વિદ્યાર્થી અને વાલીઓને જોડતી કડી : શિક્ષક – ડૉ. મિનાક્ષી માકડીયા

[ જામનગરના ડૉ. મિનાક્ષીબેનના પુસ્તક ‘વિદ્યાર્થી અને વાલીઓને જોડતી કડી – શિક્ષક’માંનો કેટલોક અંશ અત્રે સાભાર પ્રકાશિત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે લેખિકાએ  એમ.એ., બી.એડ., પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરેલ છે. રીડગુજરાતીને આ અંશ લેખ સ્વરૂપે મોકલવા બદલ લેખિકાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે minaxidadhania@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]મા[/dc]રા આ પુસ્તકનું શીર્ષક વિદ્યાર્થી-વાલીને જોડતી કડી ‘શિક્ષક’ રાખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શિક્ષક અને શિક્ષણને ખરા અર્થમાં ઉજાગર કરવાનો છે. આપણો સમાજ શિસ્ત માટે, સુસંસ્કારો માટે, જીવનના મૂલ્યો માટે શિક્ષક તરફ જ મીટ માંડીને બેઠો છે અને જ્યારે-જ્યારે કંઈ નિષેધક ઘટનાઓ બને છે ત્યારે શિક્ષક અને શિક્ષણ વ્યવસ્થાને જવાબદાર ગણે છે. પરંતુ મૂલ્ય શિક્ષણ કે સંસ્કારોના સંદર્ભે વાલી અને વિદ્યાર્થીઓ પણ સમાન રીતે જોડાયેલા નથી શું ? વિદ્યાર્થીનાં ઉત્તમ ચારિત્ર્યનું ઘડતર કરવા માટે તેનામાં નિષ્ઠા, પ્રામાણિકતા, માનવતા, નિર્ભયતાના ગુણો વિકસે એ માટે એક શિક્ષકે જ નહીં બલ્કે વાલી અને વિદ્યાર્થીએ સક્રિયપણે સહિયારા પ્રયાસો કરવાની આવશ્યકતા છે. દોષારોપણની રમતો છોડી વિદ્યાર્થી એક સંનિષ્ઠ નાગરિક તરીકે સમાજમાં ઊભો રહી શકે તેવા વ્યક્તિત્વનું ઘડતર કરવા બધાએ સાથે મળીને વિધાયક પગલાં લેવાં જરૂરી છે.

