સૂરજ ઊગવાની વેળા – કેશુભાઈ દેસાઈ

[ ‘પૂરણપોળી’ નામના તાજેતરમાં પ્રકાશિત થયેલ લઘુનવલિકાસંગ્રહમાંથી પ્રસ્તુત વાર્તા સાભાર લેવામાં આવી છે. આપ લેખક શ્રી કેશુભાઈ દેસાઈનો આ નંબર પર +91 9879543132 સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાને અંતે આપવામાં આવી છે.]

[dc]પા[/dc]ડોશમાં રહેતાં સિનિયર સનદી મહિલા અધિકારી વનિતાબહેન સાથે નિરાંતે વાત કરવાની તો સુધાંશુ પંડિતને હજી તક જ નહોતી મળી. કચ્છમાં પાંચ વરસની સજા જેવી નોકરી પૂરી કર્યા પછી પાટનગરના સિંચાઈ વર્તુળમાં નિમણૂક મળી એ સુધાંશુ પંડિતને મન મોડું-મોડું પણ નિયતિ તરફથી સાંપડેલું વરદાન હતું. બીજું વરદાન પણ જાણે બોનસમાં મળી ગયું. વનિતા સોલંકી જેવી જાજરમાન હસ્તીને ફાળવાયેલ ‘ગ’ પ્રકારના બંગલાની લગોલગ ફાળવાયેલું આ રહેઠાણ. સુધાંશુ પંડિતના ઈજનેરી મગજમાં કવિતાના અંકૂર ફૂટવા લાગ્યા. એક દિવસ ડાયરીના એ ખાલી પાનમાં એણે લખ્યું : ‘ઉપરવાલા દેતા હૈ તબ છપ્પર ફાડકે દેતા હૈ.’

‘યોગાનુયોગ’ તો ન જ ગણાય – કારણ કે સળંગ બે-અઢી મહિના લગી આ વરિષ્ઠ ઈજનેર પાડોશણ સનદી અધિકારીનું મનોમન પગેરું લેતો રહ્યો હતો. પરંતુ તે સવારે ‘નર્મદાઘાટ’ના ક્રૉસિંગ પાસે બેઉ સામસામાં આવી ગયાં ત્યારે પહેલ ભલે વનિતાબહેને કરી હતી, પરંતુ પોતે પદ્ધતિસરનો પીછો જ કરતો રહ્યો હતો, એ રહસ્ય છુપાવવા સુધાંશુએ ગળચટી વિવેકી વાણીને કામે લગાડી દીધી : ‘ઓહ, વ્હૉટ અ કો-ઈન્સિડન્સ, મૅડમ !’ કેવળ ‘ગુડમોર્નિંગ’નું સ્મિત આપી છૂટી પડી જવા માગતી મડમડીને એણે ઘડીક થોભી જવા મજબૂર કરી મૂકી.
‘આપ રેગ્યુલર વૉક લો છો ?’ એ પૂછવા લાગી : ‘એમ જ હોય તો આપણે રોજ સાથે નીકળી શકીએ. આમેય હું તો અર્લીરાઈઝર છું. કંપની નહીં હોવાથી બંગલાના ગાર્ડનમાં જ અડધો કલાક આંટા મારતી રહું છું. થોડું અજવાળું થાય ત્યારે જ બહાર નીકળું છું.’

