માનવીનું સાચું સ્વરૂપ – સ્વામી વિવેકાનંદ

[ તંત્રીનોંધ : મહાપુરુષોના જીવન વિશે કદાચ આપણે થોડું જાણતાં હોઈએ છીએ પરંતુ તેઓ કઈ દ્રષ્ટિએ મહાન છે, તેમનું જીવનદર્શન શું છે, તેમના વિચારો શું છે… વગેરે વિશે આપણને કશો ખ્યાલ હોતો નથી. તેમના વિશાળ ચિંતનનો આપણને લાભ મળે તે માટે તેમને ઊંડાણથી જાણવા ખૂબ જરૂરી છે. સ્વામી વિવેકાનંદ માટે પણ આ એટલું જ સાચું છે. તેમનું ઊંડું જીવનદર્શન આ લેખમાં જોઈ શકાય છે. લેખ પ્રમાણમાં થોડો લાંબો છે પરંતુ આપણને અંદરથી જાગૃત કરે તેવો છે. વિષય ગહન છે, પરંતુ સ્વની ઓળખ મેળવવા માટે આટલું ધૈર્ય તો આપણે કેળવવું રહ્યું. તા. 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મજયંતિ છે ત્યારે આ લેખ તેમને અંજલિરૂપે અહીં આપીને તેમની પાવન ચેતનાનું પુણ્ય સ્મરણ કરીએ છીએ. અહીં આપેલ લેખ એ તેમનું લંડન ખાતે અપાયેલું પ્રવચન છે, જે ‘જ્ઞાનયોગ’ નામના પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ ‘શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]મ[/dc]નુષ્ય ઈન્દ્રિયોને ખૂબ જ ચીકટાઈથી વળગી રહે છે; છતાં પણ જેમાં પોતે જીવે છે અને હરેફરે છે તે બાહ્ય જગતને તે ભલે ગમે તેટલું સારવાળું માને, છતાં વ્યક્તિઓના જીવનમાં એક સમય એવો આવે છે કે જ્યારે તેમના મનમાં આપોઆપ જ સવાલ ઊઠે છે : ‘શું આ સાચું છે ?’ જે માણસને પોતાની ઈન્દ્રિયોની પ્રામાણિકતા વિશે સવાલ કરવાની એક ક્ષણ પણ હોતી નથી, જેની પ્રત્યેક પળ ઈન્દ્રિયનો કોઈને કોઈ ભોગ ભોગવવામાં પસાર થતી હોય છે, તેને પણ મૃત્યુ આવે જ છે અને ફરજિયાતપણે સવાલ પૂછવો પડે છે : ‘શું આ સાચું છે ?’ ધર્મની શરૂઆત આ પ્રશ્નથી થાય છે, અને એ પ્રશ્નનો જવાબ મળે એટલે તેનો અંત આવે છે. દૂર દૂરના ભૂતકાળમાં પણ કે જ્યાં આપણને લેખિત ઈતિહાસ મદદ કરી શકતો નથી, પુરાણોના રહસ્યમય પ્રકાશમાં, અતિ દૂર સંસ્કૃતિની શરૂઆતના ઝાંખા અજવાળામાં પણ, આપણે જોઈએ છીએ કે, એ જ પ્રશ્ન પુછાયો હતો : ‘આનું શું થાય છે ?’ ‘સત્ય શું છે ?’

ઉપનિષદોમાંના એક સૌથી કાવ્યમય ઉપનિષદ, કઠોપનિષદની શરૂઆત આવી જ પૂછપરછથી થાય છે : ‘જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે વિવાદ ઊભો થાય છે. એક પક્ષ એમ જાહેર કરે છે કે તે માણસ કાયમને માટે ચાલ્યો ગયો છે, જ્યારે બીજો પક્ષ ભારપૂર્વક કહે છે કે તે હજુ જીવતો છે. આ બેમાંથી સાચું કયું ?’ આ સવાલના જુદા જુદા જવાબો અપાયા છે. અધ્યાત્મશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર અને ધર્મનું સમગ્ર ક્ષેત્ર આ પ્રશ્નના જુદા જુદા જવાબો વડે ખરેખર ભરાઈ ગયું છે. સાથે સાથે આ પ્રશ્નને દબાવી દેવાના પણ પ્રયત્નો થયેલા છે. ‘આનાથી પર શું છે ? સાચું શું છે ?’ આ સવાલ પૂછતા મનની અદમ્યતાને રોકવાના પ્રયત્નો પણ થયેલા છે. પરંતુ મૃત્યુ જ્યાં સુધી રહેલું છે, ત્યાં સુધી એ પ્રશ્ન દબાવી દેવાના આ બધા પ્રયત્નો હંમેશાં નિષ્ફળ જ પુરવાર થશે. ઈન્દ્રિયોથી પર કંઈ પણ દેખાતું નથી એવી વાતો આપણે ભલે કરીએ; આપણી બધી આશાઓ અને તમન્નાઓને માત્ર વર્તમાન ક્ષણ પૂરતી જ મર્યાદિત રાખીએ, અને ઈન્દ્રિયોની દુનિયાથી પર કશાનો પણ વિચાર ન કરવાને માટે આપણે ખૂબ મહેનત પણ કરીએ, અને કદાચ બહારની બધી વસ્તુઓ આપણને આ દુનિયાની સાંકડી મર્યાદાઓમાં બંધાયેલા રાખવામાં મદદ પણ કરે છે. આપણને વર્તમાનથી આગળ વધીને વિશાળ બનતા અટકાવવામાં આખી દુનિયા ભલે એકઠી થાય, છતાં જ્યાં સુધી મૃત્યુ છે, ત્યાં સુધી આ પ્રશ્ન ફરી ફરીને પણ ઉદ્દભવશે જ કે ‘જે બધી વસ્તુઓને સાચામાં સાચી અને સૌથી વધુ સારભૂત માનીને આપણે વળગી રહીએ છીએ, તે બધીનો અંત શું મૃત્યુ જ છે ?’ જગત એક ક્ષણમાં વિનાશ પામે છે, અને સદાને માટે હતું ન હતું થઈ જાય છે. જેની પેલી પાર અતલ ખાઈ આવેલી છે, તે સીધી કરાડને કાંઠે ઊભા રહીને, દરેક મન, ગમે તેવું સખત અને દઢ હોય તો પણ ડરથી જરૂર પાછું હટીને પ્રશ્ન ઉઠાવશે : ‘શું આ સાચું છે ?’ એક મહાન મનની તમામ શક્તિઓ વડે ધીમે ધીમે બંધાયેલી જીવનભરની આશાઓ એક ક્ષણમાં અદશ્ય થઈ જાય છે. શું તે બધી આશાઓ સત્ય છે ? આ પ્રશ્નનો જવાબ મળવો જ જોઈએ. સમય જતાં તે પ્રશ્નનું જોર ઘટવાને બદલે વધે છે.

વળી સુખી બનવાની આશા વિશે પણ વિચારવાનું છે. આપણી જાતને સુખી કરવા માટે આપણે દરેક વસ્તુ પાછળ દોડીએ છીએ; ઈન્દ્રિયગ્રાહ્ય વિષયોની દુનિયામાં આપણે આપણાં સુખ પ્રાપ્ત કરવા માટે ઘેલાની પેઠે દોડ્યા જઈએ છીએ. જિંદગીમાં સફળતા અનુભવેલા યુવાનને જો તમે પૂછશો તો તે કહેશે કે તે સત્ય છે; અને તે પ્રમાણે જ તે ખરેખર માને છે. કદાચ તે જ યુવાન જ્યારે વૃદ્ધ થાય અને સુખસમૃદ્ધિ તેને કાયમ હાથતાળી દઈને છટકી જતી અનુભવે, ત્યારે તે એમ કહેશે કે આ તો નસીબની વાત છે. આખરે તે અનુભવે છે, કે ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ શકતી નથી. તે જ્યાં જ્યાં નજર નાખે છે ત્યાં ત્યાં એક અભેદ્ય દીવાલ સામે આવે છે કે જેને તે ઓળંગી શકતો નથી. ઈન્દ્રિયની દરેક ક્રિયા એક પ્રતિક્રિયામાં પરિણમે છે. બધું જ ક્ષણિક છે; મોજશોખ, દુઃખ, એશઆરામ, ધન, સત્તા અને દારિદ્ર- ખુદ જીવન પણ – બધું જ ક્ષણિક છે.

માનવજાતને માટે બે જ માર્ગો રહે છે. એક તો શૂન્યવાદીઓની સાથે એમ માનવું કે સર્વ કાંઈ શૂન્ય જ છે, આપણે કંઈ જાણતા નથી; ભૂત, ભવિષ્ય કે વર્તમાન વિશે પણ આપણે કદી કંઈ જાણી શકવાના નથી. આપણે એ યાદ રાખવું જોઈએ કે જે માણસ ભૂતકાળને તેમજ ભવિષ્યકાળને માનતો નથી અને માત્ર વર્તમાનકાળને જ વળગી રહેવા માગે છે, તે કેવળ પાગલ છે. એ તો માતાપિતાનો ઈન્કાર કરવો ને બાળકનું અસ્તિત્વ છે એમ કહેવા જેવું છે. તે પણ તેટલું જ તર્કયુક્ત ગણાય. ભૂતકાળ અને ભવિષ્યકાળનો અસ્વીકાર કરવો હોય, તો વર્તમાનકાળનો પણ અનિવાર્ય રીતે અસ્વીકાર કરવો જ જોઈએ. આ થયો એક પક્ષ – શૂન્યવાદીઓનો પક્ષ. મેં ક્યાંયે એક પણ માણસ એવો જોયો નથી કે જે ક્ષણભરને માટે પણ ખરેખરો શૂન્યવાદી થઈ શકે. માત્ર બોલવું બહુ સહેલું છે.

