‘દામિની’ ત્રાટકી છે ત્યારે…. – મીરા ભટ્ટ

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર. મીરાબેનનો (વડોદરા) આપ આ નંબર પર +91 9376855363 સંપર્ક કરી શકો છો.]

[dc]વ[/dc]ર્ષો પહેલાં મેં હિન્દી ફિલ્મ ‘મિર્ચ મસાલા’નો આસ્વાદ કરાવ્યો ત્યારે ભાવનગરના સ્વ. જયેન્દ્ર ત્રિવેદીએ મને ફોન કરેલો કે લખવા જેવો આસ્વાદ તો ફિલ્મ ‘દામિની’નો છે ! તમારી કલમે એ થાય તો સારું ! પણ એ રહી જ ગયું. ફિલ્મની દામિનીના આક્રોશને ત્યારે હું રેખાંકિત ન કરી શકી, ત્યારે મને જરીકે અંદાજ નહોતો કે ભવિષ્યમાં બીજી કોઈ દામિની વીજળીની જેમ ત્રાટકવાની છે.

અને જુઓ આ 2012ની દામિની ! શું કહેવું ? સભાઓ ગજવી ગજવીને નીકળેલા શબ્દો પાછા પોતાના કાને જ અથડાતા રહ્યા અને સ્યાહીમાં બોળીને લખાયેલા શબ્દોનો દરિયો ઊછળી ઊછળીને પાછો પોતાનામાં જ ડૂબી ગયો ! ‘આંસુનો દરિયો’ નામના મારા પુસ્તકમાં દુનિયાભરની સ્ત્રીઓની આંખોમાંથી ઝરેલાં આંસુની જ વાત છે ! પણ આંખ સૂકાઈ ગઈ. કોઈ નાનુંસરખું પણ આશાનું કિરણ જડતું નહોતું અને આ દામિની ત્રાટકી. દિલ્હીની સડક પર યુવા બાળાઓ ફાટફાટ હૈયે આકાશને ગજવી રહી છે, આનાથી વધારે આક્રોશ કેવો હોઈ શકે ? તરત ઊઠેલા પ્રત્યાઘાતમાં સૌને ‘ગુનેગારને ફાંસી’નો ઉપાય સૂઝે છે. પરંતુ રોષ ખૂટી પડશે, આક્રોશ થાકી જશે ત્યારે અનુભવાશે કે ફાંસી એ આ ઘટનાનો ઉકેલ નથી. ‘ડરની સામે ડર’, ‘બેલેન્સ ઓફ ટેરર’ એ વિજ્ઞાનયુગનો મૂળોચ્છેદી ઉપાય નથી. ફાંસી કે જન્મટીપ એ શાખાગ્રાહી, પર્ણગ્રાહી પ્રતિક્રિયા છે. શાખા તોડી નાખવાથી ઝાડ નાશ નહીં પામે. સંભવ તો એમાં આવો પણ રહે કે ભસ્માસુરના લોહીના એક ટીપામાંથી બીજો ભસ્માસુર ઊભો થઈ જાય !

ભારતીય સંસ્કૃતિએ ભસ્માસુર રાક્ષસને હણવા માટે દુર્ગાશક્તિ ઊભી કરી છે. આ શક્તિ મારિણી નથી, તારિણી છે. આ માતૃશક્તિ છે. સર્જકશક્તિ છે. એ વિનાશ કરે તો પણ વૃત્તિઓનો વિનાશ કરે, પાપને જડમૂળમાંથી ઉખેડે. આપણે પણ એવા જ રસ્તાની શોધમાં છીએ, જેમાં એ પાઠ શીખે. જેની વૃત્તિઓ નિરંકુશ બનીને ચોમેરથી ઘેરી વળી હોય, વિકારોએ પોતાના તમામ અશ્વોને મેદાનમાં ચરી લેવા છૂટ્ટા મૂકી દીધા હોય, દિગ્મૂઢ હોય, બુદ્ધિનો તો ભ્રંશ જ થયો હોય તેવાને પાઠ કેમ ભણાવાય ? વળી વળીને એક જ વાત ધ્યાનમાં આવે છે કે સમાજમાં સંયમના વાતાવરણની સર્વોપરિતા ન હોય તો આ પ્રશ્ન ઉકેલી ન શકાય.

