છૂટાછેડાની ઉજવણી – નિરંજન ત્રિવેદી

[ ‘ગુજરાત’ સામયિક ‘દીપોત્સવી અંક’-2012માંથી સાભાર.]

[dc]છૂ[/dc]ટાછેડાની કંકોત્રી ન હોય.
બસ થઈ જાય.
લગ્નની કંકોત્રી હોય છે. સમાજને જણાવવાનું હોય છે કે અમે લગ્ન કર્યાં છે. પણ છૂટાછેડાની જાહેરાત લગ્નની જેમ નથી થતી. પણ જાપાનમાં એક છૂટાછેડાવાળા યુગલે કંકોત્રી છપાવી. આમ તો જાપાન રૂઢિચુસ્ત દેશ ગણાય છે. ત્યાં આપણી જેમ લગ્ન, જનમ-જનમ કે ફેરે જેવું ગણાય છે. પણ હવે ત્યાં પણ નવો પવન વાયો છે. લગ્ન તો શાનથી કરે, છૂટાછેડા પણ શાનથી !

આપણા સમાજમાં પણ બદલાવ દેખાવા માંડ્યો છે. હવે છૂટાછેડા કોઈ અજાણ્યો શબ્દ કે ઘટના નથી. આજથી ચાલીસ-પચાસ વર્ષ પહેલાં છૂટાછેડા શબ્દ, શબ્દ કોશમાં હતો, પણ હકીકતમાં નહતો, લોકો લગ્ન તો કરતા હતા, પણ છૂટાછેડા લેતા ન હતા. ‘પડ્યું પાનું નિભાવી લેવું’ આ કહેવત તેના કારણે જ આવી. છૂટાછેડા લેવા હોય, પણ કાનૂની રીતે શક્ય કે સરળ નથી. ધારો કે કોઈ યુવક પચ્ચીસ વરસે લગ્ન કરે. બે વર્ષે ખબર પડે કે આની સાથે નહીં ફાવે એટલે છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરે…. સત્યાવીસ વરસે શરૂ કરેલી કાર્યવાહી એ સત્તાવન વર્ષનો થાય ત્યાં સુધી પણ ચાલતી હોય. પછી ક્યારે તે છૂટો થાય ? ક્યારે બીજું પાત્ર મેળવવા પ્રયત્ન કરે ? આ તકલીફના કારણે આપણે ત્યાં છૂટાછેડાના કિસ્સા ખાસ જોવા ન મળતા. તમને સમાજમાં કુંવારા, પરણેલા, વિધુર (વિધવા) મળી રહે, પણ છૂટાછેડાવાળા, ટોર્ચ લઈને ગોતો તો પણ ન મળે.

તમારે કોઈ વ્રતનું ઉજવણું કરવાનું હોય, જેમાં કુંવારકા-બટુકો જમાડવાના હોય તો તુરત મળી રહે. સૌભાગ્યવતી મહિલાઓ જમાડવાની હોય તો ઢગલો મળી રહે, પણ જો કોઈ એવું વ્રત હોય કે જેમાં પાંચ છૂટાછેડાવાળી કે છૂટાછેડાવાળાને જમાડવા છે તો તે ન જ મળે. અત્યાર સુધી આ સ્થિતિ હતી. પરિવર્તનની હવા લગ્ન પ્રથામાં પણ હવે જોવા મળે છે. હવે છૂટાછેડાનું ચલણ ધીરે ધીરે વધી રહ્યું છે. જે જાપાનમાં થયું છે તે હવે આપણે ત્યાં પણ થશે. આપણે ત્યાં પણ છૂટાછેડાવાળા કે વાળી દેખાવા માંડ્યા છે. તમે કોઈ સોસાયટીમાં મંગળભાઈનું ઘર શોધતા હોય તો તમે કોઈને પૂછો :
‘મંગળભાઈનું ઘર ક્યાં ?’
પેલો પૂછે : ‘એમના વિષે બીજું કંઈ ?’
તમે કહો કે હમણાં જ એમના છોકરાએ છૂટાછેડા લીધા છે.
તો પેલો કહેશે : ‘અમારી સોસાયટીમાં ત્રણ જણાને ત્યાં છૂટાછેડા થયેલા છે.’

