- ReadGujarati.com - http://www.readgujarati.com -

મૂલ્યો, માણસ અને મૉલ – ડૉ. રોહિણી ત્રિવેદી

[‘તથાગત’ સામાયિક જાન્યુઆરી-2013માંથી સાભાર.]

[dc]ગ[/dc]યા રવિવારે હું અમારા રહેણાક વિસ્તારમાં આવેલા શાકભાજી અને કરિયાણાના સુપર માર્કેટ મૉલમાં શાકભાજી લેવા ગયેલી. દર રવિવારે સવારે 7:30 થી 8:00 શાકભાજી લેવા જવું એ અમારા જેવા ઘણા નોકરિયાતનો નિત્યક્રમ બની ગયો છે. સવાર સવારમાં રવિવારે તે સુપર માર્કેટનો સ્ટાફ શાક અને અન્ય વસ્તુઓ ગોઠવતા હોય ત્યાં જ ત્યાં લોકો થેલીઓ લઈને પહોંચી જાય અને ઘણી વાર તો બહાર એકત્ર થયેલી ભીડમાંથી સાંભળવા પણ મળે, ‘જલ્દી કરો, આટલી વાર કેમ કરો છો ? ક્યારનાં બહાર ઊભાં છીએ.’ ઘણાં તો વળી દરવાજાની લગોલગ ઊભાં રહી જાય જેથી તેઓ જ પ્રથમ પ્રવેશ મેળવે જેથી સારું અને તાજું શાક તેમના નસીબમાં આવે.

શાક લેવાની વિદેશી સિસ્ટમ. જોઈએ તેટલું શાક કે ફળ-ફળાદિ પ્લાસ્ટિકની બેગમાં કે બાસ્કેટમાં જાતે લઈ લેવાનું અને જાતે જ વજન કરી, જોઈએ તે પ્રમાણે ખરીદવાનું. તે દિવસે મારી બાજુમાં જે આન્ટી હતાં તેમણે ફુલાવર લીધું તો તેનાં પાંદડાં ને ડાળખાં તોડી લીધાં. અન્ય એક ગૃહિણી આવેલાં. તેમણે કોબીજ ખરીદતી વખતે આજુબાજુમાં નજર કરી અને ચોરીછૂપીથી કોબીજની ઉપરનાં પાંદડાં કાઢી પછી બાસ્કેટમાં ફટાફટ મૂકી દીધી. સામાન્ય રીતે ઘરે શાક સમારતી વખતે કાઢવામાં કે સાફ કરવામાં આવતાં પાંદડાં ને ડાળખાં શાક ખરીદતી વખતે જ હોશિયારીપૂર્વક કાઢી પછી તેઓ વજન કરતા હતાં. આટલું ઓછું હોય એમ એક મહાશયે કેળાં લીધાં તો તે પણ છુટ્ટા કરી અલગ અલગ લીધાં. આ બધું જોઈને હું અવાક જ થઈ ગઈ. કેટલા બુદ્ધિશાળી લોકો ! તે દરેક વ્યક્તિ ખૂબ જ સારી ગૃહસ્થ દેખાતી હતી. તેમાં મોટા ભાગના લોકો મોટરકારમાં આવેલા. શાક ખરીદવાની આવી સિસ્ટમ મને તો ખૂબ અજીબ લાગી. એક દંપતી આવેલાં જેમાંથી પતિદેવ બિલિંગની લાઈનમાં ઊભા રહી ગયા અને પત્ની મહોદય ફરી ફરીને વીણી વીણીને શાક બાસ્કેટમાં મૂકતાં જતાં હતાં. આ તો ‘વિદેશી બોટલમાં દેશી દારૂ જેવી હાલત’.

