જીવનરંગ – સંકલિત

[1] લાઈફ ઑફ પાઈ – પ્રણવ ત્રિવેદી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે પ્રણવભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pranav.trivedi@sbi.co.in સંપર્ક કરી શકો છો.]

હમણાં રજૂઆત પામેલ આ ચલચિત્ર લગભગ સૌએ જોયું હશે. પ્રાથમિક દ્રષ્ટિ એ એક કથાનક અને ત્રિ-પરિમાણીય રજૂઆતથી એક મનોરંજક ફિલ્મ લાગે પરંતુ ઈશ્વર અંગે થતાં પ્રશ્નો અને અલગ અલગ ધર્મમાં અલગ અલગ માન્યતાઓ વચ્ચે ઉભરતું એક સનાતન સત્ય એ આ સમગ્ર વાર્તાનું હાર્દ લાગે છે. વિચાર કરતાં એવું લાગે કે કેટલી બધી વાતો આ બે કલાક ની વાર્તામાં સમાવી લેવાઈ છે !

વાસ્તવમાં મને તો એ ચલચિત્ર ‘લાઈફ ઓફ આઈ’ (Life of ‘I’) લાગ્યું છે. આ પૃથ્વી પર જન્મતું દરેક માનવ બાળ જે રીતે જીવનના પ્રવાહમાં વહે છે એનું નિરૂપણ હોય એવું પણ લાગે છે. શરૂઆતમાં માતાપિતાની માન્યતાઓ અને અનુભવોના આધાર પર ઘડતર અને પછી પરિવારનું છુટી જવું, દુનિયાના અફાટ સમંદરમાં મર્યાદિત સાધનો વડે ટકી રહેવું એની જ આ વાર્તા નથી શું ? અને એ ટકી રહેવાની મથામણમાં ભય(વાઘ) અને ભય આપનારનું અનાયાસે પોષણ એ આપણો સૌનો અનુભવ છે. જીવનની આ અફાટ જલરાશીમાં સફર કરતાં કરતાં આપણે પણ અનેકાનેક સૂર્યોદય અને સુર્યાસ્ત આપણી આસપાસ જોતા જ આવ્યા છીએ ને ? સમય પસાર થતાં થતાં ચહેરો-મહોરો બદલાય જાય છે અને ગુમાવેલી અનેક ચીજો સામે નવી નવી ઉપલબ્ધીઓ જીવવાનું કારણ બનતી જાય છે. ક્યાંક કોઈક ટાપુ જેવું ઠેકાણું મળી આવે છે તો પણ એના જોખમોને કારણે જિંદગી ત્યાં અટકવા દેતી નથી. અને જીવનની બલિહારી તો જુઓ કે જે ભયને સતત સામે રાખી તમે જીવતા રહ્યાં, સંજોગો સામે લડતા રહ્યા એ ભય પ્રત્યે જ આસક્તિ પણ અનુભવી બેસો છો ! એ એકાંત (Solitude) તમે માણો છો અને એ ભય સાથે જ ખડખડાટ હસી પણ લો છો. અને એક દિવસ અનાયાસે અંત આવે છે એ દિશા વિહીન સફરનો. પેલો ભય ગાયબ થઈ જાય છે અને આપણું અસ્તિત્વ સમયની રેતી પર નિઃસહાય બની રહે છે.

અને વાર્તાના અંતે પણ કેવું સરસ સત્ય સાંપડે છે. દુનિયા તમારી સફરની યાતનાઓ જાણવા ઉત્સુક નથી કે નથી કોઈને રસ તમારી સફરની પ્રાપ્તિમાં. તમે કઈ રીતે લડ્યાં અને કેટલું લડ્યાં એના કરતાં કોનો નાશ થયો એ જાણવામાં લોકોને રસ છે. પેલા પ્રખ્યાત વાક્યનું જાણે તાદશ ચિત્રણ : War does not determine who is right – only who is left.

