છબી ભીતરની – અશ્વિન મહેતા

[‘શાશ્વત ગાંધી’ સામાયિક ડિસેમ્બર-2012માંથી સાભાર.]

છેલ્લાં બાર-ચૌદ વરસમાં ફોટોગ્રાફી નિમિત્તે મારે દેશવિદેશમાં ઘણું ફરવાનું રહ્યું. નેપાળને ભારતની જ અટારી ગણીએ તો તે સિવાયના દેશોમાં મારે સોળ વાર જવાનું થયું. પરદેશના પ્રવાસોમાં લાંબામાં લાંબો સો દિવસનો તો ટૂંકામાં ટૂંકો પંદરનો. અપ્રગટ કળા-પુસ્તકો માટે લીલયા કરેલા પ્રવાસોનો તો કોઈ હિસાબ નથી. આટલા બધા પ્રવાસોમાંથી કોઈ એક વિશે લખવાને બદલે, જુદાજુદા પ્રવાસોમાં થયેલા અમુક અસાધારણ અનુભવોને બે શીર્ષક હેઠળ રજૂ કરીશ :

[મોંઘેરો મહેમાન : ગાંધીની બલિહારી]
હું ને ગૌરી ઑસ્ટ્રેલિયાની સરકારનાં મહેમાન હતાં. ગૌરી ઑબેરૉય હોટલના ત્રૈમાસિકની તંત્રી ને હું ફોટોગ્રાફર. આઠ દિવસના બસપ્રવાસનો છેલ્લો દિવસ હતો ને સાંજે અમે સિડની પહોંચવાનાં હતાં. લગભગ પાંચેક વાગ્યે ડ્રાઈવરે જાહેર કર્યું કે પહોંચતાં મોડું થશે ને મધરાત પહેલાં હોટેલ ભેગાં થઈશું નહિ. રાતે આઠ- સાડા આઠે, કોંકણની ખાણાવળ જેવી ગામઠી હોટેલ પાસે બસ ઊભી રહી. ડ્રાઈવરે અમને જમવાને રોકડો અડધો કલાક આપ્યો. હોટેલના ડાઈનિંગ રૂમમાં ત્રીસેક જણ ઠલવાયાં તેમાં અમે બે જ અશ્વેત ને પરદેશી હતાં. બધાંએ પોતપોતાના ઑર્ડર નોંધાવ્યા અને થોડી વારમાં જાતે ખાવાનું લાવીને જમવા મંડ્યાં. મેં જોયું કે હોટેલનો માલિક મને કંઈક જુદી રીતે જોતો હતો. મારો નંબર આવ્યો છતાં મને ખાવાનું નહોતો આપતો. મેં એને બે વાર તો ટકોર્યો પણ એણે સાંભળ્યું ન હોય એવો ડોળ કર્યો. રહેવાયું નહિ એટલે ગુસ્સે થઈને હું ચાલવા માંડ્યો. એણે માણસ મોકલીને મને પાછો તેડાવ્યો. ખૂણાના એક ટેબલ પર બેસાડીને કહે, તમે તો મારા મોંઘેરા મહેમાન છો. મેં કહ્યું કે હા, એ તો દેખાય જ છે ને. બધાંનું ખાવાનું આવી ગયું પણ તેં મને લટકાવી રાખ્યો છે. એટલે કહે, જરા નવરો પડું ત્યારે તમને જમાડું ને ? મેં કહ્યું, મને કંઈ સમજાતું નથી. ત્યારે કહે, મારી હોટલમાં ગાંધી ક્યારે ? હવે ઘટસ્ફોટ થયો ! ‘ગાંધી’ ફિલ્મ જોઈને ભાઈ ગાંધીજીના ભગત બની ગયેલા અને હું કંઈક બૅન કિંગ્સલી જેવો લાગું છું. એટલે એણે મને જાતે પીરસીને જમાડ્યો ને પૈસા ન લીધા તે ન જ લીધા.

