શુક-રંભા સંવાદ (સંસ્કૃતસત્ર : 12) – વસંત પરીખ

[ સંસ્કૃતસત્ર-12 ખાતે યોજાયેલા મનનીય વક્તવ્યોમાંથી કેટલાક વક્તવ્યો આપણે ‘સંસ્કૃતસત્ર : 12 ભાગ-1’માં માણ્યા હતાં. એ પછી સમય અભાવે તેનો બીજો ભાગ પ્રકાશિત કરી શકાયો નહોતો. તેથી હવે પછી બાકી રહેલા કેટલાક વક્તવ્યો અલગ લેખ સ્વરૂપે આપવામાં આવશે, જે અંતર્ગત આજે ડૉ. વસંતભાઈ પરીખનું ‘સંસ્કૃતસત્ર : 12 – લઘુકાવ્ય’ વિષય હેઠળ ‘શુક-રંભા સંવાદ’ વિશેનું વક્તવ્ય અત્રે પ્રસ્તુત છે.- તંત્રી.]

[dc]પૂ.[/dc]બાપુને પ્રણામ. આપ સૌને પણ વંદન.
હવે આપણે એક નવી જ દુનિયામાં પ્રવેશ કરવો છે. શુક-રંભા સંવાદ એવા પ્રકારનું કાવ્ય છે કે તેનો કોણ કવિ છે તેની ખબર નથી. તે અજ્ઞાત કવિનું સર્જન છે. અમારે ગામમાં બ્રહ્મભોજન થતું ત્યારે આ શુક-રંભા સંવાદના કેટલાક શ્રુંગારભર્યા શ્લોકો બોલાતાં, એવું મને યાદ છે. ભોજનમાં લાડવા શરૂ કરતાં પહેલાં બ્રાહ્મણો આ શ્લોકો બોલતાં એ પરથી એમ લાગે છે કે વાત ભોગની હોય કે ત્યાગની, એની ફલશ્રુતિ લાડવામાં હોય છે ! આ જીવનનું સત્ય છે અને એ સત્ય લઘુકાવ્યમાં કઈ રીતે ઉજાગર થાય છે તે આપણે સાથે મળીને જોવું છે.

આમાં કંઈ ફિલોસોફી નથી. એકદમ સરળ છે અને અતિસરળ વસ્તુ ક્યારેક એકદમ ગહન થઈ જાય છે, એનો આ નમૂનો છે. આ ‘ઓપન કાવ્ય’ છે. ‘ઓપન’ હું એટલા માટે કહું છું કે આની શ્લોક સંખ્યા નિશ્ચિત નથી. મારી પાસે છે જે છે તેમાં 39 શ્લોકો છે. જુદી જુદી આવૃત્તિમાં જુદી શ્લોક સંખ્યા મળે છે. સંસ્કૃતના કવિને નામનો મોહ હોતો નથી. એને તો પોતાની વાત બીજા સુધી પહોંચે એમાં જ રસ હોય છે. સૌથી પહેલા તો હું તમને એની ભૂમિકા કહીશ, એ પછી થોડાક ગમતાં શ્લોકો વાંચવા છે અને પછી આ આખી મથામણમાંથી સમગ્ર મનુષ્ય જીવનને સ્પર્શતી સમસ્યા આમાંથી કઈ રીતે ઉજાગર થાય છે એની થોડી વાત કરવી છે.