સમગ્ર ચલચિત્ર કેવો સરસ નિઃશબ્દ સંદેશ આપી જાય છે કે આનંદનો હોય કે ભયનો અનુભવ હોય, તમારો અનુભવ માત્ર તમારો છે. તમારી આસપાસના વિશ્વને કે આસપાસના લોકોને એમાં મનોરંજનથી વિશેષ કોઈ જ દિલચસ્પી હોતી નથી. સરળ અને સાવ નાની વાર્તામાં વિવિધ રૂપકો પ્રયોજીને અધ્યાત્મિકતાની વાતને વણી લેવાના કાબિલે દાદ પ્રયત્ન માટે દિગ્દર્શક અભિનંદનના અધિકારી છે.
.

[2] બંધન નહીં, પણ ચંદન – હર્ષિતા પટેલ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ હર્ષિતાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે hp23477@gmail.com સંપર્ક કરી શકો છો.]

પ્રાચીનકાળથી લગ્નપ્રથાને પરંપરા કે રિવાજના નામે નિભાવવામાં આવે છે. આ પવિત્રબંધનથી જ દુનિયાનું કે સમાજનું ચક્ર અવિરત ચાલ્યા કરે છે. વડીલો દ્વારા આ પ્રથા નિભાવવા પાછળનો ઉદ્દેશ વ્યભિચાર મુક્ત દુનિયાને વસાવવાનો હતો જેને આજના મોર્ડન જમાનામાં ઘણા ખરા લોકો તુચ્છ કે નકામી ગણે છે. હકીકતે વાત એમ નથી. લગ્નપ્રથાને તુચ્છ ગણવી એ સમજનો અભાવ છે. દરેકે પોતાની વિચારશક્તિનો ઉપયોગ કરવો જોઈએ. લગ્નજીવન એ તો સુખનો દરિયો છે, સબંધોનું સમીકરણ છે, દુઃખ વિસર્જનનું ઓસડ છે. લગ્ન એટલે નવા સંબંધો, નવા રિવાજો, નવું વાતાવરણ. આ બધા સાથે સ્ત્રીએ તાલમેલ બનાવવાનો હોય છે. બીજી તરફ પુરુષની જવાબદારી છે કે પત્નીને સાથ આપી, પ્રેમ આપીને પરિવારને સાચવવામાં મદદ કરે. સુખી લગ્નજીવનનો આધારસ્તંભ વિશ્વાસ, પ્રેમ, સન્માન અને પરસ્પરના વૈચારિક સમન્વય ઉપર નિર્ભર છે. લગ્નમાં ઉચ્ચારાતા સપ્તપદીના સાત સુત્રો જો દરેક દંપતી પોતાના જીવનમાં ઉતારે તો ક્યાંય છૂટાછેડાનો પ્રશ્ન જ ન રહે. લગ્ન એ બંધન નહિ પણ ચંદન છે, જેની ખુશ્બૂથી જીવન જીવવાની હૂંફ મળે છે. લગ્ન એ પ્રેમની પ્રથા છે. એને જરૂરથી નિભાવજો.
.
[3] વરસાદ – દુર્ગેશ ઓઝા

[ રીડગુજરાતીને આ લઘુકથા મોકલવા બદલ દુર્ગેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે durgeshoza@yahoo.co.in અથવા આ નંબર પર +91 9898164988 સંપર્ક કરી શકો છો.]

ઘણો લાંબો સમય રાહ જોવડાવ્યા પછી વરસાદ બસ તૂટી જ પડ્યો. મોડો થયાનું વટક વાળવું હોય એમ એ આજે ધોધમાર વરસતો હતો. એકાએક ઊભો થઈને રાકેશ ભાગ્યો ઘરની બહાર અને….
‘વહુ, તારા દીકરાને પાછો બોલાવ. આવા મુશળધાર વરસાદમાં પલળવા ભાગી ગયો ! શરદી થાશે કે માંદો પડી જશે… આજકાલના છોકરાંવ…. માળા પૂછવાય નથી રોકાતા… બૂમ પાડ એને…’