સુધાંશુને તો દોડવું હતું ને ઢાળ મળી ગયો.
‘આય’મ વૅરી વૅરી ફ્લેક્સીબલ, મે’મ, માનશો ? હું પણ સરખી કંપની નહીં હોવાને લીધે જ નીકળી શકતો નથી. ડૉક્ટરોએ તો ચોખ્ખી વૉર્નિંગ આપી છે – જો જીવવું હોય તો હાથપગ હલાવવા જ પડશે. રોજેરોજ મિનિમમ પિસ્તાળીસ મિનિટ ચાલવાનું રાખો. મૉર્નિંગ વૉક ઈઝ ધ બેસ્ટ રેમેડી – તમારો કાયાકલ્પ થઈ જશે. ચારેક મહિનામાં. આ મેદ-બેદ આપોઆપ ઊતરી જશે. બૉર્ડર લાઈન ડાયાબીટિસ છે, એ પણ કાબૂમાં આવી જશે. બી.પી. તો મૂળમાંથી મટી જશે.’ એણે એક શ્વાસે કેટલું બધું કહી દીધું હતું ! ઓચિંતો જ એને ખ્યાલ આવ્યો કે ‘વનિતા મૅડમ’ એમની રિસ્ટવૉચ ભણી જોઈ રહ્યાં હતાં.
‘ઓહ આય’મ સો સોરી.’ એ બોલ્યો : ‘હોપ, આઈ હૅવ નૉટ ડિસ્ટર્બ્ડ યૉર શેડ્યૂલ !’ એ ગુનેગારની જેમ અદબવાળીને ઊભો હતો !
વનિતા શિયાળાની સવાર જેવું ગુલાબી ગુલાબી હસી પડી : ‘ઈટ્સ ઓ.કે. સર !’ અને પછી ધીમે રહીને પૂછી બેઠી : ‘તમને મારી સાથે કૉફી પીવાનું ફાવશે ને ? બંગલે જઈ મારો પહેલો કાર્યક્રમ ગરમાગરમ કૉફી બનાવવાનો હોય છે. એકલવાઈ જિંદગીમાં કૉફીની હૂંફનું કોઈ જુદું જ મહત્વ હોય છે !’

સુધાંશુ પંડિતને પૃથ્વી ચક્કર-ચક્કર ફરતી હોય એવો રોમાંચક અનુભવ થયો. અઢી મહિનાથી એની પાસેના બંગલામાં ધામા નાખીને પડ્યો છું – જુઓને, નસીબ પણ કેવા કેવા ખેલ રચે છે ! એણે બહુ વિવેકસભર પ્રતિભાવ આપતાં કહ્યું : ‘આપના હાથનું કોઈ પણ પેય કોઈને પણ માટે અમૃત જ બની રહે. પણ પુરુષ તરીકે મારે આપને પહેલું નિમંત્રણ પાઠવવું જોઈતું હતું. વ્હૉટ ડુ યુ સે ? હું આપને પુરુષ નથી લાગતો ?’
‘નો, નો, નો !’ વનિતાના ગાલ પર ખંજન પડી ગયાં. રુઆબભર્યા સ્વરમાં એણે ખુલાસો કર્યો : ‘ઉંમરની રૂએ તમે સિનિયર હશો; પણ હોદ્દાની દષ્ટિએ અને સેક્ટર ઓગણીસના રહેવાસીની રૂએ મારો હક્ક પહેલો લાગે. હું તમારી કૉફી પીવા ચોક્કસ આવીશ. પણ પહેલી વાર તો તમારે જ મારે ત્યાં આવવું પડશે.’ વાતોમાં ને વાતોમાં બંગલો ક્યારે આવી ગયો એની પણ ખબર ન રહી. મૉર્નિંગ વૉકમાં એકલાં નીકળતાં વનિતા મૅડમને પહેલી જ વાર કોઈ પુરુષની કંપનીમાં ચાલતાં જોઈ રોજિંદા વટેમાર્ગુઓને થોડી નવાઈ પણ લાગી.