હવે આ શક્ય છે. હવે લગ્નની જાહેરાતમાં પણ છૂટાછેડાવાળા દેખાવા માંડ્યા છે. તે ઉમેદવાર આગળ એક વિશેષણ ઉમેરાય છે નિર્દોષ, ડાયવર્સી છોકરો… જેણે ડાયવોર્સ લીધા છે તે પોતાને નિર્દોષ ડાયવર્સી ઓળખાવશે અને જે મહિલાથી તે છૂટો પડ્યો છે તે પણ પોતાની જાહેરાતમાં પોતાને નિર્દોષ ડાયવર્સી તરીકે ઓળખાવે છે. નહીં તુજમેં કોઈ દોષ દોષ…. કવિએ આ લોકો માટે જ કદાચ કહ્યું હશે. છૂટાછેડાને ઈજ્જત મળે તેવી ઘટનાઓ સમાજમાં બની રહી છે. છૂટાછેડાવાળાઓ કોઈ ખરાબ કામ તેમનાથી થયું હોય તેવું હવે અનુભવતા નથી. આ વિકાસના કારણે માતાનું કન્યાદાન કરનાર પણ મહિલા હવે જોવા મળે છે.

હવે છૂટાછેડામાં પણ લોકો ગૌરવ અનુભવી રહ્યા છે. પેલો ફિલ્મી નાયક કહેતો હતો ને ‘જીતે હૈં શાન સે મરેંગે શાન સે’ લગ્ન એ લગ્નજીવનનો જન્મ કહેવાય તો છૂટાછેડા એ લગ્નજીવનનું મરણ કહેવાય. જન્મની ઉજવણી થાય તો મરણની ઉજવણી પણ થાય ‘મરતે હૈ શાન સે….!’ હોલીવુડની એક અભિનેત્રીએ તેના છૂટાછેડામાં શાનદાર પાર્ટી આપી હતી. અલબત્ત તેમાં હું ગયો ન હતો, પણ એ સમાચાર મેં છાપામાં વાંચેલા…. છૂટાછેડામાં શાનદાર પાર્ટી આપી શકાય તેવો એક કિસ્સો જાણમાં છે. ઓલ ટાઈમ ગ્રેટ ગોલ્ફનો ખેલાડી ટાઈગર વૂડે છૂટાછેડા માટે પત્નીને કરોડો રૂપિયા ચૂકવ્યા છે. ટાઈગર વૂડે તેની પત્નીને છૂટાછેડા આપવા માટે કરોડો રૂપિયા આપવા પડે, મતલબ કે ‘ટાઈગરે’ વાઘણને રૂપિયા આપ્યા, છૂટવા માટે કે છોડવા માટે ! આપણે ત્યાં કિશોરકુમારે ચાર લગ્ન કર્યા હતા. એક પત્ની ગુજરી ગઈ હતી, પણ બે સાથે છૂટાછેડા લીધા હતા. પણ આ કિસ્સામાં થયેલી લેતી-દેતી બહાર આવી ન હતી. કિશોરની ચારે પત્નીઓ વાંદરા (મુંબઈ) પરાની રહેવાસી હતી. કિશોર મજાક કરતા કહેતો કે મેરે નસીબ મેં બંદરિયા હી લીખી થી.

પશ્ચિમના જેવા છૂટાછેડાનો મહિમા આપણે ત્યાં હજુ થયો નથી. (થવામાં છે) ઈલિઝાબેથ ટેલરે આઠ લગ્ન કર્યા હતા. એટલે કે સાત છૂટાછેડા લીધા હતા. તે વિષે મેં એક લેખ ‘લગ્ને લગ્ને કુંવારા’ લખ્યો હતો જે મારા પુસ્તક ‘નીરવ નિરંજન’માં છે. (આ જાહેરાત નથી, માહિતી છે.) છૂટાછેડાની પ્રથાનો આપણા સમાજમાં પ્રવેશ અંગે એક વાત કરું. પ્રખ્યાત કોલમ લેખક ‘શોભા-ડે’ તેને તમે કોલમિકા કહી શકો. આ બહેને ચાર વાર લગ્ન કર્યાં છે. મતલબ કે ત્રણ વાર છૂટાછેડા લીધેલા છે. આપણે ત્યાં પુરુષો અનેકવાર લગ્ન કરતા હતા. પાંડવો તો ફરવા જવા નીકળે અને એકાદ લગ્ન કરી લે. સામાન્ય માણસ બે-ત્રણ વાર લગ્ન કરતો હતો. કોઈક ઉત્સાહી (કે હિંમતબાજ) ચાર વાર પણ લગ્ન કરતા અને તેથી કહેવત બની કે ‘ચોથી ચોક પૂરે’. શ્રીમતી શોભા-ડેને આ પુરુષ પ્રધાન કહેવત ખૂંચી હશે કે ચોથી ચોક પૂરે, એટલે એમણે ચાર વાર લગ્ન કરી બતાવ્યા. ‘ચોથો ચમન કરાવે’ તેવી કોઈ કહેવત ‘કોઈને’ કરવાનો તેમનો આશય હોઈ શકે. કહેવાનો આશય એ કે હવે પરિવર્તન આવી રહ્યું છે. છૂટાછેડા વધી રહ્યા છે. એને સન્માનજનક ગણવામાં આવી રહ્યા છે. કેટલાંક વૃદ્ધો, ‘અમારા સમયમાં આવું ન હતું’ તેવું બોલતા સંભળાય છે. (કદાચ તેમાં ઈર્ષાનો ભાવ હોઈ શકે.) હવે છૂટાછેડાની સંખ્યા વધશે ત્યારે તેને લગતા આનુષાંગિક વ્યવસાયો, રીવાજો ઊભા થશે.

