- ReadGujarati.com - http://www.readgujarati.com -

દિશાઓ શોધવી પડે છે – રવીન્દ્ર ઠાકોર

[‘ભાત ભાત કે લોગ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાને અંતે આપવામાં આવી છે.]

[dc]ક્યા[/dc]રેય તૃષાએ કલ્પ્યું નહોતું કે આ ઉંમરે અને આ રીતે અચાનક એનું સૌભાગ્ય ઝૂંટવાઈ જશે. ઈશ્વર એના નસીબ સાથે આવી ક્રૂર રમત રમશે એવી તો સ્વપ્નેય કલ્પના નહોતી. હજુ એની ઉંમર ક્યાં વહી ગઈ હતી ? વય તો જોબનને હિલોળે ઝૂલતી હતી. ત્રીસીની ઉંબરેય આયખાએ પગલાં નહોતાં માડ્યાં અને પાવન અને એની વચ્ચે વયનો ભેદ હતો માત્ર સાત વર્ષનો. પાવનની જિંદગી ત્રીસીમાં જ રમતી હતી એટલે જિંદગીની વસંત પર પાનખર ઊતરી આવે તેવી તે કલ્પના બેમાંથી કોને હોય ? હજી તો બંનેની આંખોમાં રતૂમડાં શમણાંનો કેફ હતો. એકની એક લાડલી દીકરી ખુશાલીના જીવનને ખુશીથી ભરી ભરી દેવાની હોંશ હતી.

ખુશાલીને પાંચ વર્ષ થયાં હતાં અને પાવને તૃષાને કહ્યું ખરું :
‘હવે જો આપણને બીજું એક સંતાન….’
‘ના, મારે નથી જોઈતું બીજું બાળક.’
‘કેમ, પ્લાનિંગમાં માને છે ?’ પાવન મશ્કરીય કરતો.
‘આ એક ખુશાલીને સુખી જિંદગી આપવી છે. આપણે તો મધ્યમ વર્ગનાં. આપણે કશું પામ્યાં, કશું ન પામ્યાં તેની ગણતરી કરવી નથી. પણ આપણે જે વેઠ્યું છે તે ખુશાલીને નથી વેઠવા દેવું.’
‘પણ દીકરી છે. કાલે ઊઠીને પારકે ઘેર ચાલી જશે.’
‘દીકરી કે દીકરામાં આજે શો ભેદ ? ગમે તેવું તોય આપણું લોહી.’ અને ખુશાલીની ખુશીનાં સપનાંમાં, આવતી કાલને મઢવાના ઓરતામાં બંનેની જિંદગી વહેતી હતી.

પાવન બેંકમાં નોકરી કરતો, તૃષા મૅટ્રિકથી આગળ ગઈ નહોતી. એના કુટુંબની પરિસ્થિતિ એવી નહોતી કે એ આગળ અભ્યાસ કરી શકે અને એટલે જ એ વારંવાર ખુશાલીને વધુ કેળવણી આપવાનાં – ડૉક્ટર બનાવવાનાં સપનાં સેવતી અને ઘરમાં જતન કરતી, પાવનનાં જતન કરતી, ખુશાલીનાં જતન કરતી. પાવન ક્યારેક મશ્કરીય કરતો :
‘આ ઘર તને કોટે વળગ્યું છે.’
‘વર બહાર હોય ત્યારે ઘર જ કોટે વળગે ને ? પણ આ ઘર કોટે નથી વળગ્યું. આપણું ઘર થશે ને ત્યારે કોટે વળગીને જ ફરીશ.’ પાવનને પ્રમોશન મળ્યું ત્યારે એણે એ જ વાત કરી, ‘આ કોક નવી સ્કીમમાં જોડાઈ જાને.’ અને પાવન એના વેણને પાછું ન ઠેલી શક્યો. એક રાતે બંનેએ આવક-જાવકની ગણતરી કરી લીધી. પછી પાવને એક સ્કીમમાં ઝંપલાવ્યું અને બાર મહિનામાં તો બંગલો થઈ ગયો. વાસ્તુ થયું. પાવન કુટુંબ સહિત રહેવા આવ્યો. તે રાતે તૃષા પાવનને કોટે વળગી પડી.
‘તું તો ઘરની કોટે વળગી રહેવાની હતી ને ?’
‘તેનેય હું વળગી રહીશ પણ આજે તેં મારું સપનું સાકાર કર્યું છે.’ અને સુખચેનના દિવસો બસર થતા હતા. કુટુંબનો કિલ્લોલ રમતો હતો. સંસારનું સુખ ઊતરી આવ્યું હતું. પણ કોણ જાણે કેમ ક્યાંથી કોકની નજર લાગી ગઈ તે…..