મને એક ઘટના યાદ આવે છે. આવી જ બળાત્કારની કોઈ ઘટના ત્યારે ઘટેલી અને હું ભારે અકળાઈ ઊઠેલી. દરેક વખતે તો આવે વખતે બહેનોની સભાનું આયોજન કરતી, પરંતુ આ વખતે તો મને થયું કે વાત તો મારે પુરુષો સાથે કરવી છે. બહેનોને બોલાવીને શું કરીશ ? એટલે મેં સહચિંતન કરી શકે તેવા ભાઈઓનું એક મિલન ગોઠવ્યું. એ સભામાં ઘણો ઊભરો ઠલવાયો, આક્રોશ પણ પ્રગટ થયો. ભાઈઓ દ્વારા ચિંતા અને નિસ્બત બંને પ્રગટ થયા, પરંતુ એક ભાઈએ કહ્યું : ‘બહેન, આ પ્રશ્ન માત્ર સ્ત્રીઓનો નથી, આખા સમાજનો છે અને એમાં પુરુષ જ જવાબદાર છે, એમાં કોઈ મીનમેખ નથી, પરંતુ અમારી પણ મુશ્કેલી છે. શું આપણે બહેનોને આટલું કહી શકીએ કે અમારી સંયમશક્તિને હંફાવે તેવાં કપડાં ન પહેરે ?’ – આજકાલની યુવાપેઢી આ પ્રશ્નથી છંછેડાઈ ઊઠે છે તે હું જાણું છું ! પહેરવાં-ઓઢવાનું સ્વાતંત્ર્ય તો મિનિમમ સ્વાતંત્ર્ય ગણાય ! પરંતુ સ્ત્રી-પુરુષનાં સામાજિક સહજીવનમાં કોઈ ને કોઈ વાતે ડખલ ઊભી થતી હોય તો સહાનુભૂતિપૂર્વક સદભાવથી સમાધાન કરવામાં શાણપણ નથી ? આપણા પહેરવેશથી કોઈની સંયમશક્તિને હાંફવું પડે એવું આપણે શા માટે કરવું ? વસ્ત્રોનું પ્રયોજન શરીરને ઢાંકવાનું છે કે ઉઘાડવાનું ? – આ પ્રશ્નનો જવાબ હોવો જ જોઈએ. ‘ઠંડીથી રક્ષણ’-આટલી વાત બાદ કરતાં વસ્ત્ર એ સામાજિક મૂલ્ય છે. સમાજને સડવા ન દેવો હોય તો પ્રત્યેકે વસ્ત્ર-વિવેક દાખવવાં જ પડે !

બળાત્કારની આ ઘટનાના વિરોધમાં બોલીવૂડ જગત પણ સામેલ થયું છે. એ વાત સારી જ છે, પરંતુ એ જગતે પણ થોડુંક ઊંડું મંથન કરવાની જરૂર છે ! સૌ કોઈ જાણે છે કે આજે કમભાગ્યે, ફિલ્મ જગતનાં હીરો-હીરોઈન જ જુવાન પેઢીનો આદર્શ બની ગયાં છે. સિનેતારીકાઓનાં વસ્ત્રોની ડિઝાઈન બીજા જ દિવસે આમ દરજીઓ પાસે પહોંચી જાય છે અને ત્રીજા દિવસે તો ખુલ્લેઆમ સડક પર ફરતી સ્ત્રીઓમાં ! સાવ ઉઘાડી, સોના જેવી સ્પષ્ટ વાત છે કે આવો પહેરવેશ એ પોતે જ એક પ્રકારનું નિમંત્રણ છે ! આવું કહેવાય છે ત્યારે બે-પાંચ વર્ષની બાળા કે પંચોતેર-એંસીની વૃદ્ધા પર થતા બળાત્કારની વાત આવે છે, આંધળી અને બહેરી થયેલી ઈન્દ્રિયો ઠામ-ઠેકાણું જોવા જેટલી જાગૃત જ નથી હોતી. આવા સંજોગોમાં, સમાજમાં બહેકાવનાર પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવાનો પ્રયત્ન થવાને બદલે આજે ઉઘાડેચોક અશ્લીલતા નાચ નાચી રહી છે. ‘ડર્ટી પિક્ચર’માં નારીજાતિનાં લાચારી અને દુર્દશાનું ચિત્રણ પુરસ્કૃત કરવા જેવું લાગ્યું કે વિદ્યા બાલનનું ઉઘાડાપણું, એ મારે મન પ્રશ્ન છે ! આજે સિનેતારીકાઓ આઈટમ ગર્લ બનવા ઉત્સુક બની રહી છે. આ શું સૂચવે છે ?