આમાં શુક-રંભા સંવાદ છે એ તમે જાણો છો. પુરાણોમાં ઋષિ બહુ તપ કરતા હોય છે, એનાથી ઈન્દ્રનું સિંહાસન ડોલવા માંડે… એવું બધું પુરાણોમાં આવે છે. પછી ઈન્દ્ર કોઈ અપ્સરાને મોકલે અને અપ્સરા એ ઋષિ આગળ નાચતી-ગાતી હોય એવું ફિલ્મોમાં દેખાડે છે. આપણે જો કે એ સાથે કોઈ લેવા દેવા નથી. આપણે ક્યાં ઋષિ છીએ અને આપણી આગળ ક્યાં કોઈ નાચવા-ગાવાનું છે !! એમાં થાય એવું કે એ જમાનામાં ઋષિઓ પાંચ-છ હજાર વર્ષથી ઓછું તપ તો કરતાં નહોતાં. એટલે શરીરે સાવ ગળી ગયા હોય ! એની સામે અપ્સરા નાચે.., આ તો અપ્સરાનાય ભોગ લાગ્યા ને ! આ તો પેલા ટૂચકા જેવી વાત થઈ કે ગુરુ તપ કરીને સ્વર્ગે ગયા અને એના શિષ્યને ખબર પડી કે ગુરુ તો અપ્સરા જોડે વિહાર કરે છે. શિષ્યે મરણબાદ સ્વર્ગે જઈને ગુરુને કહ્યું કે તમારે તો જલસા છે… ત્યારે ગુરુએ કહ્યું કે આમાં મારે કંઈ જલસા નથી, આ તો અપ્સરાને સજા મળી છે ! ઓશો રજનીશે આવું દષ્ટાંત કહેલું. મારો કહેવાનો અર્થ એ છે કે પુરાણોમાં અપ્સરાઓ આવીને તપોભંગ કરતી હતી એના કરતાં આનો માહોલ સાવ જુદો છે. આમાં તો કોઈ ઋષિ વૃદ્ધ થયેલો નથી. આમાં તો યુવાન શુકદેવ છે. રંભા પહેલીવાર ખુશ થઈ હશે કે કોઈ યોગ્ય યોગી મળ્યો !

બીજી વિશેષતા એ છે કે આમાં કોઈ અરસિક પ્રસંગ આવતો નથી. આમાં શુકદેવજીના તપભંગનો કોઈ સવાલ જ નથી. કોઈ દેવોને શુકદેવજીનો ભય નથી. એને ખબર છે કે આની આગળ સ્વર્ગ પણ ભૂક્કા જ છે ! ખરેખર સત્પુરુષ હોય એનો દેવોનેય ભય હોતો નથી. આમાં કોઈ લાલચ, પ્રલોભન કે કોઈને ફસાવવાની વાત નથી. અપ્સરાઓમાં જે સૌથી સુંદર હોય એનું નામ રંભા રાખવામાં આવતું. એથી જૂના જમાનામાં લોકો છોકરીઓનું નામ ‘રંભા’ પાડતાં. હવે બધું બદલાઈ ગયું છે. આજના જમાનામાં તો ‘રંભા’ શબ્દ બોલીએ એટલે ‘રંભાકાકી’ અને ‘રંભામાસી’ જ યાદ આવે ! અત્યંત રૂપવતી એવી અપ્સરા અને અત્યંત તેજસ્વી એવો યુવાન – એનો સંવાદ અત્રે રજૂ થાય છે. ત્રીજી વિશેષતા એ છે કે રંભા શુકદેવજીને સૌંદર્યલોકનું વર્ણન કરે છે પણ એમાં એમને આમંત્રણ નથી આપતી. એ એમને ફસાવતી નથી. એ ફક્ત એમને જણાવે છે કે આ આનંદ, સૌંદર્ય અને પ્રકૃતિમાંથી ઊઠતા કેફની પણ એક દુનિયા છે. બધુ આહલાદ, મસ્તી ચઢાવે તેવું, પ્રસન્નતા આપે એવું છે એમ કહીને એ રતિભાવનું વર્ણન કરે છે. ‘તમે મારી વાત માનો’ એમ પણ એ નથી કહેતી. સામે શુકદેવજી પણ પોતાનો પક્ષ રજૂ કરે છે. એ કહે છે એવો પણ એક પ્રદેશ છે જેમાં શાંતિ છે, પરમતત્વ સાથે અનુસંધાન થવાનો અકલ્પનીય આનંદ છે. આવો પણ એક માર્ગ છે જેનો તને પરિચય નથી. એ પણ એમ નથી કહેતા કે તું ખોટા માર્ગે ગઈ છે તો એ છોડીને મારા માર્ગે આવ. જેણે આ કાવ્ય બનાવ્યું હોય તેણે સંયમ અદ્દભુત રાખ્યો છે. ચોથી વિશેષતા એ છે કે તમે આખું શ્રૃંગારરસનું સંસ્કૃત સાહિત્ય વાંચો તો એમાં સ્ત્રીના રૂપના વર્ણન પુરુષોના મુખે કરવામાં આવેલા છે. આ એક જ લઘુકાવ્ય એવું છે કે જેમાં સ્ત્રી પોતે સ્ત્રીના સૌંદર્યના વખાણ કરે છે. અને વખાણ તો એવા કરે છે કે પુરુષો પણ શરમાઈ જાય. બિન્દાસ વખાણ કરે છે. આજે આપણને નવું ન લાગે. આ રંભા છે એ એકવીસમી સદીમાં થનારી બિન્દાસ નારીની પૂર્વસુત્રિકા છે. એને ખબર હતી કે એકવીસમી સદીમાં આવી નારી આવવાની છે તો એને શીખવાડું કે આમ બોલાય ! અત્યારે ‘બિગબોસ’ વગેરે એવા કંઈક શૉ ટીવી પર આવે છે. એવા રિયાલિટી-શૉના ડાયરેકટરો આ વાંચે તો એમને ખબર પડે કે આખા ભાવને કેવી રીતે શબ્દો દ્વારા ઉપસાવી શકાય.

