કસ્તૂરી – સં. કાન્તિ પટેલ

[ જીવનમાં નવી સુગંધ ભરી દે તેવા વિચારોની અનોખી સરવાણી પ્રસરાવતા તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘કસ્તૂરી’માંથી પ્રસ્તુત લેખો સાભાર લેવામાં આવ્યા છે. પુસ્તકનું સંપાદન ‘દીકરી વહાલનો દરિયો’ અને ‘દીકરી એટલે દીકરી’ના લેખક શ્રી કાન્તિભાઈ પટેલે કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] પરિવર્તનનો પડકાર – લ્યૂઝી એલ. હે (રજૂઆત : રમેશ પુરોહિત)

વયનું વધવું મને સલામતીની ભાવના બક્ષે છે. કારણ કે મને વધારે ને વધારે જાણવું, વિકસવું અને બદલાતા રહેવું ગમે છે. બાળપણ, તરુણાઈ અને નવયુવાની પછી પુખ્તતા તરફની સફર એ જીવનના સ્વાભાવિક તબક્કાઓ છે. અને મને બદલાતા રહેતા આ મુકામોની માહિતી હોવાથી અસલામતી નથી લાગતી. મારું વ્યક્તિત્વ ખળખળ વહેતા ઝરણા જેવું છે અને જિંદગીના આ પ્રવાહમાં વહેતા રહેવું આસાન લાગે છે. અત્યારે પ્રૌઢીમાં પગરણ માંડી રહ્યો છું ત્યારે મને સમજાય છે કે આવતી કાલ પણ એટલી જ અજાણી અને અણધારી છે. આમ છતાં મને વયનું વધવું અને જીવનનું બદલાવું સ્વાભાવિક છે એમ માનવું ગમે છે.

બદલાતાં રહેવું એ સૃષ્ટિનો ક્રમ છે. કશુંક બંધિયાર થઈ જાય, જડ થઈ જાય, રૂઢિગત થઈ જાય અને બદલવાની આનાકાની કરે તેનું અંતે વિસર્જન થતું હોય છે. વિકસતાં અને વિલસતાં જીવનની હર ક્ષણ તમને જીવનનો એક નવો આનંદ આપશે. જીવવાનો અભિગમ બદલાવી નાખશે અને તમે રોજ ને રોજ તાજા ફૂલ જેવા મહેકતા રહેશો. જીવનના કાળક્રમે આવતા જુદા જુદા તબક્કાઓ એ તો બહારનો ફેરફાર છે, મન તો સોળ વર્ષે ચંચળ હોય છે, એવું જ સિત્તેર વર્ષે પણ હોય છે. સ્વાભાવિકતાથી બદલાતા સમયનો સ્વીકાર અને પોતાની જાત સાથેનો પ્રેમ તમને ચિંતા મુક્ત કરી દેશે. ભવિષ્ય કેવું હશે એની ચિંતામાં આજના રળિયામણા અવસરને રફેદફે કરી દેનારાઓની સંખ્યા ઓછી નથી. પણ એ બધાએ આખરે તો નિઃસહાયતાથી સમયને ઝડપથી પસાર થતો જોવો જ પડે છે, તો શા માટે સમયની સાથે તાલ ન મિલાવીએ ? સમય તમને શિખવાડે કે સંજોગ તમને ફરજ પાડે એ પહેલાં મનમાં નક્કી કર્યું હશે તો બધું સ્વાભાવિક લાગશે. કેટલાક લોકો હજુ તો વાર છે એમ માની ગાડું ગબડાવ્યે જાય છે અને પછી એકાએક અસલામતી અનુભવે છે.

સમય વહે છે તેમ તમે પણ વહેતા અને વિકસતા રહેશો તો આવનારી ક્ષણો ક્યારેય તમને ડરાવી ન શકે, નાના બાળકને મોટો થઈને શું થઈશ તેની ચિંતા નથી હોતી, એ રમે છે, મજા કરે છે અને સાથે સાથે જીવનમાં ગ્રહણ કરવા જેવું જ્ઞાન ગ્રહણ કરે છે. એવી જ રીતે પુખ્ત વયે આવતીકાલની ચિંતામાં આજની મજાને મૂરઝાવી દેવી જરૂરી નથી. સ્વીકાર એટલે કે જે આવનાર છે તે સમયનો પહેલેથી સ્વીકાર તમને સુખનો અહેસાસ કરાવશે.
.

