ચિનગારી – મૂકેશ મોદી

[ તમને તમારા અંગે વિચારતાં કરી મૂકવા માટેના પુસ્તક ‘ચિનગારી’માંથી બે લેખો અત્રે સાભાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાં એકદમ હળવાશપૂર્વક સાંપ્રત વિષયોને આવરી લેતી બાબતો પર ચિંતન રજૂ કરવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી મૂકેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9428076940 અથવા આ સરનામે mukesh2771@gmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સુપર-વુમન બનવાની ઘેલછાની વેદના…..

એકવીસમી સદીમાં કહેવાય છે કે સ્ત્રી પુરુષની સમોવડી બની ગઈ છે. જો કે સ્ત્રીએ શા માટે પુરુષની સમોવડી બનવું જોઈએ એ સમજાતું નથી, પરંતુ એ મુદ્દો અત્યારે રહેવા દઈએ. પણ, પુરુષ સમોવડી બનવામાં સ્ત્રીએ ‘સુપર-વુમન’ બનવું પડે. સ્ત્રીએ ઘણું સહન કરવાનું આવે. કલેરીસા એસ્ટેસ કહે છે એમ, આધુનિક સ્ત્રી વિવિધ પ્રવૃત્તિઓમાં ગૂંચવાઈ ગઈ છે. એની ઉપર દબાણ છે કે એણે બધા લોકો માટે બધું બનવાનું છે. આ રીતે જોઈએ તો આધુનિક સ્ત્રી દબાણ હેઠળ જીવી રહી છે. વસ્તુ સ્થિતિ એવી છે કે આર્થિક રીતે સ્વતંત્ર સ્ત્રીએ પણ પરંપરાગત ફરજો અને જવાબદારીઓ ઉઠાવવી પડે છે. સ્ત્રીએ પુરુષની જેમ વ્યવસાયમાં નિપુણતા મેળવી છે, અને પુરુષને સ્પર્ધા આપવા માંડી છે; પણ સાથે-સાથે હજુ સ્ત્રી બાળઉછેર, ઘરની સંભાળ લેવાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકી નથી.

એક સામાન્ય ઉદાહરણથી વાત વધારે સ્પષ્ટ થશે. મારા એક ઓળખીતા એક કૉલેજમાં અધ્યાપક છે અને એમનાં પત્ની શાળામાં શિક્ષિકા છે. મતલબ કે બન્ને વ્યાવસાયિક છે. ભાઈની બપોરની કૉલેજ છે એટલે એ આરામથી ઊઠે, છાપુ વાંચે, ચાલવા જાય. અને પછી જમીને કૉલેજ. અને બહેન ? સવારે પાંચ વાગે ઊઠીને તૈયાર થવાનું, ઘર સાચવવાનું, રસોઈ બનાવવાની, બાળકોને તૈયાર કરી શાળાએ મોકલવાનાં અને પછી પોતે નોકરી કરવા જવાનું. સાંજે બન્ને સાથે ઘરે આવે એટલે ભાઈ બજારમાં આંટો મારવા જાય, થોડી ઘણી ખરીદી કરીને ઘરે આવે. અને બહેન માટે તો કપડાં સંકેલવાનાં, રસોઈ બનાવવાનું કામ ઊભું જ હોય. વાર તહેવારે, માંદગી, સામાજિક પ્રસંગમાં વધુ જવાબદારી સ્ત્રીઓએ જ વહન કરવાની આવે છે. ઢાંચો અને માનસિકતા એવી છે કે પુરુષને આધુનિક જમાનામાં કમાતી સ્ત્રી તો જોઈએ જ છે, પણ સાથે-સાથે પરંપરાગત સ્ત્રી પણ જોઈએ ! સ્ત્રીના પૈસા પણ જોઈએ છે અને સ્ત્રી પાસેથી ઘરગથ્થુ અપેક્ષાઓ પણ છે જ. સ્ત્રીએ નોકરી પણ કરવી જોઈએ અને સાસુ-સસરાની ચાકરી પણ કરવી જોઈએ.

