ચીંગરિયાની ટેકરીએ – નરોત્તમ પલાણ

[dc]મે[/dc]ઘાણીના અનુસંધાનમાં એક સત્ય પ્રસંગ કહીશ. સૌ કોઈ જાણે છે કે મેઘાણીએ અઠવાડિયાના બે દિવસ જુદાં જુદાં સ્થળોના પ્રવાસ માટે ફાળવેલા. એમનું અવસાન ઘણું વહેલું અને અણધાર્યું આવી પડ્યું, આથી સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિનું ખૂલી રહેલું પ્રકરણ તુરત તો એકદમ બંધ પડ્યું. સાહિત્ય કે સંસ્કૃતિ કોઈ એકના જવાથી ગતિહીન બનતાં નથી. મેઘાણી પછી મેઘાણીના જ હાથ નીચે તૈયાર થયેલા જયમલ્લ પરમાર અને નિરંજન વર્માએ મેઘાણીથી અધૂરું રહેલું કાર્ય ઉપાડી લીધું. પરંતુ ત્યાં પણ કુદરત નડી ! મેઘાણી પછી માત્ર ચાર વર્ષ અને તે પણ ઘણી નાની વયે નિરંજન વર્માએ દુનિયા છોડી ! આ સાથે જ સૌરાષ્ટ્ર પૂરતું તો જાણે તાળું દેવાઈ ગયું.

જયમલ્લભાઈ હતા પણ એક પગ વિનાના, 1967થી જયમલ્લભાઈએ ‘ઊર્મિનવરચના’નું સુકાન સંભાળ્યું અને ધીરે ધીરે સૌરાષ્ટ્રની સંસ્કૃતિને પ્રકાશમાં લાવે એવાં પ્રકાશનો તથા તે માટે નવા નવા લેખકો ઊભા કરવા માંડ્યા. 1966થી હું પોરબંદરમાં સ્થિર થયો અને મણિભાઈ વોરા તથા ગોસ્વામી મોહનપુરી સાથે સૌરાષ્ટ્રના ઈતિહાસ અને પુરાતત્વની શોધ અર્થે પ્રવાસો ખેડવા લાગ્યો. અમે 1966થી જયમલ્લભાઈના સંપર્કમાં આવ્યા અને જયમલ્લભાઈએ મેઘાણી જે નથી કરી શક્યા તે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો પગપાળા ચાલવાનો નિર્દેશ અમને આપ્યો. અમે યોજના ઘડી કાઢી અને રજાઓમાં કટકે કટકે કિનારો ચાલવા માંડ્યા. ગાંધી શતાબ્દીના અવસરે પહેલી સફર પોરબંદરથી દ્વારકાની કરી જે છ દિવસે પૂરી થઈ, બીજી સફર પોરબંદરથી સોમનાથની કરી જે નવ દિવસે પૂરી થઈ. આ સફર ઉનાળાની રજાઓ દરમિયાન હતી અને થોડી મુશ્કેલ હતી. પહેલે દિવસે અમે એક સાથે પંદર કિલોમીટર ચાલ્યા જે પછીથી નડ્યું હતું. ત્રીજે દિવસે અમે સાવ દરિયાકિનારો લીધો જેને કારણે મીઠું પાણી કે બપોરનું ભોજન પામ્યા નહીં. સંધ્યા સમયે ચીંગરિયા નામના ગામના પાદરમાં પહોંચ્યા, ત્યાં આ પ્રસંગ બન્યો.

ચીંગરિયા ગામની બહાર નાની નાની ટેકરીઓ છે. આ ટેકરીઓ ચૂનાના પથ્થરની બનેલી અને અંદરથી પોલી છે. એક પોલી ટેકરીમાં થોડું બાંધકામ કરીને એક સાધુએ પોતાની સાધનાકુટીર બનાવી છે. અંદરના ભોંયરામાં મહાદેવનું લિંગ છે અને ચોમાસું હોય તો માથે પાણી ટપકે છે. ગામથી અને દરિયાકિનારેથી થોડી ઊંચી આ ટેકરી સંધ્યાના પ્રકાશમાં બહુ રમ્ય અને આવકારો આપતી હોય એવો અનુભવ કરાવે છે. ધજા ફરકતી હતી એટલે સાધુ હશે અને ચાપાણી નહીં તો પાણી અને આશરો તો મળશે જ એ આશાએ થાક, ભૂખ અને તરસ હોવા છતાંય અમે ચાર જણા ટેકરી ચડીને ઉપર આવ્યા ! અમારી સાથે સિત્તેર વર્ષના ડોસા મણિભાઈ વોરા હતા, જેમણે ઑપરેશનમાં એક કિડની અને પગનો એક સ્નાયુ કઢાવી નાંખેલાં તે લાકડીના ટેકે ચડતા હતા. ઉપર ટેકરીના ભોંયરામાંથી એક સાધુ અમને ચડતા જોઈને થંભી ગયો હતો. એના હાથમાં તાંબાનો લોટો હતો અને આથમતા સૂર્ય સામે ધરીને ઊભો હતો. અમે ઉપર આવ્યા, આથમતા સૂર્યના રંગ જોઈ જોઈને વાહ વાહ બોલતા હતા. મારો અને મોહનપુરીનો હાથ તો વારે વારે ઊંચો થઈ જાય; વાહ ટેકરી ! વાહ દરિયો ! વાહ સૂરજના રંગ ! ભોંયરાની કોર ઉપર બેસીને મણિભાઈએ પણ લાકડી ઊંચી કરી : વાહ સૃષ્ટિ ! વાહ સરજનહાર !

