સાર્થકતા – કલ્યાણી વ્યાસ

[ રીડગુજરાતીને આ ટૂંકીવાર્તા મોકલવા બદલ કલ્યાણીબેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kjvyas007@yahoo.com સંપર્ક કરી શકો છો.]

[dc]શિ[/dc]ખા ક્યારનીયે બારી પાસે ઉભી રહીને સામે દેખાતા આકાશના ટુકડાને નિરખી રહી હતી. થોડીવારમાં તો તેણે કેટ કેટલા રંગ બદલ્યા હતાં. ઘડી પહેલાંનું સ્વચ્છ-નભ અત્યારે વાદળોના કાળા-સોનેરી રંગોથી ઘેરાઇ ગયું હતું. સંધ્યા ખીલી ઉઠી હતી અને અચાનક વાદળોના ગડગડાટથી આખું આકાશ હલબલી ઉઠ્યું,
શિખા પણ.
તેને થયું કે હવે તો આ વાદળો વરસી જાય તો સારું. અને તેના મનની વાતને સાચી પાડતાં હોય તેમ અચાનક પાણીના બિંદુઓએ તેને સ્પર્શ કર્યો. તે રોમાંચિત થઇ ઉઠી. તેણે દુર દુર સુધી ફેલાયેલા આસમાન પર નજર દોડાવી… તેને યાદ આવી કેટલીક પંક્તિઓ…
“યે એક ટુકડા આસમાં,
કુછ કોહરે કે સાયે,
લંબા ફૈલા યે રાસ્તા,
યે સાઁસ લેતી હવાયેં,
યે મેરે હિસ્સે હી દૌલત હૈ,
કભી આઓ મેરે અંગના,”
તેને અત્યારે આ પંક્તિઓ યથાર્થ લાગી રહી હતી. આ પંક્તિઓ હિમાંશું એ તેને સંભળાવી હતી.

હા ! તે એક તડકા જેવો છોકરો હતો. તેનો મિત્ર બન્યો હતો ઇન્ટરનેટ પર. તે ઘણીવાર પૂછતો કે, ‘શિખાજી, શું આપણા ૧૦૦ % નું ડેડીકેશન હોય સંબંધોમાં, છતા પણ હાથમાં કેમ અધુરપ જ છૂટી જતી હોય છે ?
તે એક છોકરીના પ્રેમમાં હતો. અનહદ પ્રેમ કરતો હતો તેને, છતાં તે છોકરી તેને છોડી ગઇ. શા માટે ? તેનો કોઇ જ જવાબ ન હતો, તેની પાસે. તે જવાબ માગતો મારી પાસે અને હું તેને તેમાં બીજા ૧૦૦% ઉમેરવાની જ વાત કરતી. તે ચિડાતો અને કહેતો,
‘મારું કંઇ સ્વમાન છે કે નહીં ? શું સામેથી પ્રેમની ભીખ માગું ?’
હું તેને સમજાવી ન શકતી કે ‘માગવાથી તો કશું જ મળતું નથી,’ તે ફક્ત એક અહેસાસ છે જે તમને સભર રાખે છે.’

