- ReadGujarati.com - http://www.readgujarati.com -

છોકરાંઓને ભણવું કેમ ગમતું નથી ? – ડૉ. ઊર્મિલા શાહ

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘સંતાન : સ્કૂલમાં અને ઘરમાં’થી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]અ[/dc]નુરાગ જન્મ્યો ત્યારથી જ પ્રિયાબેનનું એક સ્વપ્ન હતું કે મારે અનુરાગને ખૂબ હોશિયાર બનાવવો છે. માત્ર હોશિયાર જ નહીં પણ બધી રીતે તેને મારે સર્વશ્રેષ્ઠ બનાવવો છે. બાળક એટલે પોતાનું સર્જન. એ સર્જનને સર્વશ્રેષ્ઠ બનાવવાની મહત્વાકાંક્ષા કઈ માને ન હોય ? અને એવી મહત્વાકાંક્ષાને કારણે જ તો દુનિયા આટલો વિકાસ સાધી રહી છે. પ્રિયાબેન પોતે પણ ઘણું ભણેલાં ને હોશિયાર. સારી નોકરી અને સમાજમાં માન પણ સારું. અનુરાગ દોઢેક વર્ષનો થયો ત્યારથી જ સારી સ્કૂલના ઍડમિશનની તપાસ શરૂ કરી દીધી. અત્યારે તો સારી સ્કૂલમાં ઍડમિશન લેવું એ પણ કેટલું મુશ્કેલ છે ? પણ પ્રિયાબેનની આર્થિક સદ્ધરતાને કારણે એમાં તો કંઈ વાંધો ન આવ્યો અને બંનેની વગ પણ સારી ને !

જોતજોતામાં તો અનુરાગ છ વર્ષનો થઈ ગયો અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાંય આવી ગયો. વખતને જતાં કંઈ વાર લાગે છે ? નર્સરી અને જુનિયર સિનિયર કે.જી.માં તો બહુ વાંધો ન આવ્યો, પણ હવે ભણવાનું શરૂ થયું. સવારે સાડા આઠે તો અનુરાગને સ્કૂલ હોય, બપોરે અઢી વાગે આવે, થોડુંઘણું ખાય ને રમવું હોય તો રમે ને સૂઈ જાય, ઊઠે ત્યાં તો મમ્મી ઑફિસેથી આવી જાય. પ્રિયાબેન આવે એટલે ઘરનું કામ. રસોઈ બધાંની. તો ઉતાવળ હોય જ. સાંજ જ એવી હોય કે જ્યારે છોકરાં છૂટથી રમી શકે એટલે અનુરાગને સાંજે તો ભણવા બેસાડાય નહીં, પ્રશ્ન મોટો એ ઊભો થાય કે એને ભણાવવો ક્યારે !

અંગ્રેજી મિડિયમ તો લેવડાવવું જ પડે. છોકરાને હોશિયાર બનાવવો હોય અને જમાના સાથે કદમ મિલાવવા હોય તો હવે ગુજરાતી મિડિયમ કંઈ ઓછું ચાલે ! કેટકેટલા લોકો ટીકા કરે, ‘તમે આટલાં ભણેલાં-ગણેલાં ને દીકરાને ગુજરાતી મિડિયમમાં મૂક્યો છે ? મોટો થઈને તમને દોષ નહીં દે !’ પણ એ અંગ્રેજી મિડિયમ છોકરાને માથે કેટલો સ્ટ્રેસ ઊભો કરે છે એ તો એમની મમ્મીઓને મળીને પૂછો ત્યારે જ ખબર પડે. પાછાં પ્રિયાબેન તો પૂરેપૂરાં આદર્શવાદી, ‘રાતે વહેલાં સૂઈ જઈ, વહેલાં ઊઠે વીર, તન મન ધન બુદ્ધિ વધે, સુખમાં રહે શરીર’માં માનનારાં એટલે પહેલેથી જ એવું માને કે મારે અનુરાગને વહેલા ઊઠવાની અને નિયમિતતાની બાળપણથી જ ટેવ પાડવી છે. જીવનમાં શિસ્ત કેટલી બધી જરૂરી છે ! એ ન હોય તો મોટો થતાં માણસ બધેથી પાછો પડે. પછી ભલે ને એ ગમે તેટલો બુદ્ધિશાળી હોય.

