સંવાદ – વિકાસ ઘનશ્યામ નાયક

[ ‘જન્મભૂમિ પ્રવાસી’ની ‘બ્લોગ ઝરૂખેથી’ કટારના લેખક અને યુવાસર્જક વિકાસભાઈના ‘ઈન્ટરનેટ કૉર્નર’ શ્રેણીના કેટલાક પુસ્તકોથી આપણે પરિચિત છીએ. તાજેતરમાં પ્રકાશિત થયેલું તેમનું ‘સંવાદ’નામનું પુસ્તક તેમના સ્વાનુભવ અને કેટલાક જીવનપ્રસંગો પર આધારિત છે, જેમાંથી બે કૃતિઓ અહીં સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ વિકાસભાઈનો (મુંબઈ) તેમજ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vikas.nayak@gmail.com અથવા આ નંબર પર +91 9870017704 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] ઢૂંઢિયા માતા

પ્રકૃતિનો હું પ્રેમી અને પ્રકૃતિના દરેક સુંદર સ્વરૂપને હું ખૂબ ચાહું. તેમાંનો એક વરસાદ ! મને વર્ષાની ઝડીઓ ખૂબ ગમે છે અને વરસાદ પડવાનો હોય ત્યારનું વાતાવરણ… પ્રથમ વરસાદ ગરમીથી તપ્ત ધરાને ભીંજવે ત્યારે માટીમાંથી ઉદ્દભવતી ભીની સોડમ માદક લાગે છે. મને વાદળાં ખૂબ ગમે છે, મેઘધનુષ પણ મને અતિપ્રિય છે અને ખીલેલી એ સોનેરી સંધ્યા (વર્ષાઋતુ પહેલાંની સાંજ જેમાં પીળાશ પડતા કેસરી રંગનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે, ત્યારે અમે સંધ્યા ‘ખીલી’ એમ કહીએ !) અને સુસવાટાભેર વાતો પવન, જે ચોમાસાને સાથે લઈ આવે છે…. આ બધું મને અનહદ પ્રિય છે.

આમ છતાં કેટલાક એવા પણ લોકો હોય છે, જેમને વર્ષાઋતુ સમયે વાતાવરણમાં એક પ્રકારની ઉદાસીનતા કે ગ્લાનિનો અનુભવ થાય છે, તો વળી કેટલાક બીજા ચોખલિયાઓને વરસાદમાં રસ્તા પર, ઘરોમાં બધે જે પાણી-પાણી થઈ જતું હોય છે, તે નથી ગમતું. કાદવ તો જોકે મને પોતાનેય પસંદ નથી. જ્યાં જાઓ ત્યાં છત્રી કે રેઈનકોટ લઈ જવાં, ઘણાંને ભારરૂપ લાગે છે, આમ છતાં ઉનાળાની ભયંકર ગરમીથી ત્રાહિમામ પોકારી રહેલું ભાગ્યે જ કોઈ હશે, જે ન ઈચ્છે કે વર્ષાઋતુનું જલદીમાં જલદી આગમન થાય. કાળઝાળ ગરમીમાંથી સૌ કોઈ મુક્તિ ઈચ્છે છે ! દર વર્ષે શિયાળામાં વધુ ને વધુ ઠંડી અને ઉનાળામાં વધુ ને વધુ ગરમી પડતી જાય છે. ચોમાસામાં આ હિસાબે દેશભરમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હમણાં જ વર્તમાનપત્રોમાં તસવીરો સાથે પાણીનાં પીપડાંઓમાં વર્ષાને રીઝવતા દસ-બાર સાધુઓના પ્રાર્થના-યજ્ઞના અહેવાલ વાંચ્યા અને વર્ષાઋતુના તેમજ વરસાદને રીઝવવાના પ્રયત્નો સાથે જોડાયેલી બાળપણની એક યાદ તાજી થઈ ગઈ !