ત્યાર પછી એક બીજો માર્ગ છે, તે છે વસ્તુનો ખુલાસો શોધવો, સત્ય વસ્તુની શોધ કરવી, હરહંમેશ બદલાયા કરતા ક્ષણભંગુર જગતમાં જે કંઈ સત્ય છે તેની શોધ કરવી. જડ દ્રવ્યના પરમાણુઓના સમૂહરૂપ આ શરીરમાં કંઈ સત્ય છે ? માનવમનના સમગ્ર ઈતિહાસમાં શોધખોળનો વિષય આ જ છે. ખૂબ જ પ્રાચીન કાળમાં, આપણે અનેકવાર માણસોના મનમાં પ્રકાશના ચમકારા આવતા જોઈએ છીએ. ત્યારે પણ, આપણે માણસને જડ શરીરથી એક ડગલું આગળ વધતો જોઈએ છીએ. તે વખતે માણસે એવું કંઈક શોધી કાઢ્યું છે કે જે આ બાહ્ય શરીર નથી, છતાં ઘણે અંશે તેના જેવું જ વધારે સંપૂર્ણ, વધારે નિર્દોષ અને આ શરીરનો નાશ થાય તો પણ ટકી રહે તેવું છે. મૃતદેહને ભસ્મીભૂત કરતા અગ્નિદેવને સંબોધાયેલા ઋગવેદના મંત્રોમાં આપણે વાંચીએ છીએ : ‘હે અગ્નિ ! તું તેને કોમળતાપૂર્વક તારા બાહુઓ વડે લઈ જજે, તેને તેજસ્વી અને સંપૂર્ણ શરીર આપજે, તથા જ્યાં પિતૃઓ રહે છે અને જ્યાં શોક કે મૃત્યુ નથી ત્યાં તેને લઈ જજે.’ તમને દરેક ધર્મમાં આ જ વિચાર સાંપડશે. તેની સાથોસાથ આપણને એક બીજો વિચાર પણ મળે છે. એ એક સૂચક હકીકત છે કે એક પણ અપવાદ સિવાય બધા ધર્મો એવો મત ધરાવે છે, કે માણસ અગાઉ હતો તેના કરતાં અત્યારે અવનતિ પામેલો છે; પછી ભલે તેઓ આ વિચારને પૌરાણિક શબ્દોમાં કે સ્પષ્ટ દાર્શનિક ભાષામાં કે સુંદર કાવ્યમય વાણીમાં રજૂ કરે. દરેક શાસ્ત્ર કે પુરાણમાંથી આ એક જ હકીકત તરી આવે છે, કે આજનો માણસ પહેલાંના માણસ કરતાં નીચે ઊતરેલો છે. યહૂદી શાસ્ત્રમાં આવતી આદમના પતનની કથામાં રહેલા સત્યનો સાર આ છે. હિંદુ શાસ્ત્રમાં પણ ફરી ફરીને આ જ બાબત કહેવામાં આવેલ છે. લોકો જેને સતયુગ તરીકે ઓળખે છે તેવા સમયની કલ્પના પણ આ જ છે કે ત્યારે મનુષ્ય પોતાની ઈચ્છા સિવાય મૃત્યુ પામતો નહીં, પોતાનું શરીર ઈચ્છા પ્રમાણે ટકાવી શકતો અને તેનું મન મજબૂત તથા પવિત્ર હતું; ત્યારે કાંઈ પાપ ન હતું, દુઃખ ન હતું, અને આજનો જમાનો તે પૂર્ણત્વની સ્થિતિમાંથી અધઃપતન છે. આની સાથોસાથ આપણે બધે જ પ્રલયની કથા સાંભળીએ છીએ. તે કથા જ એક સબળ સાબિતી છે કે બધા ધર્મોની માન્યતા પ્રમાણે આજનો યુગ અગાઉના જમાનાની પતનની અવસ્થા છે. એ જમાનો વધારે ને વધારે બગડતો ગયો, અને છેવટે માનવજાતના મોટાભાગનો પ્રલયમાં નાશ થયો; અને ફરીથી ઉન્નતિ શરૂ થઈ. અને પૂર્વની એ પવિત્રતાની સ્થિતિએ ફરીથી પહોંચવાને માટે તે ધીમે ધીમે ઉન્નતિ સાધતો જાય છે. બાઈબલના જૂના કરારમાં આવતી જલપ્રલયની વાર્તા તમે સારી રીતે જાણો છો. બેબીલોનના પ્રાચીન વતનીઓમાં, ઈજિપ્તના લોકોમાં, ચીનના લોકોમાં તથા હિંદુઓમાં પણ એ જ કથા પ્રચલિત હતી. મનુ નામે એક પ્રાચીન મહાન મુનિ ગંગા નદીને કિનારે તપ કરતા હતા, તે વખતે એક નાની માછલી તેમની પાસે રક્ષણાર્થે આવી. મનુએ તે માછલીને પોતાની પાસે પાણીથી ભરેલા નાના કમંડળમાં રાખી લીધી. મનુએ તેને પૂછ્યું : ‘તારે શું જોઈએ છે ?’ પેલી નાની માછલીએ કહ્યું : ‘મોટી માછલીઓ મારી પાછળ પડે છે તેથી તેમનાથી મારું રક્ષણ કરો.’ મનુ તે નાની માછલીને પોતાને ઘેર લઈ ગયા. બીજે દિવસે સવારે તેમણે જોયું માછલી તો કમંડળ જેવડી મોટી થઈ ગઈ છે. મનુને જોતાં જ માછલી બોલી : ‘હવે હું આ કમંડળમાં વધારે વખત સમાઈ શકું તેમ નથી.’ મનુએ તેને તળાવમાં મૂકી. બીજે દિવસે તે તળાવ જેવડી મોટી થઈ ગઈ અને કહ્યું કે હું તળાવની અંદર સમાઈ શકતી નથી. તેથી મનુ તેને નદીમાં લઈ ગયા અને બીજે દિવસે તે માછલી નદી જેવડી મોટી થઈ ગઈ. પછી મનુએ તેને સમુદ્રમાં મૂકી. ત્યારે તે માછલી બોલી : ‘મનુ ! હું આ જગતનો સ્રષ્ટા છું, અને તને સાવચેત કરવા માટે મેં આ રૂપ ધારણ કરેલ છે. હું આ જગતનો પ્રલય કરવા માગું છું. તું એક નાવ બનાવ અને તેમાં દરેક પ્રકારના પ્રાણીની એકએક જોડી મૂકીને તારા કુટુંબને અંદર બેસાડી દે. પ્રલયના જળમાંથી મારું એક શીંગડું બહાર આવશે, તેની જોડે નાવને બાંધી દેજે, અને જ્યારે જલપ્રલય શાંત થઈ જાય ત્યારે તું બહાર આવીને દુનિયાને વસાવજે.’ આ પ્રમાણે આખા જગત ઉપર જલપ્રલય ફરી વળ્યો અને મનુએ પોતાના કુટુંબને તથા દરેક જાતના પ્રાણીના એક એક જોડકાંને અને દરેક છોડના બીજને બચાવ્યાં. જ્યારે પ્રલય શાંત થયો ત્યારે મનુએ દુનિયાને ફરી નવેસરથી વસાવી. આપણે સહુ ‘માનવ’ તરીકે ઓળખાઈએ છીએ, તેનું કારણ એ છે કે આપણે મનુના વંશજો છીએ.

