હમરો દરદ ના જાને કોઈ – અરુણા જાડેજા

[ એક પોલીસ અધિકારીની ધર્મપત્ની તરીકે અરુણાબેને શ્રી જુવાનસિંહભાઈની કારકિર્દી-ગાથા તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘હૈયુ, કટારી અને હાથ’માં વર્ણવી છે. પી.એસ.આઈથી શરૂ કરીને ડેપ્યુટી કમિશનરના પદ સુધી પહોંચીને નિવૃત્ત થનાર જુવાનસિંહભાઈની આ જીવનકથા રોમાંચક ઘટનાઓથી ભરેલી છે. પોલીસ અધિકારીના પત્ની તરીકે અરુણાબેને જે અનુભવ્યું છે તેની વાત અહીંના લેખમાં પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે અરુણાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9428592507 અથવા આ સરનામે arunaj50@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]લો[/dc]કો તો હાલતા જાય અને હડસેલો મારતા જાય, ‘હલકું નામ હવાલદાર’નું એવી અફવા ફેલાવતા જાય. પણ એ હલકા નામને વેઠવી પડતી હાડમારીની કોઈને જાણ છે ખરી ? એ હવલદારના ઘરવાળાનાં શા હાલહવાલ છે તેની કોઈને પડી છે ખરી ? સાચી વાત, ખુદ આ લખનાર ઘરવાળીનેય ક્યાં કશી ખબર હતી ? નથી રે પીધાં જાણી જાણી, ઝેર તો પીધાં અણજાણી. હાથે કરીને તે કોઈ આવા ભમ્મરિયા કૂવામાં કૂદતું હશે ? આ તો માંહી પડ્યા તે મહાદુઃખ પામે તેમાંનું છે !

આ પોલીસાણીએ કોઈ સામાજિક કે કૌટુંબિક પોલિસી ઉતરાવેલી હોતી નથી. સહિયારા જીવનના લીધેલા શપથ એકલપંડે જ નિભાવવાના હોય છે. છતે ધણીએ ન-ધણિયાતા થઈને રહેવું શેં ? સહેવું તે શેં ? અને મહાલવું તે શેં ? બધા જ અવસર સાર વગરના. દીકરા-દીકરીની સગાઈ ટાણે કે મકાનના વાસ્તુટાણે પતિદેવની હાજરી માટે કેટકેટલીય બાધાઆખડી રાખવી પડે. એ પછી આ અભાગણીનાં ભાગ ખૂલે તો તેઓ પ્રગટ થાય. એટલો વળી પાડ માનવાનો કે પોતાના લગ્નનું મુરત સાચવી જાણે નહીં તો ખાંડુ મોકલતા એમને શી વાર…. ઉપરથી પાછો હુકમ, તમતમારે પરણીને આવતાં રહો. આગળ જતાં ‘તમતમારે…..’ એ એમનું બ્રહ્મવાક્ય થઈ પડે. રજા નામની મજા આ લોકોના નસીબમાં નહીં. રિટાયર થયે કેટકેટલી રજા બાતલ જાય. કોટવાલસાહેબ બધી જ જવાબદારી પત્નીની ડોકે વળગાડીને દોડે ગામનો કોટ સાચવવા. એટલે પછી સામાજિક કે કૌટુંબિક પ્રસંગે તો સગાંસંબંધી સાથેય કેટલાં રિસામણાં-મનામણાં ચાલે, કેટલીયે ગેરસમજો ઊભી થાય, સંબંધો વણસવાની અણી પર આવી પહોંચે. આ બધું સાંભળવાનું તો આવે એકલી ઘરવાળીને ભાગે જ, ‘કેમ તમારા ઘરવાળા વગર આખું શહેર ચાલવાનું નથી કે શું ?’ હા, પણ સામે અમ ફોજદારની જમાતવાળા સમદુઃખિયા ભટકાઈ જાય તો પછી ‘આવ ભાઈ હરખા, આપણ બેઉ સરખા’ કહેતાંક અરસપરસ દુઃખ જ દુઃખ વહેંચી લેવાના. સુખ તો ક્યાંથી !

