ચોરીનું ધન – રવીન્દ્રનાથ ટાગોર

[ ‘રવીન્દ્રનાથ ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]મ[/dc]હાકાવ્યયુગમાં સ્ત્રીને પુરુષો તેમનાં બળ પર પ્રાપ્ત કરતા હતા. જે વધુ બળવાન હોય તે જ સ્વરૂપવાન સ્ત્રીને લઈ જતા. મેં યુક્તિ અને ચાલાકી દ્વારા લગ્ન કર્યાં, આ વાતની જાણ મારી પત્નીને બહુ મોડી થઈ. પરંતુ મેં લગ્ન પછી તપસ્યા શરૂ કરી. જેને દગો આપી કે છેતરીને ચોરીથી મેળવી છે એનું મૂલ્ય મેં રોજેરોજ ચૂકવ્યું છે.

મારી પત્ની સુનેત્રા પ્રેમની પ્રતિમા છે. આજે મારી પુત્રીની ઉંમર સત્તર વરસની છે. બરાબર આટલી જ વયમાં સુનેત્રાનાં લગ્ન મારી સાથે થયાં હતાં. સુનેત્રાની પોતાની ઉંમર સાડત્રીસ વરસની છે, પરંતુ પ્રયત્નપૂર્વક સાજ-સજ્જા, દરરોજ પૂજાનું નૈવેધ સજાવવું તે સારી રીતે જાણે છે. સુનેત્રા કાળી કિનારીવાળી સફેદ સાડી પહેરવી પસંદ કરે છે. ખાદી પ્રચારકોની ટીકાની પરવા કર્યા સિવાય તેણે આ સ્વીકારી લીધું છે. દરેક માણસમાં એક અહંકાર હોય છે. પરંતુ સુનેત્રામાં તે નથી. રૂપિયા-પૈસા તેની નજરમાં તુચ્છ છે. આજ એકવીસ વરસથી સુનેત્રા મન-પ્રાણથી તે મૂલ્ય મને આપી રહી છે.

મારા પિતા એક બેંક ઑફિસર હતા. હું પણ તેમાં જોડાઈ ગયો. ઑફિસના કામે મને જાણે કે ચારે બાજુથી કસીને બાંધી દીધો હોય. મારાં શરીરનો મનની સાથે આ કામનો કોઈ તાલમેલ ખાતો નહીં. ક્યાંક વન વિભાગમાં અધિકારી બની જાઉં અને જંગલની ખુલ્લી હવામાં ઘૂમતો ફરતો રહું. શિકારનો શોખ પૂરો કરી લઉં. પિતાજીની દષ્ટિ એથી જુદી રોબ-રૂઆબની હતી. કહેતા, જે કામ મળી ગયું છે તે સરળતાથી કોઈ બંગાળીને નથી મળતું. મારે છેવટે હાર માનવી પડી.

મારી નજર સામે ફરી મારી પુત્રી અરુણા આવી ગઈ. તે યુવાન થઈ છે. તેને જોઈને મારું મન પુલકિત થઈ ઊઠે છે. શૈલેનને હું જોઉં છું. નવયુવાન છે. હું પણ તે દિવસોમાં તેના જેવો જ હતો. તે સમયે હું જે કઠણાઈઓનો સામનો કરતો હતો તે જ એની સામે પણ છે. આમ તો તેણે અરુણાની માના મનને વશમાં કરવામાં અનેક ઉપાય રચ્યાં છે. ફક્ત હું જ તેના તરફ ધ્યાન નથી આપતો. બીજી બાજુ અરુણા મનોમન જાણે જ છે કે તેના પિતા કન્યાના દર્દને સમજે છે. ક્યારેક તે આંખમાં છૂપાં આંસુ લઈને ચૂપચાપ મારી પાસે બેસે છે. તેની મા નિષ્ઠુર બની શકે છે, હું નહીં. અરુણાના મનની વાત તેની મા નથી સમજતી એવું નથી, પરંતુ તેનો વિશ્વાસ હતો કે આ બધું પ્રભાતના મેઘાડંબર સમાન છે. દિવસ ચઢતાં જ વિલીન થઈ જશે. સુનેત્રાની સાથે હું સંમત નથી.

