મારું સુખ : મારું કામ – અરુણા જાડેજા

[ પુનિત પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલા શ્રીમતી અરુણાબેન જાડેજાના પુસ્તક ‘સંસારીનું સુખ સાચું’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. તેઓ કહે છે કે ‘ચૂલે મૂકેલી તાવડી જેવો આ સંસાર, પહેલા હાથ દાઝે ને પછી જ રોટલો મળે. સંસારની આ ચારેય અવસ્થા ચૂલો સળગાવતા, તાવડી તપાવતા, રોટલો ઘડતા, હાથ દઝાડતા શીખવાડીને આખરે હાથમાં રોટલાનું બટકું આવે ત્યાં સુધીની બધી પ્રક્રિયા શીખવાડે છે અને તેથી જ સંસારીનું સુખ સાચું, સો ટચના સોના સમું.’ રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ અરુણાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે arunaj50@yahoo.com અથવા આ નંબર પર +91 79 26449691 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]ન[/dc]મસ્તે ! સુખની જાતજાતની વ્યાખ્યાઓ મોટા મોટા લોકોએ આપી છે. મારા જેવી ઘરમ્હોયી ગૃહિણીનાં સુખની વ્યાખ્યા સ્વાભાવિક જ છે કે એવી જ સાવ સીધીસાદી હોવાની. સુખ એટલે આનંદ, ખુશી, રાજીપો. આ બધું જ મને મારાં કામમાંથી જ મળી રહે છે. આજકાલ લોકો ‘ટાઈમ પાસ’ કે ‘ચેન્જ’ જેવા અંગ્રેજી શબ્દો એટલી છૂટથી વાપરે છે કે એ વપરાઈ વપરાઈને સાવ લીસાલપટા થઈ ગયા છે. આવા લીસાલપટા શબ્દો પણ જો કામને અડી જાય તો પારસ-સ્પર્શ પામીને નક્કર બની જાય. ‘ટાઈમ-પાસ’ એ ‘ટાઈમ-પ્લસ’ બની જાય, ‘ચેન્જ’ જે ‘ચેલેન્જ’ બની જાય અને પછી શું ? સુખ જ સુખ !

સાવ નાનપણમાં કે પછી યુવાનીમાં પણ કામ તો ગમતાં જ પણ અમુક કામ ના ગમે. આજેય વાસણો ગોઠવવાં કે કપડાં વાળવાં જેવાં કામ ઓછાં ગમે. વાસણ માટે એવું કે પહેલાંના જમાનામાં અને તેય ગામડાંમાં તો વાસણ ઘસીમાંજીને ચકચકતાં કરીને અભરાઈએ માંડવાના હોય, સજાવવાનાં હોય. એમાં થોડીઘણી પણ સર્જનાત્મકતા રહેલી હોય. હવે અહીં શહેરમાં અને તેમાંય આજે તો રસોડું આખું કરફ્યુગ્રસ્ત. બંધ કબાટોમાં તે વળી શું…. જવા દો ને ! હા, આ વાસણ અને કપડાંનાં કામમાં ચોખ્ખાઈ કે વ્યવસ્થિતતા એ બધી વાત હશે પણ એમાંથી બીજું કશું મળે નહીં. પણ રસોડું તો શી વાત વહાલું. એનો રસાલો પણ એટલો જ વહાલો. એ ક્યારેય મને વિતાડે નહીં, ઊલટાનું મારા સમયને સજાવે. કંટાળાની દેન છે કે એ અંદર આવે. હવે આપણને જે ના વિતાડતું હોય એનું જ તો નામ સુખ ને ? આ રસવતીની સેવામાં હાજર હોઉં અને ત્યાં મને સરસ્વતી સાદ કરે અને મા સરસ્વતીની ચરણચંપી કરતી હોઉં તો રસવતી સાદ પર સાદ દીધે રાખે. આમથી તેમ હું દોડાદોડ કર્યાં કરું. પણ પછી અણખત મને એકેયની નહીં. મારો જીવ એ બેઉમાં. એટલે પછી એ બેઉ મારું માથું સૂંઘીને હાથ વડે પસવારે… ‘હૂંગુનિ મસ્તકે, હસ્તે કુરવાળી…’ (મરાઠી કવિ મોરોપંત)…..

