જીવક – કિશોર પારેખ

[ આમ તો આ વાર્તા બાળકો કે કિશોરો માટેની છે પરંતુ તેમાં રજૂ થયેલી તર્કબદ્ધ વાતો સૌ કોઈને રસ પમાડે તેવી છે. જાણે કોઈ રહસ્યમય વાર્તા જેવી આ કથા રોમાંચક છે ! પ્રસ્તુત વાર્તા 1998માં કુસુમ પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલા ‘ખોવાયેલાં ચંપલ’ નામના પુસ્તકમાંથી સાભાર પ્રકાશિત કરવામાં આવી છે. આ પુસ્તક વિશેની વધુ માહિતી હાલમાં ઉપલબ્ધ નથી.]

[dc]શ[/dc]ક્તિશાળી યોદ્ધા રાજા બિંબિસારની અમાપ કીર્તિ સમસ્ત વિશ્વમાં વ્યાપી રહી હતી. એના સૌથી નાના પુત્રનું નામ જીવક હતું. પહેલા બે રાજકુમારો અત્યંત શક્તિશાળી અને કુશળ યોદ્ધા હતા. પહાડી જંગલી જાતિઓથી પોતાના રાજ્યનું રક્ષણ કરવામાં અને અરણ્યોમાં ભયંકર અને ક્રૂર પ્રાણીઓનો શિકાર કરવામાં પાછી પાની ન કરે એવા હતા. પરંતુ જીવક મોટા ભાઈઓથી સાવ જુદો હતો.

તે બુદ્ધિશાળી અને નમ્ર હતો. એને યોદ્ધાઓ પ્રત્યે કે શૌર્ય બતાવતાં કાર્યો પ્રત્યે વિશેષ રુચિ નહોતી. એ તો એકાન્તપ્રિય હતો. અને કોઈની સાથે બિનજરૂરી વાત ભાગ્યે જ કરતો. બિંબિસાર આ પુત્ર માટે વિશેષ ઉદાસીન રહેતા. એક વાર એમણે જીવકને પૂછ્યું : ‘શું જીવનમાં તારું કોઈ ધ્યેય નથી ? મેં તો તને કદી તારા ભાઈઓ સાથે રમતાં નિહાળ્યો નથી અને કોઈ દિવસ એમની સાથે મૃગયા ખેલવા જવા માટે તત્પર થતો પણ નથી જોયો…..’
જીવકે નમ્રતાપૂર્વક કહ્યું : ‘પિતાજી, એક વિદ્વાન અને વૈદ્યરાજ બની જીવન વ્યતીત કરવાની મારી હાર્દિક ઈચ્છા છે.’
‘વત્સ, રાજકુમારો વૈદ્ય બનવાની વૃત્તિ રાખે એ શોભાસ્પદ નથી.’
‘પરંતુ પિતાજી, કોઈ રાજકુમાર જો વિદ્વાન બનવા ઈચ્છે તો એમાં વાંધો શો છે ?’
‘વાંધો તો કાંઈ નથી….. તારું એ કથન મને માન્ય છે. પણ મારી સમજમાં એ નથી આવતું કે આજીવિકા રળવાનું તારે ન હોવા છતાં સ્વજનોનો ત્યાગ કરી દેશાટન માટે કેમ તૈયાર થયો છે ? તું બાળક છે. તારા વડીલ બંધુઓની માફક તારા સંરક્ષણ પૂરતી યોગ્યતા હજુ તારામાં નથી આવી.’
જીવકે નમ્રતાપૂર્વક કહ્યું : ‘પણ પિતાજી, હું વેશ બદલીને કોઈ બીજા રાજ્યમાં આશ્રય લઈશ, જ્યાં સૌ મારાથી અપરિચિત હશે. હું કોણ છું એ કોઈ નહિ જાણવા પામે. આપ મારે વિશે નિશ્ચિંત રહેજો.’
‘તારા આ પવિત્ર ઉદ્દેશને હું સ્વીકારું છું, કુમાર ! તું ગુરુજનો પ્રત્યે સદા હૃદયમાં વિનમ્ર ભાવ રાખજે. તારાથી જે વધુ વિદ્વાન હોય એના પ્રત્યે શ્રદ્ધા રાખવી અને દરેક પાસેથી શિક્ષણ ગ્રહણ કરવું, દરેક વસ્તુનું બારીકાઈથી નિરીક્ષણ કરવું અને પોતાની બુદ્ધિ પ્રમાણે કાર્ય કરવું. તને મારો આશીર્વાદ છે. તારી મનોકામના પૂર્ણ થજો.’

પોતાનાં માતાપિતા, ભાઈઓ તથા બાંધવોની વિદાય લઈને, જીવક પર્યટન માટે વેશ બદલીને અરધી રાતે ઘરની બહાર નીકળી પડ્યો. ખૂબ સમય ચાલ્યા બાદ માર્ગમાં એક બ્રાહ્મણની કુટિર આવી. બ્રાહ્મણે હૃદયપૂર્વક એનું સ્વાગત કર્યું અને નમ્રતાથી પૂછ્યું : ‘આપ કોણ છો અને ક્યા ઉદ્દેશથી પ્રિયજનોનો તમે ત્યાગ કર્યો છે ?’
જીવકે કહ્યું : ‘મારી અંતરની અભિલાષા છે કે હું એક વિદ્વાન બનું.’
‘અત્યંત હર્ષની વાત છે. થોડાક દિવસ સુધી મારા શિષ્ય તરીકે રહ્યા બાદ તારી આ ઈચ્છા અવશ્ય પૂર્ણ થઈ શકશે.’ લગભગ એક વર્ષ સુધી બ્રાહ્મણની પાસે રહીને, તે અનેક શાસ્ત્રોમાં પારંગત થઈ ગયો. ત્યાર બાદ તેની રજા લઈ તે આગળ વધ્યો. વિદાય થતાં પહેલાં બ્રાહ્મણે એને કહ્યું :
‘પાસેની પહાડીઓમાં કેટલીક ભયંકર અને ક્રૂર જાતિઓ રહે છે. કેટલોક વખત તું એમની સાથે રહે. પગનાં ચિહ્નોની મદદથી શ્વાપદોની શોધ કરવામાં તેઓ અત્યંત નિપુણ છે. આ વિદ્યાથી તને જરૂર લાભ થશે. આ ઉપરાંત તું મારા ભાઈનો આશ્રય લે. તે એક પ્રખ્યાત વૈદ્યરાજ છે. વનૌષધિઓની સહાયથી ખોપરી ખોલીને મસ્તકની વિકૃતિઓ દૂર કરી દેવામાં તે ખૂબ નિપુણ છે. આ વિદ્યા પ્રાપ્ત કરવા ઉપરાંત ચમકતા મરકતની શોધમાં જવું જોઈએ. એની સહાયતાથી તું એ સરળતાપૂર્વક જાણી શકીશ કે દુઃખી વ્યક્તિને કઈ જાતનું કષ્ટ છે. એની વેદનાનું કારણ પણ તું સહેલાઈથી તરત જ જાણી શકીશ. હું તને આશિષ આપું છું. તું તારાં કાર્યોમાં સફળ થજે.’

