હકનો રોટલો – પોપટલાલ મંડલી

[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.]

[dc]ઘ[/dc]ણાં વર્ષો પહેલાં ગ્વાલિયરમાં સજ્જનસિંહ રાજા રાજ કરતો હતો. તે ભલો, ન્યાયી અને પ્રજાવત્સલ હતો. હકનો રોટલો ખાઈને રાજ કરવાનો એનું એક માત્ર ધ્યેય હતું. એ ભોગ-વિલાસથી પર હતો. પ્રજા પાસેથી કર રૂપે આવેલા દ્રવ્યનો પ્રજાહિતનાં કાર્યોમાં ઉપયોગ કરતો હતો. એમાંથી એક પાઈ પણ પોતાના માટે વાપરતો ન હતો.

એના રાજદરબારમાં નર્તકો, વારાંગનાને સ્થાન ન હતું. એના બદલે સાધુ, સંતો, વિદ્વાનો અને સત્સંગીઓને આદરપૂર્વક સ્થાન મળતું હતું. એ રોજ વહેલો ઊઠી પોતાના ઓરડામાં જઈ રેંટિયો ફેરવી જરૂર પૂરતું કાંતી પછી તૈયાર થઈ રાજદરબારમાં આવતો હતો. આ કાંતેલા સૂતરમાંથી તે જીવનનિર્વાહ ચલાવતો હતો. આવા પરિશ્રમી જીવનથી એને અપાર સુખ-શાંતિ મળતાં હતાં. આ રીતે મેળવેલા રોટલાને તે હકનો રોટલો કહેતો હતો, છતાં એના મનમાં કાયમ શંકા રહેતી હતી કે હકનો રોટલો કહેવાય કે નહિ ? એના રાજ્યમાં આવનાર સંત, સાધુ, વિદ્વાન કે પંડિતને એ પ્રશ્ન પૂછતો કે ‘હકનો રોટલો કોને કહેવાય ?’ પરંતુ કોઈના જવાબથી એને સંતોષ થતો ન હતો.

એક વખત એણે રાજગુરુને આ પ્રશ્ન પૂછ્યો.
રાજગુરુએ કહ્યું : ‘રાજા પ્રજાના પૈસાનો રખેવાળ છે. કર રૂપે આવેલા પૈસામાંથી તે એક ટકો પૈસો પોતાના જીવનનિર્વાહ માટે વાપરી શકે છે. ધર્મમાં પણ એને સમર્થન છે. આ રીતે તમે હકનો રોટલો ખાઈ શકો છો.’ રાજાને ધર્મગુરુના આ ખુલાસાથી કોઈ સંતોષ થયો નહિ. એ મનમાં મૂંઝાતો રહ્યો. એક વખત એના રાજ્યમાં રમતારામ સંત આવી ચડ્યા. એ પૂરા અનુભવી, ધર્મને જાણનારા ને દેશાટન કરનારા વિરલ સંત હતા. રાજાએ એમને સારો આદરભાવ આપ્યો. રાત્રે સત્સંગની બેઠક રાખી. રાજાએ સત્સંગની શરૂઆતમાં જ પ્રશ્ન કર્યો :
‘હે મહાત્મા, મારા મનમાં ઘણા વખતથી એક પ્રશ્ન ઘોળાયા કરે છે. એના જવાબો સાધુ, સંતો અને વિદ્વાનો આપે છે પણ મને એમના જવાબથી સંતોષ થતો નથી. કૃપા કરી આપ મને મારા એ પ્રશ્નનો ગેડ પડે એવો ઉત્તર આપો. મારો યક્ષ પ્રશ્ન છે કે હકનો રોટલો કોને કહેવાય ? રાજા હકનો રોટલો ખાઈ શકે ખરો ?’
સંત કહે : ‘બસ આટલો જ પ્રશ્ન ને ? આમાં વળી મૂંઝાવા જેવું અટપટું શું છે ? તારા આ પ્રશ્નનો જવાબ તો તારા નગરના પાદરે રહેતી રૂપા નામની વૃદ્ધા આપી દેશે. તું એની પાસે જઈ હકના રોટલાની માગણી કરજે. તને તારો પ્રત્યુત્તર અવશ્ય મળી જશે.’