પણ આરતીને તો બચપણ યાદ આવી ગયું. વરસાદનું એને બહુ ઘેલું, ને એમાંય પહેલાં વરસાદે તો એ બહેનપણીઓની હારે ઘેલા કાઢતી. વરસાદ પડે ને એ ઉપડે ઘરની બહાર. જલદી ઘરમાં પાછી આવે તો એ આરતી નહીં. બધા એની માને સમજાવવા મથતા કે આ છોરીને જરા રોકો… ડારો દયો, બહુ ભીંજાઈ જશે તો ક્યાંક….. પણ એની મા એને જવા દેતી ને કહેતી, ‘વરસાદ તો પ્રસાદ કહેવાય. ને પ્રસાદ ક્યારેય કોઈને માંદા ન પાડે… તું તારે જા દીકરી…..’ આરતી બારીમાંથી વરસાદ અને પલળતા એના દીકરાને સાનંદ નીરખી રહી.

વરસાદ તો બરાબરનો જામ્યો. સાસુમાએ ફરી કડક સૂચના આપી.
ને ‘ઊભો’રે તારો વારો કાઢું…. એય… સાંભળે છે કે નહીં ?’ એવી બૂમ પાડી આરતી ખુલ્લા પગે દોડી. મા-દીકરા વચ્ચે લાંબો સમય પકડાપકડી ચાલી. માએ ઘણી કોશિશ કરી પણ હાથમાં આવે તો એ રાકેશ શાનો.
‘એ છે જ એવો. હું એને ઓળખું ને ! એ એમ સાંભળે ? એને પકડવા જતા હું…..’ એવું સાસુમાને કહેતાં આરતી ઘરમાં પ્રવેશી.
સાસુમા બોલ્યાં : ‘એટલે તું ખાલી હાથે પાછી ફરી… એમ જ ને ? પણ તારે છેક ત્યાં સુધી જવાની શી જરૂર હતી ? ને ગઈ તો હારે છત્રી ન લઈ જવાય ?’
….પાણીથી લથબથ ભીંજાયેલી આરતી એટલું તો ધીરે દોડતી ને બોલતી હતી કે રાકેશ પકડાય જ નહીં અને…આરતી ખાલી હાથે પાછી નહોતી ફરી !
.
[4] હું મારી મા ને મરવા નહીં દઉં – રવિ ગુજરાતી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે રવિભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે ravigujarati88@gmail.com સંપર્ક કરી શકો છો.]

અમેરિકાની એક કોલેજમાં મારું ભણવાનું પૂરું થયું અને નજીકના એક ઘરડા ઘરમાં નર્સ તરીકેની નોકરી મને મળી. દરરોજ આશરે વીસેક દર્દીઓની સેવા કરવાની અને તેમને દવા આપવાથી માંડીને ઈન્જેક્શન કે બોટલ ચડવવાનું ધ્યાન રાખવાનું મારું કામ. દર્દીઓએ ખાધું કે નહિ તથા એમને જોઈતી સગવડ આપવાની મારી ફરજ હતી. આમ તો લોકોની મદદ કરવામાં મને ખૂબ મજા આવતી. અનેક વૃદ્ધવયના દર્દીની સેવા કરવાની અને કેટલાય પરિવારોની સાથે તેમના સગાઓ સાથે ચર્ચા કરવાની.

એક એંશી વર્ષના માજીનું નામ મેરી હતું. જ્યારથી મેં જોબ ચાલુ કરી ત્યારથી તેઓ ખૂણાના છેલ્લા મોટા રૂમમાં એકલા રહે. તે કોઈની સાથે વાત કરવાની હાલતમાં નહોતાં. તેઓ પલંગમાં જ આખરી પળો વીતાવતા હતાં. તેઓ હાથથી ખાઈ શકતા ન હોવાથી એમને પેટમાં નળી દ્વારા લીક્વીડ આહાર પંપની મદદથી આપવામાં આવતો. તેમના મોટા કટુંબમાં એક માત્ર પુત્ર માઈકલ જે આશરે પંચાવન વર્ષનો હશે, તે રોજ સાંજે માતાની મુલાકાતે આવતો. માતાને મળવા આવે ત્યારે તે નાની નાની વાતની કાળજી લેતો. માતાને સમયે નવડાવ્યા કે નહિ ? તેમને સમયે દવા આપી કે નહિ ? એ સમયે હું નવો નવો હતો. મેં વાતની શરૂઆત કરી :
‘કેમ છે માઈકલ ?’
માઈકલ મોં બગાડીને કહે ‘ઠીક છે.’ એટલું કહીને એ ઘેર જતો રહ્યો. મારા મનમાં વિચારોનું વાવાઝોડું ફરવા લાગ્યું કે માઈકલ કેમ ખુશ નહોતો ? મેં કોઈ ભૂલ કરી હશે ? એ વખતે મેં કોઈને એ વાત ન કહી.

