યુવાનો અને ગુનાખોરી – જાગૃતિ ફડિયા

[dc]રો[/dc]જ સવારે જાગીને ચા સાથે વર્તમાનપત્રની આપણને ટેવ પડી ગઈ છે. પણ આ વર્તમાનપત્રમાં આવતા સમાચારોનું ક્યારેય તમે વિશ્લેષણ કર્યું છે ? મોટા ભાગનાં સમાચારો ગુનાખોરીનાં જ હોય છે ખરું ને ? આ ગુનાખોરીનું પણ ધ્યાનથી નિરીક્ષણ કરીએ તો એમાં યુવાનોની સંડોવણી વધતી જતી દેખાય છે. મહદ અંશે આપણે છાપું વાંચીએ ત્યારે હેડલાઈનથી આગળ વધવાનો આપણને સમય જ હોતો નથી અને હોય તો એ સમાચારો જો આપણને કોઈક રીતે અસર કરતા હોય તો જ. અપહરણ, ખુના-મરકી, ચોરી-ચપાટી, લૂંટ-ફાટ વિગેરે સમાચારોના ઉંડાણમાં આપણે ભાગ્યે જ જઈએ છીએ અને બેધ્યાનપણે પાનાં ફેરવી દઈએ છીએ.

થનગનતી યુવાનીમાં કેટલીય શક્યતાઓને ઓપ આપી શકાય. તેમ છતાં યુવકો આ રસ્તે કેમ વળી જાય છે એ વિચાર માગી લે એવો પ્રશ્ન છે. તરૂણો હિંસા તરફ વળી ગયા હોય એવા અનેક કિસ્સાઓ આપણા દેશમાં જ નહીં પણ વિશ્વમાં સર્વત્ર જોવા મળે છે. કસાબનું ઉદાહરણ ટાંકવું અહીં અસ્થાને નહીં ગણાય. છતાં જો આપણે આપણા દેશની જ વાત કરીએ તો કદાચ હવે જીવનશૈલી જ એ પ્રકારની થઈ ગઈ છે. આર્થિક વિષમતા વધી ગઈ છે. મહેનત કર્યા વગર યુવકોને રાતોરાત માલામાલ થઈ જવું છે. વૈશ્વિકરણ, મુક્ત અર્થતંત્ર અને ટેકનોલોજીના વ્યાપના બીજા ઘણાં ફાયદા સાથે આ દૂષણો પણ ફાલ્યાં છે. માતા-પિતા તરુણોની નવી નવી માંગ પોષી શકતા નથી. ફેશનો જલદી જલદી બદલાય છે તે રીતે તેઓમાં વોર્ડરોબ બદલવા શક્ય નથી હોતા. ટેકનોલોજીની હરણફાળે નવા નવા ઉપકરણો ખડકાતાં હોય છે તે રીતે ઘડી ઘડી નવા મોબાઈલ, ટેબ્લેટ કે લેપટોપ તેમને માટે લાવી શકાતા નથી.

આમ, સૌથી ઉપલા આર્થિક સ્તરનાં વાલીઓને બાદ કરતા બાકી બધાં જ આમાં પીસાય છે. તો આજના જે બાળકો આ નથી સમજતા અને ગુનાઓ તરફ વળે છે એ શું આપણા ઉછેરની બેદરકારી છે કે બદલાતા સમયની નિશાની ? મિડિયા તેમને બહેકાવવામાં કેટલો ભાગ ભજવે છે ? સી.આઈ.ડી. જેવી ડિટેક્ટીવ સિરિયલો કે ચોરી લૂંટફાટ અને હિંસાથી લદાયેલી ફિલ્મો એમને ગુનાઓનું પ્લાનીંગ કરવામાં મદદ કરે છે ? તરુણોમાં નૈતિક પતનને રોકવા ક્યા પગલાં લેવા જોઈએ ? આવા તો ઢગલો પ્રશ્નો ઉદ્દભવે છે તો લખી મોકલશો આ વિષયમાં તમારા વિચારો ? છેલ્લી તારીખ છે : જાન્યુ 30, 2013.

[ તંત્રીનોંધ : પ્રિય વાચકમિત્રો, ‘વિચારવલોણું’ સામાયિકના નામથી આપણે પરિચિત છીએ. તેમાંના ઘણા જીવનપ્રેરક લેખો આપણે અહીં માણ્યા છે. આ સામાયિકનો એક વિભાગ છે ‘કાંકરીચાળો’. આ વિભાગ દ્વારા સાંપ્રત વિષય પર વાચકો પાસેથી લખાણો મંગાવવામાં આવે છે જે તેના પછીના અંકમાં મુખ્ય વિષય તરીકે પ્રકાશિત કરવામાં આવે છે. તાજેતરના ‘વિચારવલોણું’ અંકમાં જે વિષય આપવામાં આવ્યો છે તે અહીં ઉપરોક્ત લેખમાં રજૂ કર્યો છે. આ વિષય પર આપ એક વાચક તરીકે આપનો પ્રતિભાવ અહીં ‘કોમેન્ટ બોક્સ’માં આપી શકો છો. 30 જાન્યુઆરી સુધી અપાયેલા પ્રતિભાવોમાંથી ચૂંટેલા પ્રતિભાવો આ સામાયિકના આગામી અંકમાં પ્રકાશિત કરવામાં આવશે. પરંતુ આપના પ્રતિભાવો ઓછામાં ઓછા બે-ત્રણ ફકરામાં હોવા જરૂરી છે. અત્યંત ટૂંકા પ્રતિભાવોને સામાયિકમાં સ્થાન આપી શકાય તેમ નથી. આપ આપનો પ્રતિભાવ અંગ્રેજી અથવા ગુજરાતીમાં આપી શકો છો. જો આપ આપનો પ્રતિભાવ ખાનગી રાખવા માગતા હોવ તો આપ તેને લેખ સ્વરૂપે જાગૃતિબેનને આ સરનામે jagrutifadia@gmail.com ઈ-મેઈલ કરી શકો છો. ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “યુવાનો અને ગુનાખોરી – જાગૃતિ ફડિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.