અમારી પાડોશમાં આજથી વીસેક વર્ષ પહેલાં એક વૃદ્ધા પોતાના પરિવાર સાથે રહેતાં, જેમને લોકો પ્રભામાસી કહી સંબોધતા. તેઓ સ્વભાવે ખૂબ કડક અને આખાબોલાં. તોફાન કે ઘોંઘાટ મચાવતાં બાળકોને તતડાવી મૂકે અને તેથી બધાં તેમનાથી ખૂબ ડરે. પણ પ્રભામાસીએ જ અમને વરસાદને રીઝવવાની એક પરંપરાગત રૂઢિથી પરિચિત કરાવ્યાં હતાં. એ રૂઢિ આજે વીસેક વર્ષ બાદ પણ મારા સ્મૃતિપટ પર તાજી છે. મે મહિનો આવે અને અમારી શાળામાં વૅકેશન ચાલતું હોય, ત્યારે એકાદ બપોરે પ્રભામાસી અમને બાળકોને ભેગાં કરે અને થોડી લાલ માટી લઈ આવવાની સૂચના આપે. થોડું પાણી, બે સફેદ નાની ગોળ કાંકરીઓ – આ બધું લઈ અમે એક ગોળાકારમાં બેસીએ. આ માટી અને પાણીનો ઉપયોગ કરી પ્રભામાસી તૈયાર કરે એક બેઠી દડીની માતાજીની મૂર્તિ, જેમનું નામ ‘ઢૂંઢિયા માતા’. ઢૂંઢિયા માતા એટલે વરસાદનાં દેવી. પ્રભામાસી કંઈ મોટાં કારીગર નહોતાં એટલે માટીની, બેઠેલાં દેવીની એ મૂર્તિ કંઈ મહાન શિલ્પસમી સુંદર કે સુદઢ આકારવાળી ન બનતી. આમ છતાં એ મૂર્તિ ખૂબ પ્યારી અને દૈવી લાગતી. સફેદ, મોટી, ગોળ બે કાંકરીને ઢૂંઢિયા માતાની આંખો તરીકે બેસાડવામાં આવતી. ઊપસેલું નાક અને નાનકડા ખાડા દ્વારા મોં બનાવતાં. ઢૂંઢિયા માતાનું મુખ તેમજ નાનકડા બે હાથ અને નાનકડા બે પગ પ્રભામાસી પળવારમાં બનાવી દેતાં. ઢૂંઢિયા માતાને પથ્થરની એક લાદી પર બેસાડી એકાદ ભીંતને ટેકે આરૂઢ કરાવવામાં આવતાં. તેમને સુંદર મજાની લાલ-લીલી ચૂંદડી ઓઢાડાતી અને પ્રભામાસી ઢૂંઢિયા માતાને કંકુનો સરસ ચાંલ્લોય કરતાં તથા ચોખાના થોડા દાણા ચઢાવતાં.

અમે બધાં બાળકો કુતૂહલપૂર્વક આ ઢૂંઢિયા માતાના નિર્માણ અને સ્થાપનાની વિધિ નિહાળતાં. મારા ઘરની બરાબર સામે ઢૂંઢિયા માતા બિરાજમાન કરાવવામાં આવતાં. માન્યતા એવી હતી કે જો ઢૂંઢિયા માતા રીઝે તો વરસાદ જલદી અને સારા પ્રમાણમાં આવે, આથી રોજ ઢૂંઢિયા માતાની આ મૂર્તિ પર એકાદ લોટો પાણી બધાએ ચઢાવવું. આખરે ‘ઢૂંઢિયા માતા’ વરસાદનાં દેવી હતાં ને ! દિવસમાં બે-ચાર વખત નિયમિત રીતે ઢૂંઢિયા માતા પર જલાભિષેક કરી તેમને વરસાદ જલદી મોકલવા રીઝવવા, પ્રાર્થના કરવા મને મોકલતાં. અમારે બાળકોને આ એક રમત જેવું હતું. અમને ખૂબ મજા પડતી. ધીમે-ધીમે ઢૂંઢિયા માતાનું માટીમાંથી બનાવેલું શરીર અભિષેક દ્વારા ચઢાવાયેલા પાણીમાં ક્ષીણ થતું જતું. દિવસો વીતતા. તેમના માથા પર ચઢાવાતા પાણીમાં તેમના નાનકડા હાથ-પગ અને શરીર ઓગળતાં જતાં. છેવટે ઢૂંઢિયા માતા સંપૂર્ણ ઓગળી જાય એ પહેલાં વર્ષારાણી અચૂક આવી ચઢતાં અને ઢૂંઢિયા માતાના છેલ્લા બચેલા અવશેષ તેમજ ચૂંદડી, વર્ષાના એ જલમાં વહી જતાં. આમ, કુદરતી રીતે જ ઢૂંઢિયા માતાનું વિસર્જન થઈ જતું. મને હજી એ યાદ છે. શરૂઆતનાં કેટલાંક વર્ષો સુધી પ્રભામાસી ઢૂંઢિયા માતાની મૂર્તિ બનાવતાં, પછી મેં તેમની આ પરંપરાનો વારસો સંભાળી લીધો અને યુવાન થયો ત્યાં સુધી નિયમિત રીતે ઢૂંઢિયા માતાની મૂર્તિ બનાવવાનું ચાલુ રાખ્યું. એ તો ખબર નથી ઢૂંઢિયા માતા જ વરસાદને જલદી અને સારા પ્રમાણમાં લાવતાં કે નહીં, પણ અમે બધાં બાળકો ચોક્કસપણે એમ જ માનતાં અને શ્રદ્ધા તેમજ ભાવપૂર્વક ઢૂંઢિયા માતાને માથે પાણી ચઢાવવાની વિધિ ઉત્સાહપૂર્વક પાળતાં.

