મારો કેડો ક્યારે છોડશો ? – વિનોદિની નીલકંઠ

[ પુનઃપ્રકાશિત. શ્રી સુકુમાર પરીખ દ્વારા સંપાદિત ‘વિનોદિની નીલકંઠના નિબંધો’માંથી સાભાર.]

[dc]હ[/dc]શે તો સ્વપ્નું જ પણ હું જાણે જાગૃતાવસ્થામાં જ તેને જોઈ રહી છું, એવો મને ભાસ થયો. મારા ઘરના અભ્યાસખંડમાં બેઠી-બેઠી લખી રહી હતી ત્યાં તેણે પ્રવેશ કર્યો. આશ્ચર્યથી હું તેને જોઈ રહી. અગાઉ હું કદી તેને મળેલી ન હતી. હતો તો તે સાવ અજાણ્યો, છતાં તે કેમ જાણે ચિરપરિચિત લાગતો હતો ? અને તેના ચહેરા ઉપર કેવી કરુણાજનક ગ્લાનિ પથરાયેલી હતી ! તેનો ચહેરો નહિ, પણ તેની ઉપરનો ભાવ મને પરિચિત લાગ્યો. તેનો પોષાક જરા વિચિત્ર હતો. ઘણાં વર્ષોથી આ પ્રકારનો પહેરવેશ ગુજરાતી જુવાનિયાઓએ તજી દીધો છે. આગન્તુક હતો તો નવજુવાન, છતાં તેનો વેશ બહુ જુનવાણી ઢબનો હતો. વાળ ઓળવાની રીત ગયા જમાનાની જણાતી હતી. એટલું જ નહિ, પણ વાળ કપાવવાની પણ આ ઢબ હવે ગુજરાતમાં જવલ્લે જ જોવા મળે એવી હતી. મને મનમાં વિચાર આવ્યો – ક્યાંક જોયેલો છે, પણ યાદ નથી આવતું કે ક્યાં જોયો હતો. ઊગમણી દિશાની બારી પાસે એક ખુરશી હતી. તે બતાવી મેં તેને કહ્યું : ‘આવો, બેસોને ! કેમ ઊભા રહ્યા છો ?’

ખુરશી ઉપર બેસવાને જાણે તે ટેવાયેલો ન હોય, એ રીતે તે તેની આગલી કોર ઉપર ઉભડક બેઠો. મેં સ્વગત ઉચ્ચારણ કરતાં કહ્યું : ‘છે તો કોઈ બાઘા જેવો.’ પણ તેની તરફ સમભાવ દર્શાવી મેં પૂછ્યું : ‘બોલો ભાઈ, કેમ આવવું થયું ?’ બોલતાં તેની જીભ જાણે ઊપડતી ન હતી. શરમથી તેને મુખે શેરડા પડી ગયા હતા. મને કરુણા ઊપજી. માનવીને માનવી સાથે બોલતાં આટલો સંકોચ થાય, એ કેવી બેહુદી ઘટના કહેવાય ? તેનો સંકોચ દૂર કરવા હું બોલી :
‘તમને ક્યાંક દીઠેલા છે. પણ ક્યાં તે યાદ નથી આવતું. અગાઉ આપણે કદી એકબીજાને મળ્યાં છીએ ખરાં ?’
હજી ડઘાયેલ સ્વરે જ તે બોલ્યો : ‘હા અને ના, આમ સીધી રીતે તો તમે મને નથી મળ્યાં, પણ મારા નામથી તમે મને સારી રીતે પીછાનો છો.’ એટલે સ્વાભાવિક રીતે મેં તરત તેનું નામ પૂછ્યું. ત્યારે તે બોલ્યો, ‘મારું નામ તો હીરાલાલ છે, પણ તે નામે કદાચ તમે ન ઓળખી શકો. હીરો નામ કહું તો વખતે તમને ઓળખાણ પડે ખરું ?’