થોડા દિવસથી ઘોર વરસાદથી આખુંય કલકત્તા શહેર પાણીમાં તરબોળ છે. ક્યાંય બહાર જઈ શકાતું નથી. તેની મા જાણે છે કે અરુણા લાયબ્રેરીમાં પરીક્ષાના વાંચનમાં પરોવાયેલી છે. હું એક પુસ્તક લેવા માટે ગયો હતો. જોયું તો અરુણા બારીની સામે ચૂપચાપ બેઠી છે. હજી સુધી તેણે તેના વાળ બાંધ્યા નથી અને તે હવામાં ઊડી રહ્યા છે. મેં સુનેત્રાને કાંઈ કહ્યું નહીં. શૈલેનને ફોન કરીને ચા માટે બોલાવ્યો. અમારી ગાડી તેને ઘેર મોકલી આપી. તે આવ્યો. શૈલેનનું આમ અચાનક આવવું સુનેત્રાને પસંદ ન પડ્યું. મને સમજતા વાર ન લાગી. મેં શૈલેનને કહ્યું, ‘ગણિત પર મારો આટલો બધો કાબૂ નથી તે માટે તને બોલાવ્યો છે. મારી બુદ્ધિને કાટ લાગી ગયો છે.’ આ કહેવાની જરૂર નથી કે તે ગણિત-ચર્ચા વધુ આગળ ન ચાલી. મારો ચોક્કસ વિશ્વાસ હતો કે અરુણા તેના પિતાની ચતુરાઈ સમજી ગઈ હશે અને મનોમન કહ્યું હશે, આવા આદર્શ પિતા કોઈ બીજા પરિવારમાં આજ સુધી નથી થયા. વાતચીત શરૂ જ થઈ હતી કે ટેલિફોનની ઘંટડી વાગી. મેં ઊઠીને કહ્યું : ‘મને જરૂરી કામથી બોલાવ્યો છે. તમે લોકો એક કામ કરો ત્યાં સુધી ટેનિસ રમો.’ તે રોંગનંબર હતો. નીચેના રૂમમાં જઈને હું એક જૂનું પેપર વાંચવા લાગ્યો. અંધારું થવા માંડ્યું. બત્તી સળગાવી દીધી. સુનેત્રા ત્યાં આવી. તેનો ચહેરો ખૂબ જ ગંભીર હતો. મેં હસીને કહ્યું :
‘તારું મુખ આંધી-તોફાનનો સંકેત આપે છે.’
તે હસી નહીં, બોલી, ‘તમે આ પ્રમાણે શૈલેનને વારંવાર પ્રોત્સાહન આપી રહ્યા છો ?’
મેં કહ્યું : ‘પ્રોત્સાહન આપનાર તો તેના જ અંતરાત્મામાં છૂપાયો છે.’
‘એમનું હળવા-મળવાનું થોડા દિવસ માટે બંધ કરી દેતા તો આ બાળપણ આપોઆપ છૂટી જતું.’
‘બાળપણની સાથે કસાઈપણું શા માટે કરવામાં આવે ? દિવસો વીતશે, અવસ્થા વધશે. આવું બાળપણ તો ફરી તો વળીને પાછું નથી આવતું.’
‘તમે તો ગ્રહ-નક્ષત્રોને નથી માનતા, પણ હું માનું છું, તે નથી મળી શકતાં.’
‘ગ્રહ-નક્ષત્ર ક્યાં અને ક્યા સ્થળે મળે છે તે નજરે નથી પડતાં, પરંતુ આ બંને અંતર-અંતરમાં મળી ગયાં છે. એ તો સાવ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.’
‘તમે નહીં સમજો મારી વાત. જ્યારે આપણે જન્મ લઈએ છીએ ત્યારે જ આપણો યોગ્ય સાથી બરાબર રહે છે. નહિતર અનેક દુઃખો વિપત્તિઓની સજા મળે છે.’
‘યોગ્ય સાથીને કેવી રીતે ઓળખી શકીશું ?’
‘ગ્રહ-નક્ષત્ર, જન્મ કુંડળી, હસ્તરેખા વગેરેથી.’

