રાજેન્દ્ર શાહ : ધ્વનિ શાંત કોલાહલનો – કૈવલ્ય શાહ

[ નિર્ગ્રંથ અને નિર્પંથ એવા સાધક-કવિ રાજેન્દ્ર શાહનું આ શતાબ્દી વર્ષ. આનંદસાગરમાં એમની નૌકા તા. 2-1-2010ના રોજ સામે કિનારે પહોંચી ત્યારે એમના જ શબ્દોમાં એ આપણા સૌમાં વિલસી રહ્યા અને આ શતાબ્દીવર્ષના આરંભે પણ તેઓ જાણે કહે છે : હું જ રહું અવશેષે. એમને સ્મૃતિવંદના. ‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી-2013માંથી સાભાર.]

[dc]રા[/dc]જેન્દ્ર શાહ અમારા પિતા, ઘરમાં બધાં ભાઈબહેન એમને ‘મમ્મા’ કહેતાં, જ્યારે અમારી માતાને અમે ‘જી અથવા જીજી’ કહી સંબોધતાં. અમારી માતા મંજુલા, બે ભાઈ અને પાંચ બહેનોમાં સૌથી મોટી અને આગ્રામાં ઉછેર, એટલે ઘરમાં બધાં જીજી કહે, ત્યારથી એનું હુલામણું નામ ‘જીજી’ પડી ગયેલું. કવિ રાજેન્દ્ર શાહને પુત્ર, પતિ, પિતા અને દાદા-નાનાના પરિપેક્ષમાં જોઈએ તો જ એમને ખરા અર્થમાં પામી શકીએ.

રાજેન્દ્રનું બાળપણ કપડવંજમાં વિત્યું. પિતા કેશવલાલને ત્રણ વર્ષની કુમળીવયે ગુમાવનાર રાજેન્દ્રનું ઘડતર માતા લલિતાબાના શિરે આવ્યું. પુત્રને સારાનરસાની સમજ, નીડરતા, દેશપ્રેમ, સચ્ચાઈના પાઠ, બાળક રાજેન્દ્રને લલિતાબાએ શીખવ્યાં. શિક્ષણ અને અધ્યાત્મની સમજ આપી. લલિતાબા ક્યારેય મંદિર ન જતાં પણ સવારે ચાર વાગ્યે ઊઠી નિત્યકર્મ પતાવી, ધ્યાન ધરતાં અને સ્વરચિત પ્રભુભજન મનમાં ને મનમાં ગણગણતાં. લલિતાબાને ભક્તિમાં લીન થઈ આંખો મીંચી ભજન ગાતાં ગાતાં અશ્રુ વહાવતાં અમે જોયાં છે. સંસ્કાર, સહજતા, એકાંતપ્રેમ અને અધ્યાત્મનાં બીજ બાળ રાજેન્દ્રમાં આમ રોપાયાં.

સ્વતંત્રતાની લડાઈમાં એકના એક દીકરા રાજેન્દ્રને મોકલતાં લલિતાબાનું હૃદય ડગ્યું તો નહીં, પણ સ્વયં કાંટેલાં વસ્ત્રો જ પહેરવાં એવા નિયમ સાથે અખંડ ખાદીધારી લલિતાબાએ પોતે પણ સ્વાતંત્ર્યની લડાઈમાં જોડાઈ દીકરાને પ્રોત્સાહિત કર્યો. બાળ રાજેન્દ્ર અને કિશોર રાજેન્દ્રનું પાયાનું ઘડતર કરનાર લલિતાબાને જીવનભર માંદગી તો દૂર, એક છીંક પણ આવી હોય એવું ક્યારેય અમે જોયું નથી. રાજેન્દ્ર શાહને જ્યારે મહારાષ્ટ્ર રાજ્યનો પુરસ્કાર મળેલો ત્યારે, પુત્રને મળેલાં માનથી ફૂલીને ફાળકો થવાને બદલે, લલિતાબાનો કપડવંજથી મુંબઈ પોસ્ટકાર્ડ આવ્યો હતો – ‘આ તો હજી પાસેરામાં પહેલી પૂણી છે.’ નીતિ અને નિયમના આગ્રહી લલિતાબા વાંચન અને લેખનનાં પણ શોખીન હતાં, એ વાત કપડવંજના રહેવાસીઓથી છાની નથી. કપડવંજની લાઈબ્રેરી તરફથી યોજાતી નિબંધસ્પર્ધામાં લલિતાબા ભાગ લેતાં અને પ્રથમ પણ આવતાં. સારું વાંચન અને સંસ્કારની ગળથૂથી પીને ઉછરેલાં રાજેન્દ્રમાં ચિંતન અને મનનનું સિંચન થયું તથા ઘરમાં મા અને દીકરો એકલાં જ એટલે એકાંતપ્રિયતા સંજોગોએ આપી.

રાજેન્દ્રનાં લગ્ન આગ્રાના જમીનદારની પુત્રી મંજુલા સાથે 1931માં થયાં. લગ્ન પછી પણ રાજેન્દ્રનું ભણતર ચાલું રહ્યું અને એ ફિલોસોફી સાથે સ્નાતક થયા. સ્ત્રીશક્તિ પુરુષો કરતાં અનેકગણી વધારે છે એવું કહેતા અને માનતા રાજેન્દ્રને એવું વિચારતાં અને અનુભવતા મારી માતાએ જ કર્યા. કાર્યકુશળ માતાએ ઘરની બધી જ જવાબદારી બાળઉછેર, ઘરસંસાર, વટવ્યવહાર, બાળકોનું ભણતર અને પતિની ખરા અર્થમાં અર્ધાંગિની બની, સર્વોચ્ચ સેવા પાછળ પોતાનું સર્વસ્વ ધરી દીધું, ત્યારે જ ભૂલેશ્વર જેવા ઘોંઘાટમાં પણ પહાડી કંદરાની શાંતિનો અનુભવ રાજેન્દ્ર પ્રાપ્ત કરી શક્યા અને ‘શાંત કોલાહલ’ શક્ય બન્યું. આગ્રાના આલિશાન મકાનમાં રહેનાર મંજુલાને ભૂલેશ્વરની બે રૂમ ક્યારેય નાની લાગી નથી. સ્ત્રી જ્યારે શક્તિ અને પ્રેરણા બની રહે છે ત્યારે જ નવપલ્લવિત થાય છે હૃદયધરા. સદાય હસતો-હસાવતો ચહેરો, કપરાં સંજોગોમાં પણ ધીરજ અને ખંતથી કુનેહપૂર્વક સ્વાભિમાન સાથે રસ્તો કાઢી શકે એ મંજુલા. રાજેન્દ્ર ‘રાજેન્દ્ર શાહ’ બની શકયાં એની પાછળનું પરિબળ એટલે મંજુલા, અમારાં બધાંની ‘જીજી’.

મમતાનું પ્રિય પ્રવાસસ્થળ એટલે નર્મદા કિનારો કે એવું જ કોઈક શાંત એકાંત સ્થળ. પ્રવાસમાં, હંમેશાં સાથે ને સાથે હોય ‘જીજી’. પ્રકૃતિપ્રેમ સાથે એનું સૌંદર્ય માણવાનો અનેરો અવસર એમને આનંદની અનુભૂતિ કરાવતો. બુલંદ અવાજના સ્વામી મમ્માને ક્યારેય બાળકો સાથે ઊંચા અવાજે બોલવાની જરૂર પડી નથી. મમ્મા કવિતા રચાઈ જાય પછી એનું પઠન જીજી પાસે કરતા અને કવિતાનો અર્થ, એના મર્મની પણ ઝીણવટભરી ચર્ચા કરતા. રાત્રે જમ્યા પછી ક્યારેક ‘રમી’ તો ક્યારેક ‘બ્રીજ’ જેવી રમત રમતાં જીજી-મમ્માને અમે જોયાં છે. સુખી સંસારની લહેરખી આખા ઘરને મહેક અને તાજગી બક્ષતી અમે અનુભવી છે. એકાંતપ્રિય મમ્માને ભૂલેશ્વરના ચોથે માળે એકાંત અને આકાશ દર્શનનો લહાવો મળી રહે એટલે જ બન્ને બાજુનાં મકાન કદાચ ત્રણ ત્રણ માળનાં રહ્યાં હશે. અમે કોઈ જ ભાઈબહેન મમ્માની હાજરીમાં મમ્માની રૂમમાં ન હોઈએ, આ વણલખ્યો જાણે નિયમ બની ગયેલો. મમ્માની નાની રૂમની સફાઈ અને સજાવટ કોઈને પણ અદેખાઈ આવે એવી રહેતી. બાળકો સાથે સિનેમા, નાટક, રેસ્ટોરાં કે ફરવા જવાનું મમ્માને ક્યારેય પસંદ નહોતું અને પોતે પણ આ બધી પળોજણથી દૂર જ રહેતા.

‘સ્વજનનાં વખાણ સ્વમુખે ન થાય’ એ તો અનુભવવાની ચીજ છે, મમ્માની આંખોની ચમક અને એમનો પુલકિત ચહેરો જ અમારા માટે વખાણની ગરજ સારતો, એની અનુભૂતિ કરાવતો. પોતાનાં બાળકો સાથે રમતા મમ્માને અમે ક્યારેય નથી જોયા પણ દાદાજી અને નાનાજી બન્યા પછી એમનું બાળપણ પાછું ગેલ કરવા લાગેલું. અમે એમનાં બાળકો છતાં એમની સાથે વાત કરતાં કે કાંઈ પણ પૃચ્છા કરવી હોય તો ક્ષોભ અનુભવતાં, જ્યારે અમારાં બાળકોએ એમનો પ્યાર ભરપૂર માણ્યો છે, પછી એ સમયે દાદાજી કે નાનાજી મુંબઈ, અમદાવાદ, કપડવંજમાં હોય કે અમેરિકાની મુલાકાત લીધી હોય.

‘આવાગમનની યંત્રણા પર કોઈનું નિયંત્રણ નથી હોતું.’ એવું કહેતાં મમ્માને પણ જીજીના સ્વર્ગવાસ પછી જે વિરહ વેદના થઈ હતી એ એમની આંખોમાં અને એમના મૌનમાં અમે જોઈ હતી અને એ વેદનાને જ્યારે વાચા મળી ત્યારે કાવ્યાત્મક કૃતિની રચના થઈ ‘વિરહ માધુરી’. આનંદની યાત્રાએ નીકળેલા યાત્રીએ (મમ્માએ) વિરામ લીધો છે, નવા જોમ અને નવી વિચારસરણી સાથે એ યાત્રી ફરી આવશે એવી ખાતરી આપીને જ એમણે વિદાય લીધી છે, માટે જ એમની પાછળ કોઈ શોકસભા કે પ્રાર્થનાસભા ન કરવી એવી તાકીદ પણ મમ્મા કરતાં ગયેલા.

બીજ વૃક્ષ ફૂલ ફળ અને ફળમાં ફરી બીજ
આત્માના અમરત્વની કેટલી ઉમદા રીત !!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

Copy Protected by Chetan's WP-Copyprotect.