- ReadGujarati.com - http://www.readgujarati.com -

ભવિષ્યવેત્તા – આશા વીરેન્દ્ર

[ ‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.]

[dc]ર[/dc]વિવારનો દિવસ એટલે આખા અઠવાડિયાનો થાક ઉતારવાનો દિવસ. બપોરે ઊંઘ ખેંચી કાઢી. સાંજે ટી.વી. ચાલુ કર્યું. એક પછી એક ચેનલ બદલવામાં મશગૂલ હતો ત્યાં મારા ખભા પર કોઈના હાથનો હળવો સ્પર્શ થયો. પાછળ ફરીને જોયું તો તનુ. એ એકદમ ગંભીર લાગતી હતી. એણે કહ્યું,
‘તમને એક ખૂબ જરૂરી વાત કરવી છે. પ્લીઝ ટીવી બંધ કરશો ?’

હું કશો મહત્વનો કાર્યક્રમ તો જોતો જ નહોતો, એમાં વળી તનુએ એવી રીતે વાત કરી કે, મેં તરત જ ટી.વી. બંધ કર્યું અને પૂછ્યું :
‘બોલ, શું છે ?’
‘તમને ખબર છે ને, બાજુવાળાં મમતાબહેન સાથે હું એમના ગુરુ જીવનાનંદબાબાના દર્શન કરવા ગઈ હતી ?’ મેં હકારમાં ડોકું ધુણાવ્યું.
‘મમતાબહેનનો દીકરો મિતુલ આગળ ભણવા માટે અમેરિકા ગયો છે ને, એની એમને બહુ ચિંતા રહે છે એટલે તેઓ વારંવાર બાબા પાસે દીકરાના ખબર-અંતર પૂછવા જાય છે.’
‘મને કાંઈ સમજાયું નહીં. ખબર-અંતર તો સીધેસીધા એને જ પૂછી શકાય ને ? એમાં ગુરુ પાસે જવાની શું જરૂર ?’ મને વાતમાં કંઈક ગુંચવાડો લાગ્યો.

‘તમે તો દરેક વાતમાં હજાર સવાલ કરો. ફોન પર મિતુલને પૂછી જ શકાય પણ ધારો કે, એ કોઈ વાત છુપાવતો હોય તો ? જેમ કે, ત્યાં જઈને સ્ત્રી મિત્રો સાથે ફરવા લાગ્યો હોય અથવા દારૂ પીવા લાગ્યો હોય અથવા…..’ મેં એને અટકાવીને પૂછ્યું : ‘એવું કંઈ હોય તો બાબાને એની ખબર કેવી રીતે પડે ?’
‘ક્યારની તમને એ જ તો કહેવા માગું છું. બાબા તો સર્વજ્ઞ છે, ત્રિકાળજ્ઞાની છે. તેઓ ભવિષ્ય પણ આબાદ ભાખે છે ને આપણને કંઈ નડતર હોય તો એમાંથી છૂટવાનો ઉપાય પણ બતાવે છે. તેઓ ત્રણ ત્રણ જાતના તો હવન કરી આપે છે. એમણે હવનના એ, બી અને સી ગ્રેડ રાખ્યા છે. એ ટાઈપનો હવન ઊંચામાં ઊંચો કહેવાય અને એની તાત્કાલિક અસર થાય. એનો ભાવ 64,000 રૂપિયા. બી ટાઈપનો હવન મધ્યમ પ્રકારનો – એ 32000 રૂ.માં થાય અને સી ટાઈપના હવનની અસર થતાં વધુ વાર લાગે એટલે એનો ભાવ પણ ઓછો – માત્ર 16,000 રૂપિયા. મમતાબહેને તો પોતાના દીકરાના ઉજ્જ્વળ ભવિષ્ય માટે 64000 રૂ. વાળો હવન જ બુક કરાવ્યો છે.’
‘એક હવન કરાવવાના 64,000 રૂપિયા !’ મારો અવાજ ફાટી ગયો.

‘મારી વાત આગળ સાંભળો તો ખરા ! મારું મોઢું જોતાંની સાથે બાબા તરત સમજી ગયા. કહે, માતા ! તું કશીક ચિંતામાં લાગે છે. જે હોય તે મને જણાવ. મેં કહ્યું બાબા, કોણ જાણે કેમ, પણ મને મારા પતિની બહુ ફિકર રહે છે. પછી એમણે મારા હાથની રેખાઓ જોઈને કહ્યું, અરરર ! આવતા અઠવાડિયામાં જ તારા પતિનો મૃત્યુયોગ છે. માર્ગ અકસ્માતમાં એનું મૃત્યુ થશે એવું મને દેખાઈ રહ્યું છે.’ મને હસવું આવ્યું. મેં કહ્યું :
‘આમ ને આમ જ આવા ઠગો તમારા જેવા નબળા મનના લોકોને ગભરાવતા હોય છે. મારા મૃત્યુની વાત હમ્બગ છે, હમ્બગ !’
તનુ ગભરાઈ ગઈ, ‘મારા સમ છે જો બાબા વિશે ગમે તેમ બોલ્યા છો તો. માંડ માંડ મને 32,000 વાળા હવનનું મંગળવારનું બુકિંગ મળ્યું છે. જ્યાં સુધી હવન સંપન્ન ન થાય ત્યાં સુધી તમે ઘરની બહાર નહીં નીકળો. મને વચન આપો. પ્લીઝ, મને વચન આપો.’ હવે એની આંખમાં આંસુ આવી ગયાં હતાં. મારે ઝૂકવું જ પડ્યું. મેં કહ્યું :
‘ઠીક છે, કાલે ઑફિસમાં ગુલ્લી.’