અરસપરસ ઊંડી અસર કરનારી આવી બાબતોનો ઉકેલ કોઈ એકલદોકલ માણસ ન કરી શકે. યુગાવતાર બનીને રામકૃષ્ણ પાછા આવે તો પણ એ આ પ્રશ્ન ઉકેલી ન શકે. આ માટે તો સામૂહિક ઈચ્છાશક્તિ અને સંયમવૃત્તિ જાગવા જોઈએ. આપણે કોઈને સાધુ-સંન્યાસી નથી બનાવવા ! કમ સે કમ આપણો માનવીય સમાજ તો રહે, પશુ સમાજમાં આપણે ન ફેરવાઈ જઈએ – આટલું તો કરીએ ! મેં લખેલી આ વાત લાખ્ખો વાર સેંકડો લોકોની કલમે લખાઈ ચૂકી છે, પરંતુ આ સિવાય કોઈ કારગર ઉપાય દેખાતો નથી. બહુ બહુ તો આવું કહી શકાય કે બળાત્કારીઓને શિક્ષા નહીં, પણ એવું શિક્ષણ આપવાની વ્યવસ્થા થાય કે ખરાબ સંસ્કાર ભૂંસાઈને સારા સંસ્કાર સિંચાય ! મતલબ કે – એકડે એકથી શરૂ કરવું પડે. ફાંસી આપવાથી આટલો ફેર પડી શકે કે છેલ્લી ક્ષણોમાં પણ એને એટલો પશ્ચાત્તાપ થાય અને જો એ પ્રાયશ્ચિત્ત બુદ્ધિથી ફાંસી પર ચઢે તો કદાચ એનો બીજો જન્મ સુધરી જાય. વૈચારિક દષ્ટિએ ફાંસીની સજા એ રીતે આવકારદાયી નથી કે એમાં માણસમાં પડેલી સુપ્ત ભલાઈને જગાડવાના પ્રયાસને સ્થાન નથી મળતું.

આપણી ભાષામાં ‘શિયળ’ શબ્દ છે. કદાચ એને virginity કહી શકાય. અગાઉના જમાનાની સ્ત્રીઓને પોતાનું આ ‘શિયળ’ જાનથી પણ વધારે મૂલ્યવાન હતું. હકીકતમાં તો ‘શિયળ’ શબ્દ સ્ત્રી-પુરુષ બંનેને લાગુ પડવો જોઈએ, પરંતુ કોણ જાણે કેમ એ સ્ત્રીજગત માટે આરક્ષિત થઈ ગયો છે. આનું એક જ કારણ દેખાય છે કે સર્વસામાન્યઃ પુરુષ માટે વર્જિનિટીનો પ્રશ્ન જ ન ઉઠવો જોઈએ. એ ગમે તે કરી શકે… મને જાણવાની ઈચ્છા થાય કે પુરુષો આ અંગે કેટલા ઈન્વોલ્વ છે ? પોતાની વર્જિનિટી લગ્ન પહેલાં અકબંધ રહેવી જોઈએ એવું એમને લાગે છે ? શું એને જીવનનું મૂલ્ય બનાવી શકે છે ?

‘દામિની’ નિમિત્તે સમાજમાં આવું વ્યાપક અને ઊંડું વિચારવલોણું ચાલીને સમાજ સ્વસ્થતાની દિશામાં એક ડગલું પણ ભરશે તો દામિનીને થયેલા અન્યાયનું થોડું ઝાઝું પ્રાયશ્ચિત પણ આપણે કર્યું ગણાશે. ઝાડનું એક પાંદડું ખરે તો એના માટે આખું વૃક્ષ જવાબદાર છે. આ વાત જો આપણે માનતા હોઈએ તો બહાર ભલે સડકો પર આવીને આપણા પોકારોથી આકાશ ભરી દઈએ, પરંતુ સાથોસાથ સઘળા ઘોંઘાટોથી દૂર જઈને ભીતરના પારાવાર મૌનમાં થોડીક આપણી જાતને પણ ખંખોળીએ !….. પોતાની અંદર ડોકિયું કરવાની શક્તિ ઈશ્વરે ફક્ત માનવજાતિને જ આપી છે. એ સદભાગ્યને આપણે સાર્થક કરીએ. આજે સમાજ કાળાડીબાંગ ઘોર અંધકારમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે પ્રભાતનું કોઈ કિરણ ફૂટી શકે તેવું પરોઢ લાવવા કોઈકે તો તપવું જ રહ્યું !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

18 thoughts on “‘દામિની’ ત્રાટકી છે ત્યારે…. – મીરા ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.