- ReadGujarati.com - http://www.readgujarati.com -

‘વટવાળા’ કોને કહેવાય ? – હરેશ ધોળકિયા

[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.]

[dc]ચા[/dc]રે તરફ નજર કરીએ, છાપાં વાંચીએ, ટી.વી. જોઈએ, તો શું નજરે પડે છે ?
લાગે છે કે ચારે તરફ ધુમ્મસ જેમ ‘લઘુતાગ્રંથિ’ પ્રસરી ગઈ હોય તેવો આભાસ થાય છે.
‘લઘુતાગ્રંથિ’ એટલે શું ?
એટલે સતત પોતાનો પ્રચાર કરવો. સતત પોતાનો સ્વીકાર થયા કરે તે માટે હવાતિયાં માર્યાં કરવાં. ‘હું છું, હોં’ ની જાહેરાત કરવી. સતત ક્યાંયથી પણ સન્માન થાય તેની હાયવોય કર્યા કરવી. સતત છાપામાં કે ટી.વી. પર પોતાનો ફોટો આવે તે માટે શ્રમ કરવો ! થોડા દિવસ જાય અને આમાંથી કંઈ પણ ન થાય, તો ભયંકર તાણ અનુભવવી. લઘુતાગ્રંથિ એટલે પોતા પર શ્રદ્ધા ઓછી હોવી. બીજા દ્વારા સ્વીકાર થાય કે સન્માન થાય તો જ આત્મવિશ્વાસ અનુભવવો. કશા પણ બાહ્ય આધાર વિના, બાહ્ય સ્વીકાર વિના પણ, પોતાનો અહેસાસ હોવો, પોતા પર શ્રદ્ધા હોવી, આત્મઆનંદ હોવો, એ જે આત્મગૌરવ હોય તેનો સર્વત્ર અભાવ જોવા મળે છે. લગભગ દુનિયામાં આવું જોવા મળે છે. અત્યારે ‘મહાજનો’ (?)ની સ્થિતિ ખૂબ દયામણી દેખાય છે. સતત સ્વીકારની ઝંખના તેમને સતત હેરાન કરે છે. તે માટે વ્યર્થ પ્રસંગો કે ઘટનાઓ ઊભી કરીને પણ પોતાનું હોવાપણું સાબિત કર્યા કરવું પડે છે.

આમાં આત્મગૌરવનું સતત હનન થાય છે. ‘વટવાળા’ હોવાનો આનંદ નથી મળતો. વટવાળા હોવું એટલે બીજા જે વિચારે, સ્વીકાર કરે કે ન કરે, સન્માન કરે કે ન કરે, બોલાવે કે ન બોલાવે, છતાં પોતામાં મસ્ત રહેવું. એનો અર્થ એ નથી કે કશું ન કરવું. બધું જ કરવું. સ્વીકાર થાય તો સ્વીકારવો. સન્માન થાય તો લેવું. પણ, કદાચ ન થાય, તો લઘુતાગ્રંથિ ન અનુભવવી. તે વિના પણ મસ્તીમાં રહેવું. તેની મસ્તી અદ્દભુત છે.

પણ આવું નથી અનુભવી શકાતું તેનું કારણ એ છે કે આત્મગૌરવનું શિક્ષણ જ નથી અપાતું. આત્મમસ્તીની કેળવણી નથી અપાતી. સાથે આપણા સામે લોકો પણ એવા જોવા મળે છે જે આ બધા માટે વલવલતા હોય. દયામણા દેખાતા હોય. છાપાં-ટી.વી. પણ આત્મગૌરવવાળા લોકોની મજાક ઉડાવે છે. તેમને ઉતારી પાડે છે અને આપણે તો છાપા કે ટી.વી.ના અભિપ્રાયો પર જ જીવતા હોવાથી તે કહે કે લખે તેને જ સાચું માની લઈએ છીએ. માટે આવા લોકોના ગૌરવને સમજી શકતા નથી. આપણને શાહરૂખ, સચીન જેવા સતત પબ્લિસિટી ઈચ્છતા લોકો દેખાય છે. પણ ક્યારેય શ્રીધરન, વિનોબા, કલામ, ગોપાલ ગાંધી વિશે જાણીએ છીએ ? ક્યારેય તેમને સમજવાનો પ્રયાસ કરીએ છીએ ? શ્રીધરને શું અને કેટલું વિશાળ અને અદ્દભુત કામ કર્યું છે ? આપણે તો નેતાઓ શું બકબક કરે છે કે ક્રિકેટરો કે ઍક્ટરો શું કમાય છે કે ટ્વીટર પર શું એલફેલ લખે છે તે જ વાંચીએ છીએ ! પરિણામે આત્મગૌરવનું મહત્વ સમજી નથી શકતા. પણ આપણા દેશે આવા આત્મગૌરવથી છલકાતા અનેક લોકો આપ્યા છે જેને જાણીએ તો છાતી ફૂલી ઊઠે. આપણો ઈતિહાસ આવા લોકોનાં ઉદાહરણોથી છલકાય છે.