હવે, માનવ ભાષા, અંદર રહેલા સત્યને બહાર વ્યક્ત કરવા માટેનો પ્રયત્ન છે. મારી પૂરી ખાતરી છે કે જેની ભાષા, સમજાય નહીં તેવા શબ્દોની બનેલી હોય છે તે એક બાળક પણ, સર્વોચ્ચ તત્વજ્ઞાન વ્યક્ત કરવાની કોશિશ કરી રહ્યું હોય છે; માત્ર બાળક પાસે તે વ્યક્ત કરવાની ઈન્દ્રિયો કે સાધન નથી. સર્વોચ્ચ તત્વવેત્તાઓની ભાષામાં અને બાળકોના શબ્દોમાં ફેર માત્ર તારતમ્યનો હોય છે, વસ્તુનો નહીં. જેને તમે આજે સાચી, પદ્ધતિસરની અને ગણિતશાસ્ત્ર જેવી ચોક્કસ ભાષા કહો છો તેમાં, અને પ્રાચીનોની અસ્પષ્ટ, રહસ્યમય અને પૌરાણિક ભાષામાં માત્ર તારતમ્યનો જ તફાવત છે. તે સૌની પાછળ એક ભવ્ય વિચાર હોય છે, અને જાણે કે, બહાર વ્યક્ત થવાની તે મથામણ કરી રહ્યો હોય છે. કેટલીક વાર તો આ પ્રાચીન પુરાણકથાઓની પાછળ નક્કર સત્યો પડેલાં હોય છે. અને મને કહેતાં દિલગીરી થાય છે કે આજના જમાનાના લોકોના ચળકતાં સુંદર શબ્દો ઘણીવાર તો સાવ અર્થહીન જ હોય છે. એટલે અમુક વાત પુરાણની કથામાં કહેવાયેલ છે, તથા અમુક ભાઈના અથવા અમુક બાઈના ખ્યાલો સાથે બંધબેસતી થતી નથી, માત્ર એટલા જ કારણસર તેને ફેંકી દેવી ન જોઈએ. અમુક પયગંબરોએ શીખવેલ દંતકથાઓ માણસે માનવી જ જોઈએ એમ ઘણાખરા ધર્મો શીખવે છે એ કારણસર જ જો લોકો ધર્મની મજાક ઉડાવતા હોય, તો તેમણે આ આધુનિક લોકોની ઊલટી વધારે મજાક ઉડાવવી જોઈએ. આધુનિક જમાનામાં જો કોઈ માણસ મોઝીઝ, બુદ્ધ અગર ઈશુ ખ્રિસ્તને ટાંકીને કોઈ વાત કરે તો લોકો તેની મજાક ઉડાવવાના; પણ જો તે હકસલી, ટિન્ડેલ અગર ડાર્વિનને નામે વાત કરે, તો લોકો તે વાત જેમની તેમ ગળે ઉતારી જવાના. ‘હકસલીએ આ પ્રમાણે કહેલ છે’ એટલું જ વિધાન ઘણાને માટે બસ થઈ પડે છે. જરૂર, આપણે વહેમથી મુક્ત છીએ ખરા ! પેલો જો ધાર્મિક વહેમ હતો, તો આ વૈજ્ઞાનિક વહેમ છે; ફેર માત્ર એટલો જ કે તે વહેમમાંથી આધ્યાત્મિકતાના જીવનપ્રદ વિચારો આવ્યા હતા, જ્યારે આ આધુનિક વહેમમાંથી કામ અને લોભ જન્મે છે. પેલા વહેમમાં ઈશ્વરની પૂજા હતી જ્યારે આધુનિક વહેમમાં ગંદા પૈસા, કીર્તિ અને સત્તાની ઉપાસના છે. તફાવત માત્ર એટલો જ છે.

ફરી પાછા આપણે પુરાણોની વાતો ઉપર આવીએ. આ બધી વાતોની પાછળ આપણે એક વિચારને ખૂબ જ આગળ તરી આવતો જોઈએ છીએ : મનુષ્ય પોતે જે હતો તેના કરતાં નીચે ઊતરી ગયો છે. અત્યારના જમાનાની વાત કરીએ તો, આધુનિક શોધખોળો આ સ્થિતિને તદ્દન ખોટી પાડતી દેખાય છે. ઉત્ક્રાંતિવાદીઓ આ વિધાનનો સદંતર વિરોધ કરતા લાગે છે. તેમના મત પ્રમાણે માણસ મૃદુકાય પ્રારંભિક કીડામાંથી વિકાસ પામેલ છે અને તેથી પુરાણની વાતો સાચી હોઈ શકે નહીં. છતાં ભારતમાં એવું એક પુરાણ છે કે જે આ બંને સ્થિતિઓનો સમન્વય સાધી શકે છે. ભારતની પુરાણકથાઓમાં કલ્પનો એક સિદ્ધાંત છે. તેમાં કહે છે કે બધી ઉત્ક્રાંતિ મોજાના રૂપમાં હોય છે. દરેક મોજાની પાછળ એક ખાડો હોય છે અને તેની પાછળ પાછું મોજું ઊભું થાય છે. આ ગતિ ચક્રાકાર હોય છે. આધુનિક શોધખોળને પરિણામે પણ તે હકીકત ખરી છે, કે મનુષ્ય માત્ર ઉત્ક્રાંતિનું જ પરિણામ ન હોઈ શકે. પ્રત્યેક ઉત્ક્રાંતિ અપક્રાંતિ સૂચિત કરે છે. આજે વૈજ્ઞાનિક જમાનાનો માણસ તમને કહેશે કે યંત્રમાં તમે અગાઉથી જેટલી શક્તિ ભરી હોય તેટલી જ શક્તિ તેમાંથી તમને મળી શકે; શૂન્યમાંથી કોઈ વસ્તુ ઉત્પન્ન થઈ શકે નહીં. જો માણસનો વિકાસ મૃદુકાય કીડામાંથી થયો હોય તો પૂર્ણ માનવ, બુદ્ધ કે ક્રાઈસ્ટ પણ આવા કીડામાં અવ્યક્ત સ્વરૂપમાં રહેલા જ હોવા જોઈએ. જો તેમ ન હોય તો આ મહાન પુરુષો આવ્યા ક્યાંથી ? શૂન્યમાંથી વસ્તુ ઉત્પન્ન થાય નહીં. આમ આપણે પુરાણોનો આધુનિક વિચારોની સાથે સમન્વય સાધી શકીએ છીએ. જે શક્તિ ધીમે ધીમે જુદી જુદી સ્થિતિમાંથી પસાર થઈને બહાર આવે છે અને છેવટે પૂર્ણ માનવ રૂપે વિકસે છે, તે સાવ શૂન્યમાંથી તો આવી શકે જ નહીં. તેનું અસ્તિત્વ ક્યાંક પણ હતું જ, અને જો તેના પ્રારંભિક મૂળ તરીકે મૃદુકાય કીડો કે એકકોષી જીવ માનો, તો તે કીડા અને એકકોષી જીવમાં કોઈપણ રીતે એ શક્તિ રહેલી હોવી જ જોઈએ.

એક મોટી ચર્ચા એવી ચાલી રહી છે કે જેને આપણે શરીર કહીએ છીએ તે જડ દ્રવ્યનો સમૂહ, એ જેને આપણે જીવ કે વિચાર વગેરે કહીએ છીએ તે શક્તિના પ્રાદુર્ભાવનું કારણ છે, અથવા વિચાર શરીરના પ્રાદુર્ભાવનું કારણ છે. જગતના ધર્મો તો અવશ્ય એમ માને છે કે જે શક્તિને વિચાર કહીએ છીએ તે જ શરીરને ઉત્પન્ન કરે છે, તેથી ઊલટું નહીં. આધુનિક વિચાર ધરાવતા કેટલાક સંપ્રદાયો માને છે કે જેને આપણે વિચાર કહીએ છીએ તે શરીરરૂપી યંત્રના ભાગોની ગોઠવણનું પરિણામ માત્ર છે. આત્મા, કે વિચારસમૂહ, કે તમે તેને ગમે તે નામ આપો, પણ તે શરીરરૂપી યંત્રનું જ પરિણામ છે, શરીર અને મગજને બનાવનાર ભૌતિક અને રસાયણિક પદાર્થોના સંમિશ્રણનું પરિણામ છે. એ પક્ષને જો તમે માન્ય રાખો, તો પણ એ પ્રશ્નનો જવાબ મળતો નથી. શરીરને બનાવનારું તત્વ કયું છે ? એવું કયું બળ છે જે અણુઓને શરીરના આકારમાં એકઠાં કરે છે ? જે બળ આસપાસના જડ દ્રવ્યના સમૂહને લઈને મારા શરીરને એક આકાર આપે છે. બીજાના શરીરને બીજો આકાર આપે છે, તે બળ કયું છે ? આ અગણિત ભેદો કોણ પાડે છે ? આત્મા નામનું બળ શરીરના પરમાણુઓના મિશ્રણનું પરિણામ છે એમ કહેવું તે તો ગાડીને ઘોડાની આગળ મૂકવા બરાબર છે. આ મિશ્રણ બન્યું કેવી રીતે ? આ મિશ્રણને બનાવનારું બળ ક્યાં હતું ? જો તમે એમ કહો કે કોઈક બીજું બળ આ સંમિશ્રણનું કારણ હતું, અને આત્મા આ પદાર્થનું પરિણામ હતું અને પદાર્થના અમુક જથ્થાને ભેગો કરનાર આત્મા પોતે તે સંમિશ્રણનું પરિણામ હતો, તો તે કંઈ જવાબ નથી. આપણે એવા સિદ્ધાંતને સ્વીકારવો જોઈએ કે જે બધી નહીં તોય મોટાભાગની બધી હકીકતોને બીજા ચાલુ સિદ્ધાંતની સાથે વિરોધમાં આવ્યા વગર સમજાવી શકે.