થાક, ભૂખતરસથી અધમૂઆ તોય અમારા ચહેરા ઉપર પ્રકૃતિદર્શનનો ભક્તિભાવ હતો. થોડી વાર આમ શ્યામવર્ણા, સુકલકડી દેહધારી, ઠીક ઠીક ઉંમરના પણ વીજળીના છબકારે ગતિ કરતા પ્રમાણમાં નાજુક સાધુમાત્મા ઉપરથી નીચે આવ્યા અને પોતાના હાથમાં હતો તે – લોટો ધરીને અમને મોઢું ખોલવા સંકેત કર્યો ! મોહનપુરી પગથિયા પાસે બેઠા હતા એમને બે ઘૂંટડા ભરાવ્યા, બીજા મણિભાઈ, ત્રીજા ખોડિયાર – હું વિચારતો હતો કે ઘૂંટડા ભર્યા પછી આ મિત્રોના ચહેરા ઉપર ચમક શેની છે ! મારો વારો આવ્યો અને અમૃત ! જાઈફળ નાખેલું સુગંધીદાર કઢેલ દૂધ હતું એ લોટામાં !! બે બે ઘૂંટ તો અમારા દેહમાં ઊતરી ગયેલ પણ નજર લોટા ઉપરથી ખસતી નહોતી ! સાધુ સમજી ગયા અને ફરી બે બે ઘૂંટડા અમારા તૃષાતુર કંઠમાં નાખ્યા ! શીતળતાના અનુભવે ચારેયની આંખો થોડી વાર મીંચાયેલી રહી. સાગર અને સંધ્યાના રંગ તે દિવસે સાધુના ચહેરાની પ્રસન્નતા આગળ અમને ઝાંખા ભાસ્યા ! ઊતરતી રાતના આછા અંધારામાં અમારો પાંચેયનો વહેવાર સાવ મૂક હતો ! અમારી તૃપ્તિ અને સાધુનો ઊમળકો ! એમણે પ્રસન્નતાથી ઓળઘોળ થતાં ફરી બે બે ઘૂંટડા અમને લેવડાવ્યા અને લોટો પૂરો કર્યો ! દિવસભરનો પગપાળા પ્રવાસ, બપોરનું ભોજન નહીં, ચા પણ નહીં અને છેલ્લે છેલ્લે તો સાથે હતું તે પાણી પણ પૂરું થયું હતું ! કૅમેરા અને દૂરબીન ઊંચાં મૂકી પહેરેલ કપડે જ્યાં જગા મળી ત્યાં લંબાવી દીધું.

સવારની પ્રાતઃ આરતીમાં એક બાજુ નાનકડું ગામ અને બીજી બાજુ વિશાળ દરિયો સળવળતાં હતાં. અમે લગભગ એક સાથે ચારેય જણાં બેઠાં થયાં. સાધુમહાત્મા સહેજ નીચે આવેલી ઓરડીમાં અમારા માટે નાસ્તાની તૈયારી કરતા હતા. બાજરાની બિસ્કિટ જેવી બાટી અને ચા – અમે સાધુમહાત્માને પણ સાથે બેસવા આગ્રહ કર્યો. એ સામે તો બેઠા પણ હાથ જોડીને સ્મિત સાથે બોલ્યા : ‘પ્રભુની ઈચ્છા હશે તો સાંજે દૂધ લઈશ.’ અમને પહેલી વાર લાગ્યું કે સાધુના ચહેરા ઉપર સ્મિતની સાથે અશક્તિ પણ છે ! જાણવા મળ્યું કે છેલ્લા સાત દિવસથી ઉપવાસ અને અનુષ્ઠાન ચાલતા હતા તે ગઈ કાલે સાંજે પારણા કરવા માટે દૂધ તૈયાર કરીને સૂર્ય મહારાજને ધરાવી રહ્યા હતા ! આજે પણ આખો દિવસ અન્નજળ વિના કાઢશે અને નિયમ મુજબ સાંજે સૂર્યાસ્ત પછી દૂધનાં પારણાં કરશે ! અમારી આંખો ફાટી ગઈ અને હૃદય પણ જાણે એક ધબકાર ચૂકી ગયું ! સાત દિવસથી માત્ર સવારસાંજ શિવલિંગ અભિષેકજળનું આચમન અને સાતમા દિવસની સાંજે પારણા માટે તૈયાર કરેલું કઢેલું દૂધ અમારા ચારના ગળામાં ! મોહનપુરી અને હું સાધુ સામે ઢળી પડ્યા હતા અને મણિભાઈ તથા ખોડિયારની આંખોમાં આંસુ હતાં ! અમે ગઈકાલે સાંજે શું કર્યું ? અંદરના તાપની મર્યાદા નહોતી અને નિઃશંક સાધુના તપની તથા ઔદાર્યની પણ સીમા ન હતી.

સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું જે ઉજ્જવળ પ્રકરણ મેઘાણીથી લખાવું શરૂ થયું તેની ઉજ્જવળતા સાધુ સમ આવી વ્યક્તિઓને આભારી છે. સંસ્કૃતિનો પાયો તપ છે અને એની ઉપયોગિતા, એમાંથી ટપકતી માનવતા છે, જે ક્ષણે ક્ષણે માણસને માણસ તરીકે જીવતો રાખે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “ચીંગરિયાની ટેકરીએ – નરોત્તમ પલાણ”

Copy Protected by Chetan's WP-Copyprotect.