જીવનનો એક માર્ગ એવો છે કે જે ભોગો મળે એ ભોગવતા જઈએ અને ઈન્દ્રિયો તૃપ્ત કરતાં કરતાં જીવનમાં આગળ ચાલ્યા કરીએ. બીજો માર્ગ એ પણ છે કે ઈન્દ્રિયોની તૃપ્તિ એ અંતિમ લક્ષ્ય નથી. એમાંથી અભાવા વધ્યા જ કરતાં હોય છે. એ અભાવા પૂરેપૂરા નાશ પામે અને પૂર્ણ આનંદલોકમાં આપણો પ્રવેશ થાય એવી કોઈ જીવનપ્રણાલી હોય, સાધના કે ઉપાસના હોય તો એવો પણ એક માર્ગ આપણે જાણવો જોઈએ. શુકદેવ આ દષ્ટિબિંદુથી વાત કરે છે, રંભા અન્ય દ્રષ્ટિબિંદુથી વાત કરે છે. એ વાતમાંથી શું ફલિત થાય છે એ જોતા પહેલાં બેચાર શ્લોક આપણે વાંચી લઈએ. આ શ્લોકો એકદમ સરળ છે, શબ્દોની ગુંથણી સરસ છે. શીરાની જેમ ગળે ઊતરી જાય એવું સંસ્કૃત છે.