મનમાં ને મનમાં મેં ઝપાટાબંધ હીરાલાલ કે હીરો નામના ઓળખીતા સંભારવા માંડ્યા – નિશાળમાં ભણતાં ત્યારે એક હીરો નામે પટાવાળો અમારી શાળામાં હતો, હીરાલાલ નામે એક શિક્ષક પણ હતા. પિતાજીને બંગલે હીરો નામે પગી હતો. મોસાળમાં એક પશી નામે રસોઈયણ હતી, તેનો પેલો છોકરો ઘર છોડીને ભાગી નીકળેલો અને પછી પકડાઈ ગયેલો, તેનું નામ પણ હીરો જ હતું ને ? પેલી જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થાના લોકપ્રિય મંત્રી હીરાલાલ, યુવક સંઘના સહકાર્યકર હીરાલાલ, ડૉક્ટર હીરાલાલ, વકીલ હીરાલાલ, અમારા ખાસ મિત્ર હીરાભાઈ વળી, પેલા અવેતન રંગભૂમિ ઉપર મશહૂર બનેલા અમારા સ્નેહી પણ હીરાલાલ, જમીનની દલાલી કરતા પેલા હીરાલાલ, પેલા દવાની દુકાનવાળા હીરાલાલ, એક વાર અમારી મોટરના ડ્રાઈવર તરીકે રહેલો એ પણ હતો હીરાલાલ, એક હીરાલાલ નામે ચિત્રકારને પણ ઓળખું છું. સંગીતશિક્ષક પણ હીરાલાલ નામે છે. હીરો નામે એક માળી પણ છે. અહોહો ! મારા સ્મૃતિપટ ઉપર એક પછી એક કાંઈ હીરાલાલો ઊભરાવા લાગ્યા ! અત્યાર સુધી હું એમ માનતી કે અમારા પરિચયમાં આવેલા લોકોમાં સૌથી વધુ સંખ્યા કાન્તિલાલ નામના માણસોની હશે – પણ આ હીરાલાલે તો આડો આંક વાળી નાખ્યો !

વર્ષો પૂર્વે દાર્જીલિંગ ગયાં, ત્યાં એક હીરાલાલ નહોતા મળ્યા શું ? એક વાર અવેજીમાં રસોઈ કરી ગયેલા, ગોળ ખાવાના ખૂબ શોખીન હીરા મહારાજ મને સાંભર્યા. અમદાવાદમાં બે-ત્રણ ઉદ્યોગપતિઓ પણ એ નામ ધારણ કરે છે ને ? પેલા વીમાવાળા હીરાભાઈ યાદ આવ્યા, મારી એક બહેનપણીના પતિનું નામ પણ હીરાલાલ છે, રેલવેમાં નોકરી કરતા એક હીરાલાલ યાદ આવી ગયા, દૂધવાળા રબારીના છોકરાનું નામ પણ હીરો હતો, ડુમ્મસ ગયાં ત્યારે વાડીવાળીનો છોકરો પણ હીરો નામે હતો, તે યાદ આવ્યો. અમારી દળણાવાળીના દીકરાનું નામ પણ હીરો છે – આ શું અજાયબ વાત કહેવાય ! હીરાલાલ નામ ગુજરાતમાં આટલું બધું લોકપ્રિયતા પામેલું છે, એવું મેં કદી કલ્પ્યું ન હતું. શું કર્ક રાશિમાં વધારે છોકરા જન્મતા હશે ? કવિ કલાપીએ શું આ નામ વિષે તો ન ગાયું હોય કે –

‘જ્યાં જ્યાં નજર મારી ઠરે
યાદી ભરી ત્યાં આપની !?’

અને છતાં ખરી ખૂબી તો જુઓ કે આટઆટલા હીરા અને હીરાલાલ સંભાર્યા છતાં મારી સન્મુખ બેઠેલો કિશોર તે સર્વમાંનો એકે હીરાલાલ કે હીરો ન હતો ! મને થયું આ તો ‘નહિ ત્રણમાં, નહિ તેરમાં, નહિ છપ્પનના મેળમાં’ જેવો ઘાટ થયો છે.

