એક સંઘર્ષભરી જીવનયાત્રા – મૃગેશ શાહ

[dc]હિં[/dc]મત અને સાહસના ગુણોને આત્મસાત કરવા એ કંઈ કાચાપોચા માણસના ખેલ નથી, એવું મને આજે મારા પિતાજીને જોતાં સમજાય છે. આમ તો દરેક માનવીનું જીવન એક નવલકથા જેવું હોય છે; પરંતુ કેટલીક નવલકથાઓ સાવ અનોખી હોય છે. તેની કથાપ્રવાહના વળાંકો અકલ્પનીય હોય છે. એ વળાંકો અને કપરાં ચઢાણો કેવા ભયંકર હોય છે, એ તો એમાંથી જે પસાર થયું હોય તે જ સમજી શકે.

‘સેવા’ અને ‘સંઘર્ષ’ – એ બે શબ્દો પિતાજી સાથે જાણે આજીવન જોડાઈ ગયા છે. એમનો જન્મ થતાં અગાઉ જ તેમની માતાને લકવા હતો જેથી તે ઘરકામમાં મદદરૂપ થઈ શકે તેમ નહોતાં. એમનો ઉછેર દાદીના હાથે થયો. આ રીતે જીવનની શરૂઆતથી જ ઝઝૂમવાનું શરૂ થયું. સંયુક્ત કુટુંબમાં ભાઈ-બહેનોનો સાથ હતો પરંતુ ઘરના કામકાજની જવાબદારી તેમના માથે રહેતી. બાનું માથું ઓળવાથી માંડીને ઘરનાં અનેક નાના-મોટાં કામ તેઓ હર્ષભેર કરતાં. ગરીબીમાં કરકસર કરતાં બાળપણ તો વીત્યું પરંતુ યુવાનીના ઉંબરે કમાવવાનો એક નવો સંઘર્ષ શરૂ થયો. એ સમયમાં સરકારી નોકરીને ખૂબ માન હતું. એ મેળવવા માટે અમુક વય નિશ્ચિત હતી. ખૂબ પ્રયત્ન કરવા છતાં નોકરીનો કોઈ મેળ પડતો નહોતો. વયમર્યાદાના છેલ્લા વર્ષનો છેલ્લો મહિનો ચાલતો હતો. કોઈ આશા બચી નહોતી ત્યારે આકરી કસોટી બાદ અચાનક પ્રકાશનું એક કિરણ દેખાયું અને છેવટે બેંકમાં નોકરી મળી. ડૂબતાને તરણું મળ્યા જેવી હાલત હતી.

ત્યારબાદ કુટુંબમાં એક પછી એક લગ્નપ્રસંગો આવતાં ગયાં અને સૌ કોઈ ઘરથી જુદા થતાં ચાલ્યાં. બધા પોતપોતાના સંસારમાં વ્યસ્ત બન્યાં. ઘરડાં માતા-પિતાની જવાબદારી સ્વીકારવા કોઈ તૈયાર નહોતું. પિતાજી માટે તો એ જવાબદારી હતી જ નહીં. એમને માટે તો એ સેવાનો સુઅવસર હતો. પોતાની આવકનો ભરપૂર ઉપયોગ કરીને તેમણે માતાની સેવા કરી અને પિતાને તીર્થયાત્રાઓ કરાવી. મારા દાદા ગુજરાતી ભાષાના શિક્ષક, વ્યાકરણના ખૂબ જાણકાર અને વાર્તાકાર હતાં. પરંતુ તેઓ અત્યંત લાગણીશીલ હતાં. પોતાનાને પારકાં થતાં જોઈને બદલાતા જીવનપ્રવાહોને તેમનું નાજુક હૃદય સહન ન કરી શક્યું અને તેઓ પણ જીવનની પાછલી અવસ્થામાં લકવાનો ભોગ બન્યાં. પિતાજીને બેંકની નોકરી સાથે ઘરની જવાબદારીમાં એક ઓર વધારો થયો.

