ગાંધીજીનું ગદ્ય – રામનારાયણ વિ. પાઠક

[પુનઃપ્રકાશિત]

[dc]સૂ[/dc]ર્ય ઊગે અને એનો પ્રકાશ જેમ ચોમેર ફેલાય, તેમ ગાંધીજીની દષ્ટિ જીવનના એકેએક પ્રશ્ન ઉપર ફરી વળી છે. હિંદના જીવનના એકેએક પ્રદેશમાં એમણે કામ કર્યું છે.

તેઓ જે કાંઈ લખે છે તે પત્રકાર તરીકે; ‘નવજીવન’, ‘હરિજન’ વગેરેના તંત્રી તરીકે. લોકમત અમુક રીતે કેળવવા માટે તેઓ લખે છે, લોકો પાસે અમુક કાર્ય કરાવવા લખે છે. એ ખરું છે કે પત્રકારનાં લખાણો બધાં જ સાહિત્યમાં ન ગણી શકાય. પણ જ્યારે બોલનાર કોઈ પ્રસંગે જીવનના મહાન સિદ્ધાંતો ઉપર બોલે છે ત્યારે એનાં લખાણો ચિરંતન સાહિત્ય બને છે.

અને મહાત્માજીના જીવનમાં આવા પ્રસંગો કેટલા બધા આવ્યા છે ! સૈકાઓથી દલિત થયેલા હરિજનોનો પક્ષ કરતાં તેમણે કહેવાતા સનાતન ધર્મને કેટલી વાર જૂઠો કહ્યો છે ! પરતંત્રની નીચે કચરાઈને નિષ્પ્રાણ થઈ ગયેલા સમાજમાં કેટલી વાર નિર્ભયતા અને ચેતન પૂર્યા છે ! મર્યાદાભંગ કરતા માનવસમુદ્રને કેટલી વાર સંયમમાં રાખ્યો છે. કેટલી વાર તેમણે એક તૃણ જેટલી નમ્રતાથી સમાજ આગળ પોતાની ભૂલો કબૂલી છે ! કેટલી વાર, સ્વજનો પણ સામા પક્ષે ઊભાં હોય ત્યારે, એકલા ઊભા રહી પોતાની વાત તેમણે મક્કમતાથી રજૂ કરી છે ! કદાચ એક જ વ્યક્તિના જીવનમાં આટલા આટલા ઔતિહાસિક પ્રસંગો ભાગ્યે જ આવ્યા હશે ! આવા પ્રસંગોના તેમના ઉદગારો ચિરંતન સાહિત્યમાં સ્થાન પામે, એ સ્વાભાવિક છે.

મહાત્માજી એક પત્રકાર તરીકે લખે છે, છતાં તેમનું અંતરનું સંચાલક બળ ધર્મભાવના છે. તેઓ અમુક પ્રસંગ માટે લખે છે, અને પોતાના જમાનાની વ્યક્તિઓને ઉદ્દેશીને લખે છે; પણ તેમનો ઉદ્દેશ એટલા પ્રસંગ પૂરતું લોકો પાસે અમુક કામ કરાવી લેવાનો નથી, પણ લોકોને વધારે ધાર્મિક બનાવી તેમને કર્તવ્યમાં પ્રેરવાનો છે. તેમનો ધર્મ અમુક પ્રસંગનો નથી, સાર્વકાલિક છે. આ મહાન ઉદ્દેશ એમનાં સર્વ લખાણોમાં પ્રતીત થાય છે.