શિખાને પોતાનું જીવન યાદ આવ્યું.
જીવનના ચાલીસ વર્ષ તેણે પસાર કર્યા હતાં. તેમાંથી લગ્નજીવનના વીસ તો આંખો મીચીને જ પસાર કર્યા હતાં. અને અચાનક હવે તેણે આંખો ખોલી હતી અને નજરને અનંત શક્યતાઓ ભણી દોડાવી હતી.
તેને વાંચવા-લખવાનો શોખ તો હતો જ. પણ સંસારની જવાબદારીઓ ઉઠાવતા બે બાળકોને મોટા કરતા, પતિના ખભે ખભા મિલાવીને સંસારરથને અહીં સુધી લાવવામાં તે પોતાના ‘સ્વ’ ને તો ભુલી જ ગઇ હતી.
રુચા અને રાજને મમ્મી, ‘ આઉટ ઓફ ટાઈમ “ લાગતી. હા ! તે જુનવાણી નહતી. પણ તેઓની દુનિયા જ નિરાળી હતી.
‘કોલેજ લાઇફ, ડીસ્કો , ફ્રેન્ડ સર્કલ, નાઇટ ડ્યુટીની જોબ વિ.’ અને તેમાં મમ્મીનું સ્થાન ફક્ત તેમની રોજિંદી જરૂરિયાતોને પૂર્ણ કરવા પુરતું જ હતું. તો બીજા પક્ષે સુધાંશુ હતો…. જે તેની કારકીર્દીના એવા સ્થાને પહોચ્યો હતો કે તેને તો શિખા માટે સમય ફાળવવો બિલકુલ શક્ય નહતું. એક પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં સી.ઇ.ઓ. ના પદે પહોચ્યા બાદ તેની જવાબદારીઓ અનેક ગણી વધી ગઇ હતી. અલબત કંપનીના પ્રોગ્રેસ માટે જ સ્તો. બાકી તેને તેના સંતાનો શું કરે છે તે જાણવાની પણ ફુરસદ નહતી. હા ! તે પ્રેમ કરતો હતો, શિખાને. પણ તેનો અહેસાસ હવે શિખાને થતો નહતો. કદાચ આટલા વર્ષો સાથે રહ્યા બાદ તેને તે જરૂરી નહી લાગતો હોય- “Like take it for granted”. તે તો આમ જ રહેવા ટેવાયેલી હતી. આમ જોવા જાવ તો બધું બરાબર હતું. સુખી કુટુંબ દેખાતું, ‘અમે બે અમારા બે’ પણ આમ બધું બરાબર નહતું. ‘અમે ચાર અને અમારા ચારેયની દુનિયા અલગ !’
બાળકો મોટા થઇ ગયા હતાં. પોતાના નિર્ણયો લેવા માટે તે હવે શિખાને પૂછતા નહી. શિખા સાવ ફ્રી થઇ ગઇ હતી. તેને ખુબ બધો અવકાશ લાગતો તેના જીવનમાં અને તે હંમેશા બારી પાસે ઉભી રહીને સામે દેખાતા આકાશના ટુકડાને તાકી રહેતી. તેને પોતાપણું લાગતું તે ટુકડા સાથે.

તેને યાદ આવ્યું, આમ જ એકવાર તે ઉભી હતી અને મનમાં કંઇક ઉગી આવ્યું અને તેણે એક સરસ કવિતા લખી નાખી. રાતે સુધાંશુ ને બતાવી તો ધ્યાનથી વાંચવાને બદલે તેણે તોછડાઇથી કહ્યું,
‘આ શું કલ્પનાઓમાં જીવે છે ? આ શું કામનું ? તેના કરતાં તો કંઇક એવું કર જેનાથી તું પૈસા કમાઇ શકે.’ તે સ્તબ્ધ બની ગઇ. આટલા વર્ષે તેણે જે કર્યુ તે પૈસા ન કમાઇને કર્યુ. તેનું કશું નહીં ? હવે વીસ વર્ષ ઘરમાં વિતાવ્યા પછી તે ક્યાં પૈસા કમાવા જાય ? અને શા માટે ? તેણે કદી વિચાર્યુ જ નહતું કે એક દિવસ તેને આ સાંભળવા મળશે. તેને ઘણો આઘાત લાગ્યો. તેને થયું કે વીસ વર્ષ તેણે શા માટે પૈસા કમાવવામાં ન કાઢ્યાં ? કદાચ તે પણ સી.ઇ.ઓ. બની શકી હોત. તેનામાં પણ એ જ કાબેલિયત હતી, જે સુધાંશુમાં હતી. તેણે તેના વર્ષો ખર્ચીને આજે જે પદ હાંસલ કર્યું છે. તેની સામે શિખાએ પોતાના વર્ષો ખર્ચીને શું મેળવ્યું ?
જ્યાં હતી ત્યાં ને ત્યાં જ…હજી તે હતી ?