કૉફીના ટેબલ પર બેસીને વનિતાએ પહેલો સવાલ સુધાંશુની પત્ની વિશે કર્યો :
‘મૅડમ કેમ દેખાતાં નથી જાણે ? જ્યારે જોઉં છું ત્યારે એકલા જ હો છો !’ એણે વિવેક ઉમેરતાં કહ્યું : ‘સ્ત્રી છું ને ? એટલે પેલો અધિકારીનો દરજ્જો ક્યારેક ચૂકી જવાય છે. તમને માઠું તો નથી લાગ્યું ને, પંડિત ? તમારા અંગત જીવનમાં ડોકિયું કરવાનો મને કોઈ જ રાઈટ ન હોય – પણ સાચું કહું, પોતે બહુ દાઝી છું, એટલે કૉફી તો ઠીક, કોલ્ડ્રિંક પણ ફૂંકી ફૂંકીને પીઉં છું.’
‘યુ હૅવ એવરી રાઈટ ટુ પીપ ઈન’ સુધાંશુના હૈયે હતું તે હોઠે આવી ગયું : ‘બલકે હું તો ઈચ્છું કે તમારા જેવી કોઈ હસ્તી મને જિંદગીના હૂલતે મેળેય સમજવા પ્રયત્ન કરે.’ એ શબ્દો ગોઠવવા લાગ્યો ‘શું કહું ? વધુ ભણ્યો એટલે જીવન જીવવાની લાયકાત ગુમાવી બેઠો…. લગ્ન તો બહુ વહેલાં થઈ ગયેલાં. પરંતુ એ બિચારી અભણ હતી. અભણ હોવું એ એની ગેરલાયકાત હતી એમ ગ્રામીણ સમાજમાંથી પહેલવહેલો ઈજનેર બન્યો એ મારી ગેરલાયકાત હતી. આખરે એ તંતુ ત્યાં જ તૂટી ગયો.’

‘સૅડ, વૅરી સૅડ, પંડિત !’ કૉફીની ચુસ્કી ભરી રહેલી વનિતાએ એને આશ્વાસન આપતાં ઉમેર્યું : ‘અદ્દલ એવું જ મારા કેસમાં પણ બનેલું. ફાધર મોટા જાગીરદાર હતા. એકની એક લાડલી માટે એમણે કેવાં કેવાં સપનાં જોયાં હશે – કલ્પી શકો છો. સામું પાત્ર પણ જાગીરદાર પરિવારનું ફરજંદ હતું. એને ફક્ત પત્ની જોઈતી હતી. બલકે જુનવાણી પરંપરા મુજબ પગચંપી કરનારી દાસી – જે હું ન બની શકી. ફાધર જીવતા હતા ત્યાં લગી ટોર્ચરિંગ સહન કરી લીધું. એમની વિદાય પછી મેં એમના વંઠેલ જમાઈને પણ બારણું બતાવી દીધું. એક સનદી અધિકારી થઈને હું ધણીનો જુલમ તો ન જ સહી લઉંને ? પંડિત, ધણીને જાકારો આપ્યાનો અફસોસ મને ત્યારે પણ નહોતો કે આજે પણ નથી. અફસોસ હોય તો ફકત એટલો જ કે કૉર્ટે મારી પાસેથી માસૂમ દીકરો છીનવી લઈ એ માણસને સોંપી દીધો. મેં એને જન્મ આપ્યો હતો પણ કાયદાને મન દીકરો એના પિતાનો વારસ હતો ! એ આઘાતમાંથી ઊગરવા હું પથ્થર એટલા દેવ કરતી રહી, છતાં….’ વનિતા સોલંકીની આંખો રેલાઈ પડી. સુધાંશુએ ઉતાવળે પોતાનો રૂમાલ ધરતાં કહ્યું :
‘રિલેક્સ મૅડમ… પ્લીઈઝ રિલેક્સ. જિંદગી કંઈ સીધુંસપાટ મેદાન થોડું છે ? એમાં ક્યાંક અડાબીડ અરણ્ય પણ મળે, ક્યાંક ખાડાટેકરા પણ હોય…. જે ચાલ્યું ગયું એ વીસરી જવામાં જ શાણપણ છે. બાકી બચ્યું છે એનો મહિમા કરીએ, એ વેડફાઈ ન જાય, એનું ધ્યાન રાખીએ !’