એક શ્લોકમાં રંભા વસંતનું વર્ણન કરે છે. માર્ગે-માર્ગે જાણે કે વસંત હિલોળા લઈ રહી છે. સૌંદર્યનું તે વર્ણન કરે છે. એની સામે શુકદેવજી રંભાને કહે છે કે એવો એક બીજો માર્ગ પણ છે જે માર્ગે સાધુ-સંતો કિર્તન કરતાં જતાં હોય છે, જેમાં કૃષ્ણ નામનો ધ્વનિ સંભળાય છે. ‘વાદે વાદે જાયતે તત્વબોધઃ’ એ આ લઘુકાવ્યની બહુ જાણીતી પંક્તિ છે. રંભાને તો તત્વબોધમાં રસ નથી, એને તો સૌંદર્યબોધમાં રસ છે. તત્વબોધની વાતો કરાય અને આનંદ સૌંદર્યનો લેવાય, તે ચતુર માણસનું લક્ષણ !! રંભા આગળ વર્ણન કરતાં હેમવેલીનું વર્ણન કરે છે. દરેક ઘરમાં એક સુવર્ણલતા છે. એના પર ચંદ્ર શોભી રહ્યો છે. અહીં ચંદ્ર એ સ્ત્રીનું મુખ છે. એ પછી લખે છે કે એના પર સુંદર માછલીઓ શોભે છે. અહીં નેત્ર શબ્દની જગ્યાએ માછલી શબ્દ વાપર્યો છે. એ માછલીના ચમકારાઓથી અનંગ (કામ)ના તોફાનો થઈ રહ્યા છે એમ રંભા કહે છે. અહીં કોઈ સ્ત્રીનું નામ લખ્યા વગર રતિભાવને કેવી સરસ રીતે ઉપજાવ્યો છે. શુકદેવજીને આની કોઈ અસર નથી થતી. ‘એ તો હોય…’ એમ કહીને એ આગળ બોલ્યા કે અહીં માર્ગે-માર્ગે મને યજ્ઞોની વેદી દેખાય છે, એમાં ઋષિઓ આહુતિ આપે છે, વેદમંત્રોનો ઉચ્ચાર થાય છે, ઓમકારનો ધ્વનિ થાય છે અને એ અદ્દભુત વાતાવરણમાં હું લયલીન થઈ રહ્યો છું…. આમાં બંને વાતો વિરોધી હોવા છતાં વિરોધી લાગતી નથી. બંને સાથે સાથે ચાલતાં હોય એમ લાગે છે. પ્રકાશમાં અંધકારની અને અંધકારમાં પ્રકાશની ફૂલગૂંથણી થતી હોય તેવો એક આભાસ ઊભો થાય છે. આ રીતે લઘુકાવ્ય આગળ ચાલે છે. 20 શ્લોક શુકદેવજી બોલે છે અને 19 શ્લોક રંભા બોલે છે. એ પછી તો રંભા સ્ત્રીનંો ઉન્મત વર્ણન કરે છે, એના અંગ-ઉપાંગોનું વર્ણન કરે છે, એના સ્તનનું-યૌવનનું-આંખોનું-કટિભાગનું વર્ણન કરે છે અને એમ કહે છે કે આવી કોઈ યૌવનવતી સ્ત્રીને જો કોઈ પુરુષ આલિંગનમાં ન લઈ શકે તો એનું જીવવું જ વ્યર્થ છે. રંભા એટલી ડાહી છે તેથી એમ કહે છે કે ‘આવી સુંદર સ્ત્રી હોય પણ તમારા ઘરમાં હોય…’ આ ભારતીય સંસ્કૃતિની ખૂબી છે. બીજાના ઘરમાં જોવાનું નથી ! પોતાના ઘરમાં જોવાનું છે. આટલી મર્યાદા તો એ કાળમાં રંભા પણ સ્વીકારતી હતી. જરા વિચાર તો કરો ! આપણા લોકોએ આમાંથી કાંઈક તો સમજવું જોઈએ ને ! રંભાએ અત્યંત ઉત્તેજક વર્ણન કર્યું. અહીં દરેક વર્ણનમાં કેન્દ્રમાં સ્ત્રીને રાખી છે. બાકી તો ઈન્દ્રિયોને તૃપ્ત કરનારા પદાર્થો તો પાર વિનાના છે. ઘણાંને ઘરવાળી કરતાં ઘરવાળીના હાથનું ખાવાનું વધુ ભાવતું હોય છે. એટલે કહેવાનો અર્થ એવો નથી કે બીજો કોઈ રસ ન હોય. પહાડો, નદીઓ બધું સુંદર છે પણ એ બધા અલંકારની ભાષામાં ‘ઉદ્દીપન’ છે જ્યારે ‘આલંબન’ તો સ્ત્રી જ હોય છે.

