યુ.એસ.-કેનેડાનાં સરોવરો – ગિરીશભાઈ પંડ્યા

[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.]

[1] સુપીરિયર સરોવર (Lake Superior) :

ઉત્તર અમેરિકામાં આવેલાં પાંચ વિશાળ સરોવરો પૈકીનું મોટામાં મોટું સરોવર. ભૌગોલિક સ્થાન : તે આશરે 46 થી 49 ઉત્તર અક્ષાંશ અને 84 થી 72 પશ્ચિમ રેખાંશ વચ્ચેનો 82,103 ચો. કિ.મી. જેટલો વિસ્તાર ધરાવે છે. તે દુનિયાભરમાં મોટામાં મોટું સરોવર ગણાય છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 563 કિ.મી. અને મહત્તમ પહોળાઈ 257 કિ.મી. જેટલી છે. તે સમુદ્રસપાટીથી 183 મીટરની ઊંચાઈ પર આવેલું છે. તેની ઊંડાઈ 406 મીટર જેટલી છે. અહીંનાં પાંચ સરોવરો પૈકી તે વધુમાં વધુ ઊંડાઈવાળું છે. વળી તે વધુમાં વધુ ઉત્તર તરફ અને પશ્ચિમ તરફ છે.

આ સરોવર યુ.એસ. અને કૅનેડા વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલું છે. કૅનેડાનો ઑન્ટેરિયો પ્રાંત તેની ઉત્તર તથા પૂર્વ તરફ છે; યુ.એસ.નાં મિશિગન અને વિસ્કૉન્સિન રાજ્યો તેની દક્ષિણ તરફ, જ્યારે મિનેસોટા તેની પશ્ચિમ તરફ આવેલાં છે. આ સરોવરની કિનારારેખા ખડકાળ હોઈ સખત છે. કેટલીક જગ્યાએ, વિશેષે કરીને ઉત્તર કાંઠે, ભેખડો જોવા મળે છે. આ ઉપરાંત, મિશિગનમાં સરોવરકાંઠે વિવિધરંગી રેતીખડકોની દીવાલો નજરે પડે છે. મિનેસોટાના ખડકાળ સરોવર કાંઠે ચાલ્યા જતા માર્ગ પર ઉનાળુ વિહારધામો છે, માછીમારોનાં ગામ છે, તો રાજ્યના ઉદ્યાનો પણ છે. મિનેસોટાના કાંઠે બીવર બૅમાં વાહણોને પરવાળાના ખરાબાઓની ચેતવણી આપતી દીવાદાંડી રાખેલી છે.

સરોવરની આજુબાજુની ભૂમિનો ઘણોખરો ભાગ જંગલ-આચ્છાદિત છે. આશરે 200 જેટલી ટૂંકી નદીઓ આ સરોવરમાં ઠલવાય છે. આ પૈકીની ઘણી નદીઓએ ઊંચી ખડકભૂમિ પરથી ખાબકતા જળધોધ પણ રચ્યા છે. સેન્ટ લુઈ આ પૈકીની સૌથી મોટી નદી છે, જે સેન્ટ લૉરેન્સ નદીને જળહિસ્સો પૂરો પાડતી છેવાડાની ઉપરવાસની નદી ગણાય છે; તે સરોવરમાં પશ્ચિમ છેડે ઠલવાય છે. તાંબાના નિક્ષેપો માટે જાણીતા બનેલા મિશિગન રાજ્યના કીવિનૉવ દ્વીપકલ્પની ભૂશિર આ સરોવરમાં દૂર સુધી પ્રવેશેલી છે. આ સરોવર યુ.એસ. અને કૅનેડાના આંતરિક જળમાર્ગો માટે ખૂબ ઉપયોગી છે. અહીંના અન્ય સરોવરોની જેમ આ સરોવર પણ સેન્ટ લૉરેન્સ નદી મારફતે ઍટલાન્ટિક મહાસાગર સાથે તથા મિસિસિપી નદી મારફતે મૅક્સિકોના અખાત સાથે સંકળાયેલું છે. જૂના વખતના રુવાંટી વેચનારા વેપારીઓએ તેને ‘લાક સુપીરિયૉર’ તથા ફ્રેન્ચોએ તેને ‘અપર લૅક’ જેવાં નામ આપેલાં. આ સરોવરમાં ઘણા ટાપુઓ આવેલા છે. આ પૈકીના મોટા ટાપુઓમાં મિશિગનનો આઈલ રૉયલ તથા ઑન્ટેરિયોના સેન્ટ ઈગ્નેસ અને મિશિપિક્ટોનનો સમાવેશ થાય છે. બીજા નાના નાના ટાપુઓ પણ છે, તેમને એપોસલ (Apostle) ટાપુઓ કહે છે, તે ઉત્તર વિસ્કૉન્સિન કાંઠાથી દૂર દૂર આવેલા છે.