તેની આંખો ખુલી ગઇ. તે હિંમત હારે તેમાંની ન હતી. તેણે ફરીવાર પોતાની બાકી રહેલી જિંદગી જીવવા માટે કમર કસી. પણ હવે સત્ય તેને સમજાઇ ગયું હતું. તેથી તે હવે ફક્ત પોતાના માટે, પોતાના આનંદ માટે, પોતાની પ્રગતિ માટે જ જીવવાના નિર્ધાર સાથે, આજની દુનિયા સાથે કદમ મિલાવવા કટીબદ્ધ બની.
બે વર્ષ પહેલા સૌ પ્રથમ તેણે કોમ્પ્યુટરનો કોર્ષ કર્યો. તેનામાં નવું નવું શિખવાની ઘણી જ ધગશ હતી. પણ ફક્ત તે પોતાના માટે સમય નહોતી ફાળવતી. પણ હવે તેણે સમગ્ર ધ્યાન પોતાના ‘સ્વ’ ને એક ઓળખ આપવા પર કેન્દ્રિત કર્યું. કોમ્પ્યુટર શીખીને તેને એક નવી જ દુનિયાનો અનુભવ થયો. એક વિશાળ જ્ઞાન અને માહિતીનો મહાસાગર તેની સામે ફેલાઇ ગયો. તેને સમય મળતો ત્યારે ઇન્ટરનેટ ખોલીને બેસી જતી. રુચાએ તેને મિત્રો બનાવવાની પણ સલાહ આપી અને તેણે સારા સારા ઓનલાઇન મિત્રો પણ બનાવ્યા. અને તે સાથે જ તેના માટે એક ખજાનો જાણે ખુલી ગયો. મિત્રો સાથે વાતો કરતા તેને લાગતું કે એક એક વ્યક્તિ એક એક વાર્તા છે. અને તે લખવા બેસી જતી. મિત્રો સાથે વાતો કરતા અહેસાસ થતો કે દરેકની પોતાની એક વાર્તા છે અને તેમાં તે પોતાની કલ્પનાના રંગો ઉમેરી પોતાની વાર્તાઓમાં તેમને વણી લેતી.

અમિતના જીવનમાં અનેક છોકરીઓ હતી પણ તેનો અંતરંગ પ્યાર કોઈ ન બની શક્યું. તે ખુબ મહેનતુ છોકરો હતો. જીવનમાં આગળ વધવા સ્ટ્રગલ કરતો હતો. સાથે સાથે યોગ્ય જીવનસાથીની તલાશ પણ, તે તેના અનુભવો શિખાને કહેતો…અને શિખા એક નવી વાર્તાનું સર્જન કરતી. અને યોગેશ…ઓહ ! તેની વાત તો પીડાકારક હતી. તેની બે વર્ષની ઉંમરમાં જ તેના પિતા તેની મા ને છોડીને બીજી સ્રીના પ્રેમમાં પડી ચાલી ગયા હતા. તેની મા એ બે ભાઇઓને કેવી રીતે મોટા કર્યા અને આજે તેને એક એન્જિનિયર બનાવ્યો તેની વાત. તેના જીવનમાં આવતી એક છોકરીની વાત અને પોતાના શરમાળ સ્વભાવને લીધે તે એકરાર ન કરી શકયો અને તેને ગુમાવી દીધી તેની પીડાની વાત… તેને થતું ઓહ ! ઓહ ! કેટકેટલું લખવાનું હતું. અને હા લકીની વાત તો રહી જ ગઇ. તે એક સારો ગાયક હતો. કંમ્પોઝર અને ગીતકાર પણ. તેના જીવનમાં માતાપિતાનો આદર અગ્રસ્થાને હતો. મમ્મીના કડક સ્વભાવને કારણે તે પોતાની પ્રેમિકા સાથે વાત કરતા પણ ડરતો. તેમાં જ તે પાછળ રહી ગયો. પોતાના કુટુંબ માટે કશું કરી શકવાની ભાવના અને નિર્દોષતાથી ભરેલા તેના સવાલો… શિખાને પણ ઘણીવાર નિરૂતર કરી મુકતા. તે તેના માટે ગીતો અને ભજનો પણ લખી દેતી. તે તેને પોતાના રેકોર્ડ કરેલ પ્રોગ્રામસ અને એમ.પી.થ્રી. પણ સંભળાવતો. અને અનુ ! ઓહ ! કેટલી હરણ જેવી ચંચળ છોકરી, તેની વાતો તો ખૂટે જ નહી અને ગરિમા ? સ્વછંદ જીવન જીવતી અને તેના અનુભવો શિખા સાથે વહેંચતી… ઓહ ! ઓહ ! ઓહ ! શિખા માટે અગણિત, લખલૂટ ખજાનો ખુલી ગયો હતો. તે તેમાં પોતાની કલ્પનાઓના રંગ ઉમેરીને એક એક રોમાંચક વાર્તાઓ રચતી.