તનુ શાળામાં શિક્ષિકા છે. સવારથી શાળામાં જાય તે બે વાગે પાછી આવે. એના ગયા પછી એકાદ ચોપડી લઈને હું વાંચવા બેઠો. થોડીવાર પછી કંઈક વિચારીને હું સ્કુટર લઈને નીકળી પડ્યો. તનુ બોલી હતી કે, બાબા સીલ્વર પાર્કમાં કાલિંદી બિલ્ડીંગમાં રહે છે. દસેક વાગ્યે હું ત્યાં પહોંચ્યો. દરવાજે લગાડેલી તકતી પર જીવનાનંદ બાબાના નામ સાથે કંઈ કેટલીય ડિગ્રીઓ લખેલી હતી. વિશાળ વેઈટીંગ રૂમમાં પચ્ચીસેક માણસો બેઠેલા. વી.આઈ.પી. પાસના રૂ. 1001 ભરવાથી મને જલદી પ્રવેશ મળ્યો. બાબાએ આંખો ઝીણી-મોટી કરી કરીને ધ્યાનપૂર્વક મારી હથેળીમાંથી એક એક રેખા જોઈ. પછી ખુશીથી મારા વાંસામાં ધબ્બો મારતા કહે : ‘જાવ, જલસા કરો. ઓછામાં ઓછા 90 વર્ષ તો તમે જીવશો જ. પણ…. એક સમસ્યા છે. તમારી તબિયત નરમ-ગરમ રહેશે. એમાંથી બચવું હોય તો આપણી પાસે ફક્ત રૂ. 5001નું સ્વાસ્થ્યવર્ધક નંગ છે. એ પહેરશો તો તબિયત ઘોડા જેવી રહેશે. બોલો, કાઉન્ટર પર કહી દઉં, નંગ આપવાનું ?’
મેં કહ્યું : ‘બાબા, અત્યારે તો હું એટલી રકમ લઈને નથી આવ્યો. આવતે અઠવાડિયે આવીને લઈ જઈશ.’ હું ઘરે પહોંચ્યો પછી અડધાએક કલાકમાં તનુ આવી. મેં કહ્યું : ‘આજે સાંજે તો પાર્ટી હો જાય.’ એણે પૂછ્યું, ‘શાની ?’ મેં કહ્યું : ‘તું તારી મહેનતની કમાણીમાંથી 32,000 રૂ. ખર્ચીને હવન કરાવવાની હતી એ મેં બચાવ્યા એની.’ મેં એને અથથી ઈતિ બધી વાત સંભળાવી. એના મનનું પૂરેપૂરું સમાધાન થયું હોય એવું તો ન લાગ્યું છતાં ડિપોઝીટના 501 રૂ. જતા કરીને એ હવે હવન નહીં કરાવે એમ તો એણે નક્કી કર્યું.

પાંચેક વર્ષ પછી અચાનક મને જીવનાનંદ બાબા યાદ આવી ગયા. મને થયું, લાવને જરા બાબાની મુલાકાત લઉં ! પહોંચતાની સાથે મારી નજર નેઈમપ્લેટ પર ગઈ. ડિગ્રીઓની હાર પહેલાં કરતાં લાંબી હતી પણ નામ ફેરવાઈ ગયું હતું – જીવનાનંદને બદલે કરુણાનંદ. મને આશ્ચર્ય થયું છતાં અંદર તો ગયો જ. મુલાકાતીઓથી હૉલ ભરેલો હતો. મારી બાજુમાં બેઠેલાં માજી હોઠ ફફડાવતાં હાથમાં રાખેલી થેલીમાંની માળા ફેરવતાં હતાં. થોડીવારે એમણે માળા પૂરી કરી મારી સામે નજર કરી કે, તરત મેં એમને પૂછી જ નાખ્યું, ‘માજી, બહાર નેઈમ્પલેટ પર કરુણાનંદ નામ લખ્યું છે તે….’
‘હા, કહેવાય છે ને, બાપ કરતાં બેટા સવાયા. જીવનાનંદબાબા કરતાં પણ એમનો દીકરો વધુ સચોટ ભવિષ્ય જોઈ આપે છે.’ માજીએ કહ્યું.
‘તે…. જીવનાનંદબાબા….’
‘લે ભાઈ….. તમને નથી ખબર ? બે વર્ષ પહેલાં રોડ એકસીડન્ટમાં એમણે તો મહાસમાધિ લઈ લીધી.’

મારા મોઢામાંથી નીકળી ગયું, ‘હેં !’

(સુબ્રતા ચૌધરીની અંગ્રેજી વાર્તા પરથી.)