[ક્યાં ખોવાયું બાળપણ]
માતા-પિતાનો વધારે પડતો સ્નેહ અને વધારે પડતું રક્ષણ બાળકનાં વિકાસમાં અવરોધરૂપ બની રહ્યું છે. તો બીજી તરફ મા-બાપની વધારે પડતી અપેક્ષા બાળક પર થોપવામાં આવે છે અથવા તો મા-બાપ પોતાના અધુરા સ્વપ્નો પૂરા કરવાનું સાધન પોતાના બાળકને બનાવી દે છે. મા-બાપનાં આવા વલણથી અંતે નુકશાન બાળકને થાય છે. આજે પ્રથમ નંબર મેળવવાની રેસમાં બાળકના જન્મતાની સાથે જ વાલીઓ સારી શૈક્ષણિક સંસ્થાઓની શોધમાં લાગી જાય છે. બે કે અઢી વર્ષની ઉંમરે પ્લે-હાઉસ અને ત્રણ વર્ષની ઉંમરે નોટ-પેન પકડાવી દેતા વાલીઓ પ્રત્યે ગુસ્સો અને દયાનાં મિશ્રભાવો અનુભવાય છે. બાળકો પાસેથી એનું સુંદર બાળપણ છીનવી લેવાનો અપરાધ એના જ મા-બાપ કરે છે !!! આ કેવો અન્યાય ? શિક્ષણ માટેની આ કેવી દોડ ??? મહાકવિ ગેટે કહે છે કે ‘બાળક જેટલી શક્તિઓ લઈને જન્મે છે એનો વિકાસ જો એ જ રીતે થાય તો આ જગત પ્રતિભાઓથી ભરાઈ જાય.’ પરંતુ આજે પ્રિ-પ્રાયમરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા-પિતા પણ પોતાના બાળકનો વર્ગમાં કેટલામો નંબર અને એને કેટલું શૈક્ષણિક જ્ઞાન મેળવ્યું છે તેની જ તુલના કરતા રહે છે. હદ તો ત્યારે થાય છે કે આવા નાના-નાના ભૂલકાંઓને શાળા ઉપરાંત ટ્યુશનમાં પણ મોકલવાનું શરૂ કરી દે છે. અને શરૂ થાય છે એક વિનાશ લીલા !! બાળપણની અલૌકિક સૃષ્ટિ સાથેનો નાતો કે જ્યાં બાળક વરસાદનાં બિંદુને હાથમાં ઝીલી આપણને કુતૂહલથી બતાવે, ધૂળમાં નહાતી ચકલીઓ તરફ આંગળી ચીંધી એ પણ નાચવા લાગે, ખીલેલા ફુલોને સ્પર્શીને વિસ્મયથી નિહાળે, પાણીનાં છબછબિયાંને માટીનાં રમકડાં, પક્ષીઓના કલરવ સાંભળીને તથા ચાંદા મામાને આકાશમાં લપાતા-છુપાતા જોઈને બાળકની આંખોમાં વ્યક્ત થતું આશ્ચર્ય, તેનું નિર્મળ, નિર્દોષ હાસ્ય અને વિસ્મયનો સાગર બધું જ અદશ્ય થઈ રહ્યું છે. મા-બાપ પોતાની અપેક્ષાની પૂર્તિ માટે બાળકને અનાયાસે જ રેસનો ઘોડો બનાવી દે છે. બાળકની ઈચ્છા, અપેક્ષા, રસ, રૂચિને જાણ્યા વિના એના પર ભણતરનો ભાર થોપવામાં આવે છે. પરિણામ સ્વરૂપ એની શક્તિઓ કુંઠીત થઈ જાય છે. માતા-પિતાની આજ્ઞાને શિરોમાન્ય ગણી શરૂઆતમાં સારું પરિણામ લાવતું બાળક પણ સમય જતાં શિક્ષણની રેસમાં પાછળ રહેતું જાય છે. કારણ કે અહીં એની ઈચ્છા કે વૃત્તિને કોઈ સમજવાનો પ્રયાસ નથી કરતું, માનવ મટીને એ યંત્ર માનવ બની જાય છે. માતા-પિતા સારી શાળામાં ભણાવે છે, સારા ટ્યુશન કલાસીસમાં મોકલે છે. ક્યારેક તો બેથી ત્રણ ટ્યુશનો રાખવામાં આવે છે. આખો દિવસ માત્ર ભણતર-ભણતર અને ભણતર પરંતુ પરિણામ શૂન્ય. વિદ્યાર્થી ભણવામાં ખૂબ વ્યસ્ત હોવા છતાં ધાર્યું પરિણામ નથી લાવતો. શા માટે ? પ્રખ્યાત ચિંતક થોરોનું એક વાક્ય છે કે ‘Its not enough to be busy. The question is : What are we busy about ?’ એટલે કે માત્ર વ્યસ્ત રહેવું જ પૂરતું નથી. પરંતુ આપણે ક્યાં કામ માટે વ્યસ્ત છીએ એ જરૂરી છે. જે કામમાં અભિરૂચી ન હોય પરંતુ તમારા પર થોપવામાં આવ્યું હોય તેમાં 24 કલાક વ્યસ્ત રહેશો છતાં સફળતા ક્યારેય નહીં મળે એ સ્વાભાવિક છે.

