- ReadGujarati.com - http://www.readgujarati.com -

મિનલનું ભોળપણ – આરતી જે. ભાડેશીયા

[ રીડગુજરાતીને આ ટૂંકીવાર્તા મોકલવા બદલ આરતીબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે aarti2704@yahoo.com સંપર્ક કરી શકો છો.]

[dc]હું[/dc] કૉલેજમાં લેક્ચર લઈ રહી હતી. જીવવિજ્ઞાનનો પાઠ ચાલુ હતો ત્યારે જ ફોન આવ્યો કે મિનલને બાબો આવ્યો છે. વાત સાંભળીને હું જરા સ્થિર થઈ ગઈ. મનોમન બોલી ઊઠી કે શું ભોળી મિનલ આજે મા બની ગઈ ? અંદરથી મને મિનલને જોવાની તલપ લાગી. તેની તબિયત વિશે પૂછીને મેં તેને કઈ હોસ્પિટલમાં રાખી છે તે જાણી લીધું.

આ ભોળી મિનલ એટલે મારી એક સમયની વિદ્યાર્થીની. ભણવામાં ખૂબ જ હોંશિયાર અને ચતુર હતી. જીવવિજ્ઞાન તેનો પ્રિય વિષય. હંમેશા પહેલી પાટલી પર જ બેસવાનો આગ્રહ રાખતી. બધા જ પ્રોફેસરની તે પ્રિય વિદ્યાર્થીની હતી તેથી આજે પણ તેની સાથેનો સંબંધ યાદગાર રહ્યો છે. બસ, તેનામાં એક જ અવગુણ હતો અને તે એ કે ઘણા બધા સવાલ પૂછવાનો ! હંમેશા તે ટૉપિક પૂરો થવાની રાહ જોતી અને ભોળપણથી ગમે ત્યારે ગમે તે સવાલ પૂછતી. આમ તો આને સદગુણ પણ કહી શકાય. પરંતુ તેની આ ટેવે તેને એકવાર જ્ઞાનની મજા સાથે થોડી સજા એટલે કે એક શીખ પણ આપી દીધી.

એ દિવસે હું જીવવિજ્ઞાનનો વિષય ભણાવી રહી હતી. મિનલ હંમેશની જેમ પહેલી પાટલી પર બેઠી હતી. પ્રાણીસંવર્ધનનો પાઠ ચાલતો હતો. તે રસપૂર્વક સાંભળી રહી હતી. વર્ગમાં એકદમ શાંતિ હતી. બધાની એકાગ્રતા જોઈને પ્રાણીઓ વિશે વાત કરતાં કરતાં હું મનુષ્યો વિશે બોલવા લાગી. વૈજ્ઞાનિક ઢબે આખું તંત્ર અને પ્રક્રિયાઓ સમજાવવા લાગી. તેમાં મેં ઉલ્લેખ કર્યો કે લગ્ન પછી માનવસંતાન માટે ગર્ભધારણથી જન્મ સુધી નવ મહિનાનો ગાળો હોય છે. આ વાક્ય પૂરું થતાંની સાથે જ મિનલ વિવેકથી ઊભી થઈ અને તેણે નિર્દોષભાવે પૂછ્યું : ‘પ્રૉફેસર, આપ નવ મહિનાનો ગાળો કહો છો એમાં કંઈક ભૂલ હોવી જોઈએ. મારી પિતરાઈબહેન છે. તેના લગ્ન આ વર્ષે થયાં અને બરાબર પાંચ મહિના પછી એને બાબો આવ્યો છે, તેથી આપની ગણતરીમાં કંઈક ભૂલ હોવી જોઈએ….’ વર્ગમાં સન્નાટો વ્યાપી ગયો. બધા ગુસપુસ કરી રહ્યા હતા, થોડા હસવાની તૈયારીમાં હતાં. મિનલના ભોળપણે મને આ યુવાવર્ગને કંઈક માનવતાનો પાઠ સમજાવવાની તક આપી.