નવા પ્રકારની છૂટાછેડાની કંકોત્રીઓ પ્રચલિત થશે. જેમ કંકોત્રીના પ્રથમ પાને ‘શુભ-લગ્ન’ તેવું છાપેલું હોય છે તેમ છૂટાછેડા કંકોત્રીમાં ‘હાશ-છૂટ્યા’ તેવું છાપેલું હશે. તેમાં પણ છૂટાછેડા લેનાર યુવકના નાના નાના ભત્રીજા-ભત્રીજીઓ લખશે…. ‘મારા કાકાના છૂટાછેડામાં ઝલૂલ ઝલૂલથી આવશો….’ સ્વજનના જે છૂટાછેડા પ્રસંગમાં ‘મહાલવા’ આવશે તે પણ સજી-ધજીને આવશે, કોઈના બેસણામાં સજધજ કે ના જવાય. બેસણામાં જતા તમારે બ્યુટીપાર્લરની સેવા ન લેવાય. બેસણામાં આયોજકો પણ દુ:ખી હોય છે અથવા તેઓ દુઃખી છે તેવી છાપ પાડવા પ્રયત્ન કરે છે. પણ છૂટાછેડા સમારંભમાં આયોજકો આનંદમાં હોય છે. કારણ કે તેમાં ધ્યેય સિદ્ધ થયું છે. ત્યાં ઠઠારો કરીને જવાય. આપણે તેના આનંદમાં સહભાગી થવાનું છે. ભવિષ્યમાં વાડી કે પાર્ટી પ્લોટ છૂટાછેડા માટે બૂક થઈ શકશે. કેટરર્સ, વાજા વગેરે છૂટાછેડાની સેવાઓ આપવા હાજર થશે. અત્યારે ઘણા દરજીઓ ‘મેરેજ સૂટ’ની જાહેરાત આપે છે. પછી ‘ડાયવૉર્સ શૂટ’ની જાહેરાત પણ જોવા મળશે. જેઓ લગ્ન પછી ટૂંકા સમયમાં જ છૂટાછેડા લેશે, એ લોકો કદાચ ‘મેરેજ સૂટ’નો જ ‘ડાયવૉર્સ સૂટ’ તરીકે ઉપયોગ કરશે. આપણા જીવનમાં અમેરિકન અસરો જોવા મળે છે. અમેરિકામાં મોટા મોટા બિલ્ડિંગ્સ હોય છે, પણ ત્યાં લગ્ન જીવન ટૂંકા હોય છે. આપણે પણ તે અસરમાં આવી રહ્યા છીએ.

અત્યારે આપણા પંચાગોમાં લગ્નના મૂહુર્તો આવે છે તેમ ભવિષ્યના પંચાગોમાં છૂટાછેડાના મૂહુર્તો પણ જોવા મળશે. (આ મારી ભવિષ્યવાણી છે.) ઓફિસોમાં લગ્ન માટે રજા અરજીઓ આવે છે, તેમ ભવિષ્યમાં છૂટાછેડામાં હાજર રહેવા કર્મચારીઓ રજા અરજી કરતા જોવા મળશે. કોઈક ઓફિસમાં સંવાદ સાંભળવા મળશે. ઑફિસના બોસ કહેશે :
‘અરે દવે, આ મહિનામાં તમે ત્રીજી વાર છૂટાછેડામાં જવા માટે રજા માગી છે.’
‘શું કરું સાહેબ, મારા નજીકના સગા છૂટાછેડા લેતા હોય તો મારે હાજરી તો આપવી પડે ને ! સાથે મેં છૂટાછેડાની કંકોત્રી પણ બીડી જ છે.’
‘મિસ્ટર દવે, તમારા કુટુંબીજનો ઝડપથી છૂટાછેડા લઈ રહ્યા છે અને તમે વારંવાર રજા માગો છો. જો આમ જ થશે તો આ ઑફિસમાંથી જ તમારે છૂટાછેડા લેવા પડશે.’ આ સિવાય પણ છૂટાછેડા સમારંભની પ્રથા વિકસતા, આ પ્રસંગમાં કરેલો ચાંલ્લો પાછો અપાય કે નહીં ? તેની ચર્ચા પણ થશે અથવા છૂટાછેડા લેનારને શુભેચ્છા માટે કોઈ ભેટ-સોગાદ આપવાની હોય કે નહીં ? આની પણ ચર્ચા જરૂરી છે. સમૂહ લગ્નોની જેમ સંસ્થાઓ ‘સમૂહ-છૂટાછેડા’નું આયોજન પણ કરશે. કદાચ, સમાજ વિકસતો છે તેમાં સમય સાથે ફેરફાર થતા જ હોય છે. આ બધું ભવિષ્યનો સમય બતાવશે. છૂટાછેડાની કંકોત્રી, છૂટાછેડાના મૂહુર્તો, બધું છપાશે. બેન્ડવાજાવાળા એ વખતે નરસિંહ મહેતાનું ભજન બેન્ડમાં વગાડશે. ‘ભલું થયું ભાંગી જંજાળ…’ અને છૂટાછેડા લેનાર વ્યક્તિના નજીકના સગા-યુવાનો તેના તાલે નાચતા જોવા મળશે. પાર્ટી પ્લોટમાં નૂસરત ફતેહઅલીની રેકોર્ડ પણ વાગતી હશે : ‘મેરે બાદ કીસકો સતાઓગે……’