ઉપરના ફકરા લખતાં જેટલી વાર થઈ, તેટલી કાંઈ તે વિચારને ગતિ કરતાં વાર લાગી ન હતી. સર્વ હીરાલાલોની નામાવલિ તથા તે નામ ધારણ કરનાર વ્યક્તિઓની તસ્વીરો બહુ ઝપાટાબંધ મારા માનસપટ ઉપરથી પસાર થઈ ગઈ હશે. તેટલીવાર મારા મુખ તરફ સ્થિર દષ્ટિ રાખીને જાણે વિચારશૂન્ય દશામાં તે હીરાલાલ ઊર્ફે હીરો બેઠો રહ્યો હતો, છેવટે મેં લાચારી દર્શાવતાં કહ્યું, ‘માફ કરજે ભાઈ ! પણ મેં તને ન જ ઓળખ્યો. વારુ ક્યાં રહો છો ?’
તે બોલ્યો : ‘ઘોઘા બંદરની પાસે રહેતો હતો, પણ હું તો જન્મ્યો, જીવ્યો અને મરી પણ પરવાર્યો છું. પણ મારા જીવની સદગતિ થઈ નથી. આજ કાંઈ વર્ષો થયાં, ભૂત બનીને હું ગુજરાતની ભૂમિ ઉપર ભમું છું. મારો કેડો તમે છોડશો, ત્યારે મારી મુક્તિ થશે. તે માટે તમને વિનંતી કરવા હું આવ્યો છું કે હવે તો મારો કેડો છોડી દો.’

હું ખરેખર ખૂબ જ તાજુબ બની અને સ્વગતોક્તિ કરતાં હું બબડી : ‘ખરેખરો કોઈ ગળેપડુ પ્રેતાત્મા લાગે છે ! કે પછી ભૂલો ન પડ્યો હોય !’ તેને સંબોધીને મેં કહ્યું, ‘હીરાભાઈ, તમારી કાંઈ ગલતી થતી હોય એમ લાગે છે. હું તમારો કેડો છોડતી નથી, એમ તમે કહી રહ્યા છો, પણ હું તો તમને ઓળખતી પણ નથી.’
‘તે જ મોંકાણ છે ને ? મારાં વહાલાં કોઈ મને ઓળખતાં નથી, છતાં મારી છાલ છોડતાં નથી.’
મેં કહ્યું : ‘કૃપા કરીને તમારો પૂરો પરિચય કરાવશો હીરાભાઈ ?’
તેણે કહ્યું : ‘જરૂર. બહુ-બહુ વર્ષો પૂર્વેની-એકાદ સૈકા પહેલાંની આ વાત છે. એક વાર રાત્રે મારા બાપા વાત કરી રહ્યા હતા કે સવારે હીરાને ઘોઘે મોકલવો છે. હું બાજુના ખંડમાં સૂતેલો અને મેં આ વાત સાંભળી. હું આમ જરા ભોટ જેવો ગણાતો તેથી મને થયું કે લાવ હોશિયારી બતાવીને સૌને દિંગ કરી દઉં. તેથી સૌ સૂઈ ગયા, પછી હું પથારી છોડી ઊભો થયો. અને રાતોરાત ઘોઘા ગયો. અમારા ગામથી ઝાઝું વેગળું તો નહિ, છતાં ખાસ્સી અર્ધી રાત ચાલ્યો, ત્યારે ઘોઘા પહોંચ્યો. ગામના દરવાજા બંધ હતા. તેથી દરવાજાની ડેલીને હાથ અડાડીને હું પાછો ઊભે શ્વાસે ઘેર ગયો. છેક મળસ્કું થવા આવ્યું ત્યારે ઘર ભેગો થઈ ગયો. કોઈને ખબર ન પડે, એ રીતે મારી પથારીમાં જઈને સૂઈ ગયો.

સવારે ઊઠીને બાપા કહેવા લાગ્યા : ‘બેટા હીરા, આજે તારે ઘોઘે જવું પડશે.’
હું ઉત્સાહપૂર્વક બોલી ઊઠ્યો, ‘બાપા, હું તો રાતે ઘોઘે જઈ આવ્યો !’
બાપા ખૂબ નવાઈ પામ્યા અને તેમણે તો બધી વાત પૂછી. મેં હોંશભેર રાતનું પરાક્રમ કહી સંભળાવ્યું. શાબાશીની અપેક્ષા રાખી હું બાપા તરફ જોઈ રહ્યો. પણ બાપા તો કપાળ કૂટીને બોલી ઊઠ્યા : ‘લ્યો ! આ હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલીએ હાથ દઈ આવ્યો !’
‘તમને મળીને હું બહુ જ ખુશ થઈ છું. ગુજરાતના સામાજિક ઈતિહાસમાં, ખાસ કરીને કહેવતક્ષેત્રમાં તો તમે અમર બની ગયા છો. પણ બોલો, તમે મારી પાસે કેમ આવ્યા છો ?’ મેં ઉમળકાભેર પૂછ્યું.
ઓશિયાળું મોઢું કરીને હીરો કહેવા લાગ્યો : ‘હું વિનંતી કરવા આવ્યો છું કે હવે ખમ્મૈયા કરી જાવ. ક્યાં સુધી મારો પીછો પકડી રાખશો ? મારી મૂર્ખામી શું એટલી હદ વગરની હતી કે સો વર્ષ થયાં, છતાં તમે સૌ ગુજરાતીઓ મને ભૂલતા નથી ? મારા આત્માની શાંતિ ખાતર હવે મને જતો કરો.’ હીરાની વાત સાંભળી મારું દિલ દ્રવી ઊઠ્યું. અરેરે ! સાવ અજાણતાં બિચારા આ એક અબુધ કિશોરને આપણે કેટલો અન્યાય કરી બેઠા છીએ ? પેઢી-દર-પેઢી હીરાની આ વાત અને તેની કહેવત આપણે વારસામાં લેતાં અને આપતાં જ આવીએ છીએ.