બીજા દિવસે મારી મેનેજરનો મારા પર ફોન આવ્યો અને પૂછ્યું કે :
‘તેં મેરીનો ખાવાનો પંપ દસ મિનિટ મોડો શરૂ કર્યો હતો ?’
મેં ઉત્તર આપ્યો : ‘હા કારણ કે બીજા દર્દીને દુઃખાવાની દવા આપવામાં મારે મોડું થયું હતું.’
મેનેજરે નારાજ સૂરમાં કહ્યું : ‘જો તારે મેરીનો વિશેષ ખ્યાલ રાખવાનો. એનો છોકરો માઈકલ બહુ સખ્ત સ્વભાવનો છે એ કશું આડું અવળું ચલાવી નહિ લે.’
મેં કહ્યું : ‘જે થયું એના માટે માફી માંગું છું અને હું માઈકલની સાથે વાત કરીશ.’ આ બનાવથી મને માઈકલ પ્રત્યે દ્વેષ થવાને બદલે સમ્માન થયું. મેં વિચાર્યું કે તે પોતાની માતાનું કેટલું બધું ખ્યાલ રાખે છે. કાશ દુનિયાના બધા પુત્ર આવા પ્રેમાળ હોય તો મા-બાપના જીવતર સુધરી જાય. આ બનાવની વાત મેં મારી સહકર્મચારી નર્સ પેમને કરી કે જે ત્યાં છેલ્લા પંદર વરસથી કામ કરે છે. પેમે મારી સામે હસતાં કહ્યું :
‘ભોળા રામ…. આ દુનિયા દેખાય છે એટલી સારી અને સીધી હોતી નથી…..’ તેણે સહેજ અટકીને ઉમેર્યું : ‘આ માઈકલનું દરરોજ અહીં આવવાનું અને આપણને પરેશાન કરવાનું એક કારણ છે. મેરીએ આખી જિંદગી સરકારી નોકરી કરી છે અને એને મસમોટું પેન્શન આવે છે. એ ઉપરાંત દર મહીને અસંખ્ય રૂપિયાની મદદ તેને સરકાર તરફથી મળે છે. મેરી જેટલા દિવસ વધુ જીવશે તેટલા માઈકલને વધારે ડોલર મળશે. હજુ કાલે જ માઈકલે એની માના પૈસે નવી બી.એમ.ડબ્લ્યુ કાર છોડાવી છે. જ્યારથી ડૉલર આવા માંડ્યા છે ત્યારથી માઈકલે નોકરી છોડીને ચાકરી શરુ કરી છે. નહિ તો માતાને માટે ઘસાવાવાળા અત્યારે કેટલા ?’

મને જે સાંભળ્યું તેના પર વિશ્વાસ ના થયો મારા પગ તળિયેથી જમીન ખસી ગઈ. એ દિવસે રાત્રે મને ઊંઘ ન આવી કે આ તે કેવો દેશ કે જ્યાં પૈસા વગર દીકરો પણ મા ની સેવા ના કરે ? મારા માટે આ એક આશ્ચર્યજનક ઘટના હતી. ક્યાં હું ભારત જેવા સાંસ્કૃતિક દેશનો વ્યક્તિ કે જ્યાં મા-બાપને ભગવાનનો દરજ્જો અપાયો છે અને ક્યાં આ સંસ્કૃતિ કે જેમાં દરેક વાતમાં ફાયદા-નુકશાનનું ગણિત ગણાય છે ! અહીં પેલી પંક્તિને યાદ કરું છું : ‘ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “જીવનરંગ – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.