સ્વશિક્ષણ સાધના – વિમલા ઠકાર

[ તા. 1 થી 5 ફેબ્રુઆરી 1981 દરમિયાન નર્મદાકાંઠે શ્રી રંગ અવધૂતજીના સ્થાન નારેશ્વર મુકામે 108 જેટલા મુમુક્ષુ સાધકો સમક્ષ પૂજ્ય વિમલા તાઈએ કરેલાં પ્રવચનોના પુસ્તક ‘અવધૂત પ્રસાદી’માંથી ‘સ્વશિક્ષણ સાધના’નામનો લેખ ટૂંકાવીને સાભાર લેવામાં આવ્યો છે.]

[dc]આ[/dc]પણે પશુ અને માનવમાં સામ્ય તથા ભેદ શું છે તે સમજવો જોઈએ. પશુ પાસે કાયા છે. આપણને પણ કાયા મળી છે. બંને પાસે પંચમહાભૂતોનો બનેલો દેહ છે. ત્યાં પણ ક્ષુધા છે, તૃષા છે, નિદ્રા છે, મૈથુન છે; અહીં પણ એ બધું જ છે. ભૂખ, તરસ, ઊંઘ અને કામવાસનાના આવેગ-સંવેગ એ પશુ-પંખી અને થોડાક વધુ આગળ ચાલીએ તો વનસ્પતિ સૃષ્ટિ સાથેનાં પણ સામાન્ય ઘટક છે. આ આવેગાત્મક વિકારો છે, impulses છે, જે અન્ય સૃષ્ટિની જેમ માણસમાં પણ હાજરાહજૂર છે, એનો નિષેધ થઈ શકે તેમ નથી. ન તો એનું દમન કરવું ઠીક છે, ન તો પૂજા. આ વિકારોની પૂજા તો હરગિજ ન હોઈ શકે. એ કોઈ પૂજ્ય તત્વ નથી, તેમ જ નિષેધાર્હ પણ નથી. એને ભોગવવાથી જે કંઈ પરિણામો આવે છે તે આપણે સમજી લેવાં જોઈએ.

आहार निद्रा भय मैथुनं च…. આપણે આ બધાંને સમજી લેવાં જોઈએ. આપણને જે ભૂખ લાગે છે તે એક સામાન્ય વિકાર છે. ઊંઘ આવે છે તો તે એક ચિત્તની વૃત્તિ છે. જેને આપણે sex urge – જાતીય ભૂખ કહીએ છીએ તે પણ એક વિકાર છે. આ બધી સંવેદનાઓ માણસનો ‘સ્વભાવ’ નથી, ‘વિભાવ’ છે. આ બધી વૃત્તિઓના સ્વરૂપને સમજી લેવાની જરૂર છે.

માણસને ભૂખ લાગે છે, તેને આહારની સાથે સંબંધ છે. એને શરીરના આરોગ્યની સાથે જોડી દઈ, એમાંથી મુક્ત થઈ જવું જોઈએ. ભૂખને આવો એક સામાન્ય વિકાર નહીં માનીને વધારે પડતું મહત્વ આપવા જઈશું તો આહારની સામગ્રી એકઠી કરવામાં, એમાંથી રસોઈ બનાવવામાં અને પછી આહારના સર-સામાનને સાચવવામાં જ જિંદગી પૂરી થઈ જશે. ‘આહાર’ શબ્દનો અર્થ બુદ્ધિને અને ઈન્દ્રિયોને પણ લાગુ પડે છે. બુદ્ધિને જ્ઞાનની સામગ્રી પીરસવી પડે છે, ઈન્દ્રિયોને અનુભૂતિઓની. માણસની જે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો છે તેના દ્વારા જે કાંઈ આહરણ થાય છે તે બધું ‘આહાર’માં સમાવિષ્ટ છે. દરેક ઈન્દ્રિયોનો પોતપોતાનો વિષય હોય છે. આંખનો વિષય છે રૂપ. શ્રુતિનો વિષય છે નાદ, બુદ્ધિનો વિષય છે વિચાર. મનનો વિષય છે ભાવના, સંવેદન, વાસના, આઘાત-પ્રત્યાઘાત. ત્વચાનો વિષય છે સ્પર્શ, ઘ્રાણનો વિષય છે સુગંધ-દુર્ગંધ. આમ દરેકના પોતપોતાના વિષય છે. આ વિષયો તરફનું ખેંચાણ રહે એ સ્વાભાવિક છે, એ કુદરતી છે. એટલા માટે તો મેં કહ્યું કે એનો નિષેધ નહીં, એનું ખંડન નહીં. પણ એનું સમગ્ર જીવનમાં જે સ્થાન છે તેને સમજી લઈએ અને એની યોગ્યતા જેટલું મહત્વ આપણે તેને દઈએ.