અતિશય વર્ણનથી શુકદેવજી ગુસ્સે નથી થયા, પણ થોડા નારાજ થયા. શુકદેવજીએ કહ્યું કે તને આ બધા ભભકભર્યા રંગો આમાં દેખાય છે પણ હવે તું મારી આંખે સ્ત્રીને જો તો તને ખબર પડે. જીવનમાં આ જ શીખવા જેવું છે કે આપણે ક્યારેક બીજાની આંખે પણ જોતા થઈએ. આપણે પોતાની આંખે જ જોયા કરીએ છીએ એમાંથી જ જીવનની આ બધી બળતરા થઈ છે ને ! જેનું પરબ્રહ્મ પરમાત્મા સાથે અનુસંધાન થયું છે તેવા સંન્યાસી સ્ત્રીને કેવી રીતે જુએ છે તે આગળના શ્લોકમાં વર્ણવ્યું છે. આમાં થોડી નિંદા જેવું લાગે છે પણ હકીકતે એ નિંદા નથી. શુકદેવજી કહે છે કે સ્ત્રી માયાની હંડી, તપ તોડનારી, પુણ્ય પ્રજાળનારી છે, એનું સતત જે સેવન કર્યા કરે છે એ પુરુષનું જીવન જ વ્યર્થ છે. એ પછી શુકદેવજી એવા પાંચેક શ્લોક કહે છે પણ રંભા આ સાંભળીને હસવા માંડી કે તું તો એક બાળયોગી છે, તને આ દિશાનું ભાન જ નથી તો પછી તને આ સૌંદર્યની, સ્વાદની અને એના રસની શું ખબર પડે ! શુકદેવજી આમ યુવાન હતા પરંતુ સ્વભાવથી બાળક હતા તેથી તેને આની કોઈ અસર થતી જ નથી. શુકદેવજીએ એમનો જ ભાવ પકડી રાખ્યો. જે શિવ સાનિધ્યમાં નથી બેઠો, જેણે પરમભાવ નથી પામ્યો એનું જીવન જ વ્યર્થ છે એમ કહેવાનું ચાલુ રાખ્યું. હવે રંભા આ બધુ સતત સાંભળીને સહેજ નારાજ થઈ. એણે શુકદેવજી પર જનોઈવઢ ઘા કર્યો. રંભા કહે છે કે સુગંધી પુષ્પોની રૂપાળી શૈયા હોય, એમાં નખરાળી લલના લહેરાતી હોય, વસંત ઋતુની માદક હવા ફરકતી હોય અને પૂનમના ચંદ્રની માદક ચાંદની રેલાતી હોય, આવા સમયે પણ જો પુરુષમાં પૂર્ણ પૌરુષ જાગે નહીં, તો પછી એના જીવવાનો શો અર્થ છે ? રંભાએ શુકદેવજીના પુરુષત્વને છંછેડ્યું. શુકદેવજીને તે છતાં કંઈ થયું નહીં. તે રંભાને બોલ્યા કે તને પૌરુષની ક્યાં ખબર છે ? સ્ત્રીના મોહપાશમાં ફસાઈ જાય એ કંઈ પુરુષ કહેવાય ? તેં વર્ણન કર્યું એ બધું જ હોય છતાં, વિકાર સામે હોય છતાં જેના મુખની રેખા સહેજ પણ ફરકે નહીં એનું નામ માણસ કહેવાય. મોહમાં પડી જાય એ તો પશુ કહેવાય. તું તો અત્યાર સુધી પશુનું વર્ણન કરતી હતી. તને સાચા માણસની ખબર ક્યાં છે ? આમ કહીને શુકદેવજી છેલ્લો શ્લોક કહે છે : સોહામણું શરીર હોય, નવોઢા ભાર્યા હોય, મેરુપર્વત જેટલું ધન હોય, મધુર વાણી હોય પરંતુ તે છતાં ભગવાન શિવના ચરણકમળમાં જો ચિત્ત ન લાગ્યું હોય તો આ બધાનો શો અર્થ છે ? આટલું કહીને શુકદેવજી શાંત થઈ જાય છે અને આ લઘુકાવ્ય અહીં પૂરું થાય છે. નથી શુકદેવજી રંભાનો હાથ પકડીને સ્વર્ગમાં ગયા કે નથી રંભાએ શુકદેવજીને કહ્યું કે મને દીક્ષા આપો ! બેય પોતપોતાના મતમાં એ જ રીતે સ્થિર છે.