[જાગો મા-બાપ જાગો]
આપનું બાળક શાળામાં પ્રથમ નંબરે પાસ થાય તો જ એને શિક્ષિત કહી શકાય એ ભ્રમમાંથી બહાર નીકળો. ઈતિહાસનાં પાના ઉથલાવો તો એવા કેટલાય રાજા મળશે જે ભણ્યા ન હતા પરંતુ એના ક્ષેત્રમાં મહાન હતાં. પરમ પૂ. મોરારિબાપુ કે જેની શૈક્ષણિક કારકીર્દિ જ્વલંત ન હતી છતાંય આજે લોકોનાં હૃદયમાં સર્વોચ્ચ સ્થાને બિરાજે છે. ધંધાની જ વાત કરીએ તો ઘીરુભાઈ અંબાણી અને અન્ય ઘણાના નામ આપી શકાય કે જેની શૈક્ષણિક કારકિર્દીનો ફાળો તેમની સફળતામાં નહીવત છે. બિલગેટ્સને એમની કૉલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં. મહાન વૈજ્ઞાનિક રામાનૂજનને ગણિત સિવાયનાં બધા જ વિષયમાં અનેકવાર નાપાસ થવાથી શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતાં. આ નામનું લીસ્ટ તો ખૂબ મોટું છે પરંતુ અહીં વાલીશ્રીઓને કહેવાનું એટલું જ છે કે બાળકરૂપી કૂમળા છોડને જતનથી સાચવો, ખૂબ સ્નેહનું સિંચન કરો પરંતુ એનો વિકાસ કરવાની મોકળાશ એને આપો. જીવનભર આંગળી પકડીને એને ચલાવાતું નથી. એને એની મેળે ચાલવા દ્યો. બસ ધ્યાન એટલું રાખવાનું છે કે એ ડગમગી જાય ત્યારે એને પડવા નથી દેવાનું એને પ્રેમથી સંભાળી લેવાનું છે. પરંતુ ચાલવાનું તો એકલાએ જ હોય. મા-બાપનાં વધારે પડતા લાડ કે વધારે પડતી સંભાળ એને પરતંત્ર કે પરવશ બનાવી દે છે. તો બીજી તરફ મા-બાપની વધુ પડતી અપેક્ષ બાળકની પ્રતિભાને કુઠીત કરી નાંખે છે. મા-બાપ અને શિક્ષકોની વિદ્યાર્થી માટેની ફરજ એટલી જ છે કે એને એવું વાતાવરણ પૂરું પાડે કે જેથી વિદ્યાર્થીની પ્રતિભા ખીલી ઊઠે, તેનામાં રહેલી નવી ક્ષમતાઓ વિકસે. બધું જ એને તૈયાર પીરસીને પરવશ ના કરો. બલ્કે અમુક સંઘર્ષો જીવનને ઘડે છે, બાળકમાં રહેલી શક્તિઓને ઉજાગર કરે છે. એક સુંદર નાનકડી વાર્તાનો સાર કંઈક આવો જ છે.

એક માણસ એક કોશેટો ઘરે લઈ આવ્યો. કોશેટામાંથી પતંગિયું કેમ બને એ એને જોવું હતું. થોડાદિવસ બાદ કોશેટામાંથી એક છિદ્ર વાટે પતંગિયું પોતાના શરીરને બહાર લાવવા સંઘર્ષ કરી રહ્યું છે. ઘણીવાર સુધી પતંગિયાને બહાર નીકળવા માટે મહેનત કરતું જોઈ તે માણસને દયા આવે છે. તે કોશેટાને કાળજીથી કાપી પતંગિયાને બહાર કાઢે છે. પણ પતંગિયાનું શરીર એકદમ નબળું અને ક્ષીણ હોય છે. જો કે પેલા માણસને તો એમ જ થાય છે કે હમણાં પતંગિયું ઉડવા લાગશે. પરંતુ પતંગિયુ ઊડી શકતું નથી અને બાકીનું જીવન જમીન પર ચીમળાયેલી પાંખો સાથે ઢસડાયા કરે છે. પેલો માણસ દયા દાખવવાની ઉતાવળમાં સમજ્યો નહીં કે નાનકડાં છિદ્ર વાટે બહાર આવવા માટે પતંગિયાએ સંઘર્ષ કરવો જરૂરી હતો એ સંઘર્ષ દરમ્યાન એના શરીરમાંથી જે પ્રવાહી પાંખમાં ધકેલાય એનાથી એને શક્તિ મળે અને ઉડ્ડયન કરવા સક્ષમ બને પરંતુ પેલા માણસની મદદે તેને જીવનભર પંગુ બનાવી દીધું. યાદ રાખો કે બાળકની પણ વધારે પડતી કાળજી લેવાથી તે પંગુ બની શકે છે. થોડો ઘણો અવરોધ, થોડોક સંઘર્ષ બાળકમાં રહેલી પ્રતિભાને ખીલવવામાં આશીર્વાદ સમાન હોય છે. વિપરીત સંજોગોમાં જ બાળક નવો માર્ગ કંડારે અને પડકારોને પ્રગતિનાં પગથિયા બનાવી સફળતાના શીખરો સર કરે છે.