સાજેમાંદે પતિદેવની ગેરહાજરી અચૂક સાલે. દીકરો ક્યારે ઊઘલ્યો અને દીકરીઓ એક પછી એક ક્યારે વળાવી, ક્યારે કોઈ દવાખાને દાખલ થયું, ક્યારે કોઈ ઘરે આવ્યું કે ક્યારે કોઈ સીધું જ સિધાવ્યું ! એ બધું જ એમની ફરજપરસ્તીમાં વહી ગયું. મંજૂર થયેલી રજા એન મોકા પર જ નામંજૂર થાય. કપરો સમય કઠણ કાળજે આ પોલીસાણીને એકલા જ કાઢવાનો આવે. અઠવાડિયાના પરચૂરણ વાર તો સમજ્યા મારા ભાઈ પણ રવિવાર જેવા રવિવારમાં ભલીવાર નહીં. સોનાની મૂરત જેવા સુરત શહેરમાંયે વર્ષો કાઢવા છતાંયે ધમધમતા રવિવારે માનવમેદનીથી ઊભરાતી ચોપાટીની સૂરતનાં દર્શન તો દુર્લભ જ રહેવાના. જ્યાં વાર જ નહીં ત્યાં તહેવાર તે કેવા ? ભરદિવાળીએ પણ આ ઘરવાળીને હૈયે હોળી જ લાગેલી હોય. ભરથાર વગરની દિવાળી કેમ કરીને ભરી ભરી લાગે ? બેસતું વર્ષ સાવ બેસી ગયેલું નીકળે. સપરમો દહાડો ખપ્પરમાં હોમાય. પડવાને બીજે દિવસે પડતી ભાઈબીજે એમની બહેનોના આ પોલીસવાળા ભાઈઓ ‘દૂજ કા ચાંદ’ બની જાય, ઘરમાંથી છૂ. ઘેર ઘેર સાલમુબારક કરીને થાકેલા નગરવાસીઓ એ રાતે નિરાંતે ઘોડા વેચીને સૂઈ જાય પણ ચોરભાઈ તો એમના ઘરના ઘોડા વેચી મારે. ભાઈબીજની સવારે હોહા થઈ જાય અને પટ્ટાનું બક્કલ બીડતી તબડક તબડક ઘોડા દોડાવતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હોય. તોપણ હંમેશાં ‘મોડેથી પહોંચતી પોલીસ’ આવું ભળતું ચિત્ર કેમ ભલા ચીતરવામાં આવતું હશે ?

આ બદનસીબ પત્નીના પતિનો બંદોબસ્ત બારે માસ ચાલતો જ હોય. નવરાત્રિ હોય કે શિવરાત્રિ, દરેક રાત્રિ આ બિચારી માટે તો કાળરાત્રિ. થાણેદારસાહેબને થાણું મળ્યું હોય ઉજ્જડ વગડામાં, નવી નવેલી દુલ્હનની શરદપૂનમ બની જાય દરદપૂનમ ! બાર વર્ષે બાવો બોલે તેમ નાટકસિનેમા જોવાનો ક્યારેક વારો આવે. શી વાતે સજીધજીને તૈયાર થઈને આ પોલીસાણી નીકળે, બારણાંને તાળું વાસીને ઝાંપાની સાંકળ ચઢાવીને ગાડી તરફ એનાં પગલાં ધપતાં હોય ત્યારે જ ગયા જનમનો વેરી વાયરલેસ ફોન ધણધણી ઊઠે. સાહેબ તો રમરમાવીને જીપ મારી મૂકે (ડ્રેસ તો ગાડીમાં જ લટકતો હોય) અને મેમસાહેબ વીલે મોંએ ‘બૅક ટુ પૅવેલિયન’, ઘરે પાછાં. આમ તો અમારા ભાગે આવેલાં ચોઘડિયાંમાં કાળ, અશુભ, રાગ, ઉદ્વેગ વગેરે જ મુખ્યત્વે હોય પણ ક્યારેક કોક શુભ ચોઘડિયું ભૂલેચૂકે આવી ચઢ્યું હોય, છેલ્લા ‘શૉ’માં સિનેમા જોવા જવાની તૈયારી હોય, પાસા પોબાર પડતા હોય તેમ ગાડી ગલીની બહાર નીકળીને મુખ્ય રસ્તા પર આગળ દોડતી પણ હોય અને ત્યાં જ વાયરલેસની મોકાણ મંડાય. સૂમસામ રસ્તાની વચ્ચોવચ અંધારામાં જ નિર્દયી સાહેબ રાંક મેમસાહેબને ઉતારી મૂકે, રિક્ષા કરી આપવા પણ ના રોકાય, ‘વૈદર્ભી વનમાં વલવલે !’