હવે આ સંવાદ ખરેખર છે શું તે જોઈએ. સરળ સંવાદની અંદર રહેલી ગહનતાને સહેજ સ્પર્શીએ. સૌથી પહેલી વાત એ છે કે અહીં સનાતન પ્રશ્નની વાત કરી છે. જેને પશુની જેમ જીવવું છે એની માટે અહીં વાત નથી. બાકી આખી માનવજાતને એક સનાતન પ્રશ્ન મૂંઝવે છે કે જીવનમાં કયો માર્ગ શ્રેયસ્કર છે ? જીવનને સાર્થક કરે એવો કયો માર્ગ છે ? એક બાજુ ભોગનો માર્ગ છે અને એક બાજુ વૈરાગ્યનો માર્ગ છે એવું આપણને લાગે છે. પછી સવાલ એવો થાય છે કે ભોગનો માર્ગ જો સાચો ન હોય તો સંસારમાં આટલું બધું કેમ છે ? જેણે સૃષ્ટિનું સર્જન કર્યું એને ખબર નહીં હોય કે આમાં બધા ફસાઈ જશે ? સ્ત્રી જો બંધનનું કારણ બનતી હોય તો એને આટલી સ્વરૂપવતી બનાવીને પુરુષ સામે રજૂ કરવાનું પ્રયોજન શું છે ? જેણે આ બધું છોડીને ન કલ્પી શકાય એવા ઉચ્ચ જીવનના આનંદનો અનુભવ કર્યો છે, એના જીવનનો અર્થ શું છે ? ભોગ અને ત્યાગમાં સાચું શું એ પ્રશ્ન શરૂઆતથી માનવજાતને મૂંઝવતો આવ્યો છે. એક માર્ગ કહે છે કે ભોગ-આનંદ કરો અને જલસા કરો. બીજો કહે છે કે સંયમ જ શ્રેષ્ઠ માર્ગ છે. તમે સરળતાથી કોઈ આકર્ષણને વશ થઈ જાઓ એમાં તમારી સિદ્ધિ નથી. તમે એના પર કાબૂ મેળવો એમાં તમારી સિદ્ધિ છે. વહેતા પાણીમાં તો સૌ જાય, ઉપર ચઢવામાં જ ખૂબી છે. તો કરવું શું ? આ કાવ્ય સમસ્યા મૂકે છે. ઉકેલ નથી આપતું. ઉકેલ તમે એમાંથી કઈ રીતે શું ગ્રહણ કરો છો એની પર છે. એ તમને છૂટ આપે છે. આ કવિ કંઈ નથી કહેતો.

એક મત એવો પણ છે કે જો બધું જ ક્ષણિક છે, બદલાતું છે તો પછી માણી જ લો ને ! જીવન પણ જો ક્ષણિક હોય તો મજા કરી લેવી એવો એક મત છે. ભૂખે મરવું એના કરતાં ખાઈને મરવામાં શો વાંધો છે ? મરવાના તો છીએ તો પછી આનંદ કરતાં કરતાં મરીએ એમાં શું ખોટું છે ? એને સુખવાદ, ભોગવાદ કે ચાર્વાકનો મત કહે છે. આમ તો આપણને પણ ગમે તેવી આ વાત છે. સામાન્ય મત તો આવો જ હોય છે. બીજો એવો મત છે કે જો બધું જ નાશ પામી જવાનું છે તો એની પાછળ રહેલું શાશ્વત તત્વ શોધી ન લઈએ જેથી આ ક્ષણિકતાના અભિશાપમાંથી બચી જવાય ? તમને ક્ષણિક રહેવું ગમે છે ? તમને એવું નથી લાગતું કે આ આનંદ કાયમ ટકે ? જે ક્ષણિક હોય છે એ પૂરી તૃપ્તિ આપે એવું નથી હોતું. માણ્યું-ન-માણ્યું ત્યાં તો ચાલ્યું જાય છે ! એથી જ પ્રત્યેક ભોગ પૂર્ણ થયા પછી એક પ્રકારનો શોક, એક પ્રકારની ગ્લાનિ ઉત્પન્ન કરતો હોય છે. આ અનુભવથી સમજી શકાય એવી વાત છે. એ શાંતિ નથી આપતો. ક્ષણિક આનંદ ભરપૂર ન હોઈ શકે. આનંદ તો શાશ્વત હોય તો જ ટકી શકે. આવો એક બીજો મત છે. ક્ષણિકને ઓળખીને શાશ્વતિમાં પ્રવેશ કરવા માટે ઉપર ઊઠો, એમ કહેવાય છે.

