જલદીપ – અવંતિકા ગુણવંત

[ સત્યઘટના : ‘નવચેતન’ સામાયિક જુલાઈ-2012માંથી સાભાર. આપ અવંતિકાબેનનો (અમદાવાદ) આ નંબર પર +91 79 26612505 સંપર્ક કરી શકો છો.]

[dc]બ[/dc]નાસકાંઠામાં દાક્તરી કરતા પિતાના હૈયે ઉમંગ હતો, મહત્વાકાંક્ષા હતી કે પોતાનો દીકરો જલદીપ પણ ડૉક્ટર બને અને સુખ, સામર્થ્ય, સમૃદ્ધિથી એની જિંદગી છલકાઈ જાય. પરંતુ જલદીપ ડૉક્ટર નથી બન્યો તેમ છતાં જલદીપની જિંદગી સાર્થક થઈ છે. જલદીપે એની પેઢીના બહુમતી યુવાનોની જેમ ડોક્ટર બનીને, વિદેશ જઈને લાખો-કરોડો રૂપિયા કમાવાનાં સ્વપ્નાં કદી નથી જોયાં. એ તો દઢપણે માને છે કે મને તક મળી એટલે હું ખૂબ ભણું અને જીવનના રાજમાર્ગ પર દોડી જાઉં. પણ આપણી આજુબાજુ ઘણા કમભાગી લોકો એવા વસે છે જેમને પ્રગતિ કરવાની કોઈ તક મળી નથી, તેઓ બધી રીતે વંચિત છે. આવા કમભાગ્યવાળાના દુઃખે જલદીપને હચમચાવી નાખ્યો અને એ ગુજરાત વિદ્યાપીઠનો વિદ્યાર્થી બન્યો. એણે ગ્રામશિલ્પીનો કોર્સ કર્યો અને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પેઢામલી ગામમાં જઈ વસ્યો અને લોકસેવાનો યજ્ઞ આદરે છે.

પેઢામલી ગામમાં મુખ્યત્વે દેવીપુત્રો, રાવળ અને દલિત ઠાકોરોની વસ્તી. તેઓ મોટાભાગે ખેતરોમાં મજૂરીનું કામ કરે. ગામની જમીનના માલિકો ગામમાં રહેતા નહિ તેથી ગામમાં વિકાસનાં કોઈ કામ નહિ થયેલાં. જલદીપે આ પેઢામલી ગામને પોતાના કાર્ય માટે પસંદ કર્યું. ગ્રામશિલ્પી એટલે શરૂમાં તો એક પ્રકારની નોકરી જ હતી. પગાર ઓછો પણ સ્વતંત્રતા ઘણી. સાથે સાથે જવાબદારી તો આખા ગામના ઉત્કર્ષની. સાવ પછાત ગામને પોતાનું કાર્યક્ષેત્ર બનાવતાં પહેલાં જલદીપે એમની માની સંમતિ લીધી, અને પેઢામલી જઈ પહોંચ્યા. જલદીપભાઈ ગામમાં તદ્દન નવા. ગામના મંદિરની ધર્મશાળામાં બિસ્તરા-પોટલાં મૂક્યાં.

ગામનાં છોકરાંઓ કુતૂહલથી આ નવા માણસ પાસે આવે અને વાતો કરે. જલદીપભાઈ મૂંઝાતા હતા કે કામનો આરંભ કેવી રીતે કરવો ? શું કરવું, કોને મળવું, પણ છોકરાંઓ સાથેની વાતચીતમાંથી જાણ્યું કે બધાં જ છોકરાંઓ નિશાળે જતાં નથી, ભણતાં નથી પણ ગુટખા ખાવાના વ્યસને ચડ્યાં છે. આરોગ્ય કે સ્વચ્છતા બાબતે કશું જાણતાં નથી. હવે કયું કામ કરવું એનો ખ્યાલ જલદીપને આવવા માંડ્યો. હવે તો ચોતરફ લોકહિત માટે કરવા જેવાં કામો દેખાવા માંડ્યાં. જલદીપ પાસે દસેક વર્ષનો એક છોકરો વિનોદ આવ્યો. વિનોદને કાનમાં દુઃખે. ડૉક્ટર પિતાના દીકરા જલદીપ થોડીક દવાઓ રાખતા હતા. તેમાંથી વિનોદના કાનમાં દવાનાં ટીપાં નાખ્યાં અને દુઃખાવાની દવા આપી. પણ ખાસ ફરક ન પડ્યો. જલદીપ પોતે વિનોદને વિજાપુરના દવાખાને લઈ ગયા. ડૉક્ટરે તપાસ કરીને કહ્યું કાનની અંદર સડો બહુ વધી ગયો છે, માટે ઑપરેશન કરાવવું પડશે. ગરીબીરેખા નીચે જીવતા લોકો પાસે બી.પી.એલ.નું કાર્ડ હોય તો સિવિલ હૉસ્પિટલમાં ઑપરેશન મફત થાય. બી.પી.એલ. કાર્ડ તો હતું નહિ. હવે ખરી કસરત શરૂ થઈ. તાલુકામાં મામલતદારને વાત કરી અને તેમણે લખી આપ્યું. જે ઑપરેશન 25,000 રૂપિયામાં થાત એ ઑપરેશન લગભગ મફત થયું. છોકરાનો કાન સારો થઈ ગયો. આ ઘટના પછી આખા ગામમાં જલદીપની વાહવાહ થઈ ગઈ. બાળકો જલદીપ પાસે નિયમિત આવવા માંડ્યાં. જલદીપ એમને વાર્તાઓ કહે અને બાળવાર્તાઓનાં પુસ્તકો વાંચવા આપે. બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળવા માંડ્યું. બાળકોની રીતભાત સુધરી.

હવે જલદીપભાઈએ બાળકોની બૅંક શરૂ કરી – બાળકો માટે, બાળકોના પૈસાથી, છોકરાંઓ એમની પાસે રૂપિયો, બે રૂપિયા ભેગા થાય એ બૅંકમાં આવીને જમા કરે. દરેક છોકરાને પાસબુક આપી. છોકરાંઓનો ઉત્સાહ વધ્યો. બચત વધવા માંડી. બૅંકમાં વધારે ને વધારે રકમ જમા થવા માંડી. જલદીપે જાણકારી મેળવી કે ગામનાં બહુ ઓછાં છોકરાંઓ હાઈસ્કૂલમાં ભણે છે. કેમ ? તો જાણવા મળ્યું કે હાઈસ્કૂલ પાસેના ગામમાં છે, ત્યાં જવા વાહન જોઈએ. સાઈકલ લઈને જઈ શકાય પણ સાઈકલમાં વારંવાર પંક્ચર પડે અને મરામતનો ખર્ચો પોષાય નહિ. જલદીપે કહ્યું : ‘આપણી બૅંકમાં એક હજાર કરતાં પણ વધુ રકમ છે તો આપણે સાઈકલ સ્ટોર કરીએ. આપણે પંક્ચરનાં સાધનો વસાવીએ, પંપ વસાવીએ.’ છોકરાંઓ પંક્ચર કરતાં શીખી ગયાં અને સાઈકલ સ્ટોર શરૂ કર્યો. હવે છોકરાંઓ હાઈસ્કૂલમાં ભણવા જવા માંડ્યાં. ગામલોકોમાં જલદીપનું માન વધી ગયું. હવે જલદીપે છોકરાંઓને સ્વચ્છતાના પાઠ ભણાવ્યા અને ગુટખાથી થતા નુકશાનની વાત કરીને કહ્યું : ‘ગુટખા ન ખાઓ અને જે પૈસા બચે તે બેંકમાં જમા કરાવો.’ છોકરાંઓ ખૂબ ઝડપથી વ્યસન ભૂલીને પૈસા બચાવવા માંડ્યાં. પુરુષાર્થ અને વિશ્વાસના પાયા પર જલદીપના કામનો વ્યાપ વધતો ગયો. બે વર્ષના અંતે જલદીપે કાયમ માટે પેઢામલીમાં જ વસવાનું નક્કી કર્યું.