એમનો કોઈ સમય પત્રકમાં પુરાય નહીં એવો. પણ ક્યારેક વળી સાહેબ ઘરે વહેલા આવી ચઢે તો ફાળ પડે કે ક્યાંક એમને ડિસ્ટ્રિક્ટ પર તો જવાનું નહીં હોય ને ? હમ. હવે પાછી કેટલા દિવસની કિલ્લાબંધી, એ પૂછવાની હામ તો નાવલિયા સામે ક્યાંથી ભીડવી ? એટલે પછી કોક નવોઢા પછવાડે ઊભી રહેલી જીપના ડ્રાઈવરને ચા આપવાને બહાને જઈને સહજ ભાવનો ડોળ કરીને આડકતરું પૂછી લે કે હેં, ભાઈ કેસ ડિટેક્ટ છે કે અનડિટેક્ટ ? અનડિટેક્ટનો અણગમતો જવાબ સાંભળીને ઢીલાં ગાત્રો સાથે પોતે પતિદેવની બૅગ ભરવાની તૈયારીમાં લાગી પડે. ડિટેક્ટ કેસમાં પતિદેવ સાંજે જ ઘરે પાછા આવી જાય પણ અનડિટેક્ટમાં ખૂનકેસમાં ત્રણેક દિવસ અને ઘરફોડ ચોરીમાં પાંચેક દિવસની પાછી કોટબંધી પાક્કી. ત્યારથી મીટ માંડીને બેઠેલી નવોઢાની એ આશા વર્ષોનાં વર્ષો પછી પણ છેલ્લે એ જ મીટ માંડેલી નજરે પ્રાણ ત્યાગતી હોય. પતિના હાથમાંનો ચમકતો રાષ્ટ્રપતિ ચંદ્રક ઘરમાંનું અંધારું દૂર કરી શકતો નથી.

પહેલાના વખતમાં બૉંબાર્ડિંગ થતું હોય, શહેર આખું ને આખું ખાલી થતું હોય, વેરાન વગડામાં આવેલી બંગલીમાં નાનાં બાળબચ્ચાં સાથે એકલું કેમ રહેવાય, તો પતિને આવા કપરા ટાણે એકલા મૂકીને કેમ જવાય ? જીવીશું-મરીશું સાથે જ. ખૂનખાર ધાડપાડુઓનાં કોતરોમાં આવેલ સાવ અંતરિયાળ એવા ગામ પર ત્રાટકવાની પૂરી તૈયારી કરીને સાહેબ નીકળી પડ્યા છે. એમની પૅન્ટ સાથે પટ્ટો પણ હતો અને પટ્ટા સાથે રિવૉલ્વરનું કેસ પણ લટકતું હતું પણ આ શું ? અંદરની રિવૉલ્વર તો ઘરે ટેબલ પર જ મોં વકાસતી રહી ગઈ છે ! જરા વિચારી જુઓ કે એ અર્ધાંગનાને માથે કેવા કેવા અમંગળ વિચારો ઘેરાયા હશે ? શહેરમાં હુલ્લડો ફાટી નીકળ્યાં હોય, સળગતા કાકડા ફેંકાતા હોય, પથ્થરમારો ચાલુ જ હોય, સામસામે ગોળીબાર થતા હોય અને ત્યારે ભરપચીસીમાં તરવરતો કોક કર્તવ્યપરાયણ પોલીસવાળો સામા ઘા ઝીલતો ફના થાય છે. ઘોડિયામાં રમતા બાળક સાથેની માંડ વીસીએ પહોંચેલી ગામડાગામની એ વિધવાની તે શી હાલત ? જેનો પતિ ગળામાં પેસી ગયેલા છરા સાથે આજે પણ નજર સામે જીવતો છે એ પત્ની ઓથારના કેવા ઓછાયા હેઠળ જીવી હશે ? તોફાનો ફાટી નીકળે, શહેર ભડકે બળે, ઘરે પણ ધમકીભર્યા કેવા નનામા ફોન આવે ! બાળકોને પડખામાં ઓર નજીક સેરવીને રાત આખી કેવી અપલક વિતાવવી પડે. બહાર બેઠેલો પેલો એકાદો ઑર્ડરલી પણ શું કરી શકે ! ત્યારે ટ્વેલ્વ બોર ચલાવતાં શીખવું પણ પડે.