ભોગ એ ઈન્દ્રિયોથી થાય છે, ઈન્દ્રિયોની સીમા હોય છે. આંખ જોઈ જોઈને કેટલું જોઈ શકે, ટેલીસ્કોપથી પણ કેટલું જોઈ શકે. ન્યાયદર્શન તો કહે છે પ્રત્યક્ષ જેવું કશું હોતું નથી, પ્રત્યક્ષમાં અનુમાન ભળે ત્યારે એ તમને દેખાય છે. એક ઝાડનો આગળનો ભાગ જ તમે પ્રત્યક્ષ જોઈ શકો છો, પાછળના ભાગનું તો તમે અનુમાન કરીને જ કહી શકો છો કે આ ઝાડ છે. તમારી આંખ સામે તો આગળનો ભાગ હોય છે, પાછળના ભાગનું અનુમાન કરવું પડે છે. અનુમાન હંમેશા સંભાવના ઉત્પન્ન કરે છે. અનુમાન તો ખોટાય પડે. કહેવાનો અર્થ એ છે કે ઈન્દ્રિયોની આ સીમા હોય છે અને જે પોતે જ સીમિત હોય તે અસીમનો આનંદ ન કરાવી શકે એ તો સ્વાભાવિક વાત છે ! બીજી વાત એ છે કે જે પૂર્ણતૃપ્તિ ન આપી શકે તે પુનરાવૃત્તિ માંગ્યા કરે. જેનાથી તમને સંપૂર્ણ સંતોષ ન થાય તેનું પુનરાવર્તન કરવું જ પડે. એ તમને એક વિષચક્રમાં ફસાવે છે. એમાંથી શાંતિ નથી મળતી. આ બધા મતોમાં એક ફાંટો પડ્યો છે, એ રજનીશજીએ પાડ્યો છે. એ હું તમને મારી રીતે કહું. એ મત એવો છે કે ભોગને જેટલા ભોગવો એટલો ત્યાગ જલદી થાય. તમને બહુ ગુલાબજાંબુ ભાવતા હોય તો તમે રોજ ગુલાબજાંબુ ખાયા કરો એટલે એનાથી તમે ધરાઈ જાઓ ! હકીકત એવી છે કે કોઈ માણસને ગુલાબજાંબુ ખાવાનો અભરખો આવે એટલે એ ગુલાબજાંબુ ખાવાનું બંધ કરે પરંતુ ખાવાનું બંધ ન કરે ! એ વિકલ્પ શોધે કે હવે જલેબી બનાવો. ભોગનો વધારે ઉપભોગ કરવાથી એમાં વૈરાગ્ય નથી આવતો પણ એમાં વિકલ્પ આવે છે. એનાથી તમે વધારે ને વધારે તકલીફમાં પડો છો. ખરેખર તો વિવેક ઉત્પન્ન કરવાની જરૂર છે. જ્યારે વિવેક ઉત્પન્ન થાય છે ત્યારે જે વસ્તુ ક્ષુલ્લક છે એ ક્ષુલ્લક તરીકે દેખાય છે અને જે વસ્તુ શાશ્વત છે એ શાશ્વત તરીકે અને પરમ આનંદરૂપ દેખાય છે.

સામાન્ય માણસ આવી મૂંઝવણમાં પડે તો એણે શું કરવું ? એણે એક જ રસ્તો કરવો જોઈએ. એ ભોગનો ત્યાગ તો ઈચ્છે તોય કરી શકે એમ નથી. એ કંઈ તરત શુકદેવજી જેવી સ્થિતિ પામી શકે તેમ નથી. એથી તેણે બુદ્ધનો મધ્યમમાર્ગ સ્વીકારીને ક્યાં અટકી જવું એટલી વિવેકબુદ્ધિ કેળવવી જોઈએ. અટકી જાઓ તો વાંધો ન આવે. બસ, એટલે હું પણ અહીં અટકી જાઉં છું. આભાર.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “શુક-રંભા સંવાદ (સંસ્કૃતસત્ર : 12) – વસંત પરીખ”

Copy Protected by Chetan's WP-Copyprotect.