ભમરી – યૉસેફ મૅકવાન

[ ‘આમાં તમે પણ ક્યાંક છો’ પુસ્તકમાંથી પ્રસ્તુત ટૂંકીવાર્તા સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]ન[/dc]ડિયાદ જેવી નાનકડી ટાઉન-શીપમાંથી અમદાવાદના પોશ ગણાતા વિસ્તાર નવરંગપુરામાં પ્રતિમા અને મયંક પોતાના ફલૅટમાં રહેવા આવ્યાં. અહીં આવ્યાને હજી ત્રણ જ મહિના થયા હતા એટલે અડોશી-પડોશીઓની પૂરી પહેચાન પણ નહોતી થઈ. મયંકનાં લગ્ન થતાં જ તેને કોઈ કૉર્પોરેટ કંપનીમાં નોકરી મળી ગયેલી. સાથેસાથે નવું સ્કૂટર પણ લઈ જ લીધેલું. મયંકને થતું, પ્રતિમા પોતાના જીવનમાં ઊજળું ભાગ્ય લઈને આવી છે ! પ્રતિમાની નાની-મોટી પસંદગી તે શક્ય હોય ત્યાં સુધી પૂરી કરવા યત્ન કરતો.

એક સાંજે ડિનર પતાવીને બન્ને ફલૅટની બાલ્કનીમાં બેસી જીવન-સપનાની સુગંધ માણી રહ્યાં હતાં. અચાનક પ્રતિમા બોલી :
‘મયંક, હું પણ કોઈ નોકરીમાં જોડાઉં તો ?’
‘શી જરૂર છે હમણાં ? જોઈશું પછી….. સ્ટ્રેસ વિનાનું થોડું સુખ તો માણીએ.’ મયંકે હસીને કહ્યું.
‘વાત તારી સાચી. પણ તું ઑફિસ જાય કે પછી મારો આખો દિવસ યુગ જેવો લાગે છે ! તું સાંજે ઘેર આવે છે ત્યારે નિરાંતનો અહેસાસ થાય છે !’ પ્રતિમા ઢીલુંઢીલું બોલી ગઈ. સાંભળી મયંક હળવું હસી પડ્યો. ક્યારેક મયંકને ઑફિસના અગત્યના કામે સવારના સાત કે આઠ વાગ્યે પણ જવું પડતું. ત્યારે તો પ્રતિમાને દિવસ જ અણગમતો લાગતો. પળેપળે ઉચાટ-બેચેની અનુભવાતી. તે મન કશાકમાં પરોવવાનો પ્રયત્ન કરતી… પણ… પછી દસેક વાગતાં તે ઑફિસમાં મયંકને ફોન કરતી કૈંક અર્થવિહીન વાતો કરતી. મયંક આ જાણતો. પણ પ્રતિમાના જીવને થોડી શાતા મળતી, એટલે એનો વિરોધ કરતો નહીં કે ગુસ્સો કરતો નહીં.

પછી પ્રતિમા બેડરૂમની બારી પાસેના પલંગમાં પડીપડી છાપાંના કે કોઈ મૅગેઝિનનાં પાનાં ઉથલાવતી, એડ જોતી. ક્યારેક ટી.વી જોતી. પણ મન બેચેન રહેતું. આમ પડીપડી અનાયાસે જ સામેના ફલૅટમાં નજર ગઈ. એ ફલૅટમાં રહેતા ભાઈ નહાઈને શરીરે ટુવાલ લપેટીને બાલ્કનીમાં દોરી પર પોતાનાં કપડાં સૂકવતા હતા. એમનું લાલાશભર્યું ગૌર બદન પ્રતિમાની આંખોમાં અંજાઈ ગયું. હાથ પરના કે છાતી પરના કાળાભમ્મર વાંકડિયા વાળ જોતાં જ તેની આંખો દીવાની સ્થિર જ્યોતની જેમ સ્થિર થઈ ક્યાંક ખોવાઈ ગઈ ! મન કશાક ઊંડા વિચારમાં ગરકાવ બની ગયું ! હોઠ હળવેથી ફફડી ગયા…… ‘હશે, એનું જે નામ હોય તે. મારે શું ?’ એમ બોલતાં ઓશીકામાં માથું દબાવી પડી રહી. ત્યાં એક ભમરી ગૂં ગૂં ગૂં કરતી તેના માથા પર ઊડી ઘૂમી રહી. એને દૂર કરવા તેણે હવામાં હાથ હલાવ્યો. એ વખતે મોબાઈલે ગાયત્રીમંત્ર ઉચ્ચાર્યો : ‘ઓમ ભૂર્ભૂવસ્વઃ તત્સવિતુવરેણ્યમ….’