કમ્પ્યુટર ગેમ્સ રમતાં આજનાં બાળકો આવી પ્રવૃત્તિ કરી શકે ખરાં ? આજે ભણવાનું તેમજ ઈતર પ્રવૃત્તિઓનું મહત્વ પણ એટલી હદે વધી ગયું છે કે બાળકોને સમય જ ક્યાં મળે છે ?
.

[2] દીકરી વહાલનો દરિયો

સંતાનનું દરેક દંપતીના જીવનમાં વિશિષ્ટ અને અદકેરું મહત્વ હોય છે. નવ મહિનાના ઈંતજાર બાદ મારી પત્ની અમીએ વટસાવિત્રી પૂનમની શુક્રવારની સાંજે 25 જૂન, 2010 લક્ષ્મીના અવતાર સમી નાનકડા દેવદૂત જેવી લાગતી પુત્રીને- અમારા પ્રથમ સંતાનને જન્મ આપ્યો. હું તો ખબર સાંભળી સાતમા આસમાનમાં વિહરવા માંડ્યો અને અમીએ તેમજ મારા તથા અમીના ઘરના બીજા સભ્યોએ આવનાર બાળકીને વધાવી લીધી પણ બીજાં ઘણાં સગાં-સ્નેહીઓની પ્રતિક્રિયા મારે ત્યાં દીકરી આવ્યાના સમાચાર સાંભળી આટલી ખુશી અને હકારાત્મકતા નહોતી. કેટલાંકે તો અમીની ખબર કાઢવા આવ્યા ત્યારે એવા શબ્દો વાપર્યા : ‘કંઈ વાંધો નહિ, બીજી વાર તો ચોક્કસ દીકરો જ આવશે….’ શા માટે આપણો સમાજ હજી એક દીકરી આવ્યાના ખબરને એટલી જ ખુશીથી નથી વધાવતો, જેટલી ખુશી એક દીકરાના જન્મના ખબર સાંભળી અનુભવે છે ? શા માટે સમાજ આટલો પુત્રઘેલો છે ?

અમી ગર્ભાવસ્થા દરમિયાન તેના પિયર મહેસાણા હતી તેથી હું દર પખવાડિયે તેની સાથે સમય ગાળવા અને તેની તબિયતનું ધ્યાન રાખવા મુંબઈથી મહેસાણા જતો. આ મુલાકાતો દરમિયાન એક કિસ્સો સાંભળવામાં આવ્યો. અમીની એક સખી પણ ગર્ભવતી હતી અને તેણે ગર્ભપરીક્ષણ કરાવ્યું હતું (આ એક કાયદેસર ગુનો હતો, છતાં કેટલીયે ગેરકાયદેસર વસ્તુઓ બનતી રહેતી હોય છે) અને તેને ખબર પડી કે ગર્ભમાં વિકાસ પામી રહેલ ભ્રૂણ દીકરીનું છે, ત્યારે તરત તેણે ગર્ભપાત કરાવી નાંખ્યો. સમાજમાં તેણે એવી વાત ફેલાવી કે પોતે પડી ગઈ હોવાથી ગર્ભપાત થઈ ગયો, પણ વાસ્તવિકતા જુદી હતી. મને આ કિસ્સો સાંભળી જોરદાર આંચકો લાગ્યો. ગુજરાતભરમાં ઠેરઠેર ‘બેટી બચાવો’નાં પોસ્ટર્સ લાગેલાં હોવા છતાં, આપણે આજે એકવીસમી સદીમાં પહોંચી ગયા હોવા છતાં એક સ્ત્રીએ, એક માતાએ પોતે આવું પગલું ભરવું પડે એ દુઃખદ બાબત છે. આ પ્રસંગ પછી પણ ઘણી વાર મહેસાણા જવાનું થયું અને કોઈ વડીલને હું અને અમી પગે લાગીએ એટલે આશીર્વાદ મળે દેવ જેવો દીકરો તમારે ઘેર પધારે. ક્યારેય કોઈએ એવા આશીર્વાદ નથી આપ્યા કે દેવી જેવી દીકરી કે લક્ષ્મી પધારે. શું એવા આશીર્વાદ ન આપી શકાય કે તમારે ઘેર તંદુરસ્ત બાળક અવતરે, ભલે પછી એ પુત્ર હોય કે પુત્રી ? છતાં આજેય વડીલો શા માટે ‘પુત્રવતી ભવ’ની જ આશિષ આપતા હોય છે ?

