આ વર્ષ કેવું જશે ? – હરેશ ધોળકિયા

[ સો એ સો ટકા સાચું જ પડે એવું ભવિષ્ય ફળકથન બતાવતો આ લેખ ‘ભૂમિપુત્ર’ સામાયિક જાન્યુઆરી-2012માંથી સાભાર લેવામાં આવ્યો છે.]

[dc]ફ[/dc]રી એક નવું વર્ષ શરૂ થયું.
ટી.વીના કાર્યક્રમો વીતેલા વર્ષને, તેની વેદનાઓને વિદાય આપે છે અને નવું વર્ષ વિશ્વને નવી આશાઓ આપશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરે છે. વર્તમાનપત્રો પણ આવું જ કંઈક કરતાં હોય છે. નવું વર્ષ શરૂ થાય ત્યારે આપણને વિચાર તો આવી જ જતો હોય છે કે આ વર્ષ જશે કેવું ? આપણે આશા મિશ્રિત શંકાની નજરે કેલેન્ડર સામે જોઈએ છીએ…. અને દરેક દિવસ એવો વિચિત્ર રીતે, આકસ્મિક રીતે અને ખૂબ ઝડપી જાય છે કે તે નક્કી નથી કરી શકતા કે હવેના દિવસો કેવા જશે ! ત્યારે એવું કેમ નક્કી કરી શકાય કે નવું વર્ષ કેવું જશે ? કોઈ ઘટના વિશે ભવિષ્ય તો ભાખી ન શકાય, પણ પાછલા વર્ષના બનાવો પર નજર કરી વિચારતાં અને માનવવિકાસને નિહાળતાં કેટલુંક અનુમાન કરી શકાય કે નવું વર્ષ કેવું જશે.

પહેલી ભવિષ્યવાણી તો છાતી ઠોકી ઠોકીને કરી શકાય કે વિશ્વભરના ગરીબો માટે આવતું વર્ષ આગળનાં વર્ષ જેવું જ- કદાચ વધારે ખરાબ જશે, કારણ કે એ તો સ્પષ્ટ દેખાય છે કે વિશ્વના દરેક દેશના નેતા અને નાગરિકોને એક જ ઈન્દ્રિય રહી છે – પૈસા કેમ વધુ મેળવવા ! કેમ તે ખૂબ વાપરવા ! હવે મૂડીવાદ નગ્ન નાચ કરવા માંડ્યો છે. તેના સિદ્ધાંતો આમ તો રૂપાળા દેખાય છે, પ્રેરણા આપે તેવા છે, પણ તેની વાસ્તવિકતા ભૂંડી છે. ‘બધાને સફળ થવાની તક છે….’ ‘હરીફાઈ કરો અને આગળ વધો….’ દેખાવમાં આ વિચારો સરસ દેખાય છે, પણ માત્ર ‘તક મળે છે’ એમ કહેવાથી બધાને તક નથી મળતી. હરીફાઈ કરવા માટે પાયામાં મૂડી અને શિક્ષણ જોઈએ. જે લોકો ગરીબાઈમાં ઊછરે છે, તેમને બંધારણીય રીતે ભલે સમાન તક આપવામાં આવે છે, પણ તે માટેની પાયાની જરૂરતો તેઓ ક્યાંથી મેળવી શકવાના છે ? હરીફાઈ કરવા માટે પૂરતું શિક્ષણ, જરૂરી નાણાં તેઓ કેવી રીતે મેળવી શકવાના ? એ બધું તો પૈસાદારો જ કરી શકવાના… અથવા સરકારી પૈસે તાગડધીન્ના કરતા કર્મચારીઓ કરી શકવાના અને તેમની હરીફાઈ, તેમના સટ્ટા – જેને ‘સાહસ’ કહેવાય છે – એ બધાનું વિપરીત પરિણામ તો ગરીબોએ જ ભોગવવાનું ! હુલ્લડ-ઝઘડા-ખૂનનું પરિણામ છેવટે તો ગરીબોએ જ સહન કરવાનું હોય છે. નેતાઓ ગરીબી હટાવવાની વાત ગમે તેટલા ઉમળકાથી કરતા દેખાય, પણ ગરીબી ન ઘટે તેમાં જ તેમને રસ હોય છે, કારણ કે આવતી ચૂંટણીમાં તેમના માટે કયો મુદ્દો રહેવાનો ? ગરીબો ભણે તો આવતી ચૂંટણીમાં તેઓ કોને ઠગી શકવાના ? એટલે, ગરીબોની ચિંતા બધા સરકાર કે સ્વૈચ્છિક સંસ્થાઓ – કરશે, તે જીવતો રહે તે માટે પણ બધા પ્રયત્નો કરશે. પણ તે સમૃદ્ધ થાય તેવા પ્રયાસો ભાગ્યે જ કરાશે. કોઈ રડ્યા ખડ્યા લોકો તે માટે ઝઝૂમશે, પણ તેમને સ્થાપિત હિતો કામ નહીં કરવા દે.