[ ‘પાલક બનો, માલિક નહીં’]
વિદ્યાર્થીને માતા-પિતા અને શિક્ષકોનાં માર્ગદર્શન અને હૂંફની જરૂર છે. ટાઢી બોળ સલાહો, સૂચનો, આજ્ઞાઓ અને નિયમોમાં એને બાંધો નહીં. બાળક ઈશ્વરનો અંશ છે. એ તમારા દ્વારા આ પૃથ્વી પર જન્મ્યું છે. તમે એના પાલક બનો, માલિક નહીં. એના મનગમતા ક્ષેત્રમાં એની કારકિર્દી ઘડવાનો મોકો આપો. બધા જ વ્યક્તિઓ ડૉક્ટર, પ્રોફેસર, એન્જીનિયર કે વકીલ નથી બની શકતા. એની અભિરૂચી મુજબ એના જીવનને જીવવાનો અવસર આપો. કદાચ ત્યાં પૈસા થોડા ઓછા મળશે, પણ જીવનનું સુખ વધુ હશે. હંમેશા સફળતાને પૈસાની સાથે જ શા માટે સરખાવવી જોઈએ ? સુખનો સીધો સંબંધ તો સંતોષ સાથે છે.

[ભૌતિક સમૃદ્ધિની દોડ]
ભૌતિક સંપત્તિ અને સગવડ મેળવવાની દોડમાં માણસ એક એવા ચક્રવ્યુહમાં ફસાઈ જાય છે કે ઈચ્છીત વસ્તુઓ હંમેશા એની પહોંચની બહાર જ રહે છે. જેની પાસે સાયકલ છે એને સ્કૂટર જોઈએ છે, સ્કૂટર છે તેને બાઈક, બાઈક છે તેને ગાડી, ગાડી છે તેને બંગલા….. ઈચ્છાઓનો અંત જ નથી. તમારી આસપાસ ઈચ્છાઓના વર્તુળો રચાતા જ જશે અને ઈચ્છીત વસ્તુ હંમેશા પહોંચની બહાર જ રહેશે !!! શું આપણી જિંદગીનો મતલબ ભૌતિક વસ્તુઓ અને ભૌતિક સમૃદ્ધિ મેળવવાની દોડ માત્ર છે ? હા, વિદ્યાર્થી હોંશિયાર હોય, સારા નંબરે પાસ થાય, સારી નોકરી મેળવે, સારી આવક મેળવે અને સારુ જીવન જીવે એ બધા જ માતા-પિતા અને શિક્ષકો ઈચ્છે જ છે. પરંતુ ઉચ્ચતમ ધ્યેય સુધી પહોંચવાની કાર્યક્ષમતા બધા જ વિદ્યાર્થીઓ પાસે નથી હોતી. ત્યારે એને એ દોડમાં પરાણે સામેલ કરવામાં આવે તો એ અટવાય છે, ફસાય છે અને અંતે ઢસડાય છે.