ગાંધીજીની મૂળ પ્રેરણા ધર્મની છે, પણ બીજા ધર્મોદ્ધારકો અને એમની વચ્ચે એક મોટો ફરક છે. બીજા ધર્મોદ્ધારકો સ્પષ્ટ રીતે કહે છે કે, અમે પરમ સત્યનો સાક્ષાત્કાર કર્યો છે. ગાંધીજી તો ઊલટા કહે છે કે, મને સત્યનો સાક્ષાત્કાર થયો નથી. તેઓ પોતાને માટે કોઈ વિશિષ્ટ પ્રામાણ્યનો દાવો કરતા નથી. પોતાનું વક્તવ્ય બુદ્ધિથી પરીક્ષવાનું તેઓ સૌને કહે છે. બુદ્ધિગ્રાહ્યતા એમના લેખોનું સર્વવ્યાપી લક્ષણ છે. એ જે કાંઈ કહે છે તે બુદ્ધિથી સમજવાના આમંત્રણ સાથે કહે છે. રેંટિયો ઘરઘર થવો જોઈએ, એમ કહેવા સાથે તેઓ હિસાબ કરી બતાવે છે કે રેંટિયાની આવક ગરીબ હિંદીને મળતી મજૂરીમાં ઘણો ઉમેરો છે. તેઓ અહિંસાનો ઉપદેશ આપતાં, અનેક દાખલાથી બતાવે છે કે હિંસાનું ચક્ર એક વાર ચાલવા માંડ્યું, તો તેના દાંતામાંથી સમાજ કોઈ દિવસ મુક્ત થઈ શકવાનો નથી.

મહાત્માજીનું બધું ગદ્ય સર્વ જનતાને ઉદ્દેશીને લખેલું હોય છે. તેમણે કહ્યું છે કે, મને જેનાથી લાભ થયો હોય તે વસ્તુ સર્વ સમજે અને સર્વ તેનો લાભ લે એમ હું ઈચ્છું છું. સર્વ સમજે એવું એમનું લખાણ ન થાય, ત્યાં સુધી તેઓ તેને અપૂર્ણ માને ! આને લીધે તેમની ભાષા, વાક્યરચના, દાખલા-દલીલ સર્વ સાદાં અને સર્વ સમજે એવાં હોય છે. ટૂંકાં વાક્યોના તો તેમને કલાકાર કહી શકાય. પણ સાદી ભાષાનો અર્થ ગૌરવ વિનાની નહીં. તેમની ભાષા વસ્તુના ગૌરવને બરાબર વ્યકત કરે છે. તેને માટે જરૂર હોય તો તેઓ સંસ્કૃત શબ્દો પણ વાપરે છે. તેમજ સાદી એટલે નિર્બળ પણ નહીં. તેમના સંકલ્પનું આખું બળ તેમના ગદ્યમાં વહી આવે છે. અને સાદી ભાષા એટલે અચોક્કસ પણ નહીં. તેઓ શબ્દ જોખી જોખીને મૂકે છે. તેઓ ચોક્કસ ભાષામાં મુદ્દાસર લખે છે. એક શબ્દ પણ વધારે પડતો ન આવી જાય, તેને માટે તેઓ કાળજી રાખે છે. અલબત્ત, એમને એકની એક વાત અનેક વાર કહેવી પડે છે, પણ ક્યાંય એ અતિયુક્તિ કરતા નથી. એમનો ધર્મ કાર્યલક્ષી છે. ધર્મ કાર્યરૂપ લે ત્યારે જ એ સાચો જીવનમાં પેઠો, એમ તેઓ માને છે. દરેક સામાન્ય માણસ કંઈક પણ કાર્ય કરી શકે એવું ધર્મનું સ્વરૂપ એ નિર્મી શકે, ત્યારે જ તેમને સંતોષ થાય છે. એટલા માટે લડતમાં પણ એમણે એવાં શસ્ત્રો યોજ્યાં, જે દરેક માણસ વાપરી શકે. સર્વજનસુલભ હોય તેને જ સાચું સાહિત્ય કહે છે. એમણે સાહિત્યમાં પ્રવેશ કર્યા પછી બધું સાહિત્ય પણ વધારે વસ્તુનિષ્ઠ થયું છે. એ રીતે એમણે પોતાના જમાનાના આખા સમાજજીવનને અને સાહિત્યને સત્ય તરફ ઝોક આપ્યો છે. ઈતિહાસકારો તેમને યુગપુરુષ કહે છે, તે યથાર્થ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “ગાંધીજીનું ગદ્ય – રામનારાયણ વિ. પાઠક”

Copy Protected by Chetan's WP-Copyprotect.