જે બળ જડદ્રવ્યને એકઠું કરીને શરીર બનાવે છે તે જ શરીર દ્વારા પ્રગટ થાય છે, એમ કહેવું વધારે તર્કશુદ્ધ ગણાશે. તેથી એમ કહેવું કે શરીર દ્વારા પ્રગટ થયેલાં વિચારબળો પરમાણુઓની ગોઠવણીનું પરિણામ છે, અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતાં નથી, તેનો કંઈ જ અર્થ નથી; તેમ જ જડ દ્રવ્યમાંથી બળ ઉત્પન્ન થઈ પણ શકે નહીં. કદાચ એમ બતાવી શકાય આ જેને આપણે જડદ્રવ્ય કહીએ છીએ તેનું અસ્તિત્વ નથી; તે માત્ર બળની એક પ્રકારની અવસ્થા છે. નક્કરતા, કઠિનતા અથવા જડદ્રવ્યની બીજી કોઈ સ્થિતિ, એ ગતિનું પરિણામ છે એમ સાબિત કરી શકાય. પ્રવાહીને અપાયેલી વમળાકાર ગતિના વેગના વધારાથી તેમનામાં નક્કર પદાર્થ જેવી તાકાત આવે છે. પ્રબળ વાવાઝોડામાં થાય છે તેમ હવા વમળાકાર ગતિ પકડીને નક્કર પદાર્થ જેવી કઠિનતા ધારણ કરે છે અને તેના આઘાત વડે નક્કર પદાર્થોને તોડી પાડે છે અથવા કાપી નાખે છે. કરોળિયાની જાળના એક તંતુને જો અનંત ગણી ગતિથી ઘુમરડી શકાય તો તે તંતુ લોઢાની સાંકળ જેટલો મજબૂત બને અને મોટા વડના ઝાડને પણ કાપી નાખે. આ દષ્ટિએ જોતાં જેને આપણે જડ પદાર્થ કહીએ છીએ તેનું અસ્તિત્વ જ નથી એ સાબિત કરવું વધુ સહેલું પડશે. એથી ઊલટું એટલે કે શરીરમાંથી વિચારની ઉત્પત્તિ અથવા જડદ્રવ્યમાંથી બળની ઉત્પત્તિ સાબિત કરી શકાય એમ નથી.

શરીર દ્વારા જે પોતાને પ્રગટ કરે છે તે બળ કયું છે ? તે બળ ગમે તે હોય, પણ આપણને બધાને એ સ્પષ્ટ છે કે તે બળ, જાણે કે, અણુઓ લે છે અને તેમાંથી માનવ શરીર વગેરે આકારો બનાવે છે. તમારે કે મારે માટે, શરીરોને ચલાવવા સારું બીજું કોઈ આવતું નથી. મેં મારે માટે બીજા કોઈને ખોરાક ખાતો જોયો નથી; ખોરાક પચાવવાનું અને તેમાંથી લોહી, હાડકાં વગેરે બધું તૈયાર કરવાનું મારે જ કરવાનું રહે છે. આ રહસ્યમય બળ શું છે ? ઘણા લોકોને ભૂતકાળના તેમજ ભવિષ્યના વિચારો ભયભીત કરી મૂકતા હોય છે; ઘણાને મન તે કલ્પના માત્ર લાગે છે.

આપણે ચાલુ વિષયનો વિચાર કરીએ. અત્યારે આપણી દ્વારા કાર્ય કરી રહ્યું છે તે બળ શું છે ? આપણને ખબર છે કે પ્રાચીન સમયમાં, બધાં પ્રાચીન શાસ્ત્રોમાં, આ શક્તિને – શક્તિની આ અભિવ્યક્તિને આ શરીરનો આકાર ધારણ કરેલ કોઈ જ્યોતિર્મય તત્વ માનવામાં આવતું; અને એમ પણ માનવામાં આવતું કે આ દેહના પતન પછી પણ તે તત્વ રહે છે. પણ જતે દિવસે આપણે એક વધુ ઉચ્ચ વિચાર આવતો જોઈએ છીએ કે આ જ્યોતિર્મય દેહ એટલે તે બળ નથી. જે કંઈ વસ્તુ આકાર ધારણ કરે છે તે અણુઓના મિશ્રણનું જ પરિણામ હોવંય જોઈએ; અને તેને ગતિ આપવા માટે પાછળ કંઈક પ્રેરક હોવું જોઈએ. જો આ શરીર પોતાના સંચાલન માટે એવી કોઈ વસ્તુની અપેક્ષા રાખે કે જે શરીર નથી, તો તે જ કારણે આ જ્યોતિર્મય શરીર પણ તેને સંચાલન માટે બીજી કોઈક વસ્તુની અપેક્ષા રાખશે. એટલે આ ‘કોઈક વસ્તુને’ સંસ્કૃતમાં ‘આત્મા’ કહેવામાં આવ્યો. તે આત્મા જ જાણે કે જ્યોતિર્મય દેહ દ્વારા સ્થૂળ બાહ્ય શરીરને ચલવે છે. તે જ્યોતિર્મય દેહને મનનો આધાર ગણવામાં આવે છે, અને આત્મા તેનાથી પર છે. આત્મા મન પણ નથી. તે મનને ચલાવે છે, અને સ્થૂળ બાહ્ય શરીરને ચલાવે છે. તમારે એક આત્મા છે, મારે બીજો આત્મા છે; આપણા દરેકને જુદો જુદો આત્મા છે, જુદું જુદું સૂક્ષ્મ શરીર છે, અને તેના દ્વારા આપણે સ્થૂળ બાહ્ય શરીરને ચલાવીએ છીએ. પછી આ આત્મા વિશે તથા તેના સ્વરૂપ વિશે સવાલો ઊભા થયા. માણસનો આ આત્મા, કે જે મન નથી, તેમ શરીર પણ નથી, તે છે શું ? ઘણી ઘણી ચર્ચાઓ થઈ, અનેક કલ્પનાઓ કરવામાં આવી; જુદા જુદા પ્રકારના દાર્શનિક પ્રશ્નો અસ્તિત્વમાં આવ્યા. આ આત્મા વિશે જે કેટલાક સિદ્ધાંતો તારવવામાં આવ્યા છે તે હું તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરીશ.

જુદાં જુદાં દર્શનશાસ્ત્રો આ બાબતમાં તો એકમત લાગે છે કે આ આત્મા, ગમે તે હોય, પણ તેને રૂપ કે આકાર નથી; અને જેને રૂપ કે આકાર ન હોય તે અવશ્ય સર્વવ્યાપી હોવો જ જોઈએ. કાળ મનની સાથે જ શરૂ થાય છે; દેશ પણ મનમાં જ છે. કાળના ખ્યાલ સિવાય કાર્યકારણ ભાવ ટકી શકે નહીં. પરંપરાના ખ્યાલ સિવાય કાર્યકારણ ભાવ હોઈ શકે નહીં. તેથી દેશ, કાળ અને નિમિત્ત મનમાં જ છે; તેમ જ આત્મા મનથી પર અને નિરાકાર હોવાથી દેશ, કાળ અને નિમિત્તથી પણ પર હોવો જોઈએ. હવે જો તે દેશ, કાળ અને નિમિત્તથી પર હોય તો તે અનંત જ હોવો જોઈએ.

પછી આપણાં શાસ્ત્રોમાંની ઊંચામાં ઊંચી કલ્પના આવે છે. અનંત બે ન હોઈ શકે. જો આત્મા અનંત હોય, તો આત્મા માત્ર એક જ હોઈ શકે, અને આત્મા ભિન્ન ભિન્ન છે એ બધા વિચારો – જેવા કે, તમારે એક આત્મા છે, મારે બીજો છે, વગેરે વગેરે – સાચા નથી. તેથી સાચો માનવ તો એક અને અનંત છે, સર્વવ્યાપી ચૈતન્ય છે; અને માણસ તરીકે જે દેખાય છે, તે સાચા માનવનું માત્ર એક મર્યાદિત સ્વરૂપ છે. આ દષ્ટિએ પુરાણો સાચું કહે છે કે દેખાતો માણસ ભલે ગમે તેટલો મહાન લાગે, તો પણ તે ઈન્દ્રિયોથી પર સાચા માનવનું એક ઝાંખું પ્રતિબિંબ માત્ર છે. તેથી સાચો માનવ એટલે કે શુદ્ધ ચૈતન્ય, કાર્યકારણથી પર હોઈને દેશ અને કાળથી બદ્ધ નથી, તેથી તે અવશ્ય મુક્ત હોવો જોઈએ. તે કદી બદ્ધ હતો નહીં, તેમ જ થઈ શકે નહીં. તેનું પ્રતિબિંબ, દેખાતો માનવ, દેશકાળ અને નિમિત્તથી મર્યાદિત છે, અને તેથી બદ્ધ છે. અથવા અમારા કેટલાક દાર્શનિકોની ભાષામાં બોલીએ તો બંધનમાં હોય તેમ દેખાય છે, પણ ખરી રીતે તેમ નથી. આ સર્વવ્યાપીપણું, આ દિવ્ય સ્વભાવ, આ અનંતતા આપણા આત્માનું ખરું સ્વરૂપ છે. દરેક આત્મા અનંત છે તેથી જીવનમરણનો પ્રશ્ન રહેતો જ નથી. કેટલાંક બાળકોની પરીક્ષા ચાલતી હતી. પરીક્ષકે તેમને કેટલાક અઘરા સવાલો પૂછ્યા. તેમાંનો એક આ પ્રમાણે હતો : ‘પૃથ્વી પડી જતી કેમ નથી ?’ તેને ગુરુત્વાકર્ષણ વિશે જવાબ જોઈતા હતા. ઘણાંખરાં બાળકો તેનો કંઈ પણ જવાબ આપી શક્યા નહીં; કેટલાકે કહ્યું કે ગુરુત્વાકર્ષણ કે એવું કંઈક તેનું કારણ હતું; એક ચાલાક નાની છોકરીએ એક સામો સવાલ પૂછીને તેનો જવાબ આપ્યો : ‘જો તે પડે તો ક્યાં પડે ?’ પ્રશ્ન જ વિચાર વગરનો છે. પૃથ્વી ક્યાં પડે ? પૃથ્વી માટે પડવાનું કે ચડવાનું કશું છે જ નહીં. અનંત અવકાશમાં ઊંચા કે નીચા જેવું કંઈ જ નથી; આ બધું સાપેક્ષ જગતમાં છે. અનંતને માટે જવાનું કે આવવાનું ક્યાં છે ? તે ક્યાંથી આવે અને ક્યાં જાય ?