એટલે, નવું વર્ષ ગરીબો માટે તો સારું જાય તેવી શક્યતા ઓછી છે. મોંઘવારી કાળઝાળ બનવાની. માટે ગરીબોએ તેમાં શેકાવાનું રહેશે. ગરીબોએ આ વર્ષ દરમ્યાન પણ વચનો, સૂત્રો, મફત ભોજન કે કોઈ દાનના ટુકડા સિવાય કોઈ આશા ન રાખવી.

મધ્યમ વર્ગનું વર્ષ વિચિત્ર જશે. મધ્યમ વર્ગ એ તરુણાવસ્થામાં જીવતા યુવાન જેવો વર્ગ છે. બાળપણ છૂટી ગયું છે અને યુવાની હજી આવી નથી. તેમ ગરીબાઈ ભલે રહી નથી, પણ ધનવાન પણ નથી થવાયું. ધનનાં સતત સ્વપ્નાં જોવાનાં અને સતત સ્વપ્નભંગ થયા કરવાનો ! મધ્યમ વર્ગના મનને મોટી પાંખો આવી છે, પણ તેમનાં ખિસ્સાંને હજી પાંખો નથી ફૂટતી ! હવે તેમને આગળ વધવા ‘લોન’ વગેરે સગવડો છે, તે તેમનાં સ્વપ્નાં પૂરાં કરે છે, પણ તે ભરવાની હાયવોય સ્વપ્નાંની સાંકળ બની જાય છે. સ્વપ્નું સાકાર થયા પછી તેના દેવામાંથી મુક્ત થવા તે જિંદગીભર દોડતો રહે છે, કુટુંબને પણ દોડાવે છે. અલબત્ત, તે ગરીબ કરતાં સુખી છે. કદાચ વૈભવ પણ ભોગવે છે. પણ ગરીબને જે નિશ્ચિંતતા છે- પરિણામે તે ફૂટપાથ પર આરામથી સૂઈ શકે છે તેવી નિશ્ચિંતતા મધ્યમ વર્ગના માનવીને નથી. તે પ્રગતિની દોડમાં સતત હાંફે છે. બિરલા-ટાટા-અંબાણી સામે સતત જોયા કરે છે, હંમેશ એરોપ્લેનમાં ફરવાનાં સ્વપ્નાં જોયા કરે છે… પરિણામે જ્યાં છે તેનો આનંદ માણી શક્યો નથી. નથી તેની પાસે ગરીબની નિયતિની નિશ્ચિતત્તા કે નથી ધનવાનના આરામની શક્યતા ! તે બે વચ્ચે હડદોલા ખાધા કરે છે. એટલે, આ બધાને કારણે તે વધારે પ્રગતિશીલ થવા દોડશે. વધુ પૈસા કમાવા પ્રયાસ કરશે. સંતાનોને ધનવાનોનાં બાળક જેવાં બનાવવા પ્રયત્ન કરશે. આ બધાની તાણમાં તેનું આખું વર્ષ અભાન રીતે પસાર થઈ જશે. તે સમગ્ર વર્ષ જેમ હાડકું ચાવતો કૂતરો પોતાના જ લોહીનો સ્વાદ તે હાડકાનો સ્વાદ છે એમ માની ખુશ થાય છે, તેમ ખુશ થશે.