મતલબ કે આધુનિક સ્ત્રી ‘બ્લર ઑફ ઍક્ટિવ’ છે. આધુનિક/વ્યાવસાયિક સ્ત્રીઓએ એકસાથે ઘણે બધે મોરચે લડવું પડે છે, પ્રવૃત્ત રહેવું પડે છે. આપણો ઉછેર પણ જવાબદાર છે જ. દીકરીને ભણાવતી વેળા એને બધી છૂટ આપીએ, એના ભણતર પાછળ ખર્ચ કરીએ અને વળી એના લગ્નમાં ધામધૂમ તો કરવી જ પડે ! અને ભણેલીગણેલી સ્ત્રીની માનસિક્તા એવી છે કે એને ઘરમાં બેસી રહેવું ગમતું નથી. ઓટલા પરિષદની પંચાત એને સંતોષી શકે એમ નથી. આધુનિક સ્ત્રી, મેસ્લોની પરિભાષામાં કહીએ તો, સ્વના આવિષ્કારની તલાશમાં છે. એને લાગે છે ‘હું જે ભણી છું, મેં જે મેળવ્યું છે’ એનો ઉપયોગ કરીને મારે મારી જાતને સાબિત કરવી છે.

ઘણા પુરુષો સ્ત્રીના સમોવડિયા થઈ ઘરની જવાબદારી વહન કરે છે. પણ એક તો એમની ટકાવારી ઓછી, અને બીજું કે પુરુષ ‘હું મદદ કરી રહ્યો છું’ એવા ભાવથી મદદ કરતો જણાઈ આવે. બૃહદ સમાજ આવા પુરુષોને ‘બાયલો’ કહે એટલે એવા પુરુષોએ સ્ત્રીને મદદ કરતાં ટકી રહેવું મુશ્કેલ. શક્ય છે કે પરિવર્તનનો સમય છે અને ભવિષ્યમાં પુરુષ સ્ત્રીની આ સમસ્યાને સમજી લઈ એની જવાબદારી વહેંચી જ લેશે. પશ્ચિમના દેશોમાં તો એવાં દશ્યો જોવા મળે છે કે પુરુષ અને સ્ત્રી સાથે રસોઈ બનાવતાં હોય, સાથે વાસણ માંજતાં હોય, પણ જો પુરુષ ઘરકામમાં સહયોગ ન આપે તો કમાતી સ્ત્રીએ નવતર પ્રકારના તણાવમાંથી પસાર થવું પડે છે.
.

[2] તમે ‘અનફ્રેન્ડ’ કરવાવાળા કે ‘વિથડ્રો’ થવાવાળા ?

ભાષા પ્રવાહી છે અને એ આપણી જીવનશૈલીનું દર્પણ છે એનું લેટેસ્ટ ઉદાહરણ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સમાં જે પ્રકારે નવા શબ્દો કોઈન થાય છે, અથવા તો જૂના શબ્દો નવા સ્વરૂપે વપરાય છે એમાં જોવા મળે છે. ખરો ટ્રેન્ડ તો શરૂ કર્યો હતો વિલિયમ શેક્સપિયરે, કે જેણે પ્રવર્તમાન શબ્દોને નવો આયામ આપ્યો હતો. ફૉર એક્ઝામ્પલ, એ ભાઈડો ‘ફાધર’ શબ્દને ક્રિયાપદ તરીકે પણ વાપરવાનો પ્રયોગ કરી ‘ફાધર્ડ’ એવું લખી શકે. અને એ જ કારણ તો છે કે ભાષા નિત-નૂતન લાગે છે. આજે વાત કરવી છે ‘ફેસબુક’ ઉપર વપરાતા એક શબ્દની કે જેની સાથે ઘણું બધું સંકળાયેલું છે. જે વાચકોએ ક્યારેય ‘ફેસબુક’ નામની ચોપડી ઊથલાઈ જ નથી એમની જાણ સારું કહેવાનું કે અહીં ‘ફ્રેન્ડ’ મતલબ મિત્રો બનાવવાના હોય છે. જરૂરી નથી કે ફેસબુક ઉપરના જે ‘મિત્રો’ હોય એ એકમેકને રિયલ લાઈફમાં ઓળખતા જ હોય. ધારો કે મને મનહર ઉધાસની ગઝલ ગમે છે એટલે હું એમને ‘ફ્રૅન્ડ રીકવેસ્ટ’ મોકલી શકું છું. અને શક્ય છે કે એ મારી વિનંતીને સ્વીકારી મને ‘ફ્રૅન્ડ’ બનાવી પણ લે.