આમ, જ્યારે લોકો ભૂતકાળ તેમજ ભવિષ્યકાળનો વિચાર કરતા બંધ થાય, જ્યારે શરીરનો ખ્યાલ છોડી દે – કારણ કે શરીર તો આવે છે અને જાય છે અને મર્યાદિત છે – ત્યારે તેઓ વધારે ઉચ્ચ આદર્શને પહોંચે છે. શરીર સાચો માનવ નથી, તે જ પ્રમાણે મન પણ તે નથી, કારણ કે મનનો પણ સંકોચ અને વિકાસ થયા જ કરે છે. માત્ર આ બધાથી પર જે આત્મા છે તે જ કાયમને માટે રહી શકે. શરીર અને મન તો હંમેશાં બદલાતાં રહે છે. અને હકીકતમાં તો જેમ નદીનાં પાણી કાયમ વહેતાં રહે છે, અને છતાં અખંડ પ્રવાહ રૂપે દેખાય છે, તેમ મન અને શરીર માત્ર નિરંતર બદલાયા કરતી ઘટનાની પરંપરાનાં નામ છે. આ શરીરનું અણુએ અણુ સતત બદલાયા કરે છે; કોઈનું પણ શરીર વધારે મિનિટો સુધી એકનું એક જ રહેતું નથી, અને છતાં આપણે ધારીએ છીએ કે આપણું શરીર તો એનું એ જ છે. મનનું પણ તેમ જ છે; એક ક્ષણે તે સુખી હોય છે, બીજી ક્ષણે તે દુઃખી હોય છે; એક ક્ષણે તે સબળ હોય છે, તો બીજી ક્ષણે તે નબળું હોય છે; સદા પરિવર્તન પામ્યા કરતા વમળ જેવું છે. તે મન અનંત આત્મા ન હોઈ શકે. પરિવર્તન માત્ર મર્યાદિત વસ્તુમાં જ હોઈ શકે; અનંત કોઈપણ રીતે પરિવર્તન પામે એમ કહેવું તે બેહુદું છે, કેમ કે તેમ બની શકે નહીં. મર્યાદિત શરીરો તરીકે તમે અને હું હાલચાલ કરી શકીએ. આ વિશ્વનું અણુએ અણુ નિરંતર ગતિની અવસ્થામાં છે. પરંતુ જો સમગ્ર વિશ્વને આપણે એક એકમ તરીકે લઈએ, તો તેમાં ગતિ હોઈ શકે નહીં, તેમ પરિવર્તન પણ હોઈ શકે નહીં. ગતિ હંમેશાં સાપેક્ષ છે. બીજી કોઈક વસ્તુની અપેક્ષાએ હું ગતિ કરું છું. આ વિશ્વમાં કોઈ પણ અણુ બીજા કોઈ અણુની અપેક્ષાએ પરિવર્તન પામી શકે; પણ સમગ્ર વિશ્વને એક એકમ તરીકે લો તો તે કોની અપેક્ષાએ ગતિ કરી શકે ? તેના સિવાય બીજું કશું છે જ નહિ. તેથી આ અનંત એકમ અચળ, અપરિમાણી, નિરપેક્ષ છે; અને આ જ સાચો માનવ છે. તેથી આપણી સત્તા (હોવાપણું) સમગ્ર વિશ્વમાં – અસીમમાં રહેલી છે, સીમિતમાં નહીં. આપણે નાના નાના, મર્યાદિત અને કાયમ બદલાયે જતા જીવો છીએ એવા વિચારો ભલે ગમે તેટલા સુખદ લાગતા હોય, પણ તે બધા પુરાણા ભ્રમો છે. જો લોકોને એમ કહેવામાં આવે કે તમે સર્વવ્યાપી વિશ્વાત્મા છો, તો તેઓ ગભરાઈ જાય છે. સર્વ વસ્તુ દ્વારા તમે કામ કરો છો, સૌના પગ દ્વારા તમે ચાલો છો, સૌના મુખ દ્વારા તમે બોલો છો અને સૌના હૃદયો દ્વારા તમે લાગણી અનુભવો છો.

લોકોને જ્યારે આ વાત કહેવામાં આવે છે, ત્યારે તેઓ ડરી જાય છે. તેઓ વારંવાર તમને પૂછશે કે શું અમારું વ્યક્તિત્વ રહેશે નહીં ? આ વ્યક્તિત્વ એટલે છે શું ? મારે તે જોવું છે. નાના છોકરાને મૂછો હોતી નથી; જ્યારે તે જુવાન થાય છે ત્યારે તેને મૂછો અને દાઢી આવે છે. જો વ્યક્તિત્વ શરીરમાં જ હોય તો દાઢીમૂછ ઊગવાની સાથે જ તે નષ્ટ થઈ જાય. જો મારું વ્યક્તિત્વ મારા શરીરમાં જ હોય, તો જો હું એક આંખ ગુમાવું કે એક હાથ ગુમાવું તો તે વ્યક્તિત્વ નાશ પામી જાય. તો તો પછી પોતાનું વ્યક્તિત્વ ચાલ્યું જશે એમ સમજીને દારૂડિયાએ પણ દારૂ ન છોડી દેવો જોઈએ, કોઈ ચોરે સારો માણસ ન બનવું જોઈએ, કેમ કે તેનાથી તે પોતાનું વ્યક્તિત્વ ગુમાવી દે ! આવી બીકને લીધે તો કોઈપણ માણસે પોતાની ટેવો બદલવી ન જ જોઈએ. અનંત સિવાય બીજે ક્યાંય વ્યક્તિત્વ છે જ નહીં. તે એક જ સ્થિતિ એવી છે કે જે કદી બદલાતી નથી; બાકીની બધી વસ્તુઓ હંમેશાં પરિવર્તનની સ્થિતિમાં જ છે. વળી વ્યક્તિત્વ સ્મૃતિમાં પણ હોઈ શકે નહીં. ધારો કે મારા માથા ઉપરના એકાદ ફટકાને લીધે હું મારો બધો ભૂતકાળ ભૂલી જાઉં છું; તો પછી મેં મારું બધું વ્યક્તિત્વ ગુમાવી દીધું અને હું ક્યાંયનો ન રહ્યો ! મારા બચપણના બે કે ત્રણ વરસ મને યાદ નથી; અને જો સ્મૃતિ અને અસ્તિત્વ એક જ હોય તો જે કંઈ હું ભૂલી ગયો તે બધું નાશ પામી ગયું. જિંદગીનો જે ભાગ યાદ નથી, તે હું જીવ્યો જ નથી. વ્યક્તિત્વ વિશેનો આ વિચાર ખૂબ જ સંકુચિત છે.

આપણે હજી વ્યક્તિઓ બન્યા નથી. આપણે વ્યક્તિત્વને પામવા માટે હજુ તો પ્રયત્ન કરી રહ્યા છીએ; એ વ્યક્તિત્વ તે જ અનંત છે, અને માનવનું તે જ સાચું સ્વરૂપ છે. જેનું જીવન આખા વિશ્વમાં છે તે જ સાચું જીવે છે; જેમજેમ આપણે મર્યાદિત વસ્તુઓ ઉપર આપણું જીવન કેન્દ્રિત કરીએ છીએ, તેમ તેમ વધારે ને વધારે ઝડપથી મૃત્યુ તરફ આગળ વધીએ છીએ. જે ક્ષણો દરમિયાન આપણે આપણી જિંદગી વિશ્વને માટે, અન્યને માટે જીવીએ છીએ, તેટલું જ આપણે સાચું જીવન જીવીએ છીએ; આવું મર્યાદિત જીવન જીવવું તે તો મૃત્યુ છે; અને તેથી આપણને મૃત્યુનો ભય લાગે છે. મૃત્યુના ભયને ત્યારે જ જીતી શકાય, કે જ્યારે માણસ એમ સમજે કે જ્યાં સુધી આખા વિશ્વમાં એક પણ જીવ હયાત છે ત્યાં સુધી તે પોતે જીવે છે. જ્યારે તે એમ કહી શકે કે ‘હું દરેક વસ્તુમાં છું. દરેક પદાર્થમાં છું, બધાં જીવનમાં છું, હું જ વિશ્વ છું.’ માત્ર ત્યારે જ નિર્ભયતાની સ્થિતિ આવે. નિત્ય પરિવર્તનશીલ વસ્તુઓને વિશે અમરત્વની વાતો કરવી એ નરી મૂર્ખતા છે.