પ્રતિમાએ ફોન ઉઠાવ્યો. કાને મૂકતાં સામેની બાલ્કનીમાં નજર નાખતાં કહ્યું : ‘બોલ, મયંક….’
‘પ્રતિમા, જો ને, મારા વૉર્ડરૉબના નીચેના ખાનામાં એક ગુલાબી ફોલ્ડર છે. જો તો જરા.’
‘એક મિનિટ…’ બોલતાં પ્રતિમા વૉર્ડરૉબ પાસે ગઈ. ખોલ્યું. વાંકી વળી નીચેના ખાનામાં ફંફોસી જોયું. ફોલ્ડરની બરછટ સરફેસ પર તેનો હાથ ફર્યો. જોયું તો ગુલાબી જ ફોલ્ડર. તે બોલી :
‘હા, મયંક છે ને ગુલાબી ફોલ્ડર !’
‘બસ. એને બહાર જ રાખજે. અહીંથી પટાવાળો આવશે એને આપજે.’
‘ઓ.કે.’
‘શું કરે છે તું ?’ પૂછવા ખાતર મયંકે પૂછ્યું.
‘કરવાનું શું હોય !’ પ્રતિમા હસી બોલી, ‘તારો નામજપ !’
‘સાવ પાગલ !’ હસીને મયંકે ફોન કટ કર્યો.

પ્રતિમાની નજર અનાયાસ સામેના ફલૅટમાં ગઈ. પોતાના બેડરૂમની ત્રાંસી ઉઘાડી બારીમાંથી ત્યાં જોઈ શકાતું. પણ ત્યાંથી આ તરફ કોઈને જોવાનો ખ્યાલે ન આવે ! એ બાલ્કનીના એટેચ્ડ બાથરૂમની લાઈટ થતાં તેના ધૂંધળા દૂધિયા કાચમાં ધૂંધળી છાયાનો અહેસાસ થાય. પ્રતિમાના ચિત્તમાં વિચાર આવ્યો, પેલા…… પાછી પેલી ભમરી ગૂં ગૂં ગૂં કરતી પ્રતિમાના માથા પર ઊડી રહી. પ્રતિમાએ પાછો હવામાં હાથ વીંઝ્યો. પોતાની અધખુલ્લી બારીમાંથી પ્રતિમાની નજર પાછી ત્યાં ગઈ. કોઈ કામવાળી બાઈ બાલ્કનીમાં આવી. ઝાપટઝૂપટ કરવા લાગી. એની પાછળ જ પેલા ભાઈની પત્ની….. પત્ની ? પત્ની જ હશે – થોડી જાડી, બેહૂદી લાગતી – આવી ને કામવાળી બાઈની પાછળ ઊભી રહી. કામવાળી બાઈ શામળી પણ એનું ફિગર મોહક- આકર્ષક ! આમ વિચાર્યું ત્યાં પેલી ભમરી પાછી ગૂં ગૂં ગૂં કરતી પ્રતિમાની આસપાસ ઘૂમી રહી. પાછી પ્રતિમા બબડી – જા ને આઘી…..! પેલી કામવાળી બાઈ, પેલા ભાઈ અને પેલી જાડી સ્ત્રી…. ક્યારે દેખાતાં બંધ થઈ ગયાં તેની પ્રતિમાને જાણેય ના રહી. તેને ઝોકું આવી ગયું હતું.

ઓમ ભૂર્ભૂવસ્વઃ તત્સવિતુવરેણ્યમ….
મોબાઈલ વાગતાં એની આંખ ખૂલી ગઈ. ફોન કટ કરી ઝટપટ ઊભી થઈ : મોં ધોઈ ફ્રેશ થઈ. ડાઈનિંગ ટેબલ પર મૂકેલું-ઢાંકેલું ખાવાનું કાઢી જમવા બેઠી. મયંક જ્યારે વહેલો જાય ત્યારે સવારે ટિફિન લઈ જાય… ને બપોરે બાર-ત્રીસે જમવા બેસે ત્યારે ફોન પર મિસકૉલ મારે. એટલે અહીં પણ પ્રતિમા મયંક સાથે જમતી હોય એવી ભાવના અનુભવે ! પછી બાકીનો દિવસ આવી અધકચરી પ્રવૃત્તિમાં જ વીતી જાય, સાંજે મયંક આવે ત્યારે તેને હાશકારો થાય !