આવી રીતે મિત્રો બનતા જાય, બનતા જાય અને એક સવારે થાય કે ફલાણો કે ઢીંકણો ભાઈ કે ફલાણી બહેન મિત્રને લાયક નથી, તો ગભરાવાની જરૂર નથી ! માર્ક ઝુકરબર્ગ ઍન્ડ કંપનીએ આપની સેવામાં ‘અનફ્રૅન્ડ’ કરવાની સગવડ આપી છે. આ ‘અનફ્રૅન્ડ’ કરવું એટલે ફેસબુકના મિત્રમંડળમાંથી કોઈને બાકાત કરી દેવું, ટાટા-બાયબાય કરી દેવું. આ શબ્દ નામે ‘અનફ્રૅન્ડ’ ઑક્સફર્ડ ડિક્શનરી બનાવવાવાળાઓને એટલો બધો ગમી ગયો કે 2009માં એ શબ્દને વર્ષના નવા કોઈન થયેલા અને સૌથી વધુ વપરાતા શબ્દોમાં અગ્ર-સ્થાન આપ્યું. સામાન્ય રીતે આપણો મિત્ર-દુશ્મન, સુખ-દુઃખ, અમીર-ગરીબ એ રીતે વિચારવા કે સમજવા ટેવાયેલા છીએ. ‘અનફ્રૅન્ડ’નું ગુજરાતી ‘અમિત્ર’ કરી શકાય, અને ચંદ્રકાન્ત બક્ષી કહે છે એમ ગુજરાતી ભાષા-પ્રયોગમાં ‘અમિત્ર’ જેવો શબ્દ જ નથી ! આપણને સામાજિક-અસામાજિક ખબર છે, પણ બિન-સામાજિક ઝટ આપણી જબાને ચઢતું નથી. અંગ્રેજીમાં વિચારીએ તો સોશ્યલ-એન્ટિસોશ્યલ દેખાય, અસોશ્યલ (મતલબ કે ‘બિનસામાજિક’ એટલે કે એવો વ્યક્તિ જે સોશ્યલ નથી) આપણા ઍટિટ્યૂડમાં જ નથી.

આપણી વાતનો તંતુ હવે પકડવાનો છે. આગળ કહ્યું ને કે શબ્દો આપણા જીવનશૈલી અને ઍટિટ્યૂડનું દર્પણ છે. એ પ્રમાણે કોઈને ‘અનફ્રૅન્ડ’ કરવું મતલબ કે આપણે એક્સ, વાય કે ઝેડને એવું દર્શાવીએ છીએ કે ‘ભાઈ, તું મારે લાયક નથી…. તારો સ્વભાવ મને પસંદ નથી…. બાય-બાય !’ કદાચ તમને એવું લાગતું હશે કે ‘એમાં શું ? આપણે સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિકોને અધિકાર છે કે કોની સાથે મૈત્રી રાખવી અને કોની સાથે ન રાખવી.’ ઓકે. ફેસબુક એટલે આમ તો વર્ચ્યુઅલ વિશ્વની વાત થઈ. ચાલો, વાસ્તવિક વિશ્વમાં ડોકિયું કરીએ. ધારો કે તમને પાડોશમાં રહેતાં તમન્નાબેન સાથે નથી ફાવતું, તો તમે એમને ‘અનફૅન્ડ’ કરી દો છો કે તમે એમનાથી તમારી જાતને ‘વિથડ્રો’ એટલે કે પાછી હટાવી દો છો ? મુદ્દાનો મુદ્દો આ છે. એક સ્પષ્ટતા કરી આગળ વધીએ. પ્રથમ તો મને ફેસબુક ઉપર ‘મિત્ર’ શબ્દના પ્રયોગ તરફ જ વાંધો છે, કારણ કે એમ કંઈ મિત્રતા બનતી નથી. પણ એક વાર મિત્ર બની ગયા પછી ન ફાવે તો ‘અનફ્રેન્ડ’ કરવા એમાં તો અહંકારની નરી વાસ આવે છે. ટોન એવો થાય છે કે, ‘મેં તો એને અનફ્રૅન્ડ કરી દીધો !’ એના બદલે આપણને કોઈ સાથે ન ફાવે તો ‘વિથડ્રો’ કરી લઈએ તો કેવું ? એમાં ટોન કંઈક આવો થાય છે : ‘જો ભાઈ, મને તારી સાથે ફાવતું નથી, એટલે આપણી મૈત્રીમાંથી હું મારી જાતને પાછી હટાવી લઉં છું.’ ‘અનફ્રૅન્ડ’ કરવામાં લાત મારવાની વાત છે. ‘વિથડ્રો’ કરવામાં હટી જવાની વાત છે.