[હું કોણ છું ?]
શિક્ષકની ફરજ છે કે વાલી-વિદ્યાર્થી વચ્ચે મધ્યસ્થી બની બન્ને પક્ષને સમજાવે વિદ્યાર્થીની અભિરૂચી અને કાર્યક્ષમતા જોઈને એના ધ્યેયો નક્કી કરવા જોઈએ. જીવનનો મૂળભૂત અર્થ તો પ્રેમ, આનંદ અને શાંતિ મેળવવાનો છે પણ આ જે દંભી સમાજમાં વ્યક્તિ લોકોની દષ્ટિએ સારા બની રહેવાની, લોકોની દષ્ટિએ સફળ બની રહેવાની, મથામણમાં પોતાની સહજતા ખોઈ બેસે છે. ‘હું કોણ છું ?’ અને ‘હું શું ઈચ્છું છું ?’ આ બે પ્રશ્નો પ્રત્યેક વિદ્યાર્થી પોતાની જાતને પૂછી શકે એટલી મોકળાશ આપો નહીં તો તે તમારી ઈચ્છાઓનો ભાર વહન કરતાં કરતાં થાકી જશો અને અંતે આટલી ભાગદોડ પછી એના જીવનની ફલશ્રુતિ શું હશે ? તમે જાણો છો ? તમારી નજરમાં પોતાની સારી ઈમેજ જાળવતા-જાળવતા ખુદની આઈડેન્ટીટી જ ખોઈ બેસશે !!! શિક્ષણનો અર્થ શું છે ? શિક્ષણ દ્વારા વ્યક્તિ પોતાની સાચી ઓળખ મેળવે નહીં કે વ્યક્તિ પોતાની ઓળખ જ ખોઈ બેસે.

[આજની બ્લાન્ડ જનરેશન]
સમયની સાથે શિક્ષણ પોતાનું ક્લેવર બદલી રહ્યું છે ત્યારે પરિવર્તનના આ યુગમાં સમાજ શિક્ષણ તરફ અપેક્ષિત મીટ માંડી રહ્યો છે. શિક્ષણ પ્રત્યે આજે પણ લોકોમાં વિશ્વાસ અડગ છે. વિદ્યાર્થીઓ માટે તો શિક્ષકનું વાક્ય એટલે બ્રહ્મવાક્ય હોય છે. માતા-પિતા કરતાં શિક્ષકની વાત વિદ્યાર્થી મોટેભાગે માને છે અન્યની નજરમાં શિક્ષક તરીકેનું પોતાનું મૂલ્ય જળવાઈ રહે એ માટે શિક્ષકે પણ સજ્જ રહેવું જ જોઈએ. શિક્ષક મૂલ્યનિષ્ઠ હોય, કાબેલ હોય એ પૂરતું નથી. એનામાં ધૈર્ય હોવું ખૂબ આવશ્યક છે કારણ કે આધુનિક જનરેશનને કેળવવા માટે અપાર ધીરજ હોવી જરૂરી છે. લેખક કાંતિ ભટ્ટ આજની જનરેશનને 21મી સદીની બ્લાન્ડ જનરેશન કહે છે. કારણ કે આજનાં યુવાનો પાસે કોઈ ચોક્કસ ટેસ્ટ કે પસંદગી નથી. સેલિયા બ્રેયફિલ્ડે લખ્યું છે કે આજના સમયમાં એક જબ્બર બ્લાન્ડ જનરેશન ઊભી થઈ છે. એ લોકો પાસે મૌલિક વિચારો નથી. કોઈ સારા પુસ્તકોનું વાચન નથી. આજનાં વિદ્યાર્થીઓ પાસે જો કોઈ માહિતી છે તો તે બોલીવુડ અને હોલીવુડનું રજેરજનું જ્ઞાન છે. દેશની સામાજિક-આર્થિક પરિસ્થિતિ કેવી છે કે રાજકારણ કેમ ચાલી રહ્યું છે એની એને ખબર નથી પરંતુ ઐશ્વર્યા રાય કે કેટરીના કૈફની ગોસિપમાં રચ્યા પચ્યા રહે છે. મોર્ડન ફેશન, શોપિંગ મોલ, મેકડોનાલ્ડઝ, વિડીયોગેમ, ઈન્ટરનેટનું આંધળું અનુકરણ અને આવી જ બધી બાબતોમાં એ સતત અટવાયેલા રહે છે. એનું કોઈ ચોક્કસ ધ્યેય જ નથી કે જ્યાં શિક્ષક એને પ્રેરણા આપીને આગળ વધવામાં મદદરૂપ બને. કાન્તીભટ્ટ તો ત્યાં સુધી લખે છે કે ‘આ જનરેશન પ્રેમ, પ્રેમ અને પ્રેમની લવારી કરે છે… ‘આઈ લવ યુ’નું વાક્ય તો આપણી માતા ‘જય શ્રી કૃષ્ણ’ બોલે તેમ બોલે છે.’ ઘણી વખત તો જોવા મળે છે કે આજની પ્રજા ને સમાજ, માતા-પિતા કે શિક્ષકો કોઈની સાથે લગાવ નથી. આજે જેને બીપીએલ કહેવાય છે તેવી બાપના પૈસે લીલા લહેર કરતી પ્રજા વિના લાયસન્સ ગાડીઓ દોડાવે છે. નિયમો તોડવાને જ જે પોતાની બહાદુરી ગણે છે. આવી પ્રજાને સાચવવાનું, સંભાળવાનું, ભણાવવાનું અને સાચી દિશા બતાવવાનું કપરામાં કપરું કામ એક શિક્ષકે કરવાનું છે. માટે જ શિક્ષકમાં ધૈર્ય જરૂરી છે.