પાવનની ટ્રાન્સફર પાસેના જ ગામમાં થઈ હતી. તે અપડાઉન કરતો. ક્યારેક મોડું થતું તો તૃષા ચિંતા કરતી. પાવન એની ચિંતાને હસી કાઢતો. એક રાતે પાવન મોડો આવ્યો. તૃષાએ પાવનનો ઊધડો લેતાં કહ્યું :
‘અમારો તો ખ્યાલ કર. અમને કેટલી ચિંતા….’
‘અરે ! એમ હું કૈં મરી જવાનો નથી. હજી તો જુવાનજોધ છું, હટ્ટોકટ્ટો !’
બીજે દિવસે સવારે ચા પીતાં પીતાં જ પાવને કહ્યું : ‘મારી છાતીમાં દુઃખે છે. વિક્સ આપ ને.’
‘ડૉક્ટરને બોલાવું ?’
‘ના રે, મટી જશે. બૅંકમાં મોડો જઈશ.’ તૃષા વિક્સ ઘસતી રહી. પાવન આંખ મીંચીને સૂતો હતો. પાવને કહ્યું : ‘તાવ ભરાશે કદાચ…. સરસ ચા બનાવ અને સાથે મેટાસીન આપ.’ તૃષા ચા બનાવીને લાવી. પાવનની આંખો બંધ હતી. એણે પાવનને બૂમ પાડી. આંખો ન ખૂલી. એણે તેને ઢંઢોળ્યો. શરીર ઠંડું પડી ગયું હતું. તૃષાએ ડૉક્ટરને ફોન કર્યો. સ્વજનોને બોલાવી લીધાં. ડૉક્ટરે તપાસીને કહ્યું : ‘હી ઈઝ નો મોર. ઈટ વોઝ એ માસિવ એટેક.’ અને તૃષાના કલ્પાંતે ઈમારત હચમચાવી નાખી. ક્યારેય એણે આવું કલ્પ્યું જ નહોતું.

દિવસો વહી ગયા. તૃષાને એક જ ચિંતા સતાવતી હતી. એણે અને પાવને સપનાં સેવ્યાં હતાં આ બંગલાને સજવાનાં, ખુશાલીની ખુશીનાં. તે સપનાં ખંડેર તો નહિ બને ને ? ખુશાલી નાની હતી અને આજ સુધી એણે નોકરી કરી નહોતી અને નોકરીને યોગ્ય ડિગ્રી નહોતી. વ્યવહારડાહ્યા જગતે શીખ આપી બંગલો વેચવાની. પૈસાય સારા ઊપજશે અને ફિક્સડના વ્યાજમાંથી ઘર ચાલશે. એ મૂંગી રહેતી. પણ એક દિવસ એનાથી ન રહેવાયું. ઠાલાં આશ્વાસનો અને ઠાલી શિખામણોથી એ વાજ આવી ગઈ. એની એ જ વાત થતી હતી અને એણે કહી દીધું, ‘આ બંગલો હું વેચવાની નથી. અમારા બંનેનું તે સ્વપ્ન છે. હું સપનાનાં ખંડેર નહીં થવા દઉં.’ વળી તે બોલી, ‘મારો સંસાર છે ને તે હું નિભાવીશ. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. હું કોઈની પાસે મારો હાથ નહીં લંબાવું.’ સૌ મૂંગામંતર થઈ ગયાં. પાવનના અવસાનને મહિનો વીત્યો અને એણે કે.જી. અને સિનિયર કે.જી.નાં ટ્યૂશન્સ આરંભી દીધાં. કોઈ કહેતું :
‘આટલો સમય જ શોક ?’
‘તમને થાય તેના કરતાં મને વધારે શોક થાય. મારો તો જિંદગીનો સહારો ગયો. મારું તો એક અંગ ખોટકાઈ ગયું. પણ તેથી કૈં જિંદગીથી હારી જવાય ?’

પછી તો બંગલાના એક ભાગમાં બહારથી ભણવા આવતી વિદ્યાર્થિનીઓને એણે નિવાસ આપ્યો. તેમને એ જમાડતી તેથી આવક પણ વધી. એનાં મીઠા વેણ, માયાળુ સ્વભાવ સહુને આકર્ષતાં અને ઝાઝી વિદ્યાર્થિનીઓ રહેવા લાગી. હવે આવકની કે કશીય ચિંતા નહોતી. ખુશાલી માટે એણે અને પાવને સંઘરેલાં સપનાંનાં એ જતન પણ કરતી. લોકો મોંમાં આંગળાં નાખી ગયાં, કોક ક્યારેક કહેતું, ‘એક સ્ત્રી થઈને આવા પડકારને તું જ તૃષા….’
‘સ્ત્રી કે પુરુષ ! મનુષ્ય સહુને પડકારો ઝીલવાના આવે છે. દિશાઓ બંધ થતી જ નથી. દિશાઓ શોધવી પડે છે.’ તૃષાનો ઉત્તર હતો.

[કુલ પાન : 215. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]