મારા સસરા અજિતકુમાર ભટ્ટાચાર્ય એક પંડિત-વંશમાં જન્મ્યા હતા. ગણિતના પ્રકાંડ અભ્યાસી હોવાને કારણે તેઓ જ્યોતિષમાં ખૂબ જ વિશ્વાસ ધરાવતા હતા. એમના આ અંધવિશ્વાસોએ ગ્રહ-નક્ષત્રો પર ભારે ભીડ કરી રાખી હતી. આવા પરિવારમાં સુનેત્રા જન્મી. બાળપણથી જ તેની ચારે બાજુ ગ્રહ-નક્ષત્રોનો કડક ચોકી પહેરો હતો. હું ગુરુજીનો પ્રિય વિદ્યાર્થી હતો. સુનેત્રાને તેના પિતા ભણાવતા હતા. તેથી અમને અનેકવાર મળવાનો અવસર મળતો હતો અને તે અવસર વ્યર્થ પણ ન ગયો. આ વાત મારા જાણવામાં આવી. મારી સાસુનું નામ વિભાવતી હતું. તે પતિથી સાવ વિરુદ્ધ સ્વભાવની હતી. ગ્રહ-નક્ષત્રોને તો તે બિલકુલ માનતી નહોતી. હા, તે પોતાના ઈષ્ટદેવતાને જરૂર માનતી હતી. મેં મારા મનની વાત તેમને કરી, કહ્યું :
‘મા ! તમારે પુત્ર નથી અને મારે મા નથી. દીકરી આપીને તમે મને દીકરાની જગ્યાએ લઈ લો. તમે હા કહી દો તો પછી હું ગુરુજીના પગ પકડી લઈશ.’
તે બોલી : ‘બેટા ! ગુરુજીની વાત પછીથી થશે. પહેલા તારા જન્માક્ષર મને લાવીને આપ.’ મેં મારા જન્માક્ષર લાવીને તેને આપી દીધા. તે બોલી :
‘કાંઈ વળવાનું નથી. સુનેત્રાના પિતા માનશે નહીં. વળી પુત્રી પણ પિતાની જ શિષ્યા છે.’
મેં પૂછ્યું : ‘પુત્રીની મા ?’
બોલી : ‘મારી વાત છોડ, હું તો તને જાણું છું. મારી દીકરીનું મન પણ જાણું છું. તેનાથી વધારે જાણવા માટે મારે નક્ષત્રલોકમાં જવું નથી.’ મારું મન બળવો પોકારી ઉઠ્યું. આ પ્રકારની જૂઠ્ઠી વાતનો સ્વીકાર કરવો યોગ્ય નથી.

ત્યાં ચારે બાજુથી સુનેત્રાના માટે માગાં આવવાં લાગ્યાં. ગ્રહ-નક્ષત્રોની તેમાં જરૂર નથી એવા પણ પ્રસ્તાવ તેમાં હતા. તેણે જિદ્દ પકડી. આજીવન કુંવારી રહીશ, વિદ્યાભ્યાસ કરવામાં જ દિવસો વીતાવીશ. પિતા તેનો અર્થ ન સમજ્યા. મા સમજી અને રડી રહી હતી. છેવટમાં એક દિવસ મારા હાથમાં એક કાગળ પકડાવીને માએ કહ્યું : ‘આ સુનેત્રાના જન્માક્ષર છે. તને બતાવીને તારા જન્માક્ષરમાં સંશોધન કરાવી લાવ. મારી દીકરીનું અકારણ દુઃખ મારાથી જોયું નથી જતું.’ ત્યાર પછી શું થયું તે કહેવાની જરૂર નથી. જન્માક્ષરોની જંજાળથી મેં સુનેત્રાનો ઉધ્ધાર કરી દીધો. આંખ લૂંછતાં-લૂંછતાં મા બોલી, ‘બહુ પુણ્યનું કામ કર્યું છે બેટા તેં.’ તેના પછી એકવીસ વરસ વીતી ગયાં.