વ્યક્તિએ બાળપણમાં કદાચ સંઘર્ષ કર્યો હોય પણ જ્યારે તે કમાતો થાય અને લગ્ન બાદ ઠરીઠામ થાય, એ પછી તો એને એમ થાય છે કે હવે જીવનનો આનંદ બરાબર માણી લેવો જોઈએ. પિતાજીના જીવનમાં કદાચ એ આનંદ હજુ એટલો હાથવગો નહોતો કારણ કે લગ્ન બાદ ખબર પડી કે ધર્મપત્નીને તો અસ્થમાનો રોગ છે ! સેવાનું ચક્ર ફરીથી શરૂ થયું. જીવનમાંથી દાદા, દાદી, માતા, પિતાએ જેવી વિદાય લીધી કે તરત પત્નીની સેવા આવી પડી ! એ સમયની કારમી મોંઘવારી, ટૂંકી આવક, મારા મમ્મીનો દવાઓ અને હોસ્પિટલનો ખર્ચ પિતાજીની જાણે અગ્નિપરીક્ષા લઈ રહ્યો હતો. મને યાદ છે કે જ્યારે હું આઠમા ધોરણમાં ભણતો હતો ત્યારે એમની બદલી આણંદ નજીક સારસા ગામે થઈ હતી. તેઓ અપડાઉન કરતાં. બેંકની નોકરી હોવા છતાં ઘરખર્ચ એટલો બધો હતો કે તેઓ બસ ભાડા માટે ઘરમાંથી રૂપિયાના સિક્કા અને જૂની નોટો શોધીને જેમ-તેમ કરીને લઈ જતાં હતાં. એ સંઘર્ષ એમની સત્યનિષ્ઠાને કારણે હતો. પોતાના જીવનમૂલ્યોમાં તેઓ એકદમ કડક અને શિસ્તપ્રિય રહ્યાં છે. નીતિની બાબતમાં તેમનું મન ક્યારેય ચલિત નથી થયું. ગમે તેવી આકરી કસોટીઓમાં પણ તેમણે ઈશ્વર પરની શ્રદ્ધા ગુમાવી નથી. એમનું નામ ધનંજય છે એટલે તેમણે અર્જુનની જેમ ખોટું કામ કરતાં અને કપટવૃત્તિ રાખતાં પોતાનાં સગા-ભાઈબહેનો સાથે એક ઝાટકે છેડો ફાડીને પોતાની રીતે એકલાં જીવવાનું વધુ પસંદ કર્યું છે.

મારા બાળપણ અને મમ્મીના અસ્થમાના રોગને કારણે તેમણે કંઈકેટલાય પ્રમોશનો જતાં કર્યાં છે. હમણાં આવેલી ‘ઈંગ્લિશ-વિંગ્લીશ’ ફિલ્મમાં શ્રીદેવીના છેલ્લા વક્તવ્યમાં એક વાક્ય છે કે ‘જીવનમાં બીજું ગમે તે હોય કે ન હોય, પરંતુ પરિવાર એ સૌથી પહેલી બાબત છે એટલું ખ્યાલ રાખજો.’ – આ ઉક્તિ મેં મારા પિતાજીના જીવનમાં ચરિતાર્થ થતી જોઈ છે. ‘સ્વીકાર’ એ એમના જીવનની મુખ્ય બાબત રહી છે. જે કોઈ પરિસ્થિતિ હોય તેને સ્વીકારીને તેઓ આગળ વધતાં રહે છે. દિવાળી, ઉત્તરાયણ, રક્ષાબંધન જેવા અનેક તહેવારો એમણે મમ્મી સાથે હોસ્પિટલમાં રહીને વીતાવ્યાં છે, છતાં મેં ક્યારેય એમના મોં પર નિરાશા કે ગ્લાની જોઈ નથી. ‘જે છે તે છે’ એ જાણે એમનો જીવનમંત્ર છે. ઈશ્વર પર એમને અપાર શ્રદ્ધા છે. આ ભીષણ સંઘર્ષને ચીરતાં તેમણે સામાન્ય કારકૂનમાંથી મેનેજર સુધીની યાત્રા કરી છે. ભાડાથી એક ઓરડીમાંથી ત્રણ રૂમનું ઉત્તમ કહી શકાય તેવું પોતાનું મકાન ઊભું કર્યું છે. પોતાના પરસેવા વડે તેને જીવનોપયોગી તમામ સાધનોથી સુસજ્જ કર્યું છે. મમ્મીને એવી હાલતમાં પણ કાશ્મીરથી લઈને બદ્રીનાથ સુધીની અનેક યાત્રાઓ કરાવી છે. જીવનની ઊંડી સમજ તેમણે મને આપી છે. આજે પણ ગમે તેવી પરિસ્થિતિઓ સામે ટક્કર ઝીલવા તેઓ સતત મારા મનોબળને મજબૂત કરતાં રહે છે.