દક્ષિણ ભારતમાં એક માણિક્યવાચકર નામના મહાપુરુષ થઈ ગયા. તે તત્કાલીન રાજાના મુખ્ય પ્રધાન હતા. ઉત્તમ વહીવટદાર હતા. પણ તેમણે જોયું કે સત્તા પર ખાસ સેવા નહીં થઈ શકે. રાજસત્તાથી જીવન બદલી ન શકાય ! પરિણામે એક પળમાં તેમણે સત્તા છોડી દીધી અને ફકીર થઈ ગયા. તેમને ત્યારના વિદ્વાનો અને રાજનીતિજ્ઞોએ મદદ કરવા માંડી. પણ માણિક્યવાચકરે એ પણ જોયું કે આવા લોકો પણ દુનિયાનું કશું ભલું કરી શકતા નથી. મોટા ભાગના લપોડશંખ હોય છે ! વાતો ખૂબ, કામ શૂન્ય ! તેમણે તે બધાનો સાથ પણ છોડી દીધો. કેવળ ઈશ્વરાધીન થઈ કામ કરવા લાગ્યા. તેમને શું તકલીફ પડી હશે તેની કલ્પના જ કરવી રહી. સત્તાધારી અને ‘ચતુર’ લોકોને અવગણવા એટલે તેમની કેટલી હેરાનગતિ ભોગવવી પડે તે તો આવા લોકો જ જાણી શકે. પણ એમણે તો એકલપંડે કામ કર્યું. સમગ્ર તામિલનાડુમાં ફરતા રહ્યા. સેવા કરતા રહ્યા. પરિણામ એ છે કે આજે વર્ષો પછી પણ તેમનો પ્રભાવ તામિલનાડુના લોકો પર છે. આને કહેવાય વટવાળા !

તેલુગુમાં સંત ‘પોતાના’ થઈ ગયા. તે વિદ્વાન હતા, પણ કામ તો ખેતીનું જ કરતા. સાથે ભાગવત પણ લખતા. જ્યારે આ ગ્રંથ પૂરો થયો, ત્યારે બધાએ (એટલે કે વ્યવહારૂ લોકોએ !) તેને સલાહ આપી કે આ ભાગવત રાજાને અર્પણ કરવું. પોતાનાએ એક ઝાટકે ના પાડી દીધી અને કહ્યું કે આ તો કૃષ્ણની ગાથા છે. રાજાને શા માટે અર્પણ કરે ? કુદરતી છે કે રાજા નારાજ થઈ ગયો. પણ આ વટવાળાએ તેની પરવા ન કરી. તેમણે રાજસત્તાની હાલત જોઈ હતી અને જાણતા હતા કે રાજા સત્તા ચલાવી શકે, પણ લોકોના હૃદયનું પરિવર્તન ન કરી શકે. એટલે તે તેનાથી અલિપ્ત જ રહ્યા. એવા જ મહારાષ્ટ્રમાં સંત તુકારામ થયા. ખુદ શિવાજી મહારાજ તેમનાથી પ્રભાવિત હતા. એક વાર તે તુકારામનું કીર્તન સાંભળવા આવ્યા. સાંભળી ખૂબ ખુશ થયા. તેમને થયું કે તુકારામનો સત્કાર કરવો જોઈએ. એટલે શિવાજીએ તેમના માટે ઘોડા, પાલખી, ધન વગેરે મોકલ્યાં. તુકારામ તો દુઃખી થઈ ગયા. શિવાજીને કહે કે – ‘મેં ક્યા પાપ કર્યાં છે કે આમ હેરાન કરો છો ?’ શિવાજી તો નવાઈ પામ્યા. તુકારામે કહ્યું કે સત્તાથી તો જનતા પર દબાણ આવે છે. તેના પરિણામે સારા થવાના બદલે બૂરાઈને વશ થઈ જવાય છે. તેમણે આ બધાનો અસ્વીકાર કર્યો. શિવાજી ચકિત થઈ ગયા. તેમણે ખૂબ મનાવવાનો પ્રયાસ કર્યો, પણ તે ન જ માન્યા.