બ્રાહ્મણની આજ્ઞા માથે ચડાવી, જીવકે એનું બરાબર પાલન કર્યું. કેટલોક સમય તે પર્વત-નિવાસી જંગલી જાતિઓની સાથે રહ્યો. જ્યારે તે લોકોએ જોયું કે જીવક અત્યંત સુશીલ અને સદાચારી છે. ત્યારે તેણે હૃદયથી તેનું સ્વાગત કર્યું. તેમણે પગનાં ચિહ્નો પરથી પ્રાણીની ઓળખ અને તેની શોધનો રસ્તો શિખવાડ્યો. ત્રણ વર્ષ સુધી આ જંગલી જાતિઓ સાથે રહી તે આ વિદ્યામાં પણ નિષ્ણાત થઈ ગયો. આ જંગલી જાતિઓની વિદાય લઈને તેણે એક બ્રાહ્મણ ભિષગનો આશ્રય લીધો. અહીં બે વર્ષ રહી, મસ્તક ખોલીને એની કઠિન બીમારીઓનો ઈલાજ કરવાની વિદ્યા તેણે પ્રાપ્ત કરી લીધી. બ્રાહ્મણ ભિષગ પોતાના આ ચતુર, કુશાગ્ર બુદ્ધિવાળા અને નમ્ર શિષ્યથી અત્યંત પ્રસન્ન હતો. વિદાય દેતી વખતે એણે જીવકને કહ્યું : ‘હવે તારે વૃક્ષના ગર્ભમાં ઢંકાઈ રહેતા, જ્યોતિર્મય મરકતની શોધ કરવી જોઈએ. એની છાલ હંમેશાં પરિમલયુક્ત રજથી પૂર્ણ રહે છે. અને એનાં લાકડાં લોઢા જેવાં કઠણ અને ભારે હોય છે.’ પોતાના ગુરુના આશીર્વાદ લઈને જીવક દક્ષિણ દિશામાં ચાલ્યો. અનેક મેદાનો, નદીનાળાં અને જંગલો પાર કરીને તે એક વૃદ્ધ બ્રાહ્મણની ઝૂંપડી પાસે પહોંચ્યો. બ્રાહ્મણ પોતાની પ્રાતઃકાળની પૂજા-અર્ચનાથી નિવૃત્ત થઈ ઝૂંપડીની સામે સડક પાસે બેઠો હતો. નમ્રતાપૂર્વક જીવક એની પાસે જઈ બેઠો. થોડી વાર સુધી બન્ને ભગવદભક્તિ-વિષયક ચર્ચા કરતા રહ્યા. પછી જીવકે પોતાનું મૂળ નામ છુપાવીને પોતાના ભ્રમણનો ઉદ્દેશ અને સંપૂર્ણ વૃત્તાંત તેને કહ્યો.

બધું સાંભળી પછી બ્રાહ્મણે કહ્યું :
‘તારી વાતોથી લાગે છે કે તું એક નિષ્ણાત નિરીક્ષક છે. હું તારી વિદ્વત્તાની પરીક્ષા લઉં. શું તું એ બતાવી શકીશ કે આજ સવારથી કયું કયું પ્રાણી આ ઝૂંપડી પાસેથી નીકળ્યું છે ?’
‘જી ! હું તુરત જ આપને આ વિષય પર કહી શકીશ.’ અને સુમધુર મંદ હાસ્યની એક સુંદર રેખા જીવકના ઓષ્ઠ પર ખેલવા લાગી. કેટલીક ક્ષણો સુધી માર્ગનું સુક્ષ્મ નિરીક્ષણ કરીને તે પાછો આવ્યો અને કહેવા લાગ્યો :
‘આજે સવારે એક કઠિયારો આ બાજુથી નીકળ્યો હતો. એના મસ્તક પરનો બોજ એને માટે ખૂબ જ ભારે હતો, કારણ કે તે અશક્ત અને અત્યંત દુર્બળ હતો.’
‘તારી વાત સાચી છે.’
‘ત્યાર બાદ અહીંથી એક સાંઢણી ગઈ છે. અને કોઈ સ્ત્રી એને લઈ ગઈ છે. એ સાંઢણી લંગડી હતી. એનો પાછલો ડાબો પગ જખમી હતો અને જમણી આંખ ફૂટી ગઈ હતી, એના ઉપર એક બાજુ ઘઉં લાદ્યા હતા અને બીજી બાજુ મધ હતું.’
‘તદ્દન સાચું કહી રહ્યો છે તું.’ બ્રાહ્મણના આશ્ચર્યની સીમા ન રહી.
ધીમું હસતાં જીવક આગળ કહેવા લાગ્યો : ‘થોડી વાર પછી એક માણસ બળદગાડી ચલાવતો અહીં આવ્યો. ઉતાવળ હોવાને લીધે બળદોને કોરડાથી તે ફટકારી રહ્યો હતો. એની પાસે એક કૂતરો પણ હતો, જે ઊછળીઊછળીને બળદ પ્રતિ ભસી રહ્યો હતો.’
‘જો એ સમયે તમે મારી પાસે બેઠા હોત, તો જે કાંઈ તમે કહ્યું છે એથી વધુ કાંઈ દેખાત નહિ.’
‘પછી,’ જીવકે કહેવું પુનઃ શરૂ કર્યું : ‘એક ચોર પાસેની ઝાડીમાંથી બહાર નીકળ્યો. જ્યારે તેણે તમને જોયા ત્યારે ક્ષણભર તો તે સ્તબ્ધ બની ગયો. પણ એને તમે ન દેખી શક્યા ને એ ચૂપચાપ ચાલ્યો ગયો. પણ તે ઘાયલ હોવાને લીધે વધુ દૂર નહિ ગયો હોય….’
‘હું ચોર વિષે કંઈ પણ નથી જાણતો….’ બ્રાહ્મણે હજુ આટલું કહ્યું ન કહ્યું ત્યાં તો સિપાહીઓ ઝાડીમાંથી એકદમ સામેના માર્ગ પર આવી ઊભા. ખુલ્લી આંખે બેય બાજુ બરાબર જોવા છતાં કઈ દિશામાં જવું એ કેટલીક ક્ષણો સુધી નક્કી ન કરી શક્યા.