વળી, મને એક નવો જ વિચાર આવ્યો કે તે જમાનામાં તો એકલો હીરો જ કદાચ એ રીતે ઘોઘે જઈ, ડેલીએ હાથ દઈને પાછો આવ્યો હશે, પણ ચાલુ જમાનામાં તો કેટકેટલાએ આવા હીરાઓ દૂર-દૂર દેશાવર જઈ, ડેલીએ હાથ દઈ-દઈને પાછા વળે છે ! ઉપરાંત આ હીરાએ તો બાપડાએ કોઈને કશું નુકશાન નહોતું કર્યું. પોતાની નીંદરનો ભોગ આપ્યો, અને પોતાના ટાંટિયા થકવી નાખ્યા, પણ આધુનિક જમાનાના હીરાઓ (રાજકારણીઓ) તો આપણા ગરીબ દેશની ટૂંકી પુંજીમાંથી નાણાં લઈને વિદેશની ડેલીએ હાથ દઈને પાછા આવે છે. તેમનું તો કોઈ નામ પણ લેતું નથી ! કેટકેટલાં કમીશનો અને કેટલાં બધાં ડેલીગેશનો !
મેં હીરાને કહ્યું, ‘તારી વાત ખરી છે, ભાઈ હીરા ! તું ધારે છે અને સમજે છે, તે કરતાં પણ તારી વાતમાં ઘણું વધારે તથ્ય છે.’ હીરો ખુશી થયેલો જણાયો અને તે બોલી ઊઠ્યો :
‘ત્યારે તમે હવે મારા આત્માની સદગતિ કરાવશો ને ?’
મેં કહ્યું : ‘મારાથી બને તો હું જરૂર એમ કરું, પણ ગુજરાતમાં જડમૂળ ઘાલીને પેસી ગયેલી આ કહેવત રદ કરવાનું મારું શું ગજું ? મારી પાસે શી સત્તા છે ?’
મારી કલમ ભણી નિર્દેશ કરીને હીરો કહેવા લાગ્યો : ‘તમે કલમને ગોદે મારી વકીલાત નહિ કરો ? કાંઈ-કાંઈ તમારાં લેખક-મિલનો અને સાહિત્ય પરિષદો ગોઠવાય છે અને તેમાં ચર્ચા થાય છે, ઠરાવ થાય છે, તેમાં મને ન્યાય ન અપાવો ?’

હીરાને કોઈ પણ પ્રકારનું વચન આપું તે પહેલાં વહેલી પરોઢનો કૂકડો બોલ્યો. હીરાની ખુરશી ખાલી થઈ ગઈ. જાગીને જોઉં છું તો, તે ન દેખાયો. મારી કલમ હાથમાંથી સરીને ટેબલ ઉપર પડી ગઈ હતી. કૃષ્ણપક્ષનો ચંદ્રમા મારી પૂર્વાભિમુખ બારીમાંથી આસોપાલવનાં પાંદડાંનાં દળમાંથી ડોકિયું કરીને હસતો-હસતો મારા અભ્યાસખંડમાં સ્મિત-કિરણો વેરી રહ્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “મારો કેડો ક્યારે છોડશો ? – વિનોદિની નીલકંઠ”

Copy Protected by Chetan's WP-Copyprotect.