[શિક્ષકનું કર્મ]
જે છે તે આ છે એ સ્વીકારીને વિદ્યાર્થીનાં જીવન ઘડતર માટે વાલી-વિદ્યાર્થીને જોડતી સુંદર કડી બનવાનું સૌભાગ્ય શિક્ષકને મળ્યું છે. એક વસ્તુ ચોક્કસ છે કે જન્મથી પ્રત્યેક બાળક શુદ્ધ આત્મા સ્વરૂપે જન્મે છે અને એ શુદ્ધ આત્મા પર લાગેલી આધુનિક જીવનશૈલી રૂપી ધૂળ શિક્ષકે ખંખેરવાની છે. માતા-પિતા હંમેશા પોતાનાં બાળકમાં સુસંસ્કારોના જ બીજ વાવે છે. જે મા-બાપ કદાચ ખોટા કાર્ય કરતા હોય એ પણ હંમેશા ઈચ્છે છે કે પોતાનું બાળક સદમાર્ગ અને સદવર્તન અપનાવે. એટલે કે બાળકમાં બીજ તો હંમેશા સુસંસ્કારોનું જ રોપવામાં આવે છે. જેમ ખેડૂત ખેતરમાં બીજ તો અનાજનું જ રોપશે. છતાંય અન્ય ઘાસ વચ્ચે-વચ્ચે ઊગી નીકળે છે એમ બાળકમાં પણ ઈર્ષા, રાગ, દ્વેષ, ક્રૂરતા, જૂઠાણું, દંભ જેવા વધારાનાં કુસંસ્કારો વાતાવરણમાંથી આવે છે અને ઊગી નીકળે છે. હવે શિક્ષકે ખેડૂતનું કાર્ય કરવાનું છે. સુસંસ્કારોના બીજને પોષણ અને સિંચન કરવાનું છે કે જેથી એ છોડ મોટો બને, વિકસે અને કુસંસ્કારોના બીજનું ખેડૂતની માફક વધારાનું ઘાસ ગણી નિંદામણ કરવાનું છે. હા, માતા-પિતાને વિદ્યાર્થીનાં અયોગ્ય વર્તન માટે જાણ કરવાની ફરજ શિક્ષકની છે પરંતુ એને જવાબદાર ના ઠેરવવા જોઈએ. કારણ કે કોઈ માતા-પિતા ક્યારેય એવું નથી ઈચ્છતા કે પોતાનું બાળક શાળામાં જઈ આવા કુસંસ્કારો ભરેલા ગેરવર્તનો કરે.