ભારતને સ્વાતંત્ર્ય મળ્યું પછી ઓરિસ્સામાં ગાંધીના સાથી નવકૃષ્ણ ચૌધરી મુખ્ય પ્રધાન બન્યા. તે તો બનવા માગતા ન હતા, પણ બધાનો આગ્રહ થતાં બનવું પડ્યું. પણ તેમણે જોયું કે સત્તાથી લોકોનાં દિલ બદલી શકાતાં નથી. એટલે તેમણે એક ઝાટકે મુખ્ય પ્રધાનપદ છોડી દીધું અને ત્યારે વિનોબાજી દ્વારા ચાલતી ભૂદાન ચળવળમાં જોડાઈ ગયા. ગુજરાતના એક સાહિત્યકારે નક્કી કર્યું કે ચાલીસ વર્ષ પછી બધું છોડી તે સાહિત્યની સેવા જ કરશે. તે ખૂબ ઉત્તમ વહીવટદાર હતા. ઉત્તમ કાર્યો પણ કર્યાં હતાં. પણ ચાલીસ વર્ષ થયાં અને બધું છોડી દીધું. આ સમાચાર કેટલાક રાજાઓને મળ્યા. બધા જ તેમની બુદ્ધિનો લાભ લેવા માગતા હતા. બધાએ તેમને પોતાને ત્યાં જોડાવા આગ્રહ કર્યો, પણ તે ના જ પાડતા રહ્યા. એક રાજાએ તો તેમને ખૂબ જ ઊંચો પગાર ઑફર કર્યો, છતાં તેમણે ના પાડી, ત્યારે રાજા ઉશ્કેરાઈને બોલ્યા, ‘પંડિતજી, યાદ રાખજો કે તમને આટલો ઊંચો પગાર કોઈ નહીં આપે.’ તે સાહિત્યકારે ઠંડકથી જવાબ આપ્યો કે, ‘રાજાસાહેબ, તમે પણ યાદ રાખજો કે આટલો ઊંચો પગાર નકારનારો પણ તમને નહીં મળે.’ આ છે આત્મગૌરવ.

આજે ચારે બાજુ મૂડીવાદનો ભરડો વધતો જાય છે. પૈસા જ મહત્વના બનતાં જાય છે. આપણે સદીઓ સુધી અભાવગ્રસ્ત રહ્યા છીએ. હવે અચાનક બધા પાસે ધન વધતું જાય છે. અભાવગ્રસ્તતા વ્યક્તિને લોભી બનાવે છે. લોભ વ્યક્તિને લાચાર બનાવે છે. પોતાનું મહત્વ માત્ર ધનથી જ છે તેવા ભ્રમમાં તે રહે છે. માટે ગમે તેમ કરીને પણ ધન મેળવવા પ્રયાસ કરે છે. જ્યારે આત્મગૌરવને ધન કે વિદ્વત્તા કે પદ કે સ્ટેટ્સ વગેરે સાથે જોડી દેવાય, ત્યારે વ્યક્તિનું આત્મગૌરવ તૂટી પડે છે. તો પછી તે સ્વીકૃતિ મેળવવા જે હાયવોય કરે છે, ફાંફાં મારે છે, દોડાદોડ કરે છે, તેને પરિણામે તેની સ્થિતિ હાસ્યાસ્પદ બની જાય છે. અત્યારે આવી જ સ્થિતિ જોવા મળે છે. ટી.વી. પર નેતાઓની હાંસી કરાય છે, મજાક કરાય છે, છતાં તેઓ હોંશથી ભાગ લે છે. કારણ ? ટી.વી. પર તો આવે છે ! લાખો લોકો તેમને જુએ તો છે ! ભલે ને હસતા હોય ! તે દશ્ય અત્યંત કરૂણ હોય છે.

મૂડીવાદ ખરાબ નથી. પૈસા પણ ખરાબ નથી. સ્વીકૃતિ થવી પણ અયોગ્ય નથી. પણ તે આત્મગૌરવના ભોગે મેળવાય તે અયોગ્ય છે. વ્યક્તિ યોગ્ય કાર્ય કરશે, સેવા કરશે, અભ્યાસી બનશે, કોઈ સિદ્ધિ મેળવશે, તો આપોઆપ સન્માન મળશે જ. પણ કદાચ ન મળે, તો એમ માનવાની જરૂર નથી કે પોતે બરાબર નથી. તે માટે આત્મગૌરવ વેચવાની જરૂર નથી. લાચાર થવાની જરાપણ જરૂર નથી. દરેક વ્યક્તિ વિશિષ્ટ છે. દરેકમાં કોઈ ને કોઈ શક્તિ છે. આ સત્ય જાણી લેવામાં આવે, તો સ્વસ્થ રહેવાશે. આત્મગૌરવ વિનાના રાજા કે નેતા કે પંડિત પણ દયામણા છે. આત્મગૌરવવાળા ફકીર કે ભિખારી પણ વટવાળા છે.

ઈતિહાસ માત્ર વટવાળાને જ યાદ રાખે છે.