આ સરોવર શિયાળામાં ઠરી જતું નથી, પરંતુ બારાં ઠરી જતાં હોવાથી વહાણવટું સીમિત બની રહે છે, તેથી અહીં વહાણોની અવર-જવર મધ્ય એપ્રિલથી ડિસેમ્બર સુધી જ ચાલે છે. અહીંથી હોડીઓ મારફતે લોહઅયસ્ક, ટેકોનાઈટ, ઘઉં, લાકડાં, તાંબું તેમજ અન્ય ખનિજો બંદરો દ્વારા લઈ જવાય છે. આ સરોવરકાંઠે આવેલાં મુખ્ય બંદરોમાં મિનેસોટાનાં ડલથ, ટુ હાર્બર્સ, ટેકોનાઈટ-હાર્બર, સિલ્વર બૅ અને ગ્રાન્ડ મરેઈસ છે; વિસ્કોન્સિનનાં સુપીરિયર અને ઍશલૅન્ડ છે; મિશિગનનું માર્કવેટ છે તથા ઑન્ટેરિયોનું થન્ડર બૅ અને મિશિપિક્ટોન હાર્બર છે.

[2] હ્યુરોન સરોવર (Lake Huron) :

યુ.એસ. અને કૅનેડાની સરહદ પર આવેલા પાંચ વિશાળ સરોવર પૈકીનું એક સરોવર. ભૌગોલિક સ્થાન : 44-30 ઉત્તર અક્ષાંશ અને 82-30 પશ્ચિમ રેખાંશ. ઉત્તરની ખાડી અને જ્યૉર્જિયન અખાત સહિત અંદાજે 59,699 ચો. કિ.મી.નો વ્યાપ ધરાવતા આ સરોવરની લંબાઈ 332 કિ.મી. અને મહત્તમ પહોળાઈ 295 કિ.મી. તથા મહત્તમ ઊંડાઈ 229 મીટર જેટલી છે. ઈરા અને મિશિગન સરોવરોની વચ્ચે આવેલા હ્યુરોન સરોવરની મધ્યમાંથી યુ.એસ.-કેનેડાની સરહદ પસાર થાય છે. તેનો સ્ત્રાવવિસ્તાર 1,33,902 ચો. કિ.મી. જેટલો છે. તે સમુદ્રસપાટીથી 176 મીટરની ઊંચાઈ ધરાવે છે. જૂના વખતમાં અહીં વસતા ‘હ્યુરોન’ નામના ઈન્ડિયનો પરથી તેને નામ અપાયેલું છે. વિશાળતાની દષ્ટિએ તે બીજા ક્રમે આવે છે.