એક પ્રાચીન સંસ્કૃત દાર્શનિક કહે છે : માત્ર આત્મા જ વ્યક્તિ છે, કારણ કે તે અનંત છે. તે અનંતના ભાગલા પડી શકે નહીં, અનંતના ટુકડા પાડી શકાય નહીં. હંમેશને માટે તે એક જ અખંડ એકમ છે, અને આ જ સાચી વ્યક્તિ છે, સાચો માનવ છે. દેખાતો માનવ તો આ ઈન્દ્રિયાતીત વ્યક્તિને પ્રગટ કરવાનો પ્રયત્ન માત્ર છે; વિકાસ આત્મામાં થતો નથી. આ જે પરિવર્તનો ચાલી રહ્યાં છે – દુષ્ટ સારો થાય છે, પશુ માનવ બને છે, આ માનવ પરિવર્તનોને તમે ગમે તે રીતે ગણો પણ – તે બધાં આત્મામાં થતાં નથી. તે પરિવર્તનો પ્રકૃતિનો વિકાસ છે, અને આત્માની અભિવ્યક્તિઓ છે. ધારો કે સામે એક પડદો છે, કે જે તમને મારી નજરેથી સંતાડી રાખે છે. પડદામાં એક નાનું કાણું છે, કે જેમાંથી હું સામેના થોડાએક ચહેરાઓ જોઈ શકું છું. ધારો કે તે છિદ્ર મોટું ને મોટું થતું જાય છે. જેમ જેમ તે છિદ્ર મોટું થાય છે, તેમ તેમ વધારે ને વધારે દશ્ય મને જોવા મળે છે; અને છેવટે આખો પડદો અદશ્ય થઈ જતાં હું તમારી સૌની સમક્ષ ઊભો હોઉં છું. આ કિસ્સામાં તમે તો જરાપણ બદલાયા નથી; માત્ર છિદ્ર જ ધીમે ધીમે મોટું થતું ગયું, અને તમે ધીમે ધીમે વધારે દેખાવા લાગ્યા છો. આત્માની બાબતમાં પણ એમ જ છે. પૂર્ણતા પ્રાપ્ત કરવાની રહેતી નથી; તમે પહેલેથી જ પૂર્ણ અને મુક્ત છો. ધર્મ અને ઈશ્વર વિશેના તથા પરલોકની શોધ વિશેના આ બધા વિચારો શું છે ? માણસ ઈશ્વરને શા માટે શોધે છે ? દરેક પ્રજામાં અને સમાજની દરેક સ્થિતિમાં માણસ ક્યાંક પણ પૂર્ણ આદર્શને માનવમાં કે ઈશ્વરમાં કે બીજે ક્યાંક શા માટે શોધે છે ? તેનું કારણ એ છે કે તે વિચાર તમારી અંદર જ પડેલો છે. ધબકારા તમારા જ હૃદયના થતા હતા પણ તમે તે જાણતા ન હતા, અને ભૂલથી તેને બહારની કંઈક વસ્તુ માનતા હતા. તમારી પોતાની અંદર રહેલો ઈશ્વર જ તેને શોધવા માટે, તેને પ્રગટ કરવા માટે, તમને પ્રેરણા આપી રહ્યો છે. મંદિરોમાં તથા દેવળોમાં, પૃથ્વી ઉપર અને સ્વર્ગમાં, ચારે બાજુ ખૂબ શોધ કરી કરીને છેવટે જ્યાંથી તમે શરૂઆત કરી હતી ત્યાં વર્તુળ પૂરું કરીને તમે પાછા તમારા આત્મા તરફ આવો છો; અને જુઓ છો કે જે ઈશ્વરને તમે આખા જગતમાં શોધતા હતા, જેને માટે દેવળો અને મંદિરોમાં પ્રાર્થના કરતા હતા અને રડતા હતા, જેને તમે વાદળોમાં છુપાયેલાં અતિ ગૂઢ રહસ્યોમાંનું એક રહસ્ય સમજતા હતા, તે ઈશ્વર નજીકમાં નજીક છે, તમારો પોતાનો આત્મા જ છે, તમારું જીવન, શરીર અને આત્માનું સાચું સ્વરૂપ છે. તે જ તમારો પોતાનો સ્વભાવ છે. તેના ઉપર જ ભાર મૂકો; તેને જ પ્રગટ કરો. પવિત્ર થવાનું નથી; પવિત્ર તો તમે છો જ. તમારે પૂર્ણ થવાનું નથી; પૂર્ણ તો તમે છો જ. પ્રકૃતિ જગતથી પર તત્વને છુપાવી રાખનાર પડદા જેવી છે. જે દરેક સારો વિચાર કે સારું વર્તન કરો, તે જાણે કે માત્ર આ પડદાને ચીરી નાંખવાનું કાર્ય છે; અને પવિત્રતા, અનંતતા, પાછળ રહેલો ઈશ્વર, પોતાને વધારે પ્રગટ કરે છે.

માનવનો સમગ્ર ઈતિહાસ આ જ છે. જેમ જેમ પડદો ઝીણો ને ઝીણો થતો જાય છે તેમ તેમ પાછળનો પ્રકાશ વધારે ને વધારે ઉજ્જવળ બને છે. કારણ કે, પ્રકાશવું એ તેનો સ્વભાવ જ છે. તે જાણી શકાય નહીં; આપણે તેનો વ્યર્થ પ્રયાસ કરીએ છીએ. જો તે જાણી શકાય તેમ હોય તો તે જે છે તે ન હોત, કારણ કે તે શાશ્વત છે. જ્ઞાન એ મર્યાદા છે, જાણવું એ વસ્તુમાં દશ્યત્વ લાવવું તે છે. તે દરેક વસ્તુનો શાશ્વત જ્ઞાતા છે, આ જગતનો સનાતન સાક્ષી છે, તમારો પોતાનો આત્મા છે. જ્ઞાન જાણે કે નીચલી સ્થિતિ છે – અવનતિ છે. આપણે જ તે શાશ્વત જ્ઞાતા છીએ, આપણે તેને જાણી કેવી રીતે શકીએ ? દરેક માણસની સાચી પ્રકૃતિ તે જ છે, અને જુદી જુદી રીતે તેને પ્રગટ કરવા માટે તે મથી રહ્યો હોય છે; નહીં તો આટલા બધા નીતિના નિયમો શા માટે હોય ? બધાં નીતિશાસ્ત્રોનો ખુલાસો બીજે ક્યાં છે ? જુદા જુદા સ્વરૂપે બતાવાયેલ એક જ વિચાર બધાં શાસ્ત્રોના મધ્યવર્તી વિચાર તરીકે તરી આવે છે : તે એ છે કે બીજાનું ભલું કરવું. માનવજાતનો પ્રેરક હેતુ, માનવી તેમજ પ્રાણીમાત્ર પ્રત્યે દયા રાખવાનો હોવો જોઈએ. પણ આ બધા તે શાશ્વત સત્યના જુદા જુદા પ્રકારો છે કે : ‘હું આ વિશ્વ છું; આ વિશ્વ એક છે.’ નહીં તો પછી એમ કરવાનું કારણ ક્યાં રહ્યું ? મારે મારા જાતિભાઈઓનું ભલું શા માટે કરવું જોઈએ ? મારે બીજાઓનું ભલું શા માટે કરવું જોઈએ ? એમ કરવાને મને કઈ વસ્તુ ફરજ પાડે છે ? એ છે સહાનુભૂતિની લાગણી, સર્વત્ર એકતાની લાગણી, કે જે મને તેમ કરવાનું કહે છે. કઠોરમાં કઠોર હૃદયવાળાઓ પણ ક્યારેક બીજા લોકોને માટે દયાની લાગણી અનુભવે છે. આ માની લીધેલ વ્યક્તિત્વ ખરેખર તો ભ્રાંતિ જ છે, તથા આ ભાસમાન વ્યક્તિત્વને વળગી રહેવું એ શરમજનક છે, એમ સાંભળીને ડરી જનારો માણસ પણ તમને કહેશે કે અહંકારનો સંપૂર્ણ ત્યાગ બધી નીતિમત્તાનું મૂળ છે. સંપૂર્ણ સ્વાર્થત્યાગ એટલે શું ? એનો અર્થ, આ ભાસમાન વ્યક્તિત્વનો ત્યાગ, બધી સ્વાર્થભાવનાનો ત્યાગ. ‘હું’ અને ‘મારું’ – અહંકાર અને મમતા – એ પુરાણા વહેમોનાં પરિણામ છે; અને જેમ જેમ આ અત્યારનું હુંપણું ચાલ્યું જાય, તેમ તેમ સાચો આત્મા વધારે ને વધારે પ્રગટ થાય છે. આ જ સાચો અહંકારનો ત્યાગ છે, સર્વ નૈતિક ઉપદેશોનું મૂળ, આધાર, સારતત્વ છે. અને માણસ જાણતો હોય કે ન જાણતો હોય, પરંતુ આખું જગત તેનું જ આચરણ કરતું કરતું ધીરે ધીરે તેના તરફ જઈ રહ્યું છે. માત્ર માનવ જાતનો બહુ મોટોભાગ તેનું આચરણ અજ્ઞાતપણે કરી રહ્યો છે; તેમણે તે જ્ઞાનપૂર્વક કરવું જોઈએ. તે લોકોએ એમ સમજીને ત્યાગ કરવો જોઈએ કે ‘હું’ અને ‘મારું’ એ સાચો આત્મા નથી, પણ માત્ર એક મર્યાદિત સ્વરૂપ છે. તેની પાછળ રહેલી પેલી અનંત સત્તા (હોવાપણા)ની એક માત્ર ઝાંખી, જે સર્વમય છે તે અનંત અગ્નિની એક માત્ર ચિનગારી, તે અત્યારનો માનવી છે; તેનું ખરું સ્વરૂપ તો અનંત જ છે.