કૉફી પૂરી થઈ ગઈ પણ કથા અધૂરી રહી. પછી બેઉ જણ રોજેરોજ વહેલી સવારે ગાંધીનગરના સૂમસામ રાજમાર્ગો પર એ અધૂરી રહી ગયેલી કથાના તાણાવાણા ગૂંથતાં રહ્યાં. વનિતાએ પહેલા આઘાતમાંથી ઊગરવા ગણતરીપૂર્વકનું બીજું જોખમ વહોર્યું હતું. એની વાત પણ નીકળી. ‘આખરે હું સ્ત્રી હતી, પંડિત ! મારા જમાનાની ખૂબસૂરત યુવતીઓમાં મારી ગણતરી થતી. મેં પુરુષવિહોણી જિંદગી જીવી નાખવાનો સંકલ્પ કર્યો હતો પરંતુ મારી ઉંમર વિદ્રોહ કરી બેઠી. આખરે એક દિવસ પેલો દરજ્જો ગૌણ બની ગયો અને મારામાં કણસતી સ્ત્રી મારા સમગ્ર અસ્તિત્વ પર હાવી થઈ રહી. તમને જાણીને આશ્ચર્ય અને આઘાત જ નહીં, નફરત પણ થાય તો કરવાની છૂટ છે ! કહેવા જ બેઠી છું ત્યારે કશું નહીં છુપાવું. આવડી મોટી ઑફિસર થઈ બીજે ક્યાં જાઉં ? હાજર સો હજૂર – ન્યાયે મેં મારા પર્સનલ સૅક્રેટરી સાથે સંબંધ બાંધ્યો. બિચારો સીધો માણસ. એને માટે તો હું કીડીના મોઢામાં કાલિંગડું હતી !’
‘એને પણ એનો ઘરસંસાર તો હશે ને ?’ પંડિતના હૈયે ઊઠેલો પ્રશ્ન હોઠે આવે એ પહેલાં એનો ખુલાસો પણ મળી ગયો.
‘એણે શરૂશરૂમાં તો ભારે ક્ષોભ અનુભવ્યો, પણ પછી ટેવાઈ ગયો. આખરે બૉસનો હુકમ શિરે ચડાવ્યે જ છૂટકો થયો એનો. પછી તો હુંય એને ખરેખર ચાહવા લાગેલી. પંડિત ! કારણ કે એ માણસે એનું સર્વસ્વ મારી પાછળ હોમી દીધું હતું. એના ઘરે પણ જવાનું થતું. એની ગરીબડી બૈરી તો મને જોઈને અડધી-અડધી થઈ જતી. એની લાડકી દીકરી મારી સામે ન સમજાય એવી નજરે ટગર-ટગર તાકી રહેતી. મારી સાથેની નિકટતાનો એ માણસે ક્યારેય ખોટો ગેરલાભ લેવા કોશિશ કરી હોય એવું નથી બન્યું. નહીંતર હું તો ત્યારે કી પોસ્ટ પર હતી. બે-પાંચ ફાઈલો ક્લિયર કરાવીનેય એ કરોડપતિ બની ગયો હોત…. એણે એમાંનું કંઈ જ ન કર્યું.’