તો પછી, પ્રગતિશીલ, પૈસાદાર, સફળ લોકોનું વર્ષ તો સારું જશે એવી તો આશા રાખી શકાય ને ! બાહ્ય રીતે હા. તેઓને ખૂબ સુખ-સગવડો મળશે. તેમનો પૈસો વધતો જ જશે. પૈસો ખૂબ વાપરશે અને આરામમાં આળોટશે. પણ તો પછી ‘બાહ્ય રીતે’ એમ કેમ કહ્યું ? – એટલા માટે કે સુખ બે છે – બહારનું અને આંતરિક. બહારનું સુખ મેળવવું સરળ છે. તે પૈસાથી ખરીદી શકાય છે. પૈસા વધે તેમ નક્કર રીતે આ સુખ ઘરમાં પ્રવેશે છે – સાધનો દ્વારા ! દિન-પ્રતિદિન તે વધારી શકાય છે. પણ આંતરિક સુખ ‘આ’ લોકોને મળશે જ કે કેમ તે ખાતરીપૂર્વક ન કહી શકાય. મોટા ભાગનાને તે મળવાની સંભાવના ઓછી છે. કારણ કે એક વખત સફળતાનો સ્વાદ ચાખી ગયા પછી તે વધારે ને વધારે મળે, તે જળવાય, તે માટે સતત મહેનત કરવી પડે છે. સફળતા તો ત્રિકોણના ઉપલા ખૂણા જેવી છે. જ્યાં જગ્યા બહુ ઓછી છે. અને ત્યાં આવવા મથતા લોકોની સંખ્યા પુષ્ક્ળ છે. માટે ત્યાં ધક્કામુક્કી છે. એટલે ત્યાં બેસવા-ટકવા ખૂબ શ્રમ કરવો પડે છે. આ શ્રમ તાણ ઉત્પન્ન કરે છે. અને તાણ, બનતાં સુધી, સુખ આપી શકતી નથી. તેવી જ રીતે પૈસાદારોને વધારે પૈસા મળે ત્યારે એક નવી વૃત્તિ ઉત્પન્ન થાય છે – વધારે પૈસા મેળવવાની ! આખી જિંદગી આરામ કરે એટલું ધન હોવા છતાં વધારે પૈસાનો મોહ જાગે છે. છે તેટલા પૈસા પણ નથી વાપરી શકવાના તે જાણવા છતાં વધુ કમાવા દોડે છે. તેનું કારણ એ છે કે તે તુલનામાં જીવે છે. પેલા ‘અ’ પાસે એક કરોડ છે. માટે મારી પાસે બે કરોડ તો હોવા જ જોઈએ…. બસ ! આ ‘ગાજર’ દોડાવે છે. માટે તેની પાસે શાંતિથી બેસવાનો, હરવા-ફરવાનો સમય હોતો નથી. હા, તે હરે-ફરે છે. પણ ત્યાં પણ ‘બીઝનેસ’ નામનો ગેસ ઘૂસી જાય છે અને તેને બેભાન બનાવી દે છે. માટે તેમનું વર્ષ પણ સરસ જ જશે એવી ખાતરી આપી શકાતી નથી.

તો પછી બધાનું વર્ષ ખરાબ જ જશે, નકામું જશે ?
ના, એવું પણ નથી. સાચી વાત તો એ છે કે વર્ષ સારું જવું કે ખરાબ, એ બાહ્ય ઘટના કરતાં આંતરિક સ્થિતિ અને સમજ પર વધારે આધારિત છે. કેલેન્ડરનાં તારીખિયાં ફરતાં જાય, દિવસો ઘટતા જાય, માટે સુખ-દુઃખ વધતું-ઘટતું નથી. સુખનો આધાર ધન-ફર્નિચર-પાસબૂક-સફળતા… કશા પર નથી. સુખ તો વ્યક્તિગત માનસિક ઘટના છે. તેને 2001…. 2010…. 2015…. કશા સાથે સંબંધ નથી. ગરીબો માટે તો સ્પષ્ટ કહી ન શકાય, પણ જેઓ ઠીક ઠીક સુખી મધ્યમ વર્ગના કે ધનવાન છે, તેમના માટે સુખી થવું અઘરું નથી. તે માટે પ્રથમ ખ્યાલ એ રાખવાનો છે કે સુખ બહાર નથી, અંદર છે- પોતાનામાં છે. બહાર ખડકલો વધે-ઘરમાં કે પાસબૂકમાં- તેથી સુખ વધતું નથી. અથવા ઝૂંપડીમાં રહેવું પડે કે સાધનોનો અભાવ હોય તો સુખ ઘટતું નથી. જો સ્વયંમાં સ્થિરતા હોય, સમજ હોય, વ્યક્તિ પોતાની ચેતનામાં સ્થિત હોય, તો તે ગમે ત્યાં હોય, ગમે તે સ્થિતિમાં હોય, તે સુખી જ રહેવાની. એટલે, સફળ વ્યક્તિ એ છે કે જેણે સ્વયંનો ખ્યાલ મેળવી લીધો છે. ધનવાન એ છે જેને આંતરિક ધન મળી ગયું છે. પ્રગતિશીલ એ છે જેણે બાહ્યથી આંતરિક તરફ ગતિ કરવી શરૂ કરી દીધી છે. વાત ‘સમજ’ની છે. સમજ બહાર દોડવાની ના નથી પાડતી, પણ તે પહેલાં મૂળને સમજી લેવાનું રહે છે. જેમ ક્રિકેટમાં રમવા જતા પહેલાં બેટ્સમેન પેડ્ઝ અને ગ્લોવ્ઝ પહેરી લે છે, જેથી રમતી વખતે દડાની ચોટ ન વાગે. તે જ રીતે ગમે તે કામ કરવા જતી વ્યક્તિ જો સમજનાં પેડ પહેરી લે તો તેને આઘાત-પ્રત્યાઘાત-લાલચ-મોહના દડા વાગશે નહીં. ભલે ને ગમે તેટલા જોરથી પછડાય, પણ તે હસ્યા કરશે. ઈચ્છા થશે ત્યારે ‘રિટાયર’ થઈ જશે- ભલે ગમે તેટલી સારી રમત રમતો હોય.