તે સુપીરિયર સરોવર અને સેન્ટ મૅરી નદીથી જોડાયેલું છે, જ્યારે મૅક્કિનાકની સામુદ્રધુની હ્યુરોન-મિશિગન સરોવરને જોડે છે. તેનાં જળ સેન્ટ કલૅર નદી, સેન્ટ કલૅર સરોવર અને ડેટ્રોઈટ નદી મારફતે ઈરી સરોવરમાં ઠલવાતાં રહે છે. તેના નિર્મળ જળમાં ઘણી માછલીઓ નભે છે. ઉત્તર ભાગમાં નાના ટાપુઓ પણ છે. આ પૈકી મૅક્કિનાક ટાપુ (મિશિગન રાજ્ય) અને મૅનિટોલીન ટાપુ (કૅનેડાનું ઑન્ટેરિયો રાજ્ય) વિશેષ ઉલ્લેખનીય છે. ડિસેમ્બર અને મે વચ્ચે ફૂંકાતાં વાવાઝોડાંને કારણે શિયાળા દરમિયાન તે વહાણવટા માટે જોખમી બની રહે છે. 46 મીટર જેટલી ઊંચાઈ ધરાવતી ભેખડોવાળા તેના અગ્નિકાંઠાને બાદ કરતાં તેના બાકીના કાંઠા નીચાણવાળા છે.

[3] મિશિગન સરોવર (Lake Michigan) :

યુ.એસ.માં આવેલું સ્વચ્છ જળનું મોટું સરોવર. ભૌગોલિક સ્થાન : 41-30 થી 46 ઉત્તર અક્ષાંશ અને 85 થી 47-30 પશ્ચિમ રેખાંશ વચ્ચેનો 57,757 ચો. કિ.મી. જેટલો વિસ્તાર આવરી લે છે. અહીંના વિશાળ સરોવરમાં તે ત્રીજા ક્રમે આવે છે. જળમાર્ગની દષ્ટિએ તે પૂર્વ તરફ અન્ય સરોવરો સાથે અને સેન્ટ લૉરેન્સ નદી મારફતે તે ઍટલાન્ટિક મહાસાગર સાથે તથા દક્ષિણ તરફ મિસિસિપી નદી તેમજ મૅક્સિકોના અખાત મારફતે તે ઍટલાન્ટિક મહાસાગરના મધ્યભાગ સાથે સંકળાયેલું છે.

જૂના વખતમાં અહીં વસતા ઈન્ડિયનો તેને મિશિગુમા (અર્થ : પુષ્કળ પાણીવાળું મોટું સરોવર) કહેતા. મિશિગુમા નામ ધીમે ધીમે બદલાતું જઈ આજે તે મિશિગન નામથી ઓળખાય છે. તેની બાજુમાં પૂર્વ તરફ આવેલા રાજ્યને પણ મિશિગન રાજ્ય નામ અપાયેલું છે. આ સરોવર મિશિગન રાજ્યમાં દક્ષિણ તરફ વિસ્તરેલું છે. તેના આ પ્રકારના વિસ્તરણથી આ રાજ્ય બે દ્વીપકલ્પમાં વહેંચાઈ ગયેલું છે. વિસ્કોન્સિન અને ઈલિનોય રાજ્યો તેની પશ્ચિમ સીમા રચે છે, જ્યારે ઈન્ડિયાના રાજ્યનો થોડોક ભાગ આ સરોવરના દક્ષિણ છેડાને સ્પર્શે છે. તેની લંબાઈ 494 કિ.મી, મહત્તમ પહોળાઈ 190 કિ.મી. અને ઊંડાઈ 281 મીટર જેટલી છે. સમુદ્રસપાટીથી તે 176 મીટરની ઊંચાઈ ધરાવે છે. સરોવરના વાયવ્ય ખૂણામાં આવેલો ગ્રીન બૅ (અખાત) તેનો જ એક વિશાળ ફાંટો છે. ગ્રાન્ડ ટ્રાવર્સ અને લિટલ ટ્રાવર્સ તેના પૂર્વ તરફના ફાંટા છે. મિશિગન સરોવરને મળતી મોટી નદીઓમાં સેન્ટ જોસેફ, ફૉક્સ, કાલામેઝુ, ગ્રાન્ડ તેમજ મેનોમિનીનો સમાવેશ થાય છે; જ્યારે શિકાગો નદી તેમાંથી નીકળે છે. જોકે આ નદી જૂના વખતમાં તેને મળતી હતી, પરંતુ તે પછી તેનો વાહનમાર્ગ વ્યસ્ત બની ગયેલો છે.