બીજે દિવસે પણ મયંકને વહેલા જ ઑફિસે જવાનું થયું. તે ગયો એટલે પ્રતિમાએ બેડરૂમ સરખો કર્યો. ચા-નાસ્તો લઈ બેડરૂમની ખુરશી પર બેઠી. ગઈકાલની જેમ જ સામેના ફલૅટમાં પેલા ભાઈ દેખાયા. ક્યાંકથી પેલી ભમરી ગૂં ગૂં ગૂં કરતી ઊડી આવી અને પ્રતિમાના માથા પર ઘૂમતી રહી. તે બેડરૂમની બારીના એક ખૂણામાં ઘર બનાવતી હતી ! પ્રતિમાએ હાથમાં છાપું લઈ તેના પર વીંઝી તેને હટાવી. તેની નજર પેલા ભાઈને તાકી રહી. આજે તેઓ બિલકુલ તૈયાર હતા. કાળા પૅન્ટ પર ક્રીમ કલરની ચોકડીવાળું શર્ટ. થોડીથોડી વારે બાલ્કનીની રેલિંગ પકડી તે નજર કરી ઝૂકી અંદર ચાલ્યા જતા. કોઈના ઈંતેજારમાં લાગે છે….. પ્રતિમાના ચિત્તમાં વિચાર એમ્બોસ થયો…. હશે…. મારે કેટલા ટકા !….. પેલી ભમરી પાછી ગૂં ગૂં ગૂં કરતી પ્રતિમાના માથાની આસપાસ ઊડી રહી. પ્રતિમા ગુસ્સે થઈ. તેને હાથથી ઉડાડ્યા કરે તો એ વધારે જુસ્સાથી માથે ઘુમરાય. ‘આઘી જા’ તેનાથી બોલી જવાયું.
એ વખતે નીચેથી કોઈનો ભારેખમ અવાજ હવામાં ફરકી રહ્યો : ‘જે. એમ. ઓ જે. એમ !’ અવાજ સાંભળી સહજભાવે જ પ્રતિમા પોતાની બાલ્કનીમાં આવી. નીચે નજર ગઈ. પછી સામેના ફલૅટની બાલ્કની તરફ જોયું.
‘જે. એમ. !’ પેલા ભાઈએ નીચેથી ફરી બૂમ પાડી.
આ વખતે જે.એમ.નાં પત્ની બાલ્કનીમાં ડોકાયાં. તેણે નીચે પેલા ભાઈને જોતાં કહ્યું : ‘ઉપર આવો !’
‘ના, ભાભીજી, જિતેન્દ્રને જ નીચે મોકલો. અમારે મોડું થશે !’
‘સારું. મોકલું છું !’ કહેતાં પેલા ભાઈનાં પત્ની અંદર ચાલ્યાં ગયાં.
જિતેન્દ્ર – નામ પ્રતિમાના ચિદાકાશમાં ઘુમરાઈ-તરડાઈ તૂટી ગયું ! કેટલા ગાઢ પ્રેમમાં હતાં બન્ને જણ. અને…. એણે કેવું કર્યું ! પાંચ વર્ષ પહેલાં પ્રતિમાને જિતેન્દ્ર છેલ્લી વેળા મળેલો. પછી ક્યારેય તેનો ભેટો નહીં થયેલો. મોટી વાતો કરનાર જિતેન્દ્રના નામની તેણે બારી જ બંધ કરી દીધી હતી.
ત્યાં પાછી પેલી ભમરી ગૂં ગૂં ગૂં કરતી પ્રતિમાને માથે અથડાઈ જ ગઈ !
‘મૂઈ…. મર ને આઘી !’ બોલી પ્રતિમાએ મૅગેઝીનનો વીંટો વાળી તેને મારવા કર્યું, પણ ભમરી દૂર સરી ગઈ ! પ્રતિમાએ પોતાના બેડરૂમની એ બારી બંધ કરી દીધી. ને ભૂતકાળ વાગોળતી ક્યારે સૂઈ ગઈ તેનો ખ્યાલ રહ્યો નહીં. સાંજે મયંકે ડોરબેલ વગાડ્યો ત્યારે તે ઊઠી.

બીજે દિવસે મયંકને રાબેતા મુજબ દસ વાગે ઑફિસે જવાનું હતું. રાબેતા મુજબ સવારનો નાસ્તો-પાણી કરતાં તેઓ બાલ્કનીમાં બેઠાં હતાં. પ્રતિમા છાપામાં નજર નાખતી. કશી કૉમેન્ટ પણ કરતી. પાનાં ફેરવતી હતી. મયંક ટિપાઈ પર પગ લંબાવી ચાની ચુસકી સાથે બટાટાપૌઆં આસ્વાદી રહેલો. સામેના ફલેટની બાલ્કનીમાં પેલા ભાઈ કાલની જેમ જ દેખાયા. પ્રતિમાની નજર અનાયાસે જ પડી. ત્યાં પેલી ભમરી ગૂં ગૂં ગૂં કરતી ક્યાંકથી ઊડી આવી, પ્રતિમા અને મયંક વચ્ચે ઊડી રહી. છાપાનો વીંટો કરી મયંકે તેને એવા જોરથી ફટકાર્યો કે ભમરી દૂર દૂર ફરતી ચકરાતી-ચકરાતી નીચે પડી ગઈ ! એ બારીના ખૂણામાં દર કરવા માગતી હતી ! પ્રતિમા મનોમન બોલી : ‘હાશ ! આ ભમરી તો મારો જીવ ખાઈ ગઈ… મૂઈ ગઈ…. સારું થયું.’

મયંક ઘરમાં ન હોય તો પ્રતિમા પછી બેડરૂમની પેલી બારી બંધ જ રાખતી ! મયંક ખોલે તો ખોલે, બાકી તેનું ધ્યાનેય તે તરફ જતું નહીં !

[કુલ પાન : 155. કિંમત રૂ. 110. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “ભમરી – યૉસેફ મૅકવાન”

Copy Protected by Chetan's WP-Copyprotect.