‘तस्मात योगी भवार्जुन ।’ આ દેશનું સૌભાગ્ય છે કે અહીંની સંસ્કૃતિમાં મનુષ્યમાત્રને એક જન્મસિદ્ધ અધિકાર પ્રાપ્ત થયો છે; અને તે અધિકાર છે – યોગી અવસ્થામાં પહોંચવાનો. યોગી એટલે જોડાયેલો. યોગી બાહ્ય ઈન્દ્રિયો દ્વારા બહારના વિષયો સાથે જોડાયેલો હશે, મનથી વિચાર તેમ જ શબ્દસૃષ્ટિ સાથે જોડાયેલો હશે. અને જ્યારે શરીરની ઈંદ્રિયો શાંત હશે અને મન ગતિશૂન્ય હશે ત્યારે તે અંદરના શૂન્યના સેતુ પરથી પસાર થઈને આત્મસત્તા સાથે જોડાયેલો હશે. માણસને ભીતર પણ જોડાયેલા રહેવાનું છે અને બહાર પણ જોડાયેલા રહેવાનું છે. ‘युज्यते इति योग:।’ બંને તરફથી જોડાવાનું છે. શૂન્યના સેતુ પર થઈને આત્મસત્તા પાસે પહોંચી જઈ તેની સાથે જોડાયેલા રહેવા માટે જે કંઈ માનસિક, બૌદ્ધિક અને વાચિક વ્યવહાર હશે તે આત્માના અવધાનમાં થશે, પ્રભુસત્તાના અવધાનમાં થશે – with the awareness of the existence of divinity. ઈન્દ્રિયોનો બાહ્ય વિષયો સાથેનો વ્યવહાર પણ ભદ્ર વ્યવહાર હશે, એ આસક્તિભર્યો કદરૂપો વ્યવહાર નહીં હોય. આસક્તિ તો ભારે કદરૂપી ચીજ છે. ઘણી કુરૂપ છે એ ! એટલા માટે ઈન્દ્રિયોનો આ વિષયો સાથેનો વ્યવહાર આસક્તિભર્યો નહીં હોય, લોલુપતાભર્યો પણ નહીં હોય. એ હશે સમ્યક વ્યવહાર ! શરીરને ધારણ કરવા માટે જેટલો જરૂરી હશે તેટલો એ સંબંધ રહેશે. વળી એ સુખદ હશે, ચારુ હશે, સમજણપૂર્વકનો હશે. જીવનની સ્વસ્થતા છે સમજણમાં- understanding માં. આમ માણસે બેય તરફ જોડાયેલા રહેવાનું છે. આમાં ઈન્દ્રિયોનો વિષયો સાથેનો જે સંબંધ છે તેમાં માનવમાં રહેલી પશુતાનું તત્વ આવે છે. કશુંક જોયું, જોયું અને ખેંચાયા. ઈન્દ્રિયોમાં સંસ્કાર પડેલા છે એટલે આંખ દોડે છે, વિષયને સ્પર્શી લે છે. હવે આ આંખની અંદરથી કોણ દોડ્યું ? દોડ્યું છે મન. મનને ચીજ ગમી ગઈ. ઠીક છે ચાલો ! ગમી જાય ત્યાં સુધી કશો દોષ નથી થતો, સુંદર ચીજ ગમી જાય ત્યાં સુધી. પણ મામલો ત્યાં અટકતો નથી. આગળ વધીને મન કહે છે કે મારે એ જોઈએ. આ ‘જોઈએ’ ને તે ‘ના જોઈએ’. દિવસમાં હજાર વાર આંખ રૂપ પાછળ દોડતી રહે અને સાથે મન પણ દોડાદોડ કરીને ‘આ જોઈએ’ અને ‘તે ન જોઈએ’ એમ કર્યા કરે તો ભલે પ્રત્યક્ષમાં એ ચીજ મેળવો કે ના મેળવો, મન તો એ ચીજમાં બંધાઈ ગયું.