એ પછી જેમ જેમ વર્ષો વીત્યાં તેમ તેમ મમ્મીની તબિયત કથળતી ચાલી. છેલ્લાં વીસેક વર્ષમાં તો ઘરની જવાબદારી બમણી થઈ ગઈ. તેમણે આ પરિસ્થિતિ સમજીને બેંકમાંથી રાજીનામું આપ્યું અને ઘરનું રસોડું સંભાળી લીધું. રોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને કચરો વાળવાથી માંડીને રાત્રીએ પથારી કરવા સુધી સતત ખડેપગે રહેવા માંડ્યું. સવારની ચા તો એમના હાથની જ બને ! ધીમે-ધીમે મમ્મીનું માર્ગદર્શન લઈને પપ્પાએ દાળ-ભાત-શાક વગેરે બધું જ બનાવતા શીખી લીધું. બાર મહિનાનું અનાજ ભરવાનું, કઠોળ સાફ કરવાના, ઘઉં-ચોખા દળવાના સહિત જાણે આખા રસોડાનો ભાર તેમના માથે આવી પડ્યો. મમ્મીને અસ્થમાનો હુમલો આવે અને હોસ્પિટલમાં દાખલ કરી હોય ત્યારે આખી રાત હોસ્પિટલમાં ગાળે. વહેલી સવારે ઘરે આવીને ચા બનાવીને પહોંચાડે. હું થોડી વાર મમ્મી પાસે બેસું એટલામાં કપડાં ધોવાથી લઈને ઘરનું બધું વાસી કામ પતાવીને હોસ્પિટલ પહોંચી જાય. મારા ટ્યુશન કલાસનો સમય થાય ત્યારે મને ભણવા મોકલીને એકલાં હોસ્પિટલમાં બેસી રહે. ‘કોઈક આપણને મદદ કરશે’ – એવી આશા એમણે ક્યારેય નથી રાખી. ‘આપણું કામ આપણે જાતે જ કરી લેવું’, તેમ તેઓ દ્રઢપણે માને છે. કોઈ પણ કામમાં એમણે ક્યારેય શરમ અનુભવી નથી. ઘરમાં ક્યારેય તેઓ ઑફિસના સ્ટેટ્સથી જીવ્યા નથી.