મેં સૌને સંબોધીને કહ્યું : ‘આ પ્રશ્નમાં મારી વાત પણ સાચી છે અને મિનલની વાત પણ સાચી છે. ગર્ભધારણથી જન્મ સુધી આશરે નવ મહિના થાય. પરંતુ સમાજમાં યુવક-યુવતીઓ ઉતાવળથી ઘણી વાર ખોટું પગલું ભરી બેસે છે અને જ્યારે એ વાતની ખબર પડે છે ત્યારે સમાજે એ યુવક-યુવતીના ભાવી બાળકના હિતને ધ્યાનમાં લઈને કોઈક નિર્ણય કરવો પડે છે. કાયદાની દષ્ટિએ લગ્ન પછી જ બાળકનો જન્મ થાય તો એ એના માતાપિતાનું સંતાન કહેવાય. આથી આવા સમયે જલદી તૈયારી કરીને વહેલું લગ્ન ગોઠવવામાં આવે છે. આમ થવાને લીધે લગ્ન બાદ થોડા મહિનામાં જ બાળક જન્મે છે. આખી વાતનું આ જ રહસ્ય છે અને આમાં મિનલના પ્રશ્નનો જવાબ પણ છે.’ વર્ગમાં તો એકદમ શાંતિ ફેલાઈ ગઈ. એક વિદ્યાર્થીએ ઊભા થઈને પૂછ્યું કે : ‘પ્રૉફેસર, આવા સમયે શું કરવું જોઈએ ?…’

હું ફરીથી માનવતાના પાઠ તરફ વળી. મેં તેઓને કહ્યું : ‘તમે બધાંએ ક્યારેક ને ક્યારેક આવા પ્રસંગો જોયા હશે. આવા સમયે લોકો નિંદા કૂથલી કરતાં હોય છે. બીજા લોકોમાં કોઈ આવું કરે તો વળી તિરસ્કાર પણ જાગે છે પરંતુ પોતાના ઘરમાં જો આમ થયું હોય તો શરમ આવે છે. ઘણીવાર અન્ય લોકોના જીવનમાં આમ બન્યું હોય તો જાણવાનો છૂપો રસ પણ જાગે છે જ્યારે ઘરની બાબતમાં આપણે છૂપાવતા હોઈએ છીએ. ખાસ કરીને બધા કેમ કરીને ભૂલી જાય તેવી ઈચ્છા જાગે છે. સમાજમાં ન ઈચ્છવા છતાં ઘણાં અમંગળ પ્રસંગો બનતાં રહે છે. આવા સમયે કઠોરતા કે નિર્દયતા રાખ્યા વગર સહાનુભૂતિથી સામેની વ્યક્તિને સંભાળી લેવું જોઈએ. આ સમયે તિરસ્કાર, મશ્કરી કે કઠોરતા નહિ પરંતુ સહાનુભૂતિ અને દયા રાખવી એ જીવનનો સૌથી ઉત્તમ ગુણ છે. એ જ સાચી પ્રૌઢતા છે.’ સૌને આટલું સમજાવીને મેં મિનલનો આભાર માન્યો કે આ બહાને સૌને માનવતાનો એક અગત્યનો પાઠ શિખવવાની મને તક મળી. ભલે આ પ્રશ્ન યુનિવર્સિટીની પરીક્ષામાં ન પૂછાય પરંતુ જીવનની પરીક્ષા માટે તો એ અત્યંત જરૂરી હતો. બધા જ વિદ્યાર્થીઓ ગંભીરતાથી આ વાતની નોંધ લીધી અને લેક્ચર પૂરું થયું.

મિનલ કૉલેજમાંથી છૂટીને ઘરે ગઈ. તેના મનમાં મનોમંથન ચાલ્યું. પિતરાઈ બહેનની ભૂલ વિશે જાણીને આઘાત લાગ્યો. મન ગુસ્સાથી ભરાઈ ગયું, ચહેરો લાલ-લાલ થઈ ગયો. બે પળ તો પોતાની પર પણ ક્રોધ જાગ્યો કે પોતે કેટલી ભોળી કે કોઈપણ વહેમ વગર એનો લગ્નોત્સવ આનંદપૂર્વક માણ્યો ! પોતાની સહેલીઓને હવે શું મોં લઈને મળી શકાશે ? ગઈ આબરૂ થોડી પાછી આવવાની હતી ? – મનમાં અનેક પ્રશ્નો જાગ્યા. પરંતુ થોડી વારે પ્રશ્નોનો આ વરસાદ થમી ગયો. મિનલ સ્થિર થવા લાગી. તેને પ્રોફેસરે માનવતાના ભણાવેલા પાઠ યાદ આવ્યા. એ શબ્દોની જાણે મિનલના મન પર અસર થવા લાગી અને તેનો ગુસ્સો શમવા લાગ્યો. મિનલ વિચારવા લાગી કે જે થયું છે તે ખૂબ જ ખોટું થયું છે અને તેથી હું પણ હવે ચેતી જઈશ. ભવિષ્યમાં ક્યારેય હું આવી ભૂલ નહિ કરું. જીવનમાં જવાબદારી શું ચીજ છે તેનું મિનલને ભાન થયું. થોડીવારમાં તો જાણે તે પૂરેપૂરી બદલાઈ ગઈ.