…..એટલામાં મારું આંગણું કેડે બે હાથ દઈને ઊભું જ હોય : ‘ચાલો હવે, કેટલી વાર ?’ કહેતુંક. આંગણામાં જવાની બસ વાર. ‘મા છમ્મ વડું’ કરતાં બધાં મને વીંટળાઈ વળે. મારાં છોડવા-ઝાડવા, વેલી-રંગોળી, દીવડાં-ફૂલડાં ‘મને….મને’ કરતાં મારો કેડો ના મૂકે….. તો એક ખૂણામાં મોં ફૂંગરાઈને ઊભા હોય – મારાં રંગબેરંગી દોરા, ઊન, સોય, સોયા. એમનેય તેડીને વહાલ કરું ત્યારે કંઈ એમની રીસ ઊતરે…. પેલી બાજુ જૂના કાર્ડ-કવર-કંકોત્રી નવા વાઘા સજવા ક્યારનીય રાહ જોઈને બેઠા હોય….. પેન, પેન્સિલ, રબર, કાગળ અને કોમ્પ્યુટર તો જાણે સૌથી વધારે હક્ક તો એમનો જ, એમ કરીને મારી પાસે આવવા માટે બીજા બધાંને આઘાં હડસેલતાં હોય….. પુસ્તકોની તો વાત જ ના થાય. એ તો મારાં કવચ-કુંડલ. એમને તો પહેલાં પૂછવાનાં…. અને રોજ સવારે આઠ વાગ્યે અધીરા મનથી શૂન્યાવકાશમાં ફંફોસતાં મારી રાહ જોઈ રહેનારા મારા એ કાળા ચશ્માંવાળા દષ્ટિવિહોણા વહાલસોયા વિદ્યાર્થીઓ ! મારી જાતથીય વહાલું કામ એમને ભણાવવા-ગણાવવાનું. આ બધાં કામ જેના માટે આટલી પડાપડી કરતા હોય તો એનાથી વધુ સુખી કોણ, કહો તો ખરાં !

હવે હું જે કામ માટે પડાપડી કરતી હોઉં એમની વાત. ઘરની સાજસજાવટ અને આંગણાંની માયામાવજતની સાથોસાથ સગાંવહાલાઓની રાખરખાપત પણ એટલી જ વહાલી. આંગણે પધારેલા મહેમાનો તો ખરા પણ સંતોની પધરામણી મને ઘેલી ઘેલી કરી મૂકે. જેમ કે સાહિત્યકાર કે કલાકાર સંતોનાં જોડાં મારે આંગણે ઊતર્યાં હોય એનાથી વધુ રૂડું શું ? અને પછી એ બધાંને ‘……જમાડું તમને પ્રે….મથી’ – એ તો ખરું જ. સારાં કામ જ સદગુણોનો વિકાસ કરતાં હોય છે ને ? દરેક કામ ગરબા ગાતાં ગાતાં જ થાય. કોઈ પણ કામમાંથી નિપજતું સૌંદર્ય મને દૂર એક ખૂણામાં બેસીને નિરખ્યા કરવાનું બહુ મન થાય. એ અનુભવમાંથી જે મીઠાસ મળે એ જ અવર્ણનીય. ‘જ્ઞાનેશ્વરી’માં કહ્યું છે તેમ ‘મ્હણોનિ અનુભવસુખચિ કવતિકે.’ એ જ મારી ઊર્જા, એ જ મારું ટોનિક, ધારેલું કામ પાર પડે તો સ્વર્ગ વહેંત છેટું. જોકે ભક્તિભાવે થતાં આ કામ પાર ના પડે તો જ નવાઈ ! વળી આ અનોખા ભક્તિભાવને લીધે જુદાં દેવદર્શન કે પૂજાપાઠનીય જરૂર શી ? કર્મ, પુરુષાર્થ એ બધા મારાં માટે અઘરા શબ્દો. મૂળે ‘કરવું’ એ ક્રિયાપદ જ વહાલું, પછી પોતાનું હોય કે બીજાનું. બીજાનું તો ખાસ.