ક્ષણવાર વેધક દષ્ટિથી તેમને જોઈ, જીવકે આગળ ચલાવ્યું, ‘રાત્રે રાજમહેલમાં ચોરે પ્રવેશ કર્યો હતો. આ ત્રણ સેવક રાજપ્રહરીઓમાંના છે. તેમણે તેનો પીછો પકડ્યો અને એને જંગલમાં પ્રવેશતો દેખી એમાંના એકે બાણથી એને ઘાયલ કર્યો. પરંતુ પોતાને ઝાડીઓમાં છુપાવી, આ પ્રહરીઓને કોઈ પ્રકારે ભુલાવી ચોરે પોતાનો ઘા બાંધી દીધો.’ બ્રાહ્મણ અને જીવકને સામે બેઠેલા દેખી એ ત્રણે દોડતાં તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા :
‘તમે કોઈ માણસને અહીંથી જતો દેખ્યો છે ?’
બ્રાહ્મણે ડોકું હલાવી ‘ના’ પાડી દીધી. પણ જીવક તુરત જ બોલી ઊઠ્યો, ‘એને ગયાને હજુ એક ઘડી પણ નથી થઈ. એ એક ચોર છે જેને તમે શોધી રહ્યા છો. એ બાણથી ઘાયલ પણ થયો છે. તમે એને જંગલમાંથી શા માટે ભાગી જવા દીધો ?’
‘તમે ચોર સાથે આ વિષે વાતચીત કરી છે ?’ એક સંત્રીએ પૂછ્યું.
‘ના, મેં તો એને દેખ્યોય નથી.’
‘તો પછી તમે કેવી રીતે જાણી લીધું કે અમે ચોરને જ શોધી રહ્યા છીએ અને એ ચોર ઘાયલ પણ છે ?’
‘એ બધું હું તમને પછી કહીશ. તમે તુરત જ આ ડાબા માર્ગે જાઓ. ચોર વધુ દૂર નહિ ગયો હોય, તમને આટલામાં જ ક્યાંક મળી જશે.’
‘તમે ભલે કબૂલ ન કરો પણ તમે એના વિષે કંઈક વધુ જાણો છો…’ એક સંત્રી કહેવા લાગ્યો, ‘તમે અમારી સાથે ચાલો….’
‘જેવી તમારી ઈચ્છા…’ નમ્રતાથી તેણે કહ્યું અને તેમની સાથે જવા માટે તૈયાર થયા પછી બ્રાહ્મણ તરફ ફરી કહ્યું : ‘હું જ્યાં સુધી પાછો ન આવું, ત્યાં સુધી કૃપા કરી તમે અહીં જ રહેજો.’

એ પછી માર્ગનું નિરીક્ષણ કરતાં કરતાં તે પ્રહરીઓની આગળ આગળ ચાલવા લાગ્યો. પ્રહરીઓ એને જાતજાતના પ્રશ્નો પૂછવા લાગ્યા, પણ ચોર સાવધ થઈ જાય એ ભયે તેણે તેમને શાંત રહેવાનો ઈશારો કર્યો અને પછીથી તેમની બધી શંકાઓનું નિવારણ કરવાનું વચન આપ્યું. એ બધા ચૂપચાપ તેની સાથે ચાલવા લાગ્યા. થોડી વાર બાદ એક ખંડિયેર પાસે આવી પહોંચ્યા. જીવકે તેમને શાંત રહેવાનું કહી, પેલા ખંડિયેર ભણી ઈશારો કર્યો. તે ત્રણેય ધીમેધીમે ચૂપકીથી એ તરફ આગળ વધ્યા. ત્યાં પ્રવેશતાં જ તેમણે ચોરને એક ખૂણામાં ગાઢ નિદ્રામાં સૂતો નિહાળ્યો. સંત્રીઓએ તેને તુરત જ કેદ કરી લીધો અને બહાર લઈ આવ્યા.
‘તું ચોરીને લાવ્યો છે એ રત્ન ક્યાં છે ?’ એક પ્રહરીએ પૂછ્યું.
‘કેવું રત્ન ?’ મુખ પર ભોળપણના ભાવ લાવી તે કહેવા લાગ્યો, ‘તમારો આશય હું સમજ્યો નહિ. તમારે મારી પાસેથી શું જોઈએ છે અને શા માટે મને આ રીતે કેદ કર્યો છે ?’
‘તેં રાજમહેલમાંથી જાદુનું રત્ન ચોર્યું છે.’
‘હરગિજ નહિ. તમે ભૂલ કરી રહ્યા છો. તમે એક બિલકુલ અજાણ વ્યક્તિને કેદ કરી લીધી છે.’
‘અજાણ કેમ ? તારો જ શું પીછો અમે જંગલમાં નહોતો પકડ્યો ? અને જાંઘમાં તીર વાગવાથી શું તું ઘાયલ નહોતો થયો ? હવે તેં એ ઘા બાંધી લીધો છે.’
‘કમભાગ્યે હું જ તે માણસ છું, જેને તમે ઘાયલ કર્યો હતો. પણ વિશ્વાસ રાખો, હું આપના ચોરાયેલા રત્નની બાબતમાં કાંઈ પણ નથી જાણતો. એ સમયે હું જંગલમાં સૂઈ રહ્યો હતો. તમારા દોડવાનો અવાજ સાંભળી હું તમને લૂંટારા સમજ્યો અને મારા જીવના રક્ષણ માટે નાસ્યો. પણ નાસતી વખતે જ્યારે તમે મને ઘાયલ કરી દીધો, ત્યારે વિવશ બની મારે ઝાડીનું શરણું સ્વીકારવું પડ્યું. મને ડર હતો કે તમે મને પકડી પાડશો, તો મારો જીવ પછી બચાવી શકાશે નહિ.’

પ્રહરીઓને એની વાત પર વિશ્વાસ બેસી ગયો. એમાંના એકે કહ્યું :
‘આ સાચેસાચ જો ચોર નહિ હોય, તો આપણને આપણી મૂર્ખતા માટે દંડ મળશે.’ જીવક અત્યાર સુધી શાંત હતો. તે ઘૂંટણભેર એ માણસ પાસે બેસી ગયો અને તેના હાથપગનું બારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યો. પછી એનો ઘા ખોલી એણે એમાં એક પ્રકારની વનસ્પતિ મસળીને લગાવી દીધી અને પછી સાવધાનીપૂર્વક પટ્ટી બાંધી દીધી. આ પર કેદીએ મુક્તકંઠે આશીર્વાદ દેતાં કહ્યું :
‘મને ઘાની હવે જરા જેટલીયે પીડા નથી થતી.’
‘શું તમે આને ઓળખો છો ?’ જીવકને એક પ્રહરીએ પૂછ્યું.