અને એટલે આટલા નાના અનુરાગનેય સાડા છમાં તો ઉઠાડી જ દે, બિચારો નાનકડો અનુરાગ, એક ઠેકાણેથી બીજે ઠેકાણે પડતાં નાંખતો-નાંખતો માંડ, એની ગાડી ગિયરમાં પડે. દૂધ પણ પૂરો ગ્લાસ પીધું ન હોય ને હોમવર્કનો હાઉ તેના માથા ઉપર સવાર થઈ જાય ! રોજ હોમવર્ક તો બાકી હોય જ, કારણ કે સાંજે રમીને આવીને નાહી-ધોઈને થોડુંઘણું હોમવર્ક થયું હોય, પણ પછી તો પપ્પા ઘરમાં આવે એટલે ટીવીની સિરિયલનો ટાઈમ થાય, મમ્મી-પપ્પા આખો દિવસ કામ કરીને કંટાળ્યાં હોય, એટલે રિલેક્સેશન માટે ટીવી તો જુએ જ ને ! અનુરાગને ભણવા બેસાડે ખરાં પણ આટલું નાનું બાળક, સામે જ ટીવી ચાલુ હોય તો ભણવામાં ધ્યાન રાખી શકાય ખરું ? અને એ ટીવી ચાલે ત્યાં સુધી ઊંઘી પણ ન જ શકે એટલે સૂતાં રોજ અગિયાર તો વાગે જ. આખો દિવસ બાળક તો દોડાદોડ કરતું હોય, પ્રવૃત્તિથી ધમધમતું હોય, એને પૂરતી ઊંઘ તો જોઈએ ને પણ આ બધું ક્યાંથી શક્ય બને ! અને એટલે અનુરાગની સવાર પડે ત્યારથી જ પ્રિયાબેનની એને ભણાવવા માટેની અકળામણ ને ઘાંટા ચાલુ થઈ જાય. કેટલીય વાર અનુરાગ અકળાય, ગુસ્સે થઈ જાય ને પ્રિયાબેન પણ આકળાં થઈ જાય. રોજેરોજનો આ સવારનો ક્રમ. અનુરાગની એકેય સવાર પ્રસન્નતાથી શરૂ જ ન થાય.

મેં મોટા ભાગની મમ્મીઓને ભણાવતી જોઈ છે, તે બધી જ જાણે અકળાતી-અકળાતી જ ભણાવતી જોઈ છે, પેલાં સ્મિતાબેન તો કહે, ‘મને બીજાં દસ કામ આપો તો કરી નાંખું, પણ આ છોકરાંઓને ભણાવવાનું કામ તો ભારે કપરું છે, કોણ જાણે આજકાલ છોકરાંઓને ભણવું જ કેમ ગમતું નથી ? એમને મારીમચડીને ભણાવવાં પડે છે, કેટલું મથીએ ત્યારે માંડ હોમવર્કનો પાર આવે છે, અને ઉતાવળ કરાવો તો અક્ષરનાં તો ઠેકાણાં જ ન મળે, મને તો ચિંતા થાય છે. આ છોકરાં આગળ કેવી રીતે વધશે ! ભણવું જ ન ગમે તે તો કેવી રીતે ચાલે ! ‘હું ભણવાનું enjoy કરું છું’ એવું કહેનાર કેટલી મમ્મીઓ મળે છે ? મને જરા કહેશો ? ન ભણાવીએ તો પરીક્ષાના માર્કસમાં ધબડકો વળે એટલે એ ભણાવે છે, પણ વહાલથી ભણાવનાર કેટલી મા તમને મળશે ? અને આવી સવાર શરૂ થવાને કારણે અનુરાગ રોજ સ્કૂલમાં પણ અસ્વસ્થ દશામાં જ આવે, સ્કૂલમાંય ધ્યાન રાખીને ક્યાંથી ભણી શકે ? એક તો ઊંઘ પૂરી થઈ ન હોય, સવારે મમ્મીએ ખૂબ ધમકાવ્યો હોય એનું હૃદયમાં પારાવાર દુઃખ હોય. આટલું નાનું બાળક હૃદયની એ વેદના કોની પાસે વ્યક્ત કરે ? અને એનો એ અજંપો પછી એના મિત્રો સાથેના વ્યવહારમાં વ્યક્ત થાય છે. વારંવાર એનાં બેન એનું બાવડું પકડી મારી ઑફિસમાં લઈને આવે છે. ‘બેન ! આ અનુરાગથી તો અમે થાકી ગયાં છીએ, બધાં જ સાથે ખૂબ મારામારી કરે છે ને કશું ભણતો જ નથી.’