[ગાંધી માટે કોણ શું ન કરે ?]
સિંગાપુર એરલાઈન્સ માટે હું ન્યૂયૉર્કના ફોટા પાડી રહ્યો હતો. કુખ્યાત બેંતાલીસમી સ્ટ્રીટ અને આઠમા ઍવન્યૂના નાકા પાસે એક હબસી-અમેરિકન જૂનાં અપ્રાપ્ય પુસ્તકો ને સામાયિકો ફૂટપાથ પર વેચતો હતો. દુકાનદારની આકૃતિ ને કદ બિહામણાં હતાં. ફોટાના સંયોજન (કંપોઝિશન) માટે એનું અમુક જગ્યાએ ઊભા રહેવાનું જરૂરી હતું. હું વિમાસણમાં હતો કે મારે એને ખસવાનું કહેવું કે નહિ. એ સમજે નહિ ને આડો ફાટે તો વાત સાવ જ વણસી જાય. કોણ જાણે કેમ પણ એ મારી મૂંઝવણ સમજી ગયો. મને પૂછે, તમને હું કંઈ મદદ કરી શકું છું ? મેં એને સમજાવ્યું ને ફોટા પડી ગયા. કૅમેરાબૅગનાં બટન બંધ કરતાં-કરતાં મેં એને પૂછ્યું કે તને એવું તે શું થયું કે તું મને મદદ કરવા તૈયાર થઈ ગયો ? હત્તારીની ! આ તો પાછી ગાંધીની જ બલિહારી ! આગલા વરસે ‘ગાંધી’ ફિલ્મને આઠ ‘ઑસ્કાર’ મળ્યા હતા અને આ હબસી ગાંધીજીનો પ્રશંસક હતો. મને કહે, ગાંધી માટે કોણ શું ન કરે !

[હું ગાંધી નથી !]
ઉપર નોંધી ઘટના પછી, ન્યૂયૉર્કની મોટી પંચતારક હોટેલમાં મારે એક પ્રકાશક બાઈ સિન્થિયા સાથે ‘લંચ-મીટિંગ’ હતી. અમે બન્નેએ મનોમન પોણાથી એક કલાક ફાળવેલો પણ વાતવાતમાં અઢી કલાક નીકળી ગયા ! એક પછી એક વાનગી (કોર્સ) આવતી ગઈ પણ પેટ સુધી માંડ બેત્રણ મોટા ચમચા પહોંચ્યા હશે. સિન્થિયા કહે, મારે એક બીજી મીટિંગ છે. લાખેક ડૉલરનો સોદો થાય એમ છે એટલે મારતી ટૅક્સીએ જવું પડશે. મેં કહ્યું, ‘મને કકડીને ભૂખ લાગી છે. ગાજરની કેક ને ઈટાલિયન કૉફી ‘કાપુચીનો’ પીધા પછી જ હું તો ઊભો થઈશ.’ બિલ ચૂકવીને સિન્થિયાએ જેવો હૉલની બહાર પગ મૂક્યો કે મારા ટેબલની આસપાસ પિરસણિયાઓનો મેળો જાણે જામી ગયો. મને થયું, નક્કી આ ટેબલનું બૂકિંગ હોવું જોઈએ ને મારે જરા ઉતાવળ કરવી જોઈએ. ત્યાં એક અશ્વેત પિરસણિયાને બંગાળી માનીને મેં બાજુમાં બોલાવ્યો. કલકત્તામાં રહેતા મારવાડીઓની હિંદી-બંગાળીમાં એને પૂછ્યું કે આ બધો જમેલો શાનો છે ? એ બાંગ્લાદેશી મુસલમાન નીકળ્યો. ‘તમે ગાંધી જેવા લાગો છો ને એટલે તમને જોવા, તમારી ‘સેવા’ કરવા, બધા ભેગા થયા છે.’ એકે હસ્તાક્ષર માગ્યા. મેં કહ્યું, ‘બાય ગૉડ, હું ગાંધી પણ નથી ને બેન કિંગ્સલી પણ નથી. છતાં તને ‘અશ્વિન મહેતા’ ચીતરી આપવામાં મને વાંધો નથી.’ માનું છું કે ‘ગાંધી’ ફિલ્મને દસ-બાર વરસ તો સહેજે થયાં હશે, અને છતાં……..