સંસારમાં બહુધા એમ બને છે કે જે લોકો સંઘર્ષમાં પસાર થયા હોય તેઓ પોતાની પછીની પેઢી સુખરૂપે જીવન જીવે એ માટે ભરચક પ્રયત્ન કરતાં હોય છે. બાળકો કેમ કરીને ડૉક્ટર કે એન્જિનિયર થઈ જાય તેના સપનાં માતા-પિતા સેવતાં હોય છે. મારા પિતાજીએ એવું કોઈ સપનું મારે માટે સેવ્યું નથી. તેઓ એમ ચોક્કસપણે માને છે કે જીવનમાં જે સહજ હોય અને જે રુચિ હોય તે કામ કરવું જોઈએ. તેઓ કહે છે કે કુદરતે આપણા માટે કોઈક કામ નક્કી કરેલું જ હોય છે, માટે તેની આંગળી પકડીને એ જ્યાં લઈ જાય ત્યાં જવું જોઈએ. મેં ક્યારેય મારા પિતાજીના મોઢે પૈસા, કેરિયર કે ઉચ્ચ હોદ્દાઓની વાતો નથી સાંભળી. જીવનની દોડમાં ક્યારેય તેમણે મને સ્પર્ધામાં જીવવાનું નથી શીખવ્યું. તેમણે મારામાં શ્રદ્ધા રાખી છે. એથી જ તો જ્યારે સાહિત્યના ક્ષેત્રમાં પ્રવેશવાનું નક્કી કર્યું ત્યારે તેમણે મને કદી નથી પૂછ્યું કે ‘આમાંથી શું મળશે ?’ ઉલ્ટાનું તેઓ મને સતત લખવાનું અને નવું નવું કરવાનું પ્રોત્સાહન આપતાં રહે છે. હું તો ઘણીવાર થાકી અને હારી ગયો છું પણ તેઓ મને સતત બેઠો કરતાં રહે છે. અમારા ઘરમાં ક્યારેય ‘મારા પૈસા-તારા પૈસા’, ‘મારી કમાણી-તારી કમાણી’ એવા શબ્દો ચર્ચાયા નથી. જે કંઈ છે એ આપણાં સૌનું છે એવું શિક્ષણ તેમણે પાયામાંથી મને આપ્યું છે. બાકી તો, આજના કહેવાતા સભ્ય લોકોની દ્રષ્ટિએ જેમાંથી કંઈ ન મળે એવા સાહિત્યના ક્ષેત્રમાં કોઈ પોતાના એકના એક સંતાનને જવા દે ખરું ? આ પ્રકારના ક્રાંતિકારી નિર્ણયો વખતે સગા-સંબંધી-સમાજના કડવાવેણ કેવી રીતે ગળી જેવા તે પણ તેમણે જ મને શીખવ્યું છે. ધીરજપૂર્વક શાંતિથી, મનને સ્થિર કરીને કામ કરવાની સમજણ તેમણે મને આપી છે.

ક્યારેક હું ધ્યાનપૂર્વક વિચારું છું તો મને એમ થાય છે કે એમનામાં ગજબની હિંમત છે. 2009માં મમ્મીનું મૃત્યુ થયું ત્યારે પણ તેઓ માનસિક રીતે એટલા જ સ્વસ્થ અને આવનારી પરિસ્થિતિથી સુસજ્જ હતાં. તેમણે સંસાર જોયેલો હતો અને અનુભવી હતાં તેથી એ સમયે મને પાસે બોલાવીને મૃત્યુની શીખ આપતાં હતાં. મમ્મીના ધબકારા જેમ ઓછાં થતાં જતાં હતાં એમ મને શાંતિથી એ સમજાવતાં હતાં કે ‘આ જો હવે હાથની નાડી બંધ થઈ ગઈ…. હવે જો પગમાંથી ચૈતન્ય ગયું…. આમાં ડરવાનું નહિ…. આ પણ જીવનનો એક ભાગ છે….’ આટલી સ્વસ્થતા તો ભાગ્યે જ કોઈ રાખી શકે. મૃત્યુના દિવસે જ અમારા ઘરે આવનારા અનેક લોકો કહેતા હતા કે અહીંથી કોઈ ગયું હોય એમ જરાય લાગતું નથી. હજારો પુસ્તકો વાંચવા છતાં જે સમજ મારામાં આવી નથી એ મને મારા પિતાજી પાસેથી સહજ મળતી રહી છે. અંતિમ દિવસોમાં મમ્મીની ઈચ્છા ખૂબ હતી કે મારા લગ્ન થઈ જાય તો સારું… (એકના એક સંતાનનું લગ્ન થાય એવી ઈચ્છા કઈ માતાની ન હોય ?) એ માટે ખૂબ પ્રયત્નો થતાં પરંતુ સાહિત્યની વાત આવે ત્યારે આમાં તો પોતાની દીકરીની આર્થિક ‘સ્ટેબિલિટી’ અને ‘સિક્યોરીટી’ જોખમમાં છે એમ સમજીને જોવા આવનારાં બધા દૂર ભાગી જતાં ! કોઈ મોટો હોદ્દો અને સ્થાયી આવક જેવું તો કશું હતું નહિ એટલે પિતાજીએ ‘આ સંસાર તો આવો જ છે…’ એમ કહીને અધ્યાત્મ દ્વારા મમ્મીના મનને વાળવાનો ભરપૂર પ્રયાસ કર્યો અને અંતે છેલ્લે એને તે વાતમાંથી બહાર કાઢીને સાચું સુખ શેમાં છે તેનું પૂરેપૂરું માર્ગદર્શન કર્યું. એમણે અધ્યાત્મ ફક્ત વાંચ્યું જ નથી, જીવી જાણ્યું છે.

મમ્મીના મૃત્યુ પછીથી આજ દિન સુધી તેઓ ઘરકામની પ્રવૃત્તિમાં ઓતપ્રોત રહે છે. રિટાયર્ડ લોકોને થતો ‘હવે શું કરીશું ?’ – એ પ્રશ્ન આજે 68 વર્ષની ઉંમરે પણ પિતાજીને કદી થયો નથી. રસોઈમાં તો જાણે એમણે માસ્ટરી હાંસલ કરી છે. હું ક્યારેક રમૂજમાં પપ્પાને કહું છું કે ‘જો ટી.વી પર પુરુષોનો રસોઈ-શૉ ચાલુ થાય તો તમારો પહેલો નંબર આવે !’ લાડવા, લાપસી, કંસાર, સુખડી થી લઈને પિઝા-પાસ્તા સહિત અનેક અઘરી વાનગીઓમાં એમની એવી તો હથોટી છે કે અમારા પડોશીઓથી લઈને કેટલાંક સગાં-સંબંધીઓ પણ માપ કે મસાલા પૂછવા માટે પિતાજીને ફોન કરે છે. અમારા ઘરની દાળ ચાખીને પડોશમાં રહેતાં બાળકો એમની મમ્મીને કહે છે કે ‘તને તો આ દાદા જેવી દાળ બનાવતાં આવડતું જ નથી….’ ક્યારેક તો મને એમ લાગે છે કે મારા મમ્મી મારા પપ્પામાં સમાઈ ગયાં છે ! પિતાજીને ફક્ત વણવાની બાબતમાં વાંધો છે. પરંતુ એમાં મારી માસ્ટરી છે ! રોટલી, પૂરી, પરોઠા સહિત બધી જ વણવાની વસ્તુઓ મને આવડે એટલે અમારી તબલાં-હાર્મોનિયમની જેમ સંગત નભી જાય છે ! સમાજમાં આપણે જોઈએ છીએ કે પુરુષોને બે-ચાર દિવસ જમવાનું બનાવવાનું હોય તો પણ લાચારી અનુભવે છે. મોટેભાગે તો બહાર જઈને જ જમી લે છે ! એની સામે હું માનું છું કે મારા પિતાજીનું જીવન સમાજને ખૂબ પ્રેરણા આપે તેવું છે.

આ ઉંમરે પણ પિતાજી નવું નવું વાંચતા રહે છે, નવા લેખો શોધીને મને આપતા રહે છે. ઉત્તમ ફિલ્મો જુએ છે અને સાથે સાથે મનગમતાં ગીતો પણ માણે છે. સવારના પાંચથી રાતના દસ સુધી ઘરના ખૂણેખૂણાની દરકાર કરતાં પિતાજીને ક્યારેક થાકીને હાંફી જતાં જોઉં છું ત્યારે બોલી ઊઠું છું :
‘બસ પપ્પા, હવે ક્યાં સુધી કરશો…? તમારી તબિયતને અસર થાય છે….’
એ ધીમે રહીને મને એક જ વાક્ય કહે છે : ‘મારી ચિંતા ના કરીશ…. તારા લગ્ન થયા વગર હું આ પૃથ્વી છોડીને જવાનો નથી….’ ખરેખર, દેવતાઓ કંઈ હિમાલયમાં જ નથી વસતાં. એ આપણી આસપાસ જ હોય છે. આપણે ફક્ત એમને ઓળખી લેવાની જરૂર હોય છે. મને ગર્વ છે કે આજે હું જે કંઈ છું તે એમના લીધે છું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

85 thoughts on “એક સંઘર્ષભરી જીવનયાત્રા – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.