મહંમદ યુનુસનું પુસ્તક ‘વંચિતોના વાણોતર’ દ્વારા ગામડાની આર્થિક સમસ્યા અંગે જલદીપને ઘણી જાણકારી મળી હતી. જ્યારે ‘પલ્લી સમાજ’ પુસ્તક દ્વારા ગામની વચ્ચે ગામના થઈને કેવી રીતે રહેવું તે સમજાયું હતું. અને ‘શ્યામચી આઈ’ પુસ્તક વાંચ્યા પછી મમ્મી પ્રત્યેનો આદર વધ્યો. કુટુંબ સાથેના સંબંધો જાણે વધુ પ્રફુલ્લિત થયા. પોતે જે વાંચે એની વાર્તા બાળકોને કહીને જલદીપ સંસ્કારસિંચન કરતા. હવે જલદીપભાઈએ બહેનોનું બચતમંડળ શરૂ કર્યું જેમાં 35,000 રૂપિયા જેટલી બચત થઈ. ગામની એક બહેનને ગર્ભાશયનું કૅન્સર થયું હતું. આવું બીજા કોઈ બહેનને ન થાય એ માટે સ્ત્રીરોગ નિદાન કૅમ્પ કર્યો. સ્ત્રીરોગના પાંચ નિષ્ણાત ડૉક્ટરોને બોલાવ્યા હતા. કુલ 90 બહેનોને તપાસી અને દવા આપી. ગામનાં ભાઈ કે બહેનની કૅન્સરની સારવાર વિના મૂલ્યે થાય તેવી વ્યવસ્થા ગોઠવી. જલદીપે ગામમાં પુસ્તકાલય શરૂ કર્યું. અભ્યાસ છોડી દેનારા વિદ્યાર્થીઓને ફરી શાળાએ જતા કર્યા.

જલદીપનાં માબાપ પોતાના યુવાન દીકરાનાં લગ્ન માટે વિચારે એ સ્વાભાવિક છે. જલદીપની લગ્ન માટે ના ન હતી પણ એ ગામડું છોડવા તૈયાર ન હતા. હવે ગામડામાં રહેવા આજની કઈ આધુનિક શિક્ષિત યુવતી તૈયાર થાય એ પ્રશ્ન હતો. પણ નવાઈ, પાલનપુરની સ્નેહલ જે સોહામણી છે, ડબલ ગ્રૅજ્યુએટ અને સંસ્કારી છે એને જલદીપનાં આદર્શ અને કાર્ય પસંદ પડી ગયાં. એ જલદીપ સાથે લગ્ન કરવા તૈયાર થઈ. જલદીપ એનાં માબાપનો એકનો એક દીકરો છે. માબાપ દીકરાનાં લગ્ન ધામધૂમથી કરવા ઈચ્છે એ સ્વાભાવિક છે. પણ જલદીપ સાદાઈ ઈચ્છે. તેમણે એમના પિતાની સંમતિથી, સૌ સગાંવહાલાં અને મિત્રમંડળને પત્ર લખીને જાણ કરી કે ‘અમે લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યાં છીએ’ અને મંદિરમાં લગ્નવિધિ કરી. આ જ અરસામાં અજય નામનો આ પેઢામલી ગામનો છોકરો આખો દિવસ રખડે અને જે મળે તે ખાય. એનો બાપ દારૂડિયો અને મા ઘર છોડીને બીજે જતી રહેલી. આ છોકરાની પ્રેમભરી કાળજી લેનાર કોઈ નહીં. જલદીપે એને પોતાના ત્યાં રાખ્યો અને આજે અજય સ્નેહલ અને જલદીપનો દીકરો બનીને એમની સાથે રહે છે.

પોતાના સ્વાવલંબન માટે જલદીપ ખેતી કરે છે. તેઓ નિયમિત એક કલાક કાંતે છે અને એક કલાક વાંચે છે. જલદીપે આસપાસનાં પાંચ ગામમાં પણ શિક્ષણનું કામ શરૂ કર્યું છે. સ્નેહલ એમના કામમાં સહયોગ આપે છે. જલદીપે લોકોને દાન યોજના આપવા કરતાં સશક્તીકરણ પર ભાર મૂક્યો છે. આ કામ કરવું એટલે સમાજની સાથે રહી, જીવન જીવવાની શૈલીમાં બદલાવ લાવવો.

ક્રમશઃ જલદીપ આગળ વધી રહ્યા છે અને પેઢામલી ગામની રોનક બદલાઈ રહી છે. સ્વપ્નું સાકાર થઈ રહ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “જલદીપ – અવંતિકા ગુણવંત”

Copy Protected by Chetan's WP-Copyprotect.