આજે આમાંનું કશું નથી…કબૂલ, પણ ભવિષ્યમાં તે બની શકે છે. ત્યારે લોકો મને જૂલેવર્નોની જેવો ગણી યાદ કરશે. (જેણે આવતીકાલની વાત, આજે કરી હતી.)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સ્વશિક્ષણ સાધના – વિમલા ઠકાર
ચિનગારી – મૂકેશ મોદી Next »   

12 પ્રતિભાવો : છૂટાછેડાની ઉજવણી – નિરંજન ત્રિવેદી

 1. gita kansara says:

  સત્ય વાસ્તવિકતા ભવિશ્યવાનેી આગાહેીનુ સુચન કરતો રમુજેી લેખ્.

 2. યુ,એસ્.એ. સ્થીત લેખકની “પાર્ટી છુટા છેડા”ની રસપ્રદ-રમુજ વાર્તા વાચવામા છે. જે આવનારા સમયનો સંકેત હતો.

 3. patel says:

  Please dont consider this article as “HASYA LEKH”… it looks like to be true in next 10 years.. So please start investing some amount to secure your son/daughter’s divorce !!

 4. MAHESH VANKAR says:

  માનવીની અપેક્ષાઓ જ સંબંધોને છુટાછેડા જેવા કર્મ કરવા મજબુર કરે છે.

 5. sofiya says:

  6uta6eda leva vastvikta ma etla j rdave 6e jtlu aa lekh ma hasy upje 6e.

 6. ગજબ લેખ છે, પણ શું કરીએ જીવન ને ઝેર બનાવા બદલે છુટા છેડા સારા;-P
  હિન્દી કવિ લેખક કરન નિમ્બાર્ક, મુંબઈ

 7. બી.એમ.છુછર says:

  ભવિષ્યની વાસ્તવિકતા દર્શાવતો વર્તમાન લેખ.સુંદર….

 8. abha Raithatha says:

  Su gajab ni bhavishyavani che!!!

 9. i k patel says:

  રમુજી લેખ, લેખ માટે નિરંકજન ભાઈ ને ધન્યવાદ.

 10. Arvind Patel says:

  આમ તો આ હાસ્ય લેખ છે. પરંતુ ઘણી વખત હસતા હસતા ગંભીર વાતો કહેવાઈ જાય છે. સાચું સમજીએ તો આ જીવન એક રમત જ છે. જે વ્યક્તિઓ જીવન ને ખુબ જ ગંભીરતા થી લેતા હોય છે તેઓ દુખી થતા હોય છે. લગ્ન જીવન માં પણ કૈય્ક આવું જ છે. જો તમે હળવાશ થી જીવો તો મજા આવશે. બને તેટલા પારદર્શક રહેવું. સેન્સ ઓફ હ્યુમર સારી રાખવી. બને ત્યાં સુધી ઈગો પ્રોબ્લેમ રાખવો નહિ. સાચા અર્થ માં એક બીજા ને સમજીશું તો જીવન સુંદર બનશે.

 11. ranchhod pawar says:

  ખરેખર આ લેખ હાસ્યનેી સાથેસાથે ઘણુઁબધુ કહેી જાય છે.

 12. SUBODHCHANDRA says:

  હાસ્ય વાર્તામા ત દ્ ન નવતર પ્રયોગ.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.