જીવકે કહ્યું : ‘આ પહેલાં મેં આ માણસને કદી દેખ્યો પણ નથી, તોપણ એના વિષે હું જે કાંઈ જાણું છું એ સર્વ તમોને કહું છું. આ એક કુંભાર છે. પાછલી રાતે રાજઉદ્યાનમાં પ્રવેશ કરી એક અશોકવૃક્ષ પર ચઢી એણે અર્ધી રાત સુધી પોતાની જાતને એની શાખાઓમાં છુપાવી રાખી. ત્યાર બાદ ધીરે ધીરે નોકરોની ઝૂંપડીઓનાં બાજુમાં થઈને રાજમહેલમાં ઘૂસ્યો. મુખ્ય રસોઈયા પાસે તે હંમેશાં ઘડા વેચવા જતો હતો એથી માર્ગથી તે પરિચિત જ હતો. જ્યાં રત્ન રાખ્યું હતું એ ખંડમાં ચૂપચાપ રાતના અંધારામાં એ ચાલ્યો ગયો. ખંડ મૃગચર્મોથી ભર્યો છે. રત્ન પ્રાપ્ત થયા બાદ બારી વાટે મહેલની બહાર તે નીકળી આવ્યો અને પાસે જ લટકતી વૃક્ષની એક ડાળી પકડી ઊતરવા લાગ્યો. પણ દુર્ભાગ્યે એ શાખા તૂટવાથી એ ધબ કરતો નીચે પડ્યો. પળવાર એ અસહાય અવસ્થામાં આવી જ રીતે પડ્યો રહ્યો. પછી મહેલમાં શોરબકોર સાંભળતાં જ એ બગીચાની દીવાલ કૂદી જઈ જંગલ તરફ નાસ્યો. વાદળોથી મુક્ત થઈ ચંદ્ર હવે સ્પષ્ટ રીતે પ્રકાશી રહ્યો હતો. એના અજવાળામાં એ તમને દેખાયો અને તમે એનો પીછો પકડ્યો. જંગલમાં પ્રવેશ કરતાં તમે ઘણાં તીર છોડ્યાં, જેમાંના એકે તેને ઘાયલ કરી દીધો. એની જાંઘમાં જખમ થયો. તુરત જ એક ગીચ ઝાડીની તેણે ઓથ લીધી. જ્યાં તમે એને શોધતા ત્યાંથી આગળ નીકળી ગયા, ત્યારે તે ઊભો થયો અને પોતાના ઘાને બાંધી રાજમાર્ગ તરફ આગળ વધ્યો. રસ્તામાં એક ઝૂંપડીની સામે એક બ્રાહ્મણને બેઠેલો જોઈ એ ઝૂંપડીની પાછળ છુપાઈ ગયો. પટ્ટી ઢીલી થઈ જવાથી તેણે બરાબર બાંધી. પણ વધુ લોહી વહેવાથી તે અશક્ત થઈ ચૂક્યો હતો. પાસે જ આ ભગ્નાવશેષ ખંડિયેરને જોઈ તેમાં તેણે છુપાવાનો નિશ્ચય કર્યો, પણ ખંડિયેરમાં પ્રવેશતાં પહેલાં જ તેણે એ રત્ન માટીના ખાડામાં છુપાવી દીધું છે.’

ચોર આશ્ચર્યચકિત બની જીવક તરફ જોઈ રહ્યો હતો. તે એકાએક ચીસ પાડી ઊઠ્યો :
‘તમે જરૂર કોઈ જાદુગર છો !’
જીવકે કહ્યું : ‘હવે કૃપા કરીને અમોને એ સ્થાન પર લઈ જા, જ્યાં તે રત્ન છુપાવ્યું છે.’ પ્રહરીઓએ તેને મુક્ત કર્યો અને ચૂપચાપ ઊઠીને તે ઝૂંપડીની પાછળ એક ખાડા પાસે જઈ ઊભો રહી ગયો. એ ખાડા પરનો પથ્થર હટાવી, ભીની માટીનો એક ગોળો તેણે બહાર કાઢ્યો. એ ગોળાના બે ટૂકડાં કરતાં જ તે રત્ન બહાર નીકળી આવ્યું. જીવકે એ લઈને પ્રહરીઓને સોંપી દીધું. પ્રહરી અને સાથે ચોર પણ જીવક જેવા વિદ્વાન પુરુષનો સાક્ષાત્કાર થવાથી આશ્ચર્યથી પરેશાન થઈ રહ્યા હતા. ખૂબ જ આદર સાથે તેઓ તેને બ્રાહ્મણ પાસે પાછો લઈ ગયા. બ્રાહ્મણે પૂછ્યું :
‘તમને ચોર પાસેથી ખોવાયેલું રત્ન પાછું મળી ગયું ને ?’
‘હા, ગુરુદેવ ! પણ જો આ વિદ્વાન મહાપુરુષ અમારી સાથે ન હોત તો અમે કદી સફળ ન થઈ શકત.’ પછી જીવક તરફ ફરીને તે કહેવા લાગ્યા : ‘કૃપા કરી આપનો પરિચય આપી અમને કૃતાર્થ કરો.’ એની સાથે ચાલતાં ચાલતાં તેમને પોતાનું એક નવું જ નામ આપી જીવક કહેવા લાગ્યો :
‘તમારું કામ હું કરી ચૂક્યો. કૃપા કરી હવે મને આજ્ઞા આપો.’ પ્રહરીઓએ શ્રદ્ધાપૂર્વક એને પ્રણામ કર્યા. પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. જીવક બ્રાહ્મણની પાસે જઈ બેસી ગયો.

થોડી વાર પછી બ્રાહ્મણે પૂછ્યું : ‘વત્સ, કૃપા કરીને હવે મને સંપૂર્ણ વૃત્તાંત સંભળાવ.’
જીવકે આદિથી અંત સુધી સંપૂર્ણ વૃત્તાંત સંભળાવ્યું.
‘પરંતુ તને કઠિયારો, સાંઢણી અને ગાડીવાન અહીંથી ગયાં એ વાતની ખબર કેમ પડી ?’
જીવકે કહ્યું : ‘કોઈ પણ વસ્તુનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવાનો મને અભ્યાસ જ થઈ ગયો છે. હમણાં મેં જે કાંઈ તમને કહ્યું છે એ બધું રસ્તા પર મારી આંખોથી પ્રત્યક્ષ નિહાળ્યું છે. એ કઠિયારાના પગનાં ચિહ્નોનું મેં નિરીક્ષણ કર્યું છે. એડીનાં નિશાન ઘેરાં હતાં, એથી એમ માલૂમ પડતું હતું કે એના પગ કૃશ હતા, એથી મેં ધાર્યું કે એ કઠિયારો ખૂબ જ દુર્બળ હશે. માર્ગમાં ચાલતાં ચાલતાં તે આમતેમ ઘૂમતો જતો હતો. એ એના મસ્તક પર ભાર હોવાનું પ્રમાણ હતું. અને એ કઠિયારો હતો એ મેં એવી રીતે જાણ્યું કે અહીંતહીં લાકડાની છાલના કટકા વેરાયા હતા.’
‘ઠીક છે, પરંતુ કઠિયારાની પછી સાંઢણી અહીંથી ગઈ, એ તેં કેમ જાણ્યું ?’
‘આ તો ખૂબ સરળ પ્રશ્ન છે, ગુરુદેવ ! એ કઠિયારાનાં પદચિહ્નો પર ક્યાંક ક્યાંક સાંઢણીનાં પદ-ચિહ્નો પડ્યાં હતાં.’
‘એ સાંઢણીનાં જ પદ-ચિહ્નો છે એ કેમ માલૂમ પડ્યું ?’
‘એ તો એ ચિહ્નોના નિરીક્ષણ પરથી.’
‘પરંતુ સાંઢણી લંગડી છે, એ તેં કેમ જાણ્યું ?’
‘કારણ કે એના પાછલા ડાબા પગનાં ચિહ્નો બીજા પગનાં ચિહ્નોની સાથે સરખાવતાં અસ્પષ્ટ હતાં. એનાથી સ્પષ્ટ થતું હતું કે એના ડાબા પગમાં જરૂર કંઈક ચોટ લાગી છે.’
‘પણ એની જમણી આંખ ફૂટેલી છે, એ કેમ જાણ્યું ?’
‘જે બાજુથી તે ગઈ હતી, એ બાજુની ડાબી કિનારી પરનાં વૃક્ષોનાં પર્ણો તેણે ખાધાં છે, પણ જમણી બાજુનાં વૃક્ષો એમ ને એમ સલામત છે. એ બાજુનાં પાંદડાં કે શાખા તેણે કાપ્યાં નથી.’
‘અને એક સ્ત્રી તેને લઈ જઈ રહી હતી એ કેમ જાણ્યું ?’
‘કારણ કે સ્ત્રીઓના પગનાં નિશાન પુરુષના પગનાં નિશાન કરતાં તદ્દન જુદાં જ હોય છે.’
‘સાંઢણી પર એક બાજુ ઘઉં અને બીજી બાજુ મધ હતું એ કેમ જાણ્યું ?’
‘અહીંથી થોડે દૂર સાંઢણી ઝૂકી હતી. ત્યાં આસપાસ થોડા ઘઉંના દાણા વેરાયેલા હતા. અને બીજી બાજુ કીડીઓની હાર લાગી હતી. તેમજ થોડી મધમાખીઓ ઊડી રહી હતી. સ્ત્રી ત્યાં સુધી તો સાંઢણી પર જ બેઠી હતી પણ ત્યાર બાદ તે સાંઢણીને દોરીને લઈ ગઈ. વળી સ્ત્રી સગર્ભા હતી, કારણ કે પેશાબ કરતી વખતે ભૂમિ પર તેણે પોતાનો હાથ ટેકવ્યો હતો !’
‘વારુ, મને એ બતાવ કે તને એ કેમ ખબર પડી કે સાંઢણીના ચાલ્યા ગયા બાદ અહીંથી એક ગાડું પસાર થયું હતું ?’
‘કારણ કે ક્યાંક ક્યાંક સાંઢણીના પગનાં નિશાનો ગાડાનાં પૈડાંથી કચરાયાં છે.’
‘અને એ કેમ ખબર પડી કે ઉતાવળમાં હોવાને લીધે ગાડાવાળો બળદોને ફટકારી રહ્યો હતો ?’
‘કારણ કે બળદની ખરીઓનાં નિશાન બધી જગ્યા પર સરખા અંતરે નથી. જ્યારે ગાડાવાળો ફટકારતો હતો, ત્યારે તેઓ ઊછળી-ઊછળીને ભાગતા હતા. જેથી ખરીઓનાં નિશાન કંઈક પાસે પાસે અને વધુ ઘેરાં બન્યાં છે. કૂતરાના પગનાં નિશાનોથી એ સહેલાઈથી માલૂમ પડતું હતું કે તે ઊછળી-ઊછળીને બળદ તરફ ભસી રહ્યો છે. આથી પગનાં નિશાનોનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને હું એ નિર્ણય પર આવ્યો કે ક્રોધી અને ઉતાવળો ગાડાવાળો ઉતાવળે તેમને હાંકવા ઈચ્છતો હતો અને એથી એને ફટકારતો જતો હતો. અને સાથે જ પોતાના કૂતરાને એના તરફ ભસવા પ્રેરતો હતો.’