આ જ્ઞાનની ઉપયોગિતા, અસર અને પરિણામ શું છે ? આજના જમાનામાં આપણી બધી વસ્તુઓને રૂપિયા, આના, પાઈમાં અને ઉપયોગિતાના પ્રમાણમાં માપવી પડે છે. સત્યનું મૂલ્યાંકન ઉપયોગિતાના કે પૈસાના ધોરણે થવું જોઈએ એમ કહેવાનો કોઈને શો અધિકાર છે ? ધારો કે ઉપયોગિતા જેવું કંઈ જ નથી; તેથી સત્ય કંઈ ઓછું અસત્ય થઈ જશે ? ઉપયોગિતા કંઈ સત્યની કસોટી નથી. છતાં પણ સત્યમાં સૌથી શ્રેષ્ઠ ઉપયોગિતા સમાયેલી છે. આપણે જોઈએ છીએ કે બધા માણસો સુખ શોધતા હોય છે; પણ એ પૈકી ઘણા તો જે બાબતો ક્ષણભંગુર હોઈ સાચી નથી તેમાં તેને શોધે છે. ઈન્દ્રિયોમાંથી કદી પણ કશું જ સુખ મળ્યું નથી. ઈન્દ્રિયોમાં અથવા ઈન્દ્રિયોના ઉપભોગમાં કોઈ માણસ કદી સુખ પામી શક્યો નથી. સુખ તો માત્ર આત્મામાં જ મળી શકે. તેથી માનવ જાતને માટે સૌથી વધુ ઉપયોગિતા એ છે કે તેણે આત્મામાં સુખ મેળવવાનો પ્રયત્ન કરવો. બીજો મુદ્દો એ છે કે અજ્ઞાન સર્વ દુઃખોનું મોટામાં મોટું કારણ છે; મૂળભૂત અજ્ઞાન તો આત્મા રડે છે; દુઃખી થાય છે અને તે શાંત છે એમ માનવું એ છે. બધાં અજ્ઞાનનો પાયો એ છે કે આપણે અમર, સદા પવિત્ર, સદા ચૈતન્ય સ્વરૂપ હોવા છતાં એમ માનીએ છીએ કે આપણે નાનકડાં મન, નાનકડાં શરીર છીએ; આ જ સર્વ સ્વાર્થનું મૂળ છે. જે ઘડીએ હું એમ માનું કે હું નાનકડું શરીર છું, તે જ ક્ષણે બીજા શરીરોના ભોગે મારા શરીરને સારું રાખવાનો, તેનું રક્ષણ કરવાનો, તેને જાળવવાનો વિચાર મને આવે છે; પછી હું અને તમે ભિન્ન થઈ જઈએ છીએ. જેવો આ ભિન્નતાનો વિચાર આવ્યો કે તરત જ તમામ દુષ્ટતાના દરવાજા ઊઘડે છે અને બધાં દુઃખોને નોતરે છે. આજે અસ્તિત્વ ધરાવતી માનવજાતનો જો એક થોડોક ભાગ સ્વાર્થી, સંકુચિતતા અને ક્ષુદ્રતાના વિચારો છોડી દે, તો આવતીકાલે આ પૃથ્વી સ્વર્ગ બની જાય. આત્મજ્ઞાનની ઉપયોગિતા આ છે; માત્ર યંત્રસામગ્રીથી અને ભૌતિક જ્ઞાનમાં વૃદ્ધિ થવાથી આ જગત કદી સ્વર્ગ બની શકે નહીં. જેમ આગમાં ઘી હોમવાથી અગ્નિ વધુ પ્રજ્વલિત થાય, તેમ તે માત્ર દુઃખમાં જ વધારો કરશે. આત્માના જ્ઞાન વગર તમામ ભૌતિક જ્ઞાન માત્ર આગમાં ઘી હોમવા જેવું છે; એની તો બીજાને માટે જિંદગીનો ભોગ આપવાને બદલે સામાનું લૂંટી લેવા માટે અને સામાને ભોગે જીવવાને માટે સ્વાર્થી માણસોના હાથમાં એક વધુ હથિયાર આપવા જેવું થાય છે.

આ જ્ઞાન વ્યવહારુ છે કે કેમ તે બીજો પ્રશ્ન છે. આજના સમાજમાં તેનું આચરણ કરી શકાય કે કેમ ? પ્રાચીન કે અર્વાચીન કોઈ સમાજને ચરણે સત્ય બેસતું નથી; સમાજે જ સત્યને નમવું જોઈએ. અથવા પોતે નાશ પામવું જોઈએ. સમાજ સત્યને અનુરૂપ રચાવો જોઈએ, નહિ કે સત્યે સમાજને અનુરૂપ થઈને રહેવું જોઈએ. નિઃસ્વાર્થતા જેવું ઉમદા સત્ય જો સમાજમાં ન આચરી શકાય તો બહેતર છે કે માણસ સમાજને છોડી દઈને જંગલમાં ચાલ્યો જાય. જે એમ કરી તે હિંમતવાન પુરુષ છે. હિંમતના બે પ્રકાર છે ; એક પ્રકાર છે તોપને મોઢે ચડવાનો, બીજો પ્રકાર છે આધ્યાત્મિક સિદ્ધાંતને વળગી રહેવાની તાકાત. હિંદુસ્તાન ઉપર ચઢાઈ કરનાર એક શહેનશાહને તેના ગુરુએ કહ્યું હતું કે ત્યાં જઈને તમે હિંદુસ્તાનના ઋષિમુનિઓને મળજો. લાંબી શોધ પછી તેણે પથ્થરની શિલા ઉપર બેઠેલ એક વૃદ્ધ પુરુષને જોયો. શહેનશાહે તેની સાથે થોડીક વાત કરી અને તેના જ્ઞાનથી તે ઘણો પ્રભાવિત થયો. તેણે તે ઋષિને પોતાની સાથે પોતાના દેશમાં આવવાનું કહ્યું. પેલા ઋષિએ ના પાડીને કહ્યું : ‘મને આ જંગલમાં જ પૂર્ણ સંતોષ છે.’ શહેનશાહે કહ્યું : ‘હું તમને પૈસો, સત્તા, લક્ષ્મી બધું આપીશ. હું આખી દુનિયાનો બાદશાહ છું.’ ઋષિએ જવાબ આપ્યો : ‘ના, મને તે વસ્તુઓની કંઈ પડી નથી.’ શહેનશાહે કહ્યું : ‘જો તમે મારી જોડે નહીં આવો તો હું તમને મારી નાખીશ.’ પેલા ઋષિએ શાંતિપૂર્વક હસીને કહ્યું : ‘શહેનશાહ ! આથી વધારે મૂર્ખાઈભરી વાત તમે કદી કરી જ નહીં હોય ! તમે મને મારી શકો જ નહીં. સૂર્ય મને સૂકવી શકે નહીં, અગ્નિ મને બાળી શકે નહીં, તલવાર મને કાપી શકે નહીં, કારણ કે હું જન્મરહિત, મૃત્યુરહિત, શાશ્વત, સર્વશક્તિમાન, સર્વવ્યાપી આત્મા છું.’

આ આધ્યાત્મિક તાકાત છે, જ્યારે બીજા પ્રકારની હિંમત સિંહ કે વાઘની છે. 1857ના ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક મહાત્માને કોઈ એક મુસલમાને છરી ભોંકી દીધી. હિંદુ સૈનિકો તે માણસને પકડીને પેલા મહાત્મા પાસે લાવ્યા અને તેને મારી નાખવાની માગણી કરી. પરંતુ મહાત્માએ શાંતિથી ઊંચું જોયું અને કહ્યું : ‘ભાઈ ! તું તે છે, તું તે છે.’ અને આમ કહી પ્રાણ છોડ્યા. આ બીજું દષ્ટાંત છે. જો તમે સત્યને તમારા સમાજમાં બંધબેસતું કરી ન શકો, જો તમે સર્વોચ્ચ સત્ય સાથે મેળ ખાય એવો સમાજ ઘડી ન શકો, તો તમારા બાહુબળના ગર્વની કે તમારી પશ્ચિમી સંસ્થાઓના ચડિયાતાપણાની વાતો શા કામની છે ? જો તમે ઊઠીને એમ કહો કે, ‘આ હિંમત વ્યવહારુ નથી,’ તો તમારી ભવ્યતા અને મહત્તાની બડાશોનો શો અર્થ છે ? શું રૂપિયા, આના, પાઈ સિવાય બીજું કંઈ જ વ્યવહારુ નથી ? જો એમ હોય તો તમારા સમાજ વિષે બડાઈ શા માટે મારો છો ? જે સમાજમાં સર્વોચ્ચ સત્ય વ્યવહારુ બને, તે જ સમાજ સૌથી મહાન છે. આ મારો મત છે. અને જો સર્વોચ્ચ સત્યો અપનાવવા માટે સમાજ તૈયાર ન હોય, તો તેને તેવો બનાવો; જેમ જલદી એવું થાય તેમ વધુ સારું. ભાઈઓ તથા બહેનો ! આ જુસ્સો રાખો. સત્યમાં માનવાની હિંમત કેળવો, તેને વ્યવહારમાં મૂકવાની હિંમત કેળવો, દુનિયાને થોડાંક હિંમતવાળાં સ્ત્રી-પુરુષોની જરૂર છે. એવી હિંમત કેળવો કે જે સત્યને જાણવાનું સાહસ કરે, જે જીવનમાં સત્યનું દર્શન કરાવે, જે મોતથી ડરીને ધ્રૂજે નહિ, ઊલટાનું મૃત્યુને આવકારે અને માણસને જાણ કરાવે કે પોતે આત્મા છે અને આખાયે વિશ્વમાં તેને કોઈ હણી શકે તેમ નથી. ત્યારે તમે મુક્ત થશો. ત્યારે તમે તમારો સાચો આત્મા ઓળખી શકશો. પહેલાં આ આત્મા વિષે સાંભળવાનું છે, પછી તેનું મનન કરવાનું છે, અને પછી તેનું ધ્યાન કરવાનું છે.