સંતના આ જવાબથી રાજા રાજીના રેડ થઈ ગયો. એ પળનોયે વિલંબ કર્યા વિના એક ખેડૂતનો વેશ ધારણ કરી મહેલના પાછળના દરવાજેથી હાથમાં કોદાળી લઈ પગપાળા તે વૃદ્ધાના ઘર ભણી ચાલી નીકળ્યો. પૂછતો પૂછતો તે રૂપા વૃદ્ધાના ઘરે આવી પહોંચ્યો. આ વખતે સાંજ ઢળી ચૂકી હતી. વાળુની વેળા થઈ ગઈ હતી. પંખીઓ આવીને પોતપોતાના માળામાં ગોઠવાઈ ગયાં હતાં. મંદિરમાં થતો ઘંટનાદ સંભળાતો હતો. કમળનાં ફૂલ બિડાવાં લાગ્યાં હતાં. ભમરાઓના ગુંજારવ બંધ થઈ ગયા હતા. આ ટાણે રૂપા વૃદ્ધા આંગણામાં બેઠી હતી. વાળુ કરવા તે આરતી બંધ થવાની રાહ જોતી હતી. રાજાએ નમ્રતાથી વંદન કરી રૂપા વૃદ્ધાને પૂછ્યું,
‘માજી, મને ખૂબ ભૂખ લાગી છે. કંઈ ખાવા આપશો ?’
રાજા ભણી વેધક દષ્ટિ કરી રૂપા વૃદ્ધા બોલી, ‘મારી પાસે તો એક રોટલો માત્ર છે. એમાં અડધો રોટલો જ હકનો છે. બાકીનો અડધો રોટલો હરામનો છે.’
રાજાએ આશ્ચર્ય અનુભવતાં પૂછ્યું : ‘માજી, મને તો આમાં કાંઈ સમજ પડતી નથી. અડધો રોટલો હકનો અને અડધો રોટલો હરામનો એની મને જરા સમજ આપશો ?’

વૃદ્ધા રૂપાએ વિગતે વાત સમજાવવા માંડી, ‘બેટા, એક વાર હું રાત્રે રેંટિયો કાંતવા બેઠી. દીવો સળગાવવાનો વિચાર કરતી હતી. તે વેળાએ ત્યાંથી એક મોટું મશાલ સરઘસ નીકળ્યું. સરઘસ ખૂબ જ ધીમી ગતિએ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. એવામાં એના આગેવાને થોડી વાર ત્યાં થોભવાની આજ્ઞા કરી. એણે આવી આજ્ઞા કેમ કરી તે મને સમજાયું નહિ, પરંતુ અજવાળું ધરી મને મદદ કરવાનો તેમનો ઈરાદો સમજાયો. એ અજવાળું મારી ઝૂંપડીમાં પણ પડતું હતું. મને એ અજવાળાનો લાભ મળ્યો. મેં રેંટિયો ચાલુ કરી દીધો. સરઘસ થોભ્યું. એટલી વારમાં મેં જે કાંત્યું હતું તે બજારમાં વેચી દીધું. એના જે પૈસા આવ્યા તેમાંથી મેં બાજરીનો લોટ ખરીદ્યો. એનો આ રોટલો બનાવ્યો, એટલે રોટલામાં અર્ધા રોટલા ઉપરનો હક મશાલવાળાના હિસ્સે જાય છે. બાકીના અડધા રોટલા પર મારો હક છે. મારી વાત હવે તારા મનમાં દીવા જેવી સ્પષ્ટ થઈ ગઈ હશે. બોલ, હવે તું હા કહે તો તને અડધો રોટલો ખાવા આપું. એ ખાતાં તને તારા નિયમનો બાધ આવશે નહિ.’ રાજા તો રૂપા વૃદ્ધાનો જવાબ સાંભળી સડક થઈ ગયો. રાજાને સંતો, મહાત્માઓ અને વિદ્વાનોના જવાબથી સંતોષ થયો ન હતો. એને એક નિરક્ષર વૃદ્ધાના જવાબથી સંતોષ થયો હતો. સાથેસાથે સ્વનિર્ભરનો એનો ગર્વ પણ ચકનાચૂર થઈ ગયો હતો.

એ વિચારવા લાગ્યો, ‘મારા રાજ્યમાં સામાન્ય પ્રજાજન પણ ન્યાય, નીતિ અને હકની આટલી ઊંડી સમજ ધરાવે છે તે મારા માટે તેમજ રાજ્ય માટે ગૌરવની બીના છે. આ વૃદ્ધા પાસે તો હું દંભી ઠર્યો. આવા વિચારો ધરાવવા બદલ હે પ્રભુ ! તું મને માફ કરી દેજે.’ એ પ્રગટ રૂપા વૃદ્ધાને કહેવા લાગ્યો, ‘ઓ રૂપા માતા, હકના રોટલાની હકીકત મને સમજાવી મારા પર મોટો ઉપકાર કર્યો છે. આવી ઝીણવટભરી દષ્ટિ દરેક કાર્ય વખતે રખાય તો અજાણપણે પણ અનર્થ ન આચરાઈ જાય. આ અડધો રોટલો તો પરિશ્રમની પાવક પ્રસાદી છે.’ આમ કહી અડધો રોટલો આરોગી રાજા વૃદ્ધાને વંદન કરી પોતાના મહેલે પાછો ફર્યો.

ધન્ય છે આવા રાજાને તથા તેની સમજદાર પ્રજાને.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “હકનો રોટલો – પોપટલાલ મંડલી”

Copy Protected by Chetan's WP-Copyprotect.