સપોર્ટિંગ એન્જિન – મુર્તુઝા પટેલ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ મુર્તુઝાભાઈનો (ઈજિપ્ત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે netvepaar@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]…ને[/dc] થોડી જ વારમાં કરજત સ્ટેશન પર બીજું ‘સપોર્ટિંગ એન્જિન’ પણ જોડાઈ ગયું અને મુંબઈ-પૂના લોકલે તેની સ્પિડ પકડી લીધી. કુદરતના ખોળે અવનવા નેચરલ ઘાટીલા દ્રશ્યોની અસલ ફિલ્મ બસ આંખની સામે જ પસાર થવાની શરુઆત થઈ રહી હતી. તે સાથે એક પછી એક નાના-મોટા ટનલ્સ આવવાની હારમાળા પણ પસાર થઈ રહી હતી. એ જોવા મારું મન તો બારીની બહાર નીકળી ચૂક્યું હતું.

પણ ત્યાં જ અચાનક….
‘અબે સાલે તેરેકો દિખતા નઈ હૈ ક્યા?- અંધા હૈ?’
મારી સીટ નજીક જ આવેલા મુખ્ય દરવાજા પરથી એક માણસ બહારથી અંદર આવવાની ભરપૂર કોશિશ કરી રહ્યો હતો, જ્યારે દરવાજા પાસે ઉભેલાં કેટલાંક નવજુવાનો તેને અંદર ન આવવા દેવા માટેની મથામણ કરતાં હતાં. પરંતુ પેલો તો જાણે મુન્નાભાઈની ગેંગનો સભ્ય હોય એમ ધક્કામુક્કી કરી કશાય ડર વિના અંદર ઘુસી જ આવ્યો. એ અંદર તો આવ્યો પણ તેની સાથે કેટલીક બાબતો બહાર પણ આવી ગઈ જેમ કે… એના મોમાંથી કીડા છાપ ગાળો, જમણા હાથની મુઠ્ઠીની ફેંટબાજી, રોકનાર જુવાનનું ગંજી અને પાછલાં દરવાજા પરથી તેના બીજાં કેટલાંક સાગરીતો…વગેરે…વગેરે…

ભારતમાં આવું નાનકડું ટ્રેઈન(અને ટ્રેઈન્ડ) યુદ્ધ સર્જાતું રહે એ તો સામાન્ય બાબત છે. ખરું ને ? ખેર, પછી શરુ થઈ અશાંત જુવાનીયાઓની યુદ્ધ-શમન પ્રક્રિયા અને શાંત બેસેલાં મુસાફરોની આંતરિક પ્રતિક્રિયા. મામલો થોડી લાંબી વારે કાબુમાં આવ્યો. આમાં લ.સા.અ (લઘુત્તમ સામાન્ય અવયવી) એટલો નીકળ્યો કે.. ‘ભાઈ’ને ‘અંધા હૈ?’ શું કામ કહેવામાં આવ્યો !!!?
બસ… તો વાત પતી ગઈ ? – ના. હવે શરૂ થઈ.

બોગદાંઓની સફર તમામ કરી લોકલ ટ્રેઈન લોનાવલા સ્ટેશને ઉભી રહી અને થોડી જ મિનીટ પછી તેનું ‘સપોર્ટિંગ એન્જિન’ છુટું પાડી ધીમેથી ઉપડવા પણ લાગી ગઈ. એ સમયે હાથમાં લગભગ 10-12 પુસ્તકો અને થોડાંક વધુ મેગેઝિન્સનો સપોર્ટ લઈ ભીડ ચીરી એક જુવાન સુરદાસ ક્યાંકથી અંદર આવી ગયો હતો, હાથમાં ન કોઈ લાકડી કે મનમાં ન કોઈ કોલાહલ કે મોંથી ન તો કોઈ માંગણી. માત્ર ધીમી ચાલની સભ્યતા સાથે એ ધીમે ધીમે આગળ પસાર થઈ રહ્યો.
‘બોસ ! એક સ્ટારડસ્ટ દેના….’
મારી સામેની સીટ પર બેસેલાં એક સજ્જનનો ઓર્ડર છૂટ્યો. શક્ય છે કે બહારના નયનરમ્ય દ્રશ્યો જોઈ લીધા બાદ ગ્લેમર મેગેઝિનના દ્રશ્યો જોવાની લાલચ થઈ આવી હોવી જોઈએ. સુરદાસે તો પેલાં પુસ્તકોના નાનકડાં ટાવરમાં રહેલા મેગેઝિન માળમાંથી મંગાયેલી એ જ મેગેઝિન બહાર કાઢીને સજ્જનના હાથમાં થમાવી દીધી. આસપાસના લોકોને શું અસર થઇ એની મને બહુ પડી ન હતી.
પરંતુ મેગેઝિન કાઢવાની એ જોયેલી બાબતે મારા દિલ અને દિમાગને થોડું હલાવી દીધું. મારાથી સૂરદાસભાઈને પૂછાઈ ગયું કે :
‘દોસ્ત, ઈતની સારી બુક્સ, મેગેઝિન્સ લેકર ઘુમતે હો તો ઉસકા સ્થાન કહાં પર હૈ યહ કૈસે પતા કર લેતે હો ?’
‘ભાઈસાબ ! મૈં સુરદાસ જરૂર હું પર દેવદાસ નહીં… ઈસ લીયે…સિર્ફ નઝર રખતા હું…’ – સેકન્ડ્સમાં જ સ્માઈલ સાથે સૂરદાસે સવાલનો સૂર (લા)જવાબ સાથે પૂરી દીધો.

…ને બસ…..ત્યારે મારી સાથે બીજાં ઘણાં મુસાફરોને એક ‘અંધ’ અને એક ‘દ્રષ્ટિહીન’ બંને સાથે જોવાયાં. એક ‘સપોર્ટિંગ એન્જિન’ સાથે અને એક ‘સપોર્ટિંગ એન્જિન’ વિના.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “સપોર્ટિંગ એન્જિન – મુર્તુઝા પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.