આવી ચિંતાજનક પરિસ્થિતિમાં ઘરે એકલાં બેઠેલાં ઘરવાળાં કેટકેટલી આશંકાથી ઘેરાયેલાં હોય…. સવારે મોકલાવાયેલાં ટિફિનો મોડી રાત્રે એમ ને એમ પાછાં ફરતાં હોય. શહેરમાં હોય કરફ્યુ, લારીગલ્લા કાંઈ જ ખુલ્લું ના હોય… જીપમાં સાહેબોની સાથે જ રાતદિવસ ફરજ બજાવનારા ડ્રાઈવર, વાયરલેસ, ઑપરેટર, ટિયર-ગૅસમૅન વગેરે પણ સાહેબની જેમ જ ભૂખ્યા હોય. પછી અમ ઘરોમાં મધરાતે કૂકરની સીટી વાગે, વઘારના છમ્મકારા થાય. શરૂ શરૂમાં સોસાયટીવાળા ભરઊંઘમાંથી સફાળા જાગી જાય. જોકે પછી તો ટેવાતા જાય. પોલીસ નામનું પ્રાણી આપણી પડોશમાં રહેવા આવ્યું છે એ જાણીને નાકનું ટીચકું ચઢાવનારા પડોશીઓ આ પ્રાણીને નજીકથી નિહાળીને એનાથી હેવાતા જાય. આ પોલીસને ‘પોલિશ’ શબ્દ સાથે આડવેર હોવાની પ્રચલિત માન્યતાના મૂળમાં તો ભોગવવી પડતી આવી બધી હાલાકી પણ ખરી જ. બાળકોએ અઠવાડિયા સુધી પપ્પાનું મોં જોયું ના હોય. ઘરમાં બધાંનો જીવ પડીકે બંધાયો હોય કે ક્યારે એક વાર શહેરમાં શાંતિ સ્થપાય. દરેક પોલીસવાળાના બાળકોની સર્વસામાન્ય એક જ ફરિયાદ હોય કે અમારા પપ્પાને અમારા કરતાં એમની નોકરી વધારે વહાલી. આ બાળકોની માતાની પણ એવી જ કાંઈ ફરિયાદ હોય, ‘તમને વહાલી તમારી નોકરી, અમને વહાલો તમારો જીવ, ગુલાબી કેમ જાશો ચાકરી !’

ગમે તેટલા મળતા માલમલીદા પતિ વગર શા માલના ? હા, ઑર્ડરલીની મજ્જા. સાહેબ કરતાં મૅમસાહેબના ઑર્ડરની જે લે-મૂક કરે તેનું નામ ‘ઑર્ડરલી’. સાહેબનાં બિલ્લા-બક્કલ કરતાં પણ બાઈસાહેબનું ઘર ચમકાવાનું કામ એમનું. આવી કાંઈકેટલીય સાહેબી ભોગવી ચૂકેલાં બાઈસાહેબોને પતિની નિવૃત્તિ પછી લસણ ફોલતાં નખમાં પડે નસ્તર અને આંખમાં ઊડે કસ્તર. આથી કરીને કેટલીક શાણી પોલીસાણીઓએ નામદાર સરકારશ્રીને એક સુફિયાણી અરજ કરેલી કે નોકરી દરમ્યાન ત્રણ ત્રણ ઑર્ડરલીમાંથી એકાદો ઓછો હશે તો ચાલશે. પણ નોકરી પૂરી થયા પછી આપશ્રી એક ઑર્ડરલી તો જરૂર ફાળવશોજી. પણ રાબેતા મુજબ હજી સુધી કોઈ નક્કર પગલાં લેવાયાં નથી.

હવે તો કોઈ આ દુઃખિયારી સામે રહેમનજરે જોશેને, મે આઈ હેલ્પ યૂ ?

[કુલ પાન : 168. કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “હમરો દરદ ના જાને કોઈ – અરુણા જાડેજા”

Copy Protected by Chetan's WP-Copyprotect.