એ સાંજે જ તે તેની પિતરાઈ બહેનને મળવા ગઈ. તેને જોતાંની સાથે જ તેની આંખો અને અવાજમાં એવો પ્રેમ નિતરવા લાગ્યો કે એની બહેનને મિનલને આમ ઢીલી જોઈને નવાઈ લાગી. તેણે પૂછ્યું પણ ખરું કે, ‘મિનલ, આ શું ? તારી આંખોમાં અને અવાજમાં આજે આટલો ભાર કેમ વર્તાય છે ?’ મિનલ તેના સવાલનો જવાબ આપી શકી નહીં. તે ચૂપચાપ બહેનના બાબાને ઊંચકીને રમાડવા લાગી. બેનને નવાઈ લાગી કે મિનલ આમ કેમ વર્તે છે ? થોડીક્ષણો બાદ બહેનને ખ્યાલ આવ્યો કે આખરે મિનલને બધી વાત ખબર પડી ગઈ લાગે છે. મિનલે કૉલેજમાં બનેલા પ્રસંગની પૂરી વાત કહી. થોડી વાર તો તેની બહેન પણ આભી બની ગઈ ! મિનલે તરત જ પોતાના ભોળપણ બદલ બહેનની માફી માંગી. સાથે સાથે માનવતાનો જે અમૂલ્ય પાઠ શીખી તે પણ બહેનને જણાવ્યું. મિનલની બહેનને એ જાણીને ખુશી થઈ કે મિનલ આજે સાચી સંસારની દિક્ષા પામીને એક છોકરીમાંથી સ્ત્રી બની છે. પિતરાઈ બહેને તેને ધન્યવાદ કહ્યા.

આજે વર્ષો બાદ આ ફોન આવતાં જ મિનલ સાથેનો ભૂતકાળનો આ આખો પ્રસંગ આંખ સામે તાજો થઈ ગયો. મિનલના માતા બનવાના સમાચાર સાંભળીને હું કૉલેજમાંથી રજા લઈને હોસ્પિટલ પહોંચી. તેને મેં ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. મને જોતાંની સાથે જ તેનું હૈયું ભરાઈ આવ્યું. મને જોઈને તેને કૉલેજનો એ પ્રસંગ તાજો થયો. તે આજે પણ માનવતાનો એ પાઠ ભૂલી નથી એમ તેનાં આંસુઓ જોઈને મને લાગ્યું. ગદગદ સ્વરમાં તેણે મને કહ્યું : ‘જી હા પ્રૉફેસર, હું હજી એ ભૂલી નથી…. અને એ માનવતાના પાઠને યાદ કરીને જ મેં અને મારા પરિવારે આ બાબાનું નામ ‘માનવ’ પાડવાનો નિર્ણય લીધો છે….’

મિનલની વાતથી હું ખરેખર વિચારમાં પડી કે કૉલેજના એ નાનકડા પ્રસંગે મિનલને છોકરીમાંથી સ્ત્રી બનાવી દીધી હતી. તેના પરિવારને મળીને અહેસાસ થયો કે તે તેના પરિવાર જેટલી જ ભોળી અને નિખાલસ છે. એ પ્રસંગ જાણે અમારા બંને માટે યાદગાર પ્રસંગ બની રહ્યો. એટલે જ કહેવાય છે ને કે જીવન ક્યારેક ક્યારેક આપણને આવા માનવતાના પાઠ શીખવી જાય છે અને આપણને ખરેખર ‘માનવી’ બનાવી જાય છે.