આમ તેણે અનેક વાર્તાઓનું સર્જન કર્યું. તેને તે ન્યુઝપેપર, મેગેઝીનોમાં છપાવવા મોકલતી. અલબત બીજા નામે “મૈત્રેયી” ના નામે. લોકોને ખુબ પસંદ આવતી તેની વાર્તાઓ…તેના ઇ-મેઇલ આઇ.ડી. પર ઘણા પત્રો આવતા પ્રશંસાના. પછી તો તેણે ધીરે ધીરે નવલકથા લખવાની શરૂઆત કરી. તેને પ્રયત્નો કરીને છપાવી પણ. અને તેને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો. તેની નવલકથા “શમણાના સુરજ” ને લોકોએ ઘણી જ વધાવી. તેને હવે તેમાંથી પૈસા પણ મળવા લાગ્યા હતા. આમ છતા ઘરમાં હજી કોઇને એટલી ફુરસદ નહતી કે શિખાના આ કાર્યની નોંધ લે. બધા પોતપોતાની દુનિયામાં જ મશગુલ હતા. શિખા પણ પોતાની દુનિયામાં- પણ શિખાને હવે કોઇ ફરિયાદ નહતી. તે ફરિયાદ કરવામાં માનતી જ નહતી. તે ફક્ત ઉકેલ શોધવામાં જ માનતી.
એકવાર એક જ્યોતિષીમિત્ર સાથેની ચર્ચામાંથી તેને એક નવો વિષય મળ્યો અને તેણે એક નવી નવલકથા લખવી શરૂ કરી. પોતાના કલ્પનાના રંગોની પુરવણી કરીને થોડા સમય પહેલા જ તેની નવલકથા “My Galaxy” બહાર પડી હતી. નવો વિષય, જુદી જ રીતે કરેલી માવજતને કારણે તે ખુબ જ લોકપ્રિય બની રહી. અને આજે ઇ-મેઇલ આવ્યો હતો કે એક સમારંભમાં ‘મૈત્રેયી’ એ હાજર રહેવાનું હતું અને સન્માન સ્વીકારવાનું હતું. તે રોમાંચિત થઇ ઉઠી, તેને પોતાનું ‘હોવાપણું’ યથાર્થ થયેલું લાગ્યું. તેને પોતાની એક ઓળખ મળી છે. તે જાણી તે ખુબ ખુશ થઇ અને પોતાની આ ખુશીને પોતાનાઓ સાથે વહેંચવાનું તેણે આજે નક્કી કર્યું.

રાતે જમીને ચારે જણ ટી.વી. જોતા બેઠા હતાં. ઘણા દિવસે ચારે જણા આજે ભેગા થયા હતાં. તેને થયું આ જ મોકો છે, વાત કરવાનો… તેણે ધીમેથી કહ્યું, ‘સુધાંશુ, આપણે એક સમારોહમાં જવાનું છે.’
‘શાનો ?’
તેણે ફરીથી કહ્યું કે : ‘મારી નવલકથા “My Galaxy” નો વિમોચન સમારંભ છે. તેમાં તેઓ મારું સન્માન કરવાના છે. ઘણા મોટા મોટા લેખકો અને કવિઓ પણ હાજર રહેશે અને વક્તવ્ય આપશે. તેના વિશે. અને ત્રણે જણા એકમેક સામે જોઇને જોરથી ઠહાકાભેર હસી પડ્યા. રાજ કહેવા લાગ્યો, ‘મજાક ના કર મમ્મી તું અને સન્માન સમારોહ ? અશક્ય.’ હા ! રુચા જરા વિચારમાં પડી કારણ કે તેને તેની આ સાહિત્યિક પ્રવૃતિ વિશે થોડી ખબર હતી. પણ સન્માન ?
તેણે પ્રશ્નાર્થ નજરે મમ્મી સામે જોયું. તેમાં સવાલ હતો કે ખરેખર ?
શિખાએ તેની સામે જોઇને ફક્ત આંખો પટપટાવી ને ‘હા’ કહી. અને તે સાથે જ તે શિખાને વળગી પડી.
‘ઓહ ! મમ્મી કહીને, તેને ઘણું જ સારું લાગ્યું. તેણે મમ્મીને ચુંબન કરતા કહ્યું, ‘યુ ડીડ ઈટ ….,આઈ એમ પ્રાઉડ ફોર યુ’ સુધાંશુ હજી પણ પ્રશ્ન નજરે તેને જોઇ રહ્યો હતો. તેને કશું જ સમજમાં ના આવ્યું. રુચા ઉત્સાહભેર મમ્મીની અત્યાર સુધીની પ્રવૃત્તિ અને પ્રગતિની વાતો રાજ અને સુધાંશુને કહેવા લાગી. શિખા આનંદથી મુક પ્રેક્ષક બનીને તેને સાંભળી રહી. બંને જણા હજી પણ સ્તબ્ધ જ હતાં.