અનુરાગને મેં મારી પાસે બોલાવી માથે હાથ ફેરવ્યો, એની નમણી અને નિર્દોષ આંખોમાં ભારોભાર પશ્ચાત્તાપ દેખાઈ રહ્યો હતો. ગરમીથી રતૂમડા બની ગયેલા ગોરા ગાલ પર આંસુનાં ટીપાં સુકાઈ ગયેલાં દેખાતાં હતાં. આ બધું જ એના અંતરની વ્યથાની ચાડી ખાતાં હતાં, બાલમનોવિજ્ઞાન મારી રગેરગમાં હોવાને કારણે અનુરાગની એ આંખમાંથી મને એની વ્યથા સમજાઈ અને મેં એનાં મમ્મીને બોલાવી, આખો ક્રમ બદલાવવા ખૂબ નિરાંતે સમજાવ્યાં. માબાપ બુદ્ધિશાળી હોય છે, ભણેલાં-ગણેલાં. ઘણાં શિક્ષિત હોય છે. પણ છોકરાંઓને રાતોરાત હોશિયાર કરી નાંખવાનું ભૂત એમના મગજમાં એવું તો સવાર થઈ ગયું હોય છે કે એ કુમળા મગજમાં ક્યારે અને ક્યાં હથોડા ઠોકાય છે, એમના હૃદયમાં ક્યાં શૂળ ભોંકાય છે એનો એમને ખ્યાલ જ નથી આવતો. ઈશ્વરે માનવમાત્રમાં જિજ્ઞાસાવૃત્તિ મૂકી જ છે. એને નવું જાણવાની ઈચ્છા થાય જ, જો પ્રેમથી અને શાંતિથી મા ભણાવે તો એને ભણવું ન ગમે તેવું બને ખરું ? ‘એક મા બરાબર સો શિક્ષક’ એ કંઈ એમ ને એમ ઓછું જ કહેવાયું છે ! એમાં ઘણું તથ્ય છે, પણ એ માટે આજની માએ ભેખ લેવો પડશે. My child is my challenge, એને તો હું જ તૈયાર કરીશ, હું જ ભણાવીશ, ટ્યૂશનના પૈસા ખર્ચીને ભાડૂતી માણસને ભરોસે આપણા એ મહામૂલા બુદ્ધિવાન બાળકોને ઓછાં સોંપી દેવાય ?

સ્કૂલમાં પણ શિક્ષકો એવો રસ લઈને ભણાવતાં ઓછાં જોવા મળે છે. ખરેખર શિક્ષણમાં અને વિદ્યાર્થીમાં રસ હોય એવા લોકો જ આજે આ ક્ષેત્રમાં કેટલા છે ? ગણ્યાંગાંઠ્યાં જ ને ! સેકન્ડ બેલ પડે પછી જ કૉમનરૂમમાંથી ખુરશીમાંથી ઊભા થઈ માંડમાંડ વર્ગમાં જવાનું, ભણાવવાની જે મિનિટો ઓછી થઈ તે તો ખરી અને પછી ભણાવે તે પણ એવા રસથી તો નહીં જ, શિક્ષકને પોતાને જ જે વિષયનું ઊંડું જ્ઞાન ન હોય એમાં રસ ન હોય, એનું વાચન સતત ન કરતો હોય, માત્ર વર્ગના પિરિયડનો સમય પૂરો કરવા પૂરતું અને કોર્સ પૂરો કરવા પૂરતું ભણાવાતું હોય તો વિદ્યાર્થીનેય રસ ક્યાંથી પડે ? રવીન્દ્રનાથ ટાગોર ક્યાં સ્કૂલમાં ગયા હતા ? ગૌતમ સારાભાઈનું પણ Home-schooling એ વર્ષોમાં થયું હતું ને ! હવે આ Concept પણ અજમાવીએ તો ખોટું નથી. અમે નાનાં હતાં ને ભણતાં હતાં ત્યારે પિરિયડ પૂરો થતો ત્યારે એમ લાગતું કે અરે પિરિયડ પૂરો થઈ ગયો ! શિક્ષક એવી તન્મયતાથી ભણાવતા. આજે એવા રસથી, એવા પ્રેમથી, એવી વિદ્વત્તાથી ભણાવી શકે એવા કેટલા શિક્ષકો છે ? વિદ્યાર્થીમાં તો ઘણું હીર પડ્યું છે. એ તો શિક્ષકની આંખમાંથી નીતરતો પ્રેમ અને તેનું જ્ઞાન ઝંખે છે, પણ એ બેમાંથી એકય આજનાં બી.એડ. કે એમ.એડ. થયેલા શિક્ષકોમાં જોવા મળે છે ખરાં ? બીજી કોઈ કેરિયરની પસંદગી કરી ન શકાઈ હોય તેથી અથવા તો અર્થઉપાર્જનને ધ્યાનમાં રાખીને શિક્ષકની કારકિર્દી પસંદ કરાતી હોય તો એવા શિક્ષકો વર્ગમાં ‘Easy Easy repeated, Hard Hard Omited and Course is Completed’ ની જેમ જ ભણાવે ! એમને રસ પડે, તો છોકરાંઓને રસ પડે ને ! અને પછી આપણે છોકરાંઓને દોષ દઈએ છીએ કે આજનાં છોકરાંઓને ભણવું જ નથી ગમતું. પણ ક્યાંથી ગમે ? ભણવા પ્રત્યેનો પ્રેમ જગાડે એવાં માબાપ પણ ક્યાં છે ? એવા શિક્ષક પણ ક્યાં છે ? અમેરિકામાં તો છેલ્લાં થોડા વખતથી માબાપમાં આવી જાગૃતિ આવી છે અને Home-schooling ની પ્રથા આવતી જાય છે, જેમાં બાળકનો સારો વિકાસ થઈ રહ્યો છે, પોતાના સંતાનની જવાબદારી માબાપે લેવી જ પડશે, હવે એ સિવાય બીજો વિકલ્પ દેખાતો નથી.

[ કુલ પાન : 236. કિંમત રૂ. 160. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]