પવનનો વેગ વધ્યો હતો. વરસાદનો વિરામ નહીં. સુનેત્રાએ કહ્યું : ‘અજવાળું આંખોમાં લાગી રહ્યું છે, બુઝાવી દઉં.’ બત્તીઓ બુઝાવી નાખવામાં આવી. વરસાદની ધારાની વચ્ચેથી રસ્તાની બત્તીનો ઝાંખો પ્રકાશ અંધારા ઓરડામાં આવી રહ્યો હતો. સોફા પર સુનેત્રાને મારી નજીક બેસાડી કહ્યું :
‘સુની, તું મને તારો સાચો સાથી માને છે ને ?’
‘તમે આ કેવો પ્રશ્ન પૂછી રહ્યા છો ? શું મારે આનો ઉત્તર આપવો પડશે ?’
‘તારાં ગ્રહ-નક્ષત્ર જો ન માને.’
‘જરૂર માને છે, હું શું નથી જાણતી.’
‘આટલા દિવસો સુધી તો આપણાં બંનેનો સાથ નભ્યો. શું કોઈ સંદેહ કોઈ દિવસ તારા મનમાં જાગશે ?’
‘આ બધી નકામી વાતો જો પૂછશો તો હું ગુસ્સે થઈ જઈશ.’
‘સુની, ઘણીવાર બંનેએ સાથે મળીને દુઃખ વેઠ્યાં છે. આપણો પ્રથમ પુત્ર આઠ મહિનામાં જ મરી ગયો. ટાઈફોઈડમાં જ્યારે હું મરણપથારીએ હતો ત્યારે પિતાજી ગુજરી ગયા. છેવટમાં જોયું તો ભાઈએ નકલી વસિયત બનાવીને બધી સંપત્તિ હાથ કરી લીધી. આજ નોકરી જ મારો એક માત્ર આશરો છે. તારી માનો સ્નેહ મારા જીવનનો ધ્રુવતારો. તે પણ પૂજાની રજાઓમાં ઘેર જતી વખતે માર્ગમાં નૌકા ડૂબવાથી તે પતિની સાથે મેઘના નદીમાં સમાઈ ગઈ. તેમનું બધું જ કરજ મારા ઉપર આવી પડ્યું. કદાચ આ બધી વિપત્તિઓ મારા જ દુષ્ટગ્રહના કારણે ન બની હોય. પહેલાંથી જો તું જાણતી હોય તો મારી સાથે લગ્ન ન કરતી.’

સુનેત્રા ચૂપ રહી.
મેં કહ્યું : ‘બધાં દુઃખ દુર્લક્ષણો કરતાં પ્રેમ જ મહાન છે. આપણાં જીવનમાં શું તેનું પ્રમાણ નથી મળ્યું ?’
‘જરૂર, જરૂર મળ્યું છે.’
‘વિચાર કર, ગ્રહના અનુગ્રહથી જો તારા પહેલાં મારું મૃત્યુ થઈ ગયું તો તે ખોટને હું શું જીવતો નહીં રહેવાને લીધે પૂરી નથી કરી શકતો.’
‘રહેવા દો, રહેવા દો, અધિક ન બોલો.’
‘સાવિત્રીના માટે સત્યવાનનો સાથ એક દિવસનું મિલન પણ ચિર-વિયોગથી વધુ હતું. તેણે તો મૃત્યુગ્રહનો ભય નહોતો માન્યો.’
સુનેત્રા ચૂપ રહી.
મેં કહ્યું : ‘તારી અરુણા શૈલેનને પ્રેમ કરે છે આટલું જાણવું જ પૂરતું છે. બાકીનું બધું ભલે અજાણ્યું રહે, શું કહે છે સુની ?’ સુનેત્રાએ કોઈ ઉત્તર ન આપ્યો. એવામાં શૈલેનનો સીડીઓ પર પગરવ સંભળાયો. તે જઈ રહ્યો હતો. સુનેત્રા જલદીથી ઊઠી જઈને બોલી :
‘બેટા શૈલેન, શું જઈ રહ્યો છે ?’
શૈલેને ડરતાં-ડરતાં કહ્યું : ‘હા, બહુ વાર થઈ ગઈ.’
‘કોઈ વાંધો નહીં, આજે રાતનું ભોજન તું અહીં જ લેજે બેટા !’
આને કહે છે પ્રોત્સાહન !

તે રાતે મેં સુનેત્રાને જન્માક્ષરની બધી વાત કહી દીધી. સુનેત્રાએ હસીને કહ્યું : ‘ના કહેતા તો વધુ સારું રહેત.’

[poll id=”73″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “ચોરીનું ધન – રવીન્દ્રનાથ ટાગોર”

Copy Protected by Chetan's WP-Copyprotect.