‘પછી ?’ વનિતાને અટકી પડેલી જોઈ સુધાંશુએ માર્મિક સવાલ કર્યો : ‘પછી તમે એને જાકારો કઈ રીતે ભણી શક્યાં ? તમારો હોદ્દો જ આડે આવ્યો હશે ને ?’ પૂછતાં પૂછી તો બેઠો પરંતુ વનિતા મૅડમના ચહેરા પર ઊપસી આવેલા હાવભાવ નિહાળી એણે એક છૂપો થડકારો અનુભવ્યો.
‘જાકારો આપતાં જીવ થોડો ચાલ્યો હશે ?’ વનિતા કહી રહી હતી : ‘એની દીકરીનાં સાસરિયાંએ જ ઑબ્જેક્શન લીધું. દીકરી બિચારી શું બોલે ? બાપની મજબૂરી જાણતી હતી. ન ખમાયું ત્યારે એકવાર હિંમત કરીને અડધી રાતે મારા બંગલે પહોંચી ગઈ. આ રીતે આવેલી જોઈને મને પહેલાં તો નવાઈ લાગી. એનાં સાસરિયાંએ કરિયાવર અંગે કકળાટ કર્યો હશે કે શું ? બાપ આવડી મોટી મૅડમ સાથે સંબંધ ધરાવતો હોય એ જાણ્યા પછી દાઢ સળકી પણ હોય ! મેં એને પ્રેમથી આવકારી ત્યાં જ એ ફસડી પડી. અડધો કલાક લગી હીબકાં ન શમ્યાં. કળ વળી ત્યારે પણ વાત કેવી રીતે કરવી એ નક્કી નહોતી કરી શકતી. ‘તું તારે જે કંઈ મનમાં હોય તે કહી દે, બેધડક !’ મેં એને વચન આપ્યું, ‘તારા બાપુ ભલે મને તારી મમ્મીનો દરજ્જો ન આપી શક્યા હોય, પણ મેં તો તને પહેલવહેલી જોઈ તે જ ક્ષણે દીકરીનો દરજ્જો આપી દીધો હતો.’
‘દીકરી માટે મા કરે એ બધું તમે મારે માટે કરશો ને, માસી ?’
‘જરૂર. એ માટે તારા બાપુને છોડવા પડે એમ હોય તો એની પણ તૈયારી છે.’
એની આંખોમાં ચમક આવી ગઈ. મને બાઝી પડીને એ ગળગળી થઈ ગઈ : ‘માસી, તમારી સાથેના બાપુના સંબંધને કારણે મારે રોજ મેણાં-ટોણાં સાંભળવાં પડે છે ! મારું જીવતર ઝેર કરી મેલ્યું છે એ લોકોએ….’

બસ, એ જ ક્ષણે નિર્ણય લેવાઈ ગયો. ફોન કરીને મેં એના બાપુને કહી દીધું : ‘જગતસિંહ, આજ પછી તમારે મારી ચૅમ્બરમાં નહીં આવવાનું. પર્સનલ સેક્રેટરીનો ચાર્જ તમારે આજે ને આજે જ્યોતિકા શ્રીમાળીને આપી દેવો. ઓ.કે ?’ ફાઈલો પર કઠોર નિર્ણય લેનાર સનદી અધિકારીએ જિંદગીની ફાઈલ સમેટતાં પણ વાર ન લગાડી !
સુધાંશુ હચમચી ગયો.
-‘એ પછીનાં વર્ષો….’ એની જીભ થોથવાઈ રહી : ‘એ પછીનાં વર્ષો દરમિયાન હું અવારનવાર નર્વસ બ્રેકડાઉનનો ભોગ બનતી રહી છું. ઓછામાં ઓછા ત્રણેક પ્રયાસ તો આપઘાતના કરી જોયા. તમે મળવાના બાકી હશો, એટલે બચી ગઈ…..!’

એક વાર મૉર્નિંગ વૉક લેતાં લેતાં બેઉ જણ સરિતા ઉદ્યાનમાં ઊંડાં કોતરોમાં પહોંચી ગયાં. ભેખડો ઊતરી બેઉ જણ એકમેકના સહારે સાબરમતીના પટમાં જઈને બેઠાં ત્યારે ઊગમણું આકાશ અરુણવર્ણી આભા ધરી એમને આવકારી રહ્યું હતું. એકાએક રતુંબડા બાલ રવિનું બિંબ જોઈ વનિતા બોલી ઊઠી : ‘પંડિત, હજી તો સૂરજ ઊગવાની વેળા છે. તમે અને હું જેને સાંજ સમજી બેઠાં છીએ એ જિંદગીને શું વાસંતી સવારમાં ન પલટી શકાય ?’ બેઉ એકમેકની આંખોમાં આંખો પરોવીને કોઈ અગોચર ઉત્તરની પ્રતીક્ષામાં ખોવાઈ ગયાં. સાબરમતીના પટ પર નવજાત સૂરજનાં અજવાળાં નાચી રહ્યાં હતાં.

[ કુલ પાન : 170. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

[poll id=”74″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “સૂરજ ઊગવાની વેળા – કેશુભાઈ દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.