આવું જ બુદ્ધિનું. અનેક વિચારો બુદ્ધિએ ગ્રહણ કરી લીધા. સારાં સારાં પુસ્તકો ખરીદ્યાં કે પુસ્તકાલયમાંથી લાવીને વાંચી લીધાં. હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ, ઈસ્લામ ધર્મ વગેરે અનેક ધર્મો સમજી લીધા. વેદ-ઉપનિષદ ગીતા વાંચી લીધાં. સંતોનાં ચરિત્રો પણ જોઈ ગયા. એ તો હોય જ છે પરમ પવિત્ર. મહામાનવોના વિચારો પણ એટલા જ આકર્ષક હોય છે. તો બુદ્ધિ આ બધાયનો સ્મૃતિમાં સંઘરો કરે છે. માણસ સ્મૃતિને સમજાવ્યે રાખે છે. સમજ પડે કે ના પડે. જે કાંઈ જાણ્યું તે જીવનમાં ઊગ્યું કે ના ઊગ્યું એની કશી જ ચિંતા નહીં. તે તો મશગૂલ છે સંઘરવામાં, પરિગ્રહમાં-acquisition માં. આમ આંખે રૂપનો સંઘરો કર્યો અને મન એમાં ફસાઈ ગયું. બુદ્ધિએ શબ્દનો, વિચારનો સંઘરો કર્યો અને સ્મૃતિ એમાં ફસાઈ ગઈ. જે કંઈ વાંચ્યું તેનો બોજ ઢસડતાં ઢસડતાં બિચારીની કમ્મર પણ વાંકી વળી ગઈ.

ઈન્દ્રિયોને, મનને સ્વાનુભવ દ્વારા જે સુખ મળે છે તેને ટાળી શકાતું નથી. સુંદર ફૂલ જોયું, ચિત્તમાં પ્રસન્નતા રેલાઈ. મધુર નાદ સાંભળ્યો, હૃદય નાચી ઊઠ્યું, શીતળ પવનની લહેરખી આવી, રોમરોમ ઝણઝણી ઊઠ્યું. સરસ મઝાનું સ્વાદિષ્ટ ભોજન સામે આવ્યું તો મોંમાં પાણી આવ્યું. ભોજન આરોગ્યું તો રસનાને રસ મળ્યો, સુખ થયું… આ બધું આપણે ટાળી શકતા નથી. ઈન્દ્રિયો અને વિષયો સાથેનો સંબંધ છે તે તો છે જ, પરંતુ એ સંબંધને આપણે સંયમની ભૂમિકા ઉપર લઈ જવાનો પુરુષાર્થ કરવાનો છે. એમાં જ મનુષ્યતા છે. ઈન્દ્રિયો અને વિષયોનો પરસ્પર સંબંધ એ માનવમાં રહેલી પશુતાનો અંશ છે, એની અનિવાર્યતાને સમજી લઈ એને જીવનમાં ઉચિત સ્થાન આપવાનું છે. એનાથી તસુભર પણ વધારે સ્થાન જીવનમાં આપવાની જરૂર નથી. એમાં જીવનની શક્તિનો, સમયનો અપવ્યય કરવો નથી. આટલી વાત ધ્યાનમાં આવી જાય તો જીવનના આહારવિહારમાં આપોઆપ સાદાઈ આવી જશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “સ્વશિક્ષણ સાધના – વિમલા ઠકાર”

Copy Protected by Chetan's WP-Copyprotect.