શરીરમાં ભગવાન આવે એ વાતમાં હું તો જરાય માનતો નથી. પણ મારાં કેટલાંક નજીકનાં સંબંધીઓ જેમના પંડમાં માતાજી પ્રવેશે એવો એક ભૂવાજીએ મારા પપ્પા સમક્ષ એવી આગાહી વિશ્વાસપૂર્વક કરી હતી કે મારે ઘેર દીકરો જ જન્મશે. પણ મારી ખુશી બેવડાઈ ગઈ, જ્યારે એ બધી આગાહીઓ ખોટી પડી અને મારે ઘેર ફૂલ જેવી કોમળ બાળકીનો જન્મ થયો ! જન્મનાર બાળક ઈશ્વર તરફથી મળતી અણમોલ અને ઉત્તમ ભેટ છે, પછી ભલે એ દીકરો હોય કે દીકરી. તમે જ્યારે તમારા નવજાત શિશુને હાથમાં ઉપાડશો ત્યારે તમે ચોક્કસ મારી આ વાત સાથે સહમત થશો. કુદરતનું એક અદ્દભુત સર્જન છે તાજું જન્મેલું બાળક.

મારી દીકરીના જન્મ પછી હું મહેસાણામાં મારા સસરાજી સાથે મારી પુત્રીનો જન્મ કરાવનાર ડૉક્ટરને મળવા ગયો, ત્યારે એક બીજી આઘાતજનક ઘટના મારી સમક્ષ બની. એક સ્ત્રીને બાળકી જન્મી હતી અને કોઈક કૉમ્પ્લિકેશન ઊભું થતાં તે બાળકીનું ઑપરેશન કરવાની જરૂરિયાત ઊભી થઈ. જન્મનાર બાળકીનાં પિતા અને દાદી સામે હાજર થઈ ડૉક્ટરે નવજાત શિશુના ઑપરેશન માટે પરવાનગી માંગી. તે પુરુષે ડૉક્ટરને સામો પ્રશ્ન કર્યો : ‘પહેલાં અમને જાણ કરો દીકરો છે કે દીકરી ? જો દીકરો હોય તો જ તેનું ઑપરેશન કરો. દીકરી હોય તો તેનું જે થવું હોય તે થવા દો.’ હજી તેના આંચકાજનક શબ્દોના આઘાતમાંથી બહાર આવું એ પહેલાં નવજાત શિશુની દાદી બોલી, ‘હે ભગવાન, ખોડખાંપણવાળોયે દીકરો દીધો હોત તો સારું થાત.’ ભલું થજો એ ડૉકટરનું કે ક્રોધે ભરાયા હોવા છતાં વધુ માથાઝીંક કર્યા વગર તે તાજી જન્મેલી બાળકીને ઑપરેશન માટે રવાના કરવા ત્યાંથી ચાલ્યા ગયા. આજે ઘરડાં માબાપને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેનાર કેટલાય કુપુત્રોના કિસ્સા સાંભળ્યા હશે અને આવા જાકારો પામનાર માબાપને દીકરીએ સધિયારો આપ્યાના પણ કેટલાક કિસ્સા પ્રકાશમાં આવ્યા હોવા છતાં આપણા સમાજના મોટા ભાગના લોકોની માનસિકતા કેમ હજી પરિવર્તન પામી નહિ હોય ? એક પુત્રીને પણ પુત્ર જેટલો જ પ્રેમ અને સન્માનથી આપણો સમાજ ક્યારે આવકારશે ?