મિશિગન સરોવરનાં જળ મૅક્કિનાક સામુદ્રધુની મારફતે હ્યુરોન સરોવરમાં ઠલવાય છે. સેન્ટ લૉરેન્સનો જળમાર્ગ તેને ઍટલાન્ટિક મહાસાગર સાથે જોડે છે. આ વિસ્તારમાંથી અનાજ, લાકડાં અને ખનિજ પેદાશો દુનિયાના ઘણા ભાગોમાં જાય છે. શિકાગો અને ઈલિનૉય નદીઓ આ સરોવરને મિસિસિપી નદી સાથે જોડે છે. મિશિગન રાજ્યમાં મિશિગન સરોવરકાંઠે આવેલાં મહત્વનાં બંદરોમાં એસ્કેનાબા, ફ્રૅન્કફર્ટ, ગ્રાન્ડ હેવન, લુડિંગ્ટન, મૅનિસ્ટી, મેનોમેની, મસ્કેગૉન, પોર્ટ ડોલોમાઈટ, પોર્ટ ઈન્લૅન્ડ અને સ્ટોનપૉર્ટનો સમાવેશ થાય છે. વિસ્કોન્સિન રાજ્યમાં આવેલાં ગ્રીન બૅ, કીવૉની, મેનિટોવૉક, મિલવૌકી, ઓકક્રીક, પોર્ટ વૉશિંગ્ટન, રેસિન અને શેબોયગન બંદરો પણ તેને કાંઠે આવેલાં છે. ગૅરી અને ઈન્ડિયાના હાર્બર તેના કાંઠા પરનાં ઈન્ડિયાના રાજ્યમાં બંદરો છે. શિકાગો અને વૉકીગન તેના કાંઠા પરનાં ઈલિનૉય રાજ્યનાં બંદરો છે.

[4] ઈરી સરોવર (Iree Lake) :

યુ.એસ. અને કૅનેડાની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલાં સરોવરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : 42-15 ઉત્તર અક્ષાંશ અને 81-00 પૂર્વ રેખાંશ. અહીંનાં પાંચ સરોવરો પૈકી તે દક્ષિણ તરફ આવેલું છે. યુ.એસ.નાં. ન્યૂયોર્ક, પેન્સિલવેનિયા, ઓહાયો, મિશિગન રાજ્યોની તથા કૅનેડાના ઑન્ટેરિયોની સરહદો આ સરોવરકાંઠાને સ્પર્શે છે. તે સમુદ્રસપાટીથી 176 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેની લંબાઈ 396 કિ.મી. અને પહોળાઈ સ્થાનભેદે 61 થી 92 કિ.મી. જેટલી છે. તે ઈશાન-નૈઋત્ય દિશામાં લંબાયેલું છે. તેનું ક્ષેત્રફળ 25,667 ચો. કિ.મી. જેટલું છે. પાંચ સરોવરો પૈકી વિશાળતામાં તે ચોથા ક્રમે આવે છે. આ સરોવર અહીંના અન્ય સરોવરોની સરખામણીએ છીછરું છે. તેનું મહત્તમ ઊંડાઈનું બિંદુ 64 મીટરે રહેલું છે. તે છીછરું હોવાથી જ્યારે વાવાઝોડાં ફૂંકાય છે ત્યારે પવનના વેગથી ઊછળતાં મોજાંને કારણે તેનાં પાણી ઝડપથી વલોવાય છે.

