- ReadGujarati.com - http://www.readgujarati.com -

ચાહના – ભારતી રાણે

[ રીડગુજરાતીના સૌ વાચકમિત્રોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ….. જય હિંદ.]

[ ‘કવિતા’ સામાયિકમાંથી સાભાર.]

હું નદીને ચાહું છું,
કારણ કે,
એ નિરંતર વહ્યા કરે છે, મારી ભીતર,
ક્યારેક કિનારા છલકાવતી, ક્યારેક પછાડતી
ઊંડી ઊતરી જતી કરાડમાં
ને ફરી ઊભરી આવતી
અવિરત સરવાણીમાં

હું વૃક્ષને ચાહું છું,
કારણ કે,
એ નિશ્ચલ ઊભું છે, મારી ભીતર.
હરેક મોસમને એકસરખું ચાહતું,
સૂર્ય તરફ હાથ લંબાવતું,
ને છાંયડો વરસાવતું.

હું ધરાને ચાહું છું,
કારણ કે,
યુગોથી બેઠી છે મારી અંદર
કોઈ હઠાગ્રહી તપસ્વિનીની જેમ.
નિત્ય તિરાડાતી બળબળતા તાપમાં
ને તૃણાંકૂરિત થતી પળભરના વરસાદમાં

હું આકાશને ચાહું છું,
કારણ કે,
એ વ્યાપ્ત છે મારા અસ્તિત્વમાં
રિક્તતામાં આશાઓના અગણિત
તારલા ચમકાવતું.

હું સૂર્યને ચાહું છું, કારણ કે,
એ દરરોજ મારા આકાશમાં
ઊગવાનું પસંદ કરે છે,
કે જેથી હું ધરાને, નદીને, વૃક્ષોને,
અને એમ મને પોતાને
ચાહી શકું નિરંતર