[મહાત્મા જ એ કરી શકે]
ભારતનો જન્મ થયો 1947ની 15મી ઑગસ્ટે અને ગોડસેએ ગોળી મારી 1948ની 30મી જાન્યુઆરીએ. ભારતના વિભાજન પછીના વરસમાં, ગાંધીજીને ઈઠ્યોતેરમું ચાલતું હતું. હજારો હિંદુ-મુસલમાનોની ત્યારે કતલ થયેલી ને લાખોનાં દેશાંતર. ગાંધીજી બંગાળની પદયાત્રા કરતા હતા. ભારતીય બંગાળમાંથી પાકિસ્તાની બંગાળના (આજના બાંગ્લાદેશના) નોઆખલી વિસ્તારમાં ફરતા હતા. એમની આસપાસ ચાલતાં રમખાણો ગાંધીજીથી જોવાતાં નહોતા, સહેવાતાં નહોતાં ને સમજાતાં નહોતાં. લોકો મારું કેમ સાંભળતા નથી, શું હું સંપૂર્ણપણે નિર્વિકાર નથી થયો, મારામાં કોઈ આસક્તિ રહી ગઈ છે, એવા-એવા વિચારો એમને સતાવતા. એમની આંતરિક મૂંઝવણ ને વેદનાનો પાર નહોતો. વધારામાં, ગાંધીજી ભયંકર લાચારી અનુભવતા હતા. તેવામાં પોતાની પરીક્ષા કરવાનું એમને શું સૂઝ્યું કે એક જાહેરાત કરી બેઠા. મનુબહેન સાથે એક પથારીમાં નિર્વસ્ત્ર સૂશે અને સૂતી વખતે મનુબહેન પણ કપડાં કાઢી નાખશે ! મનુબહેન ગાંધીજીના ભત્રીજાની દીકરી હતાં ને પચાસ-પંચાવન વરસ નાનાં. પદયાત્રામાં ઘણા કપરા સંજોગોમાં બાપુનું ખાવાપીવાનું સંભાળતાં ને રહેવા-સૂવાની વ્યવસ્થા કરતાં. દેશભરના ગાંધીભક્તોને આ નિર્ધારે હચમચાવી મૂકેલા. ગાંધીદ્વેષી વિરોધીઓ માટે ગાંધીજીને હીણવવાની આ સુવર્ણ તક હતી.

સ્વામી આનંદ ગાંધીજી કરતાં ઓગણીસ વરસે નાના હતા ને કિશોરલાલ મશરૂવાળાના ગુરુ કેદારનાથજી ચૌદ વરસે. ગાંધીજીને મળ્યા તે પહેલાંના બન્ને એકબીજાને ઓળખતા. સ્વામીને નાથજી માટે અસાધારણ માન હતું. ગાંધીજી બન્નેનું સાંભળતા ને પોતાના ‘યુવાન’ મિત્રોને સાચા સાધુ તરીકે ઓળખતા. સ્વામી ને નાથજી છાનામાના નોઆખલી ગયેલા ને ગાંધીજીને કંઈક આવી સલાહ આપેલી : કોઈ રંગારો દસ ફૂટ ઊંચા ને સો ચોરસ ફૂટ લાંબા-પહોળા ઓરડાને ચૂનો ધોળવા એક કૂચડો વાપરે ને કામ પૂરું થયે ફેંકી દે. તો કૂચડાએ એવું નહીં વિચારવું જોઈએ કે મને કેમ ફેંકી દીધો. ઈશ્વર પોતાની અચિંત્ય યોજના પ્રમાણે દરેક માણસ પાસે મુકરર કામ કરાવીને એને કોરે મૂકે છે. માણસ મૂરખો છે કે ઈશ્વરેચ્છાને અવકૃપા માને છે. તમારી મારફત ભારતને સ્વતંત્રતા અપાવી અને હવે તમને કોરાણે મૂક્યા છે. તમારું કોઈ સાંભળતું નથી, તમે કશું કરી શકતા નથી. તે યોગ્ય જ છે. ભલા થઈને ‘નિમિત્તમાત્રમ ભવ સવ્યસચિન’નો કૃષ્ણબોધ (ભ.ગીતા 11.33) સમજો, સ્વીકારો અને અંતરમાંથી જે ઊઠે ને સૂઝે તે કર્તૃત્વના ભાવ વગર સહજ રીતે કરો.

ગાંધીજી આ વાત સમજી ગયા ને પાછા વસ્ત્રો પહેરી પૂર્વવત જુદા સૂતા થયા. મહાત્માથી સહેજ કાચો માણસ પકડેલું પૂંછડું કદી છોડી શકતો નથી.

(નોંધ : ચાર-પાંચ વરસ અગાઉ મેં નારાયણભાઈ દેસાઈને ઉપલો પ્રસંગ કહ્યો હતો. એમણે કહેલું કે પ્યારેલાલના ‘લાસ્ટ ફેઝ’માં આ પ્રસંગનો આડકતરો ઉલ્લેખ છે. મુંબઈથી આવેલી બે વ્યક્તિનાં નામ આપ્યાં નથી ને કરેલી વાતચીત પણ લખી નથી. નારાયણભાઈએ પુસ્તક વાંચતી વખતે બેમાંથી એક વ્યક્તિ સ્વામી હશે એવું અનુમાન કરેલું !)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “છબી ભીતરની – અશ્વિન મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.