ભવસાગર – મધુમતી મહેતા

[‘નવનીત સમર્પણ’ સામાયિકમાંથી સાભાર.]

કોને તરવા છે ભવસાગર
અમે તો જાશું વહેતા રે
ઝાકળ, ઝંઝા, તેજ, તિમિરને,
એમ જ સહેતાં સહેતાં રે

કોશેટે પુરાઈ ગયા છે પકડી રેશમતંતુ રે
ફરક પડે શું એને સઘળા ભલે ગણે ભૈ જંતુ રે
આંખ ઊઘડશે પાંખ ઊઘડશે
કેશવ કેશવ કહેતાં રે
ઝાકળ, ઝંઝા, તેજ, તિમિરને
એમ જ સહેતાં સહેતાં રે

પતંગિયાને હોય ન માળા
કોયલને ના શાળા રે
ડૂબકી દે ગંગામાં તોયે
રહે કાગજી કાળા રે
નામ ઉછીનાં શાને માટે
રહેશું મધુમતી મહેતા રે
ઝાકળ, ઝંઝા, તેજ, તિમિરને
એમ જ સહેતાં સહેતાં રે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “ભવસાગર – મધુમતી મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.