સમજ કેળવવા જેવો ગુણ છે. ઘણી વાર સાધુ-મહાત્માઓ ઘણો મોટો ઉપદેશ આપી દે છે કે વૈરાગ્ય કેળવો, મોહ છોડો, ત્યાગ કરો….. પણ જો સમજ ન કેળવાય, તો બધું જ વ્યર્થ છે. સમજ વિના આ બધા ગુણો કેળવાય તો અંતે તે નિષ્ફળ જાય છે… અને બધું જ ભોગવાય, કશું જ ન ત્યાગાય, સંસારી જ રહેવાય, પણ સમજનાં ચશ્માં પહેરી લેવાય તો કશું જ નહીં ચોંટે, વળગે. સમજના કારણે સ્પષ્ટ દેખાશે કે દરેક બાબતનું પોતાની જગ્યાએ સ્થાન છે. તેને ત્યાં જ રાખવી. સમજ ‘સપ્રમાણતા’થી જીવવાનું કહે છે. કશું ન છોડવું. કશું ન પકડવું. કારણ કે જેટલું પકડવું વ્યર્થ છે, તેટલું જ છોડવું પણ વ્યર્થ છે ! બસ ! તેને તથ્યની દષ્ટિએ જોવાની જરૂર છે. તેનો ‘જરૂરી’ ઉપયોગ કરવાનો છે. ભાવનાઓને ન બહેકાવવાની, ન સૂકાવવાની ! તેનો સપ્રમાણ ઉપયોગ કરવાનો. તો તે સ્વસ્થ રહેશે. ત્યારે અચાનક ખબર પડશે કે મોંઘવારીનું મૂળ શું છે. સ્વપ્નાંનું મૂલ્ય શું છે. પાસબૂક ક્યાં ઉપયોગી છે અને ક્યાં નથી.

અને સત્ય પ્રાપ્ત થાય ત્યારે વ્યક્તિ મસ્તીમાં આવી જાય છે. તે હવે મોંઘવારીથી હેરાન નથી થતી એવું નથી. પણ સત્ય તેને દષ્ટિ આપે છે. સત્ય તેને વર્તમાનમાં ‘જે છે’ તેનાથી જીવવાનું શીખવે છે. ભવિષ્યનું અવશ્ય ચિંતન કરે છે, પણ તેની ચિંતા નથી કરતી. અને ‘હમણાં’ અને ‘અહીં’ (now and here) ને કોઈ સાલ નથી હોતી ! એટલે, જે વ્યક્તિ ‘સમજપૂર્વક’ જીવશે, તેનું આ વર્ષ – કોઈ પણ વર્ષ – સારું જ જશે.’ એની પાકી ખાતરી આપવામાં આવે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “આ વર્ષ કેવું જશે ? – હરેશ ધોળકિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.