‘હવે આ બધું કેટલું સહેલું લાગે છે !’ બ્રાહ્મણ કહેવા લાગ્યો, ‘પણ મારી સમજમાં એ નથી આવતું કે એ ચોરના વિષયમાં તું સઘળું કેવી રીતે જાણી શક્યો ? એ તેં કેમ જાણ્યું કે એ ઝાડ પર છુપાઈને બેઠો હતો અને નોકરોની ઝૂંપડીઓના માર્ગે મહેલમાં ઘૂસ્યો હતો અને જે ખંડમાં રત્ન રાખ્યું હતું, એ મૃગચર્મોથી ભરેલો હતો ? કૃપા કરીને મને બતાવ કે તેં કેમ જાણ્યું કે બારી બહાર નીકળી વૃક્ષની શાખાની મદદથી તે નીચે ઊતર્યો અને એના એકાએક તૂટવાથી પૃથ્વી પર પડી કેટલીક ક્ષણો એમ જ પડ્યો રહ્યો અને પછી ઊઠીને જંગલની બાજુ નાસ્યો. અને એ કેમ જાણ્યું કે માર્ગમાં મારી કુટિર સમીપ તે આવ્યો અને મને ધ્યાનસ્થ જોઈ એ માટીના ખાડા તરફ ગયો, જ્યાં તેણે રત્નને ભીની માટીના ગારામાં સંતાડી પોતે ખંડિયેરમાં જઈ છુપાયો ?’