[2] મુંબઈની રમતગમતો – જ્યોતીન્દ્ર દવે

કસરત અને રમતગમતનો સંપૂર્ણ અભાવ છતાં, મુંબઈના ચાલુ નિવાસ છતાં, મારી તબિયત બગડવી જોઈએ એટલી ન બગડી, ત્યારે મને થયું, ‘આમ કેમ ? હજી મારી તબિયત મુંબઈમાં રહેવા છતાં, બગડવી જોઈએ એટલી બગડતી કેમ નથી ? આનું શું કારણ હશે ?’ લાંબો વિચાર કર્યા પછી એનું કારણ મને સમજાયું. મુંબઈમાં રહેનારાઓ ભલે ક્રિકેટ, ટેનિસ, ગિલ્લીદંડા, આટાપાટા ઈત્યાદિ વિલાયતી કે દેશી રમતો ન રમે, પણ એમના જીવનમાં જ રમતગમતનું તત્વ ઓતપ્રોત થઈ ગયેલું હોય છે.

આવી રમતોમાં મુખ્ય સ્થાન બસ પકડવાની રમતને આપી શકાય. શ્રીમંત લોકોને બાદ કરતાં બધા જ વર્ગના મનુષ્યો એકસાથે કે છૂટા છૂટા આ રમતમાં ભાગ લઈ શકે છે. અને દોડવાની કસરત જેટલો કે તેથી વધારે ફાયદો શરીરને આ રમતથી થાય છે. આ રમત બહુ ખર્ચાળ નથી. એક દોડતી બસ ને દોડવા જોગો લાંબો રસ્તો એટલાં સાધનો એને માટે આવશ્યક છે. આ રમતને અંગે ખાસ પોશાકની જરૂર નથી. તમારો કોઈ પણ રોજિંદો પહેરવેશ તેને માટે અનુકૂળ છે. તમારા હાથમાં છત્રી, બીજા હાથમાં બૅગ કે થેલી અને પગમાં ચંપલ કે બૂટ આ રમત માટે પૂરતાં છે. કન્ડકટર બસ ન ઊભી રાખે ત્યારે તેની પાછળ દોડવાની મજા માત્ર મુંબઈગરો જ લઈ શકે છે. બસ પકડવા જેવી જ બીજી રમત તે રસ્તો ઓળંગી સામી બાજુએ જવાની છે. બસ પકડવા કરતાં પણ એમાં જોખમ વધારે સમાયેલું છે. આપણા જમાનાનો પ્રચલિત મંત્ર ‘લિવ ડેન્જરસલી’ની સાર્થકતા પણ આ રમતમાં જાણી શકાય છે. પરાંમાં રહેનારાઓ માટે ટ્રેન પકડવાની રમત પણ એટલી જ રોમાંચક હોય છે. એ રમતમાં પરાંવાસીઓ ‘નવ વીસ’, ‘દસ એકત્રીસ’, ‘પાંચ ઓગણપચાસ’, ‘છ છપ્પન’ એવા જાપ જપતા દેખાય છે. ઘેરથી ખૂબ ઉતાવળ કરી એ દોડતા સ્ટેશને પહોંચે છે ત્યારે ક્ષિતિજ-મર્યાદામાંથી સરી જતી ટ્રેનને જોઈ એને જે લાગણી થાય છે તેનો ઉચ્ચાર સરખો પણ તેમનાથી થઈ શકતો નથી.

મુંબઈગરા માટે, શિકારની રમત જેવી પણ એટલી ક્રૂર નહીં એવી રમત તે ઘર શોધી કાઢવાની છે. એ રમતમાં હંમેશાં પ્રવૃત્ત થવું પડતું નથી. પણ એ રમત રમ્યા સિવાય કોઈ પણ મુંબઈવાસીનો છૂટકો થતો નથી. આ રમતથી સ્વાશ્રય ને સંયમના ગુણ ખીલવવાની બહુ તક મળે છે. એ રમતમાં આપેલા અચોક્ક્સ સરનામા પ્રમાણે કોઈ ચોક્કસ મનુષ્યનું ઘર શોધી કાઢવાનું હોય છે. આ ઉપરાંત, થાકેલાપાકેલા મુંબઈવાસીને રાત્રે મચ્છર ઉડાડવાની રમત પણ રમવી પડે છે. એ રમત રાત્રે સૂતાં સોતાં રમવાની હોય છે. આ અને આવી અનેક રમતો મુંબઈવાસીઓના જીવનમાં ગૂંથાઈ જઈને એમની સુખાકારી સાચવી રહી છે.
.