ફ્રોમ વર્ચ્યુઅલ ટુ રિયલ. આભાસી વાસ્તવિકતામાંથી વાસ્તવિક વાસ્તવિકતા તરફ જઈએ. તમે બેઝિકલી ‘અનફ્રૅન્ડ’ કરવાવાળા કે ‘વિથડ્રૉ’ થવાવાળા ? તમારા ધંધા, વ્યવસાય કે આડોશપાડોશમાં કે સગાં-સંબંધીમાં કોઈની સાથે ફાવે નહીં. ત્યારે તમે એ સંબંધમાંથી હટી જાઓ છો કે પછી એ સંબંધીને કહેવા જાઓ છો કે, ‘જા, તારી સાથે કોણ સંબંધ રાખે !’ આપણે કંઈ સારાપણાની રામાયણ કરવા બેઠા નથી, પરંતુ અનફ્રૅન્ડ કરવાવાળા સ્વભાવતઃ જીદ, ગુસ્સો અને શોર્ટ ટેમ્પરનું પ્રદર્શન કરે છે, જ્યારે ‘વિથડ્રો’ થવાવાળા સમજણ બતાવે છે. બીજી રીતે કહીએ તો અનફ્રૅન્ડ કરવાવાળા સભા/મંડળીમાંથી કોઈને હટાવી દેવાની ચળ દર્શાવે છે, જ્યારે ‘વિથડ્રો’ થવાવાળા સભામાંથી ઊઠી જવાની માનસિકતા ધરાવે છે. ‘અનફ્રૅન્ડ’ કરવામાં શિકાયતની શક્યતા છે. ‘વિથડ્રો’ થવામાં સમજણમાંથી સ્ફુરેલો સ્વીકારભાવ છે. કદાચ વાત અહંકાર વર્સીસ નમ્રતાની પણ હોઈ શકે. ફેસબૂકના અમારા એક મિત્રએ કહ્યું હતું એ પ્રમાણે વાસ્તવિક જીવનમાં આપણે સંબંધ બાંધતા પહેલાં સામેવાળાની મરજીનો ખ્યાલ કરીએ છીએ, તો પછી સંબંધમાંથી બહાર એકલા એકલા કેમ નીકળી જવું ? ‘તને મારાથી દૂર નથી કરતો, હું તારાથી દૂર જઈ રહ્યો છું, આ થયો કે નહીં સાચો ‘યુ ઍટિટ્યૂડ ?’ તમે જીવનમાં અનફ્રૅન્ડ કરવા જાઓ છો કે વિથડ્રૉ કરો છો ? કારણ કે એની ઉપર તો નિર્ભર છે આપણી મસ્તીનો આધાર ! બાય ધ વે, ભાઈ ઝુકરબર્ગ અનફ્રૅન્ડને બદલે ‘વિથડ્રૉ’ શબ્દ વાપરવાનું વિચારી શકે છે.

[કુલ પાન : 144. કિંમત રૂ. 95. પ્રાપ્તિસ્થાન : WBG પબ્લિકેશન. એ-31, રાધિકા બંગલોઝ, શુકન બંગ્લોઝની બાજુમાં, નિકોલ-નવા નરોડા, અમદાવાદ. ફોન : +91 9173404142. ઈ-મેઈલ : info@wbgpublication.com ]

[poll id=”75″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “ચિનગારી – મૂકેશ મોદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.