આજના જમાનામાં વિચારને ઉતારી પાડવાનું અને કામને આભમાં ચડાવવાનું વલણ થઈ ગયું છે. કાર્ય કરવું તે ઘણું સારું છે પણ કાર્ય વિચારમાંથી ઉદ્દભવે છે. સ્નાયુ દ્વારા થતી શક્તિની થોડી અભિવ્યક્તિને આપણે કર્મ કહીએ છીએ. પણ જ્યાં વિચાર નહિ હોય ત્યાં કર્મ પણ નહિ હોય. તેથી મગજને ઊંચામાં ઊંચા વિચારોથી, શ્રેષ્ઠ આદર્શોથી ભરી દો; તે વિચારો અને આદર્શોને દિવસરાત તમારી સમક્ષ રાખો; તેમાંથી જ મહાન કાર્યો જન્મશે. અપવિત્રતાની વાત પણ ન કરો; ઊલટા એમ કહો કે અમે પવિત્ર છીએ. આપણે આપણી જાતને આ વિચારથી સંમોહિત કરેલ છે કે આપણે ક્ષુદ્ર છીએ, આપણે જન્મીએ છીએ અને મરી જવાના છીએ. આમ આપણે સતત ભયના વાતાવરણમાં જ રહીએ છીએ.

એક ગર્ભવતી સિંહણની વાત છે. તે શિકારની શોધમાં જતી હતી; એક ઘેટાનું ટોળું જોઈને તેના ઉપર તેણે તરાપ મારતાં તે મરણ પામી, અને માવિહોણું એક સિંહ બચ્ચું જન્મયું. પેલાં ઘેટાઓએ તેની સંભાળ લીધી અને તેને ઉછેર્યું. બચ્ચું ઘેટાઓની જોડે ઊછરીને મોટું થયું. તે ઘાસ ખાતું અને ઘેટાંની માફક બેં બેં કરતું. સમય જતાં તે બચ્ચું મોટો સિંહ બન્યું. છતાં પણ તે એમ જ માનતું કે પોતે એક ઘેટું જ છે. એક દિવસ બીજો સિંહ શિકાર શોધવા નીકળ્યો, અને આ ઘેટાંના ટોળામાં એક સિંહને ટોળા સાથે નાસતો જોઈને તે આશ્ચર્ય પામ્યો. તેણે આ ઘેટામાં ઊછરેલ સિંહ પાસે જઈને તેને સમજાવવા પ્રયાસ કર્યો કે તું ઘેટું નથી પણ સિંહ છો. પરંતુ પેલો સિંહ તેને જોઈને નાસી જવા લાગ્યો. આ સિંહે તેને પકડી પાડ્યો. તેણે કહ્યું ‘તું સિંહ છે.’ પેલો બીજો સિંહ રડતો રડતો બોલી ઊઠ્યો : ‘હું તો ઘેટું છું.’ અને પેલા સિંહની વાત ન માનતાં ઘેટાંની જેમ તે બેં બેં કરવા લાગ્યો. પેલો સિંહ તેને તળાવે ઘસડી ગયો અને કહ્યું : ‘જો, આ છે મારું પ્રતિબિંબ, અને આ છે તારું.’ પેલા ટોળાવાળા સિંહે સરખામણી કરી. તેણે સિંહ તરફ જોયું, પછી પોતાના પ્રતિબિંબ સામે જોયું ! અને તરત જ તેને ખ્યાલ આવ્યો કે, પોતે સિંહ હતો. પછી તો તે સિંહે ગર્જના કરી; તેનું ઘેટાંનું બેં બેં ચાલ્યું ગયું. તમે પણ સિંહ છો; શુદ્ધ અનંત અને પૂર્ણ આત્માઓ છો; આખા વિશ્વની શક્તિ તમારામાં પડેલી છે. ‘દોસ્ત ! તું કેમ રડે છે ? તમારે માટે જીવન કે મૃત્યુ કંઈ નથી. તું કેમ રડે છે ? તારે માટે દુઃખ કે દર્દ કંઈ નથી; તું તો અનંત આકાશ જેવો છે. જુદા જુદા રંગનાં વાદળો આકાશ ઉપર આવે, થોડીવાર ત્યાં ખેલે અને પછી અદશ્ય થઈ જાય; પણ આકાશ તો કાયમને માટે એવું જ નીલરંગી રહે છે.’

આપણે દુષ્ટતા શા માટે દેખીએ છીએ ? અંધારામાં એક ઝાડનું ઠૂંઠું હતું. એક ચોર એ બાજુ આવ્યો. તેણે કહ્યું : ‘આ તો પોલીસ છે.’ પોતાની પ્રિયતમાની શોધમાં ઊભેલા એક પ્રેમી યુવાને ધાર્યું કે તે પોતાની પ્રિયતમા છે. જેને ભૂતની વાર્તાઓ કહેવામાં આવી હતી તે બાળકે એમ માન્યું કે તે ભૂત છે, અને તેણે ચીસો પાડવા માંડી. પણ આ બધા વખત દરમિયાન તે તો ઝાડનું ઠૂંઠું જ હતું ! જેવા આપણે છીએ તેવું જ આપણે જગતને જોઈએ છીએ. માનો કે એક ઓરડામાં ટેબલ ઉપર સોનું પડેલ છે; તે ઓરડામાં નાનું બચ્ચું પણ છે. ચોર આવીને તે સોનું ચોરી જાય છે. શું બચ્ચાંને ખબર પડે છે કે કંઈ ચોરાઈ ગયું છે ? જે આપણી અંદર છે, તે આપણે બહાર દેખીએ છીએ. બચ્ચાના મનમાં ચોર નથી, એટલે તે બહાર ચોરને દેખતું નથી. બધાં જ્ઞાનનું પણ તેવું જ છે. દુનિયાની દુષ્ટતા અને તેના પાપ વિશે વાતો ન કરો; હજુ પણ તમારે દુષ્ટતા જોવી પડે છે તે માટે રડો. તમારે હજુ પણ બધી જગ્યાએ પાપ જ જોવાં પડે છે. એ સ્થિતિને માટે દુઃખી થાઓ. જો તમે દુનિયાને મદદ ચાહતા હો તો તેને ધિક્કારો નહિ; તેને વધારે નબળી બનાવો નહિ. કારણ કે આ બધાં દુઃખો અને પાપ આખરે શું છે ? આ બધું નબળાઈના પરિણામ સિવાય બીજું શું છે ? આવા ઉપદેશથી દિવસે દિવસે દુનિયા નબળી થતી જાય છે. માણસને બાળપણથી જ શીખવવામાં આવે છે કે તમે નબળા અને પાપી છો. દેખાવમાં નબળામાં નબળા હોય, તેને પણ એમ કહો કે તમે બધા મહિમાવંત અમૃતત્વનાં સંતાનો છો. બાળપણથી જ રચનાત્મક, મક્કમ અને સહાયક વિચારો તેમના મગજમાં દાખલ થવા દો. તમે તમારી જાતને નબળી અને પાંગળી બનાવતા વિચારો નહિ, પણ એવા વિચારો માટે તૈયાર રાખો. તમારા મનમાં કાયમ કહ્યા કરો : ‘सोडहम सोडहम – હું તે છું, હું તે છું.’ એક ગીતની માફક રાત અને દિવસ આ જ વિચાર તમારા મનમાં ગુંજવા દો; મરણ વખતે પણ એમ જ કહો : ‘सोडहम – હું તે છું.’ સત્ય તે છે, જગતનું અનંત બળ તમારું છે. તમારા મનને જે વહેમોએ ઢાંકી દીધું છે તેને હાંકી કાઢો. આપણે બહાદુર છીએ. સત્ય જાણો અને સત્યને આચરણમાં મૂકો. ભલે ધ્યેય દૂર હોય પણ જાગો, ઊઠો, અને જ્યાં સુધી ધ્યેયે ન પહોંચાય ત્યાં સુધી અટકો નહિ.

[સમાપ્ત]

[કુલ પાન : 211. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : શ્રીરામકૃષ્ણ આશ્રમ. ડૉ. યાજ્ઞિક રોડ. રાજકોટ-360001.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

23 thoughts on “માનવીનું સાચું સ્વરૂપ – સ્વામી વિવેકાનંદ”

Copy Protected by Chetan's WP-Copyprotect.