જીવક કહેવા લાગ્યો : ‘સૌથી પહેલાં મેં એના પગનાં નિશાનોનું નિરીક્ષણ કર્યું, જે જંગલથી શરૂ થઈ રાજમાર્ગ સુધી ગયાં હતાં. બળદની ખરીઓનાં નિશાનો ઓળંગી તે પંજા પર દોડતો રહ્યો, જેથી મને એ જાણવામાં જરા પણ મુશ્કેલી ન પડી કે તે ગાડાના ગયા બાદ આવ્યો હતો. તમને ધ્યાનાવસ્થામાં બેઠેલા દેખી રસ્તામાં તે ત્રણ વાર અટકીને ઊભો રહી ગયો હતો અને જ્યાં જ્યાં તે આમ ઊભો રહ્યો હતો, ત્યાં તેના પગનાં સંપૂર્ણ નિશાન અંકિત થઈ ગયાં હતાં અને જ્યારે એણે ભાગવું શરૂ કર્યું ત્યારે કેવળ એના પંજાનાં જ નિશાન અંકિત થયાં, એડીઓનાં નિશાન નહિ. એને ગુનેગાર પુરવાર કરવા એ પૂરતાં છે. તમે એને જોઈ શકતા હતા, પણ તમે જોયો નહિ, એથી મેં નિર્ણય બાંધ્યો કે એ સમયે જરૂર તમે ધ્યાનસ્થ રહ્યા હશો.’
‘આશ્ચર્ય, ખૂબ આશ્ચર્ય ! પણ હવે મને એ બતાવ કે જ્યારે તું ખંડિયેર પાસે પહોંચ્યો, ત્યારે બધી ઘટનાનો તને ખ્યાલ કેમ આવી ગયો ?’
‘મેં ખૂબ જ બારીકીથી એનાં શરીર, હાથ, પગ, વાળ, નખ, વગેરેનું અવલોકન કર્યું. સાથે જ મેં એના ઘાની અને એ પર બાંધેલી પટ્ટીની એટલી જ સુક્ષ્મ તપાસ કરી.’
‘પરંતુ એથી તું એ નિર્ણય પર કેવી રીતે આવ્યો ?’
‘એના જમણા હાથની ચીકણી હથેળી જોઈ મેં અનુમાન કર્યું કે તે જરૂર કુંભાર હશે. એના ડાબા હાથની હથેળી ખરબચડી હતી. કુંભાર પોતાના ચાકને ડાબા હાથે જ ઘુમાવે છે અને એ રીતે તેની હથેળી ખબચડી અને કઠણ થઈ જાય છે. એના વાળમાં અશોકનાં બીજ વીખરેલાં પડ્યાં હતાં. રાજઉદ્યાન સિવાય ક્યાંય પણ અશોકવૃક્ષ મળવું અસંભવિત હતું અને જ્યાં સુધી કોઈ વસ્તુ એની સાથે ન અથડાય ત્યાં સુધી એ બીજ ખરતાં નથી. તેથી એના કેશમાંનાં બીજને જોઈ હું એ નિર્ણય પર આવ્યો કે તે જરૂર ઉદ્યાનના અશોકવૃક્ષ પર ચડ્યો હશે અને એની શાખાઓ સાથે મસ્તક અથડાયું હશે. મુખ્ય દ્વારથી મહેલમાં પ્રવેશવાની એની હિંમત ન થાય, કારણકે ત્યાં સશસ્ત્ર દ્વારપાળો ચોકી કરે છે. એવી જ રીતે દરેક દ્વાર પર દ્વારપાળો હોવાને લીધે એ સિદ્ધ થાય છે કે જરૂર તે કોઈ દીવાલની ઓથે મહેલમાં પ્રવેશ્યો હશે. એના પગના અંગૂઠાઓમાં લાલ માટી ભરી પડી હતી અને મહેલમાં સેવકોનાં ઘરની આસપાસ રોજ લાલ માટી પાથરવામાં આવે છે. આ ઉપરાંત એ કુંભાર હોવાના કારણે મેં ધાર્યું કે જરૂર તે ઘડા વગેરે વેચવાના બહાને મુખ્ય રસોઈયાને મળતો રહ્યો હશે. રાજમહેલમાં વારંવાર આવ-જાને કારણે સેવકોના મુખે એ રત્નની વિગત પણ તેને માલૂમ પડી હશે. મહેલમાં પ્રવેશ કર્યા બાદ તે કાંઈક ગભરાઈ ગયો, જેથી તેનું શરીર પરસેવે નાહી રહ્યું. એના શરીરનું નિરીક્ષણ કરતાં મેં જોયું કે તેના શરીર પર જ્યાં ત્યાં મૃગચર્મના વાળ લાગેલા છે. અંગૂઠા પર પણ આ જાતના વાળ લાગ્યા હતા. જરૂર તે મૃગચર્મો પર કેટલીક ક્ષણો સૂતો હશે, તે એટલે સુધી કે એના ઘાની બાંધેલી પટ્ટીમાં પણ એ વાળ ચોંટેલા હતાં.’
‘પરંતુ તે બારી દ્વારા મહેલની બહાર નીકળ્યો એ કેમ જાણ્યું ?’
‘એના બંને હાથો હરિત, લીલા અને લાલ રંગથી રંગાયા હતા, જે એનાં પાન અને પુષ્પોના કચડાવાથી થયા હશે. એ ઉપરાંત તેના ડાબા હાથની બે આંગળીઓ અને જમણા હાથની એક આંગળી એવી રીતે કપાયેલી હતી કે જાણે કોઈએ એને દોરીથી ખૂબ મજબૂત બાંધી હોય. લતા જેવી કુમળી ચીજ દ્વારા કોઈ ઊતરવા ચાહે તો એ તૂટે જ. મારી આ વાતની સત્યતાની ખાતરી કરવા મેં એના બંને થાપાના ઉપરના ભાગની તપાસ કરી. તેની ડાબી કોણી અને ડાબા કાન પર પડ્યાનાં સ્પષ્ટ ચિહ્નો હતાં. ક્યાંક ક્યાંક થોડા છોલાયા પણ હતા. એના મસ્તક પર ડાબી બાજુ લાગેલી કાળી માટીએ મારા એ અનુમાનને પુષ્ટિ આપી કે જરૂર તે ત્યાંથી પડીને જમીન પર કેટલીક ક્ષણો એમ ને એમ પડ્યો રહ્યો હશે; નહિ તો કાળી માટી એના વાળમાં આ રીતે ચોંટત નહિ. જો તેને જોરથી વાગ્યું ન હોત તો તે કદાપિ આ રીતે નિશ્ચલ પડ્યો ન રહ્યો હોત.’
‘અદ્દભુત ! અદ્દભુત !! રોજિંદા વ્યવહારમાં તારી આ અવલોકનશક્તિ અને તર્કશક્તિ જોઈ હું અત્યંત પ્રસન્ન થયો છું.’

જીવન ફરી કહેવા લાગ્યો : ‘મેં એના ઘૂંટણ પર છોલાવાનાં નિશાન જોયાં, જે મૃગચર્મ પર સૂવાને લીધે વધુ દુઃખદાયક થઈ પડ્યાં હશે. મૃગચર્મોના વાળ એને બરાબર ચોંટી ગયા હતા. એથી મેં નિર્ણય બાંધ્યો કે તે ઉતાવળે દીવાલ પર ચઢ્યો હશે. મેં એ પણ જોયું કે તેના જમણા પગની આંગળીઓના ત્રણ નખ અંદરની બાજુ વળી ગયા હતા. એમાં ચોંટેલી લાલ માટી જોઈ મેં તર્ક બાંધ્યો કે મહેલ છોડ્યા બાદ એ આમ વળી ગયા હશે. દ્વાર પર પ્રહરી સજાગ પહેરો દઈ રહ્યા હતા, એથી સ્વાભાવિક છે કે તે દીવાલ ઓળંગવાનો પ્રયાસ કરે અને જોખમ આવે છે એવી શંકા પડ્યા વિના આટલી જલદી દીવાલ કોઈ ન ઓળંગત.’
‘પણ તેં એ કેમ જાણ્યું, કે દીવાલ ઓળંગ્યા બાદ જ ચંદ્રોદય થયો ?’
‘એ તો તદ્દન સામાન્ય વાત છે. પહેલાં તો પ્રહરી અંધારામાં એને કદી દેખત નહિ; બીજું, અંધારામાં કોઈ કદી બાણ ચલાવે નહિ અને આ માણસ તીરથી ઘાયલ થયો હતો.’
‘વાસ્તવિક રીતે તારો તર્ક અદ્દભુત છે. એણે પોતાનો અપરાધ કબૂલ કરી લીધો એમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. એ તો જરૂર તને કોઈ જાદુગર સમજ્યો હશે. હવે મારી માત્ર એક જ શંકા છે, એનું પણ સમાધાન કરી દે.’
‘પૂછો.’
‘તેં કેમ જાણ્યું કે તેણે એ રત્ન ખાડામાં છુપાવી દીધેલું છે ? તું તો એ ખાડા પાસે ગયો પણ ન હતો.’
‘કેટલાંક વર્ષો પહેલાં જ્યારે હું અહીંથી નીકળ્યો હતો, ત્યારે પણ એ ખંડિયેરની પાછળ ખાડો જોયો હતો. એ ખાડાની બીજી બાજુ પણ કેટલાંક જીર્ણ મકાનો છે. આગળના વખતમાં કેટલાક કુંભાર પોતાનાં બાળબચ્ચાં સહિત એ મકાનોમાં રહેતા હતા, પરંતુ ત્યાંની માટી જ્યારે વાસણ બનાવવાને યોગ્ય ન રહી, ત્યારે બીજી જગ્યાએ ચાલ્યા ગયા. આ કુંભારચોરનો જન્મ કદાચ એમાંના જ કોઈ મકાનમાં થયો હશે. અને જન્મે કુંભાર હોઈ એ અમૂલ્ય રત્ન છુપાવવાને માટીનો ખાડો ઉપયોગી સમજે તો આશ્ચર્ય નહિ.’
‘હું અત્યંત પ્રસન્ન છું કે તું આ પ્રકારે તર્કની સહાયથી સત્ય હકીકતનો પત્તો લગાવી શક્યો. હવે મારી એક હાર્દિક ઈચ્છા છે અને તે એ કે કેટલોક કાળ તું મારી સાથે રહે, જેથી હું સ્વેચ્છાપૂર્વક તારી સાથે વાતો કરી શકું. ભોગજોગે ઘણાં વર્ષો બાદ તારા જેવા વિદ્વાન યુવકની આજ ભેટ થઈ.’
‘પણ ગુરુદેવ, હમણાં મને ક્ષમા કરો. પાસેની ધર્મશાળામાં જવું મારે માટે બહુ આવશ્યક છે. કારણ કે એ દૂબળો કઠિયારો જે લાકડાનો ભારો લઈ ગયો તે હું ખરીદવા ઈચ્છું છું.’
‘પણ તું એને ખરીદીને શું કરીશ ?’
‘મારી સાથે ચાલો; તમને આપમેળે માલૂમ પડી જશે.’

