ખેલ – દુર્ગેશ ઓઝા

[ રીડગુજરાતીને આ ટૂંકીવાર્તા મોકલવા બદલ શ્રી દુર્ગેશભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. તેમની આ કૃતિ અગાઉ કુમાર સામાયિક (ઓગસ્ટ-1996)માં પ્રકાશિત થઈ ચૂકી છે. આપ તેમનો આ નંબર પર +91 9898164988 અથવા આ સરનામે durgeshoza@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

[dc]રા[/dc]મજી નામધારી નટ-બજાણિયાનો ખેલ શરૂ થયો. જમીન પર ટેકવેલા વાંસડાના સથવારે એક યુવાન ઉપર ચડવા લાગ્યો. આજના ખેલની નવીનતા કે વિશેષતા… જે ગણો તે આ દેખાવડો, તંદુરસ્ત યુવાન હતો; જેને આ પહેલાંના ખેલોમાં કોઈએ ક્યારેય નહોતો દીઠો. મોટા ભાગે તો રામજીની પત્ની ગંગા ઢોલ કે એવું વાંજિત્ર વગાડતીને રામજી અને એનો દીકરો મોહન ખેલ કરતાં. એને બદલે આજે રામજી બીજા પાસે ખેલ કરાવીને ‘નવો ખેલ’ કરતો હતો ! એ નવોસવો યુવાન દોરડા પર ચાલવાનો જોખમી ખેલ પાર પાડવા જઈ રહ્યો હતો. એ દોરડાને દોરડું કહેવુંય મુશ્કેલ બને એટલી હદે એના વળ વીંખાઈ ગયાં હતાં. હા, એને પાતળી દોરડીનું નામ આપી શકાય. જોકે રામજી માટે તો આ દોરી જીવાદોરી સમ હતી ને વાંસ હતો એનો શ્વાસ. વંશપરંપરાગત ચાલી આવતા આ ખેલને રામજી નિષ્ઠાપૂર્વક વળગી રહ્યો હતો.

વાંસડાના ઉપલા ભાગમાં એ યુવાન સમતુલા જાળવી બેસી ગયો ને પછી કમરે ભેરવેલી બંસરીને હોઠ પર મૂકીને એણે છેડી. ચોતરફ સૂરનું પુર ફરી વળ્યું, જેને લીધે છટકી જવા માંગતાં કેટલાંક દર્શકો જડવત્ ખોડાઈને આ ચેતનરૂપ સ્વરોને બસ સાંભળી જ રહ્યાં ! ને કેટલાંક નવા માણસો પણ ભીડમાં દાખલ થયા, જેમાં મધ્યમ તેમજ ઉચ્ચ ધનિક વર્ગનો પણ સમાવેશ થતો હતો. ખેલમાં બંસરીનો પ્રયોગ સૌપ્રથમ વાર થઈ રહ્યો હતો. તેણે સારું આકર્ષણ જમાવ્યું. યુવાનની પ્રયોગશીલતા સૌ આનંદભેર માણી રહ્યાં, જેમાં કુતૂહલ પણ ભળ્યું હતું.

થોડીવાર પછી બંસરીના સૂર થંભ્યા અને યુવાનના પગ નર્તન કરી રહ્યાં. હા, હવે તેણે દોરડા પર ચાલવાનું શરૂ કર્યું હતું. જો એ જરા પણ સમતુલા ગુમાવે તો ખેલ ખલાસ… ભૂલેચૂકેય જો એ ‘નીચે’ પડી જાય તો ‘ઉપર’ પહોંચી જાય એવો ખેલ ભજવાઈ રહ્યો હતો. લોકો વિવિધ અભિપ્રાય વ્યક્ત કરવા લાગ્યા, ‘આ યુવાનને તો ખેલમાં પહેલી જ વાર જોયો હોં ! અપ-ટુ-ડેટ છે. લાગે છે તો ભણેલગણેલ. ઓફિસની ખુરશીને લાયક નથી લાગતો ? વખાનો માર્યો લાગે છે. પેટ કરાવે વેઠ. આજકાલ નોકરી ક્યાં મળે છે ? જે હોય તે. બાકી જુવાન છે તો ભારી રૂપકડો. ખાનદાન કુટુંબનો લાગે છે. બોલો લાગી શરત….?’ ત્યાં વળી નવું કૌતુક સર્જાયું. દોરડા પર ચાલતા ચાલતા રામજી કે મોહન ક્યારેય કશું બોલતા નહીં. બોલવા લાગે તો પગ ડોલવા માંડે. હા, નીચે ઢોલ કે એવું વાજિંત્ર વાગતું. જયારે અહીં તો આ યુવાન સ્વસ્થપણે બોલીને લોકોના હૃદયને ડોલાવી રહ્યો હતો : ‘લેડીઝ એન્ડ જેન્ટલમેન, સે ઇન્ડિયા ઇઝ ગ્રેટ. રાધર વ્હોલ વર્લ્ડ ઇઝ ગ્રેટ. વી ઓલ આર ફ્રેન્ડ્સ. આપણા સૌમાં પ્રેમની જ્યોતિ અખંડપણે પ્રકાશતી રહે. તમને સૌને મારી શુભેચ્છા. બેસ્ટ લક તો યુ ઓલ…સૌને રામરામ, સલામ….!’

અને યુવાનની આવી લહેકાદાર, લાગણીભરી વાકધારાથી ઉચ્ચ વર્ગના કાન સૌ પહેલાં ચમક્યા : ‘માળો ! આ તો અંગ્રેજીમાં બોલે છે ! ગોખ્યું લાગે છે…ને ગુજરાતી પણ કેવું સુંદર ! માણસ મુશ્કેલીમાં લાગે છે. આપણે યથાશક્તિ મદદ કરવી જોઈએ…..’ સૌ હ્રદયની ભાષામાં એકબીજા સાથે, પોતાની સાથે વાતચીત કરી રહ્યાં. બધા ધર્મને સાંકળી લેતા વાક્યોની પ્રેમસભર રજૂઆત વડે યુવાને લોકોનું મન જીતી લીધું. બોલે તેના બોર વેચાય તે આનું નામ. ફરી એણે સૂરો વહેતા કર્યા ને લોકો ભાવવિભોર થઇ ઊઠ્યાં. થોડી ક્ષણો પછી એ સડસડાટ નીચે ઊતરી ગયો ને તાળીઓનો ગડગડાટ વરસી રહ્યો. એની સમતોલનકળા ચોમેર પ્રસંશાને પાત્ર બની. પોર્ટફોલીઓ લઈને એ યુવાન લોકો વચ્ચે ફરી રહ્યો…. ‘હેલ્લો.વીલ યુ પ્લીઝ હેલ્પ ?’ એવી અંગ્રેજી ભાષા અને ‘આપશો’ એવું ગુજરાતી એ બોલી રહ્યો અને એ પણ એવી વિવેકપૂર્ણ રીતે, સસ્મિત વદને, સંસ્કારી ભાષામાં…કે એના પ્રભાવ હેઠળ આવી ગયેલા કોઈએ એનો બોલ ઉથાપવાની ચેષ્ટા સુધ્ધાં ન કરી. પૈસા માંગતી વેળા અણગમો દાખવવો, મોં ફેરવી નાસી છૂટવું, એવા રોજિંદા દ્શ્યોથી ટેવાઈ ગયેલા રામજીને આજે સાનંદાશ્ચર્ય થયું. ઊલટું, લોકોએ યુવાનની પીઠ થાબડી તેને નોકરીની ઓફર પણ કરી રહ્યા હતાં ! એ યુવાન આભાર વ્યક્ત કરતો કરતો આગળ વધતો ગયો.

અંતે ભીડ વિખરાવા લાગી. નટ રામજી તરફ પેલા યુવાને ડગ માંડ્યાં, ત્યાં જ એક અંગ્રેજ મેડમે સાદ પાડી તેને પોતાની પાસે બોલાવ્યો. યુવાને રામજીને પણ સાથે લીધો.
યુવતી પ્રશંસાના સૂરમાં બોલી ઊઠી : ‘વન્ડરફુલ મ્યુઝિક એન્ડ યોર પ્લે…મને થોડું થોડું ગુજરાતી ફાવડે છે.’
‘બેન, ફાવડે નહીં, ફાવે છે કે આવડે છે એમ કહેવાય….’ રામજી બોલી ઊઠ્યો. યુવાને રામજીને વાતને અંગ્રેજીમાં સ્પષ્ટ કરીને તરત જ મુક્ત ત્રિકોણી હાસ્ય સર્જાયું. ‘ઓ.કે..ઓ.કે.’કહી મેડમે સો રૂપિયાની નોટ યુવાનને આપતાં પૂછ્યું :
‘ડુ યુ વોન્ટ એનિ જોબ ? કમ વિથ મી. આઈ વિલ ગિવ યુ સમ વર્ક. યુ વિલ ગેટ મોર મનિ.’
‘થેંક યુ મેડમ…બટ…’ નટ તરફ એક ઈશારો કરી યુવાને કશુંક સમજાવ્યું. મેડમ ખડખડાટ હસી પડી અને પછી મદદનું વચન તેમ જ સરનામું આપી મોટરકારમાં ચાલી ગઈ…
…ને નટ રામજીએ ગાલ પર ચૂંટી ખણી….. આ સપનું તો નથી ને ? આટલા બધા પૈસા જિંદગીમાં આ પહેલાં ક્યારેય નહોતાં ભાળ્યાં. ખેલ પત્યા પછી મળેલા ઓછા પૈસા નિરાશ વદને ગણ્યા વગર ગજવામાં મૂકી દેવાના અગણિત કિસ્સા બન્યાં હતાં. અને આજે તો ખેલ થવાની શક્યતા જ ક્યાં હતી ? એણે બદલે આ તો સાવ ઊલટું !! રામજી પૈસા ગણવા લાગ્યો,પણ એને ‘ફાવ્યું’ નહીં, એટલે યુવાન મદદે આવ્યો. યુવાને કહેલો આંકડો ફાંકડો હતો, સાંકડો નહીં. અધધધ….ત્રણસો ને ત્રીસ રૂપિયા…! રામજીનું આશ્ચર્ય શમે એ પહેલાં યુવાને સો-સો-ની બીજી બે નોટ પોતાના તરફથી ઉમેરતા કહ્યું, ‘હવે ઝટ વતન જવાની તૈયારી કરો. આટલા પૈસા થઇ રહેશે ને ? કે પછી વધારે આપું ?’ બિમાર મોહનનો ખ્યાલ આવતાં તેણે ઉમેર્યું, ‘તારા દીકરાની સારવાર જલ્દી અને સારી કરાવજે એટલે એ ફરી દોરડા પર ચાલવાનો ખેલ કરી શકે. નવું દોરડું લઇ લેજે…..ને હા, પેલી મેડમ પાસે જજે. તને સારું કામ મળી જશે, સમજ્યો ?’
‘સાહેબ, તમારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. તમે આવડા મોટા સાહેબ થઈને દોરડા ઉપર આવો ખેલ…..સાહેબ મને માફ….’
‘અરે એમાં શું ? ને હવે વાતોનાં વડાં ન કર. ચાલ આવજે.. તું રાજી એમાં હુંય રાજી, બરાબરને ?’

અને લશ્કરના આ જવાન અફસરે નટની પીઠ થાબડી અને રજામાં વતનમાં આવતાવેંત જ એક સારું કામ કર્યાનો સંતોષ અનુભવી તેણે જોશભેર પોતાના પગ ઘર ભણી ઉપડ્યા. રાષ્ટ્રની સુરક્ષા માટે જીવસટોસટનાં અનેક સાહસો ખેડનારા આ અફસર માટે નટનો ખેલ ડાબા હાથનો ખેલ હતો. ઉપરી-અધિકારીની રજા લઈ ઘણાં વર્ષો બાદ પોતે વતનમાં આવ્યો હોઈ લગભગ કોઈ તેને ઓળખી નહોતું શક્યું અને જે એક-બે મિત્રોએ તેને ઓળખી કાઢ્યો હતો તેમને ખેલ દરમિયાન જ તેણે ચૂપ રહેવાનો સંકેત આપી દીધો હતો.

પણ નટ રામજીને તો આ યુવાનની ખરી ઓળખ મળી ચુકી હતી. રામજી નજર પહોંચે ત્યાં સુધી આ ભલા યુવાનને કૃતજ્ઞતાપૂર્વક જોઈ જ રહ્યો…બસ જોઈ જ રહ્યો…..

Leave a Reply to nikita patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

26 thoughts on “ખેલ – દુર્ગેશ ઓઝા”

Copy Protected by Chetan's WP-Copyprotect.