ત્યાં અચાનક ડોરબેલ વાગી. એક વ્યક્તિ કે જેના હાથમાં માઇક હતું અને પાછળ એક કેમેરામેન એમ બે જણા ઉભા હતા. તેઓએ કહ્યું કે, કાલના ન્યુઝપેપરમાં તમારી પ્રગતિની વાતો અમે છાપવા માગીએ છીએ તો મહેરબાની કરીને એક નાનો ઇન્ટરવ્યુ આપશો ? તેણે પરવાનગી માટે સુધાંશુ સામે જોયું. તેણે તો તરત જ ઉઠીને એ લોકોને વેલકમ કર્યા અને ‘ગો અહેડ’ કહીને આમંત્ર્યા. તે પત્રકાર સાથેની વાતચીત દરમ્યાન બધાં જ હાજર હતા. અને શિખાએ કશું પણ છુપાવ્યા વગર તે જે રીતે અને શા માટે આ મુકામ સુધી પહોંચી તેની ટુંકમાં રજુઆત કરી. તેઓ તેના અને તેની ફેમીલીના થોડા ફોટા પાડીને ચાલ્યા ગયાં. ત્યારબાદ રાજ અને રુચા પણ ‘કોંગ્રેટ્સ’ મમ્મી કહીને તેમના રૂમમાં ચાલ્યા ગયા. અને તે સુધાંશુ સામે જોતી બેસી રહી. તેની આંખોમાં અગણિત પ્રશ્નો હતાં. અને તેને હજી આ બધું અકલ્પનિય જ લાગતું હતું.
તેણે શિખાને પૂછ્યું, ‘ખરેખર તે આટલું બધું લખ્યું છે ?’ શિખાએ આંખોથી સસ્મિત હા પાડી. તે એક સ્વીકાર જોવા ચાહતી હતી સુધાંશુની આંખોમાં. અને સુધાંશુએ ઉભા થઇને હાથ ફેલાવ્યા અને તે પણ ઉભી થઇને પલભરનો વિલંબ કર્યા વગર તેના બાહુઓમાં સમાઈ ગઈ. તેને આલિંગન આપતા સુધાંશુ બોલ્યો ‘મારી શિખા’ અને બંધ આંખોએ શિખા સ્વીકારના આનંદની લહેજત ઉઠાવતા સુધાંશુને વેલીની જેમ વીંટળાયેલી રહી. તેને લાગ્યું કે આ જ મારું સાચુ સન્માન અને સ્વીકાર છે.

તેની અધુરપ આજે પુર્ણ થઇ હતી. તે 100 % શિખા, એક સ્વતંત્ર અસ્તિત્વ છે તેનો અહેસાસ તેને થયો હતો.
તે ગૌરવભેર ડગલા ભરતી-પોતાના રૂમના સ્ટડી ટેબલ પાસે બેસી ગઈ અને ખુબ જ પ્રેમથી કલમ ઉઠાવી આજના પ્રસંગને પણ એક નવું વાર્તા સ્વરૂપ આપવા બેસી ગઈ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “સાર્થકતા – કલ્યાણી વ્યાસ”

Copy Protected by Chetan's WP-Copyprotect.