ઘણું ઘણું કરવાનું મન થાય ત્યારે પેલા હજાર હાથવાળાને વિનવું પણ ખરી કે મને દસ હાથ અને દિવસના પચાસ કલાક આપ ને ! એવું થાય તો પછી જલસો જ, કામ કર્યે જ રાખો. આ મારી કાર્યલક્ષ્મી. એ ‘કામ’ છે. એટલે કે સુખસ્વરૂપા છે. એનાં તેડાં હંમેશાં હોંશે હોંશે થાય છે. આ કાર્ય-શક્તિ ‘તૃપ્તાં તર્પયન્તીમ’ છે. પોતે છલોછલ છે અને બીજાને છલકાવી દેનારી છે. આ ધગધગતી કાર્યશ્રી ‘પિંગલામ’ એટલે કે દીવાની જ્યોત જેવી રાતીપીળી છે, સોનેરી છે. પ્રભુએ મને સોંપેલું કામ ક્યારેક સરખું પાર ના પડે તો જીવ બળ બળ થાય છે અને ઉત્તમ રીતે પાર પાડી શકું તો જીવ પ્રગટી ઊઠે છે. એ જ મારી સફળતા, એ જ મારું ગૌરવ.

એ જ છે ૐકારની અર્ધમાત્રા. એનું અનિવર્ચનીય સુખ મારું.

[ કુલ પાન : 176. કિંમત રૂ. 85. પ્રાપ્તિસ્થાન : પુનિત પ્રકાશન પ્રતિષ્ઠાન. સંત ‘પુનિત’ માર્ગ, મણિનગર, અમદાવાદ-380008. ફોન : +91 79 25454545. ઈ-મેઈલ : jankalyan99@yahoo.co.in ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ચર્ચાયા કરે – નટવર આહલપરા
ભમરી – યૉસેફ મૅકવાન Next »   

10 પ્રતિભાવો : મારું સુખ : મારું કામ – અરુણા જાડેજા

 1. Namrata says:

  ખૂબ સરસ

 2. devina says:

  dear arunaben you seem to be great, i wil try to be dedicated like you do…

 3. Sandhya Bhatt says:

  અરુણાબહેન કામસુ(મરાઠી શબ્દ છે) તો ખરા જ અને લખવૈયા ય ખરા તેથી બીજાને ય આવું સુંદર જીવન જીવવા માટે પ્રેરી શકે છે,તે મોટી વાત…તેમના પુસ્તકો બધાને ગમે છે કારણકે સારી અને વળી આચારમાં મુકાયેલી વાત આપણને સૌને પ્રભાવિત કરે….

 4. kansara gita says:

  સુખનેી અભિવ્યક્તિ સુન્દર રેીતે લેખમા પ્રસ્તુત કરેી.

 5. Pankaj Bhatt says:

  ભગવાન બધા ને તમરા જેવા સુખી રાખે.

 6. i.k.patel says:

  કર્મ એજ જ પુજા. બહુજ સારો લેખ, આ માટે અરુણા બેન નો આભાર.

 7. ડેીયર અરુણાબેન,
  તમારો ‘મારુ સુખ મારુ કામ’ લેખ વાઁચ્યો. વાઁચેીને ખુબ જ આનઁદ થયો. દરેક કામમાઁથેી આનઁદ મેળવવાનેી અને કર્મમાઁ લેીન રહેવાનેી વાત ખુબ જ પ્રેરણાદાયેી રહેી. તમારો ખુબ ખુબ આભાર.

 8. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  અરુણાબેન,
  નિષ્ઠાપૂર્વકનું કામ … એટલે જ ભક્તિ ! કામ કરવામાં જ આનંદ. બહુ સમજભરી વાત સમજાવી. આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 9. c l zala says:

  Nice

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.