આ પરિસ્થિતિને પણ આંટી દે તેવું એક સ્માર્ટ લૅડીએ કર્યું. બિલિંગની લાંબી લાઈન હોવાથી થોડી ઘણી વસ્તુઓ બાસ્કેટમાં રાખી લાઈનમાં મૂકી દીધું અને પોતે આમતેમ ફરવાના બહાને બીજી વસ્તુઓ ખરીદી બાસ્કેટમાં મૂકવા માંડી. આ બધું જોઈ મારાથી ચૂપ ના રહેવાયું. મેં તેમને કહ્યું : ‘આ તો કેવું ? તમે આમ ના કરી શકો.’ તો તે સ્માર્ટ દેખાતી મહિલાએ કહ્યું, ‘મને ઘરે ખૂબ જ કામ છે. તેમાં પણ આજે રવિવાર છે એટલે બધા ઘરે રાહ જોઈને બેઠા છે. હું જઈશ ત્યારે બધા બ્રેકફાસ્ટ કરશે.’ મારાથી તેમને કહેવાઈ ગયું કે ઘરે આપણે દસ-પંદર મિનિટ મોડાં પડીશું તો આપણને કોઈ ફરક નહીં પડે. આપણે થોડા ઉદ્યોગપતિઓ છીએ કે પાંચ-દસ મિનિટ મોડા પડવાથી લાખો કે કરોડોનું નુકશાન થવાનું છે ! આ વાત ચાલુ હતી તે દરમિયાન એક દાદા હાથમાં પપૈયું લઈને બિલિંગમાં જેનો ટર્ન હતો તે બહેન પાસે જઈને વિનંતી કરી, ‘મને હોસ્પિટલ જવાનું છે અને બહાર એક પણ ફ્રૂટવાળો નથી અને પપૈયું લઈ મારે અત્યારે હોસ્પિટલ જવું જરૂરી છે, તો પ્લીઝ, મને બિલિંગ કરવા દો….’ તેની વાત સાંભળી સુંદર-મોર્ડન મહિલાએ કહ્યું : ‘એમ ન થઈ શકે. મારી કામવાળી ઘરે આવી જશે અને આમ પણ મારો જ નંબર છે. તમે મારા પછી કરાવી શકો છો, મને કોઈ વાંધો નથી…’ આ દશ્યે તો હદ કરી. મને થયું કે બાળકોને સાથે લઈને આવેલાં માબાપ પણ સમજતાં નથી કે બાળકો આ બધું જોઈને અનુકરણ કરશે અને વળી આપણે માતાપિતા જ બાળકને Good boy- Good girl બનવાના નુસખા અને મંત્ર શીખવાડીએ છીએ. (કેટલી વિચિત્રતા !)

પ્રસ્તુત કિસ્સાઓમાં દરેક વ્યક્તિ ઉચ્ચ મધ્યમ વર્ગ કે ઉચ્ચશિક્ષિત છે પરંતુ તેઓનું વર્તન એક અભણને પણ શરમાવે એવું છે. શોરૂમમાં સેલ દરમ્યાન ઘણીવાર જે સ્કીમમાં ન હોય તેવી વસ્તુઓને પોતાની આગવી હોશિયારીથી ખરીદતા અને બહાર આવી ઈડરીયો ગઢ જીત્યા હોય તેટલી ખુશી વ્યક્ત કરતા જોઈએ છીએ. આપણું સામાન્ય ઓબ્ઝર્વેશન છે કે કહેવાતી મોર્ડન મમ્મીઓ મોલમાં શોપીંગ દરમ્યાન બાળક કંઈ ખાદ્યપદાર્થ લે તો તેને રોકવાને બદલે તે પડીકાં ખોલીને ખવરાવી દે છે અને કહે છે કે, આ મૉલવાળા તો એક યા બીજી રીતે આપણી પાસેથી પૈસા વસૂલ કરી જ લેતા હોય છે !

સામાન્ય રીતે બાળકનાં વ્યક્તિત્વ વિકાસ એટલે કે સર્વાંગીણ વિકાસ માટે આપણે શિક્ષણને જવાબદાર ગણાવીએ છીએ. શિક્ષણ દ્વારા બાળકનો શારીરિક, સામાજિક, નૈતિક, સાંસ્કૃતિક એમ અનેક પાસાઓનો વિકાસ થાય છે એ વાત સાચી પરંતુ ઘર અને વડીલ સ્વજનો પણ એટલા જ જવાબદાર છે. ઘર-પરિવાર એ અનૌપચારિક શિક્ષણની પ્રથમ સંસ્થા છે. બાળકનાં જીવનઘડતર અને સંસ્કાર સિંચનનો શુભારંભ ઘર અને પરિવારનાં સભ્યો દ્વારા થાય છે. તેમાં પણ મૂલ્યો અને સંસ્કારનો વિકાસ માતા-પિતાનાં હસ્તક છે. અત્રે માતા-પિતા કે વડીલો જે આવું બેદરકારભર્યું વર્તન કરશે તો બાળકોને મૂલ્યો કઈ રીતે શીખવી શકાશે. વિદ્યાર્થીના દરેક પ્રકારના વર્તન અને ભણતર માટે માત્ર શાળા કે શિક્ષકો જ જવાબદાર નથી પણ તેના માતા-પિતા અને પરિવારજનો પણ એટલા જ જવાબદાર છે.