[3] કૂવામાં માણસ – વ્યાસમુનિ (અનુ. વિજય પંડ્યા)

આ મહાન સંસારમાં કોઈ એક બ્રાહ્મણ પોતાનું જીવન પસાર કરી રહ્યો હતો. એક વખત તે વનનાં હિંસક પશુઓથી ભરેલા દુર્ગમ પ્રદેશમાં પહોંચી ગયો. માંસભક્ષી સિંહ, વાઘ, હાથી જેવાં મોટાં પ્રાણીઓથી તે વન ઘેરાયેલું હતું. અને સાક્ષાત મૃત્યુને માટે પણ જાણે ડરામણું હતું. હે રાજન, આવું વન જોઈ બ્રાહ્મણનું હૃદય તો ફફડી ગયું. તેનાં રૂંવાટાં ખડાં થઈ ગયાં. તે વનમાં ભટકવા લાગ્યો. દોડવા લાગ્યો કે ક્યાંક આશરો મળે. હિંસક પ્રાણીઓની ગુફાઓ જોતો, ભયભીત થઈ દોડવા લાગ્યો. આ વનને એક વિકરાળ સ્ત્રી પોતાના બન્ને બાહુઓથી ઘેરી વળી હતી તેવું જણાયું. વળી આકાશ જેટલાં ઊંચાં વૃક્ષોથી ઘેરાયેલા તે વનમાં પર્વત જેટલા ઊંચા પાંચ ફણાવાળા ઝેરી નાગ તેને દેખાયા.

તે વનમાં એક કૂવો હતો, જેનું મોઢું બધી તરફથી ઘાસ અને વેલીઓથી ઢંકાયેલું હતું. તે બ્રાહ્મણ આ આછન્ન કૂવામાં પડ્યો, પણ વેલીઓની જટાજૂટમાં તે નીચે પડવાને બદલે, કૂવામાં ઊંધે માથે, ફણસના ફળની જેમ એક વૃક્ષની ડાળીએથી લટકવા લાગ્યો. ત્યાં વળી એક બીજી આફત આવી પડી. કૂવાના કિનારા પાસે એક મોટો હાથી તેણે જોયો. આ હાથીને છ મુખ હતાં. તે કાળો અને વિચિત્ર હતો અને વેલીઓથી ઘેરાયેલા એ વૃક્ષ તરફ આવી રહ્યો હતો. તે બાર પગથી ચાલતો હતો. કૂવાની અંદર જે વૃક્ષ પર તે બ્રાહ્મણ લટકતો હતો તેની નાની નાની ડાળીઓ પર મધપૂડો હતો અને તેના પર ભયાનક મધમાખીઓ બેઠેલી હતી. હે ભરતશ્રેષ્ઠ, મધની અનેક ધારાઓ ટપકતી હતી અને પેલો લટકતો બ્રાહ્મણ મધની ધારાને પી રહ્યો હતો અને આવી વિપદામાં પણ તે મધ ચાટતાં ધરાતો ન હતો. તેને જીવવાની આશા હતી અને જીવનથી કોઈ નિર્વેદ થયો ન હતો. વળી તેણે જોયું કે કાળા અને ધોળા બે ઉંદરો, જે ડાળીને આધારે તે લટકતો હતો તેને કાપી રહ્યા હતા. આમ તે દુર્ગમ વનમાં સાપો, હિંસક પ્રાણીઓ, વિકરાળ સ્ત્રી, કૂવાને તળિયે નાગ, કૂવાના કિનારે હાથી, ડાળી કપાઈ જાય તો નીચે પડી જવાનો, ઉંદરોનો ભય હતો. મધની લાલચમાં મધમાખીઓનો તો ભય ખરો જ.

આમ સંસારસાગરમાં ફેંકાયેલો મનુષ્ય સર્વ ભયોથી ઘેરાયેલો હોવા છતાં જીવવાની આશા છોડતો નથી, તેને જીવનથી નિર્વેદ થતો નથી. વિદુર આગળ કહે છે : ‘આ ભયંકર વન એ જ ઘોર સંસાર. જે સાપ છે તે રોગ છે. જે વિકરાળ સ્ત્રી છે તે યૌવન અને રૂપનો નાશ કરનારી વૃદ્ધાવસ્થા છે. જે કૂવો છે તે દેહધારીઓનું શરીર છે. નીચે જે મોટો સાપ છે તે કાળ છે જે પ્રાણીઓનો અન્ત લાવે છે, કાળા-ધોળા ઉંદરો એ રાત-દિવસ છે, જે ડાળીઓ વેલીઓને પકડી મનુષ્ય લટકે છે તે જીવવાની આશા છે.’

[કુલ પાન : 52. (મોટી સાઈઝ). કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : અરુણોદય પ્રકાશન. 202, હર્ષ કૉમ્પ્લેક્સ, ખત્રીપોળ, પાડાપોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22114108. ઈ-મેઈલ : arunodayprakashan@yahoo.co.in ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “કસ્તૂરી – સં. કાન્તિ પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.