બ્રાહ્મણ જીવક સાથે ચાલ્યો. જ્યારે તેઓ ધર્મશાળામાં પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે દૂબળો માણસ સામે જ બેઠો છે. બેઠોબેઠો ખૂબ જ દીનતાપૂર્વક રસ્તા ભણી નજર કરી રહ્યો હતો કે કોઈ એનાં લાકડાંનો ખરીદનાર મળે તો જ તે અન્ન ભેળો થાય.
જીવકે તેને પૂછ્યું : ‘આ ભારી વેચવી છે ?’
‘હા. માલિક.’
‘શું કિંમત લઈશ ?’
એથી એણે જે કિંમત બતાવી તે જોકે વધારે હતી તોપણ જીવકે એ ભારે ભારી વેચાતી લઈ લીધી અને એને લઈ એ બ્રાહ્મણને ઘેર પાછો આવ્યો. ઘેર આવીને તે એકેએક લાકડું ધ્યાનથી જોવા લાગ્યો. અંતે તેણે એક લાકડું પસંદ કરી કાઢ્યું. એને ફાડતાં જ એ જેની શોધમાં હતો એ મણિ તેને મળ્યો.
બ્રાહ્મણના આશ્ચર્યની સીમા ન રહી, ‘આ કયું રત્ન છે ?’ તેણે પૂછ્યું.
‘આ એક અમૂલ્ય મણિ છે. જેની પાસે આ મણિ હોય છે તે એક મહાન વૈદરાજ થઈ જાય છે. દર્દીના શિર પર આ રાખતાં જ એ વીજળીની માફક ચમકવા લાગે છે અને રોગીને થતાં કષ્ટોની જાણ સરળતાથી થઈ શકે છે.’
‘મારી ઈચ્છા છે કે એક વાર આ મણિની પરીક્ષા કરું.’

એની પરીક્ષા માટે બ્રાહ્મણને વધુ સમય રાહ ન જોવી પડી. થોડી જ વારમાં એક ભિખારી ચીસો પાડતો અને માથું ધુણાવતો ત્યાં આવી પહોંચ્યો. એને રોતો જોઈ બ્રાહ્મણે પૂછ્યું :
‘ભાઈ, શેનું દુઃખ છે તને ?’
પેલાએ કહ્યું : ‘ઓહ ! મારા મસ્તકમાં ખૂબ જોરથી વેદના થઈ રહી છે. જાણે કોઈ અંદર ને અંદર સેંકડો સોયા ન ભોંકતું હોય !’
‘શું તું મને તારા મસ્તકની પરીક્ષા કરવા દઈશ ?’ જીવકે ઉત્સુકતાથી પૂછ્યું.
તે મનુષ્ય ચૂપચાપ જીવકની પાસે આવીને બેસી ગયો. અને જીવકે એ મણિ એના મસ્તક પર રાખી દીધો. કેટલીક ક્ષણો બાદ તે કહેવા લાગ્યો, ‘એક કાનખજૂરો કાનમાં થઈ અંદર ઘૂસી ગયો છે અને મગજ ફોલી રહ્યો છે.’
‘ઓહ ! મને બચાવો. મહારાજ, મારી રક્ષા કરો.’
જીવકે એક ખાડો ખોદી તેને તેમાં ઊભા રહેવા કહ્યું. પછી એ વ્યક્તિના ગળા સુધી એ ખાડાને માટીથી ભરી દીધો જેથી તે હલીચલી ન શકે. પછી વનૌષધિઓ લગાવી એના માથાને ઉપરથી ખોલી નાના ચીપિયાની મદદથી કાનખજૂરાને પકડી બહાર ફેંકી દીધો અને પછી સાવચેતીપૂર્વક પટ્ટી બાંધી દીધી. જ્યારે એ માણસને ખાડામાંથી બહાર કાઢી કાંઈ પથ્ય ખોરાક આપવામાં આવ્યો ત્યારે એણે કહ્યું : ‘હવે મને આરામ છે.’ સ્વસ્થ થતાં તે જીવકને સેંકડો ધન્યવાદ દેતો પોતાને રસ્તે પડ્યો.

બ્રાહ્મણે કહ્યું : ‘હજુ એ મણિની એકાદ વાર પરીક્ષા કરી હોય તો ?’
એમ બોલે છે એટલામાં જ ત્યાંથી એક માણસ બૂમબરાડા નાખતો નીકળ્યો. બ્રાહ્મણે તેને બોલાવ્યો અને પૂછ્યું : ‘ભાઈ, તને વળી શાનું કષ્ટ છે ?’
એ માણસ બોલ્યો : ‘હું ઢેઢગરોળી ગળી ગયો છું, મને પીડા થઈ રહી છે. વેદનાથી હું કંપી રહ્યો છું. કોઈ ઉપાય બતાવશો ? ભલભલા વૈદ્યો અને ભિષગોને મળ્યો તોય ઉપાય મળ્યો નથી એટલે હવે આ નગર છોડી બીજે જઈ રહ્યો છું.’ જીવકે ચિકિત્સા કરવાની ઈચ્છા દર્શાવી. પેલો માણસ તુરત જ કબૂલ થયો. જીવકે તેના શરીરનું બારીક અવલોકન કર્યું. તેના મસ્તક પર પેલો મણિ રાખી જોયો ને જરા મૂંઝવણમાં પડ્યો. પછી પૂછ્યું :
‘તને બરાબર ખબર છે કે તું ઢેઢગરોળી ગળી ગયો છે ?’
‘મહારાજ, લાચાર છું કે પાછળથી ખબર પડી કે ઢેઢગરોળી ગળી ગયો….’ જીવકે જોયું. કાંઈક વિચાર કરી લીધો અને પછી ઝૂંપડીમાં ગયો. ત્યાં જોયું. બહાર થોડે સુધી જઈ આવ્યો. એ દરમ્યાન બ્રાહ્મણ પેલા માણસ સાથે વાતો કરતો રહ્યો. એટલામાં જીવક આવ્યો. પેલા માણસને કાંઈક વનૌષધિ ખવડાવી. તુરત જ તે માણસને ઊલટી થઈ. જીવકે એક થાળીમાં એને ઊલટી કરવા કહ્યું હતું. બ્રાહ્મણે અને એ માણસે જોયું તો ખરેખર ઊલટીમાં એક મરેલી ઢેઢગરોળી નીકળી હતી. એ માણસે કહ્યું : ‘હાશ, હવે મને આરામ થયો. ભાઈ, ઈશ્વર તમારું કલ્યાણ કરે !’ અને જીવકને આશીર્વાદ દેતો દેતો પાછો નગર ભણી ચાલ્યો ગયો.