અહીં વિદ્યાર્થીના યોગ્ય વિકાસ માટે વાલી અને શિક્ષક વચ્ચે સુસંવાદ સ્થપાય એ આવશ્યક છે. શિક્ષકે વાલીની સાથે વાત કરતી વખતે વિદ્યાર્થીનાં ગેરવર્તનનો ગુસ્સો ના ઠાલવવો જોઈએ બલ્કે શાંતિથી પરિસ્થિતિ વિશે એને વાકેફ કરવા જોઈએ અને વાલીઓએ પણ વસ્તુસ્થિતિને સમજીને પોતાના બાળકની ભૂલોને છાવરવાની કોશિશ ન કરવી જોઈએ. શિક્ષકે એક બાબત હંમેશા યાદ રાખવી જોઈએ કે આજનો દિવસ પૂરો થયો તો આજે થયેલા વર્તનો-ગેરવર્તનો તેના માટેની સજા, દંડ બધું જ આજે પૂરું. આવતી કાલે નવો દિવસ વર્ગનાં તમામ વિદ્યાર્થીઓને એક દષ્ટિથી જોવા અને મૂલવવાથી શરૂ કરવો. જૂની ભૂલોને યાદ કરીને એક જ વિદ્યાર્થીને વારંવાર ગુનેગાર ના ઠેરાવવો જોઈએ. એને વર્તનમાં પરિવર્તન લાવવાનો મોકો આપો. માણસ એટલે સતત થતા પરિવર્તનોનો સરવાળો તો પછી આ બ્લાન્ડ જનરેશન પણ બદલી શકે છે. કારણ કે એની અંદર ક્યાંક શુદ્ધ સ્વરૂપે આત્મા વિરાજમાન છે. કેટલાંક બીજ વાવ્યા પછી તુરંત ઊગી નીકળે છે અને કેટલાક બીજને અંકુરીત થતા સમય લાગે છે. સાચો શિક્ષક એ છે કે ધીરજપૂર્વક એ બીજને પોષણ અને સિંચન કર્યા જ કરે. શિક્ષકની એટલી જ ફરજ છે કે સુસંસ્કારોનાં બીજને ઉછેરે, સુવિકસીત કરે. પછી એ છોડમાં કેવા ફૂલ કે ફળ થશે તે પ્રત્યેક છોડની નિજતાને આભારી છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ચીંગરિયાની ટેકરીએ – નરોત્તમ પલાણ
ખેલ – દુર્ગેશ ઓઝા Next »   

6 પ્રતિભાવો : વિદ્યાર્થી અને વાલીઓને જોડતી કડી : શિક્ષક – ડૉ. મિનાક્ષી માકડીયા

 1. Kalidas V. Patel { Vagosana } says:

  મિનાક્ષીબેન,
  આપનો શૈક્ષણિક લેખ ગમ્યો. પરંતુ આજની બ્લાન્ડ { બ્લાઈન્ડ } જનરેશન વાળો ટોપિક ખૂંચ્યો.આજના વિદ્યાર્થી વાંચતા નથી અને હોલીવૂડ -બોલીવૂડ , તથા વિડિયો ગેઈમ જ રમે છે તેવી ફરિયાદ કરવા વાળા આપણે આપણાં જ બાળકોને કેટલાં પુસ્તકો લાવી આપીએ છીએ ? વિડિયો ગેઈમ માટે હજારો રૂપિયા ખર્ચ કરનાર વાલી ૧૦૦-૨૦૦ રૂપિયાનાં પુસ્તકો ખરીદીને આપે છે ખરો ? વળી, ‘બીપીલ’ કરનારા લહેરીલાલાને ‘બીપીલ’ કરવા પૈસા કોણ આપે છે ? આપણે જ ને ! પછી બાળકોનો દોષ કાં કાઢવો ? ” ઇન્ટરનેટનું આંધળુ અનુકરણ ” એટલે શું સમજવું ? ઇન્ટરનેટના પ્રતાપે તો આપનો આ લેખ હજારો વાંચકો સમક્ષ રજૂ થઈ શક્યો છે તે કેમ ભુલી શકાય ?
  વધુમાં, લેખમાં જોડણીની,વાક્ય રચનાની, વિરામ ચિહ્નોની અસંખ્ય ભૂલો છે જે દુઃખદ છે. મૃગેશભાઈને વિનંતી કરવાની કે લેખ સીધો લે તો જરા જોઈ લે.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 2. kansara gita says:

  શૈક્ષનિક લેખ સમજવા જેવો.કાલિદાસભાઈના મન્તવ્ય સાથે સહમત્.

 3. viral says:

  very good i inspire your letter……………………………………

 4. Arvind Patel says:

  આજ નો સમય, આજ નો જમાનો ગઈ કાલ ની સરખામણીએ ખુબ જ સારો છે. જોવાની દ્રