઈએ,
લાગણીનો એટલો વિસ્તાર હોવો જોઈએ.

કારણો ઘટના વિશેનાં જાણવા ચોક્કસ પ્રથમ,
સત્યનો એના પછી સ્વીકાર હોવો જોઈએ.

ઠાલવે છોને મહીં સાગર ચિન્તાઓ બધી,
જામ મસ્તીનો છતાં ચિક્કાર હોવો જોઈએ.

હોય જો ખૂંચી જવાનું મોહના કાદવ મહીં,
જળકમળવત આપણો વ્યવહાર હોવો જોઈએ.

આયખું નાનું છતાંયે ધન્ય એની જિન્દગી,
પુષ્પને તો ગંધનો ઉપહાર હોવો જોઈએ.
.

[2] પડકાર ના કર

કોઈની સાથે ભળી તકરાર ના કર,
તું પ્રશંસાની કદી દરકાર ના કર.

જો ઝબુકીને પછી ચાલી જતો એ,
આગિયા જેવો જ તું શણગાર ના કર.

હાથ ઝાલો છો ઉદાસીનો તમે ક્યાં ?
તાજગીને આમ તું હદપાર ના કર.

મૌન સાથે છે અમારો ભાઈચારો,
શબ્દનો એમાં હવે સંચાર ના કર.

છે ગઝલ સંવેદનાનું કો’ ઝરણ તો,
કલ્પનાની આટલી ભરમાર ના કર.

હોય છે નિશ્ચિત સદાયે જીત એની,
સત્યની સામે કદી પડકાર ના કર.
.

[3] આવજે

મખમલી આ લાગણીઓના કિનારે આવજે,
ખુશ્બુનો સાગર તરી ફૂલો સહારે આવજે.

ઝંખના થોડી ચમકવાની જીવનમાં હોય તો,
પુષ્પનું ઝાકળ બની વ્હેલી સવારે આવજે.

પાનખર એકે સજાવી ના શક્યું શમણું કદી,
સ્વપ્નને શણગારવા હો તો બહારે આવજે.

આંખથી દેખાય જે, દશ્યો બધાં છે ધૂંધળાં,
દોષ ના દેખાય એ નિર્મળ નજારે આવજે.

કાવ્યગંગાનો કિનારો હોય છે પાવન, અને-
શબ્દને તારી શકે એવા વિચારે આવજે.

[કુલ પાન : 80. કિંમત રૂ. 40. પ્રાપ્તિસ્થાન : જિજ્ઞા ત્રિવેદી. ‘સંકલ્પ’ 1614 એ/1, રમણનગર, સ્વામિનારાયણ ગુરુકૂળ પાછળ, સરદારનગર. ભાવનગર-364001. ફોન : +91 9427614969.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “અર્થના આકાશમાં – જિજ્ઞા ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.