એના ગયા બાદ બ્રાહ્મણે જીવકને પૂછ્યું :
‘આવડી મોટી ઢેઢગરોળી એ કેવી રીતે ગળી ગયો હશે ?’
‘ગુરુદેવ, વાત એમ હતી કે તેણે ઢેઢગરોળી ગળી જ નહોતી. મેં ખૂબ જ અવલોકન કરીને જોયું હતું.’
‘તો પછી ઊલટીમાં ઢેઢગરોળી નીકળી ક્યાંથી ?’
‘હવે જો એ માણસને કહી દઉં કે એ તો માત્ર ભ્રમ છે અને વસ્તુતઃ તું તો સાજો-સારો છે તો એ વાત એને ગળે ઊતરે એમ નહોતી, એટલે હું આટલામાં તપાસ કરી એક મરેલી ઢેઢગરોળી શોધી લાવ્યો અને તેને ઊલટી કરાવી ઊલટીમાં તે ન જાણે તેમ ઢેઢગરોળી સરકાવી દીધી.’
‘ઓહો ! ત્યારે એનો રોગ શારીરિક નહિ પણ માનસિક હતો !’
‘હા, ગુરુદેવ.’
‘જો કોઈ રાજાને આ વાતની જાણ થઈ જાય તો તે તને જરૂર તેનો પ્રધાન રાજવૈદ્ય બનાવે.’ બ્રાહ્મણે હજુ આટલું કહ્યું ન કહ્યું ત્યાં તો ત્રણે પ્રહરી જે થોડી વાર પહેલાં ચોરને લઈ ગયા હતા, તે દોડતાં દોડતાં એ ઝૂંપડી પાસે આવ્યા. એના સરદારે જીવકને નમ્રતાપૂર્વક કહ્યું :
‘તમારા આ અનોખા નિરીક્ષણ-કૌશલ્યની વાત સાંભળતાં જ અમારા મહારાજે આપને તુરત જ તેમની સમક્ષ તમોને લઈ જવા આજ્ઞા કરી છે. તમને મળવાને તેઓ બહુ જ આતુર છે. શું તમે કૃપા કરી અમારી સાથે આવશો ?’
‘જરૂર જરૂર…..’ અને તે બ્રાહ્મણની વિદાય લઈ પ્રહરીઓની સાથે રાજમહેલ તરફ ચાલી નીકળ્યો.

રાજાને અર્બુદ થઈ ગયું હતું, જેથી મસ્તક ખૂબ જ મોટું દેખાઈ રહ્યું હતું. સઘળા રાજવૈદ્ય હતાશ થઈ ગયા હતા. કોઈ તેને સારો નહોતા કરી શકતા. જ્યારે જીવક રાજાની પાસે પહોંચ્યો ત્યારે રાજાએ તેને પૂછ્યું :
‘શું તમે તુરત જ વ્રણ સારા કરવાની કોઈ ઔષધિ જાણો છો ?’
‘જી, સમ્રાટ, જાણું છું.’ નમ્રતાથી પણ અવાજ બદલાવીને જીવકે કહ્યું, કારણ કે તેને ભય હતો કે સમ્રાટ તેને કદાચ ઓળખી જાય. સૌથી પહેલાં જીવકે એ અર્બુદને પકાવવા પોટીસ તૈયાર કરી અને પછી મણિની સહાયથી એ જાણ્યું કે ક્યા વખતે એને સરળતાથી કાઢી શકાય એમ છે. અર્બુદ હવે ઠીક ઠીક મોટું થઈ ગયું હતું. તેણે તુરત જ સમ્રાટને સ્નાનાગારમાં લઈ જઈ સ્નાન કરવા આદેશ આપ્યો. જ્યારે સમ્રાટ સ્નાન કરવા લાગ્યા ત્યારે તેણે એક પ્રકારની વનસ્પતિ મેળવેલું ગરમ પાણી રેડવું શરૂ કર્યું. આશ્ચર્યની વાત, એની મેળે જ બહાર નીકળી આવ્યું ! સમ્રાટને જરા પણ માલૂમ ન પડ્યું કે નસ્તરનો પ્રયોગ થયો છે. એને કોઈ જાતનું કાંઈ જ કષ્ટ થયું નહિ.
‘હવે તમે મસ્તક પર હાથ ફેરવી જુઓ.’ તેણે સમ્રાટને કહ્યું.
અને રાજાએ મસ્તક પર હાથ ફેરવ્યો તો તેના આશ્ચર્યની સીમા ન રહી. અર્બુદનું ત્યાં નામનિશાન નહોતું. તેણે તુરત જ દર્પણ મંગાવ્યું અને જોયું. પણ ઘણા પ્રયત્ન કરવા છતાંયે મસ્તક પર ક્યાં અર્બુદ હતું એ એને દેખાયંથ નહિ.

ભોજન બાદ રાજાએ પોતાની સભાના સભ્યોને કહ્યું : ‘આ યુવક ભિષગે મને સ્વાસ્થ્ય અર્પ્યું છે. હવે હું સંપૂર્ણ સ્વસ્થ છું. મને કોઈ જાતનું કષ્ટ નથી. હું આજથી તને મારો પ્રધાન રાજવૈદ્ય નીમવા ઈચ્છું છું.’ પછી જીવકને પોતાની સભામાં બોલાવી, સમ્રાટે કહ્યું :
‘હે માનનીય ભિષગ, આજથી હું તને મારા રાજવૈદ્ય તરીકે નિયુક્ત કરું છું. મારા અમૂલ્ય રત્નને શોધીને ચોરને કેદી બનાવવામાં તેં જે સહાય કરી છે તેનો યોગ્ય બદલો પણ દઈશ. હવે કૃપા કરીને મને એ બતાવ કે તું કોણ છે ? ક્યાંથી આવે છે અને આ કિશોરાવસ્થામાં આટલી વિદ્યા તું ક્યાંથી શીખ્યો ?’
‘સમ્રાટ, મારા પિતાજીની આજ્ઞાનું બરાબર પાલન કરવાથી હું આ વિદ્યા પ્રાપ્ત કરી શક્યો. એમની આજ્ઞા હતી કે દેશવિદેશમાં ભ્રમણ કરીને વિદ્યા ઉપાર્જન કરું અને પ્રત્યેક વસ્તુનું નિરીક્ષણ કરીને મારી બુદ્ધિ તીક્ષ્ણ બનાવું.’
‘કોણ છે તારા પિતા ? શું છે એમનું શુભ નામ ?’
ત્યારે સમ્રાટના ચરણો પાસે મસ્તક નમાવી, જીવકે કહ્યું : ‘સમ્રાટ, હું જીવક છું.’

આ સાંભળતાં જ સમ્રાટના હર્ષની સીમા ન રહી !

[સમાપ્ત]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “જીવક – કિશોર પારેખ”

Copy Protected by Chetan's WP-Copyprotect.