[કુલ પાન : 164. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous હાસ્યમોતી – સંકલિત
છોકરાંઓને ભણવું કેમ ગમતું નથી ? – ડૉ. ઊર્મિલા શાહ Next »   

11 પ્રતિભાવો : સંવાદ – વિકાસ ઘનશ્યામ નાયક

 1. gita kansara says:

  સમ્વાદનેી બન્ને ક્રુતેીનુ સન્કલન ઉત્તમ્.
  દિકરેી વહાલનો દરિયો ને દિકરેી તુલસેીનો ક્યારો નેી નેીતિ કયારે અપનાવાશે?
  જોકે સમાજ્મા પહેલા કરતા દિકરેી માતે માનસ પરિવર્તનમા પ્રગતિ આવેી ચ્હે.

 2. Kalidas V. Patel { Vagosana } says:

  વિકાસભાઈ,
  “દીકરી વહાલનો દરિયો” કહેનારા આપણા સુશિક્ષિત સમાજે સ્ત્રીભ્રૂણ હત્યાઓ કરીને અમુક તાલુકાઓમાં તો ૧૦૦૦ પુરુષોની સામે ૭૮૦ સ્ત્રીઓની સંખ્યા કરી દીધી છે !
  આનાં દુષ્પરિણામો આજે આપણે ભોગવી પણ રહ્યા છીએ. છતાં પણ આપણા માનસમાંથી માત્ર દીકરો જ જોઈએ તે માનસિકતા જતી નથી જે દુઃખદ છે. અરે ! સરકારે ‘ બેટી બચાવો ‘ જેવું આંદોલન કરવું પડે તે જ સમાજ માટે શરમજનક નથી?
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

  • Vikas Nayak says:

   સાચી વાતછે કાલિદાસ ભાઈ.દિકરી વહાલ નો દરિયો હોવા છતા બેટી બચાવો આંદોલન કરવા પડે છે એ તો ખરું જ પણ આજના આ પાશવી જગતમાં દિલ્હીમાં બની એવી ઘ્રુણાસ્પદ ઘટના બાદ તો બેટી ને આવા નરપિશાચોથી પણ બચાવવાની જરૂર ઉભી થઈ છે એ આજના સમયની વરવી-કડવી વાસ્તવિકતા છે…

 3. Payal says:

  Really enjoyed reading both stories. As a child, I remember making clay toys with fellow children during summer vacation. One year I had hid my toys outside and they all melted in the first rain. Conicedently after few years of drought it rained really well that year. After that I use to hide my tous outside hoping it would be a good rain year :)I wonder if my daughter will ever have an opportunity of innocent fun. There is no clay around our flats!!
  Regarding the other story, when I was pregnant with my daughter I was invited for dinner at my manger’s house. Her mother in law who is catholic italian was also there. When she asked about the gender of baby, I replied “a girl’ and smiled. Sunddenly she was upset and asked how my husband feels. I said why would he be upset? Infact he is fine and is only hoping for a healthy baby.. girl or boy.. doesn’t matter..
  So just saying the desire for a male child is global.. and very bothersome.
  Here is to hoping for better times at the begining of a new year!

  • Vikas Nayak says:

   Thanks for your appriciative feedback Payal.Glad to read your clay-story and sad to read the irony of our times!We have bunglows to stay but our children do not have clay(sand) to play!You would be glad to know that Namyaa (my sweet little angel) is two and half years old now and I love her the most in this world!I ensure she enjoys her childhood completely!would make ‘DhoondhiyaaMaataa’ with her the next monsoon!!!

 4. HARISH S. JOSHI ( CANBERRA-AUSTRALIA ) says:

  વિકાસ ભાઇ તમે ” ઢુન્ઢિયા માતા ” અને “દિકરી વહાલ નો દરિયો ” રચિને ગુજરાતિ વાચક વર્ગ ના લાડિલા બની ગયા છો.આજ ની યુવા પેઢી વાચન થી વિમુખ કેમ છે ? જીવન ના સાત દશક વિતવ્યા છતા, અહિ વતન થી સુદુર વસી ને પણ ” આવા સુન્દર વાચન” ની ભૂખ ઓછી નથિ થતી.તમારી આવી સુન્દર રચના માટે તમો ” સાધુવાદ ” ને પાત્ર છો.

  • Vikas Nayak says:

   આવા પ્રશંસા ભર્યા પ્રતિભાવ બદલ તમારો હ્રદય પૂર્વક આભાર હરીશ ભાઈ!

 5. Ashish Dave, Sunnyvale California says:

  Vikasbhai,

  You have spoken my heart in # 2. Keep writing such articles.

  Ashish Dave

  • Vikas Nayak says:

   Thanks Ashishbhai, Thanks for the feedback.Let me know if you can get the book there and after reading share ur feedback about the other articles as well…Rgds,Vikas G. Nayak

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.