ફ્રેન્ચ અભિયંતાઓ તેને ઈરી દ કૅટ (બિલાડીનું સરોવર) કહે છે, કારણ કે ઈરોક્વોઈસ નામની એક ઈન્ડિયન જાતિ ‘ઈરીહોનોન્સ’ (જૂનું નામ) સરોવર નજીક રહેતી હતી. ઈન્ડિયન જાતિના આ શબ્દ (નામ)નો અર્થ દીપડો (Panther) એવો થાય છે. ઈરીહોનોન્સ પરથી આ સરોવરનું નામ ‘ઈરી’ ઊતરી આવેલું હોવાનું જણાય છે. ઈરી સરોવર તેનાથી ઉત્તરે આવેલા હ્યુરોન અને ઈશાનમાં આવેલા ઑન્ટેરિયો સરોવરની વચ્ચે આવેલું છે. તે ઑન્ટેરિયો સરોવર સાથે વેલૅન્ડ નહેરથી તથા સેન્ટ લૉરેન્સ નદી સાથે સંકળાયેલું છે. હ્યુરોન સરોવરનાં પાણી સેન્ટ ક્લૅર નદી મારફતે ઈરી સરોવરને આવી મળે છે. ડેટ્રોઈટ નદી તેમજ સેન્ટ ક્લૅર નદી સાથે પણ તે જોડાયેલું છે. તેનાં પાણી નાયગરા નદી મારફતે ઑન્ટેરિયો સરોવરમાં ઠલવાય છે. ઑન્ટેરિયો સરોવર ઈરી સરોવરથી 99 મીટર જેટલી નીચી સપાટીએ આવેલું છે. બફેલો, ન્યુયોર્ક અને ન્યુયોર્ક રાજ્યમાંથી પસાર થતી બાર્જ નહેરરચનાથી ઈરી સરોવર હડસન નદી સાથે અને આગળ જતાં એટલાન્ટિક મહાસાગર સાથે સંકળાયેલું રહે છે.

આ સરોવરો અન્યોન્ય જોડાયેલાં હોવાથી ઈરી સરોવરમાં જળવાહનવ્યવહાર વ્યસ્ત રહે છે. મિનેસોટાનાં લોહઅયસ્ક અને ટેકોનાઈટ તથા મિશિગનનો ચૂનાખડક વાહણો દ્વારા ઓહાયોનાં બંદરો સુધી પહોંચાડાય છે. આ કાચો માલ ઓહાયોની પોલાદની મિલો તેમજ પેન્સિલવેનિયાની પિટ્સબર્ગની મિલોમાં ઉપયોગમાં લેવાય છે. કિનારે આવેલું બફેલો અનાજની હેરફેર માટે ઘણું અગત્યનું બંદર છે. ઓહાયોના ટોલેડો પરથી કોલસાની હેરફેર થાય છે. ઓહાયોનાં ટોલેડો, સેન્ડસ્કી, કલીવ લૅન્ડ, અસ્થાબુલા અને કોનિયૉટ બંદરો આ સરોવરકાંઠે આવેલાં છે. પેન્સિલવેનિયાનું ઈરી તેમજ ન્યૂયૉર્કનું બફેલો પણ મુખ્ય બંદરો છે. કાંઠા પરનાં શહેરો અને ઉદ્યોગોએ તેમની ગટરો અને રસાયણ કચરાથી આ સરોવરજળને પ્રદૂષિત કર્યાં છે; પરિણામે અગાઉ અહીં વિપુલ પ્રમાણમાં મળતી માછલીઓનો પુરવઠો ઘટી ગયો છે, મનોરંજનના સ્થળ તરીકે પણ તેનું મહત્વ ઓછું થયું છે; 1970ના દાયકાથી તેનાં આરક્ષણ અને જાળવણીના પ્રયાસો આદરવાથી તેનું પ્રદૂષણ ઘટાડી શકાયું છે અને માછલીઓનો પુરવઠો પણ વધ્યો છે.

[5] ઓન્ટેરિયો સરોવર (Lake Ontario) :

ઉત્તર અમેરિકામાં યુ.એસ.-કૅનેડાની સરહદ પર આવેલાં પાંચ વિશાળ સરોવરો પૈકીનું એક ભૌગોલિક સ્થાન : તે આશરે 43 થી 44 ઉત્તર અક્ષાંશ અને 76 થી 80 પશ્ચિમ રેખાંશ વચ્ચે પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલું છે. સેન્ટ લૉરેન્સના દરિયાઈ માળખામાં તે એક મહત્વની કડીરૂપ બની રહેલું છે. તે આખાય વર્ષ માટે મોટાં વાહણોની અવરજવર માટે ખુલ્લુ રહેતું હોવા છતાં નજીકનાં બીજાં સરોવરો જેટલું વ્યસ્ત રહેતું નથી.

આ સરોવર કૅનેડાના ઑન્ટેરિયો પ્રાંત અને યુ.એસ.ના ન્યૂયોર્ક રાજ્યના વાયવ્ય ભાગની વચ્ચે આવેલું છે. તેની લંબાઈ આશરે 311 કિ.મી. અને પહોળાઈ આશરે 85 કિ.મી. જેટલી છે; તેનો કુલ વિસ્તાર 19,554 ચો. કિ.મી. જેટલો છે. કાંઠાની લંબાઈ આશરે 772 કિ.મી. જેટલી છે. તળના સ્થાનભેદે ઊંડાઈ 152 થી 244 મીટરની છે. સમુદ્રસપાટીથી તેની જળસપાટી 75 મીટર ઊંચાઈ પર આવેલી છે. નજીકનાં અન્ય સરોવરોની સરખામણીએ તે ઓછી ઊંચાઈ પર આવેલું હોવાથી તથા તેની ઊંડાઈને કારણે તેનાં જળરાશિનો 66% જથ્થો સમુદ્રસપાટીથી નીચા સ્તરે છે. આ કારણે પ્રવાહો અને સપાટી પર વાતા પવનોની તેના પર કોઈ અસર થતી નથી; માત્ર ઉપલી સ્થિર સપાટીનો એકસરખો પ્રવાહ પશ્ચિમથી પૂર્વ તરફ કલાકે આશરે અર્ધા કિ.મી.ની ગતિથી સરોવરની આરપાર પસાર થાય છે. સરોવરકાંઠા નજીકનાં જળ છીછરાં રહેતાં હોવાથી તે શિયાળા દરમિયાન ઠરી જાય છે, પરંતુ મધ્યભાગનાં જળ ઠરતાં નથી. વળી ઊંડાઈ વધુ હોઈને તેની જળસપાટીનું તાપમાન ઉનાળામાં તેની ઉપરની હવા કરતાં ઠંડું રહે છે અને શિયાળામાં હૂંફાળું રહે છે. આ બાબત પરથી કહી શકય છે કે આ સરોવરની આજુબાજુના ભાગોની આબોહવા પર મધ્યમસરની અસર વરતાય છે. સરોવરના પૂર્વ તરફના નિર્ગમ માર્ગ પર દિવસો વાસ્તવમાં ગરમ રહે છે. દક્ષિણ કાંઠાનું તાપમાન એટલું તો માફકસરનું રહે છે કે અહીંના બધા જ ભાગોમાં આંતરરાષ્ટ્રીય સરહદની બંને બાજુએ ફળોનાં ઝાડ ઊગી શકે છે.

આ સરોવરનાં જળ સેન્ટ લૉરેન્સ નદી મારફતે એટલાન્ટિક મહાસાગરમાં ઠલવાય છે. તે તેના નૈઋત્ય ભાગમાં ઈરી સરોવર સાથે નાયગરા નદી અને વેલૅન્ડ નહેર મારફતે જોડાયેલું છે; હડસન નદી અને ન્યૂયોર્ક શહેર સાથે ઈરી નહેર, જેનેસી નદી અને ઓસવેગો નહેર મારફતે જોડાયેલું છે. બ્લૅક, જેનેસી, ઓસવેગો, ટ્રન્ટ અને હમ્બર નદીઓ આ સરોવરમાં ઠલવાય છે. તેના કાંઠા પર સારાં બારાં પણ છે. મુખ્ય બંદરોમાં ન્યૂયૉર્કનાં રોચેસ્ટર અને ઓસવેગોનો સમાવેશ થાય છે; તથા કૅનેડાનાં હોબોર્ગ, હેમિલ્ટન અને કિંગ્સ્ટનનો સમાવેશ થાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “યુ.એસ.-કેનેડાનાં સરોવરો – ગિરીશભાઈ પંડ્યા”

Copy Protected by Chetan's WP-Copyprotect.