કવિતાથી વધુ કંઈ નહીં – પ્રણવ પંડ્યા

[ ખૂબ જ સુંદર ગઝલો અને ઉત્તમ ગીતો સાથે પોતાનો પ્રથમ કાવ્યસંગ્રહ લઈને આવ્યા છે અમરેલીના યુવાસર્જક શ્રી પ્રણવભાઈ પંડ્યા. તેમની રચનાઓનું ઊંડાણ સ્પર્શે તેવું છે. તેઓ સર્જનક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે તેમના આ સંગ્રહમાંની કેટલીક રચનાઓ માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે પ્રણવભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pranavkavi@yahoo.co.in અથવા આ નંબર પર +91 9426971678 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત અંતે આપવામાં આવી છે.-તંત્રી.]

[1] ખૂલતા વેકેશને બાળકની ગઝલ

છેવટે ધાર્યું ધણીનું થાય છે
બાળપણ શાળામાં પહોંચી જાય છે

જેટલું પાસે છે કાળું પાટિયું
એટલું આકાશ આઘું થાય છે

તોળે ગોવર્ધન એ ટચલી આંગળી
કેવી લાચારીમાં ઊંચી થાય છે !

વાલીઓ સાચે જ વાલિ થઈ ગયા
ને બગલમાં બાળકો ભીંસાય છે

હાશ ! કે આવે છે વિશ્રાંતિ સમય
ઘર મહીં એવું કશું ક્યાં થાય છે ?

ઘંટ દુનિયાદારીનો વાગે અને
ભોળપણનો તાસ પૂરો થાય છે
.

[2] જેવા છે

આ બધાં દર્દ પ્હાડ જેવાં છે
તેં દીધાં છે તો લાડ જેવાં છે

માત્ર કાને પડ્યો’તો કોલાહલ
આજ ટહુકાય ત્રાડ જેવા છે

કોઈની વાટ જોતી આંખોને
સૌ સીમાડા કમાડ જેવા છે

તરબતર થઈ ગયો છું એમાં હું
તારા સ્મરણો અષાઢ જેવાં છે

રાખતા એ મને સદા છાંયે
શબ્દ તો કોઈ ઝાડ જેવા છે
.

[3] ગીત

રાબેતા મુજબના ધબકારા
……………………. રાબેતા મુજબના લેવાના શ્વાસ
પરપોટા જેવાં આ જીવતરને વાગે છે
……………………. રાબેતા મુજબની ફાંસ

માપી માપીને વાત કરવાની; કરવાનું
……………………. જોખી જોખીને અહીં સ્મિત
વદી ના ચડે કે વધે શેષમાં કશુંય નહીં
……………………. એવું અહીં સૌનું ગણિત

તોય રાબેતા મુજબનું ગણવાનું; મુકવાના
……………………. રાબેતા મુજબ નિઃશ્વાસ

રાબેતા મુજબના ભરડાથી છટકીને
……………………. કોઈ કદી આટલું વિચારે
દાખલા તરીકે તમે – એટલું જણાવો
……………………. કે પોતે પોતાને મળ્યા ક્યારે ?

રસ્તામાં ઝાંઝવા જ ઝાંઝવા છે જાણીને
……………………. કરવો ભીંજાયાનો ભાસ

[કુલ પાન : 98. (મોટી સાઈઝ) કિંમત રૂ. 175. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “કવિતાથી વધુ કંઈ નહીં – પ્રણવ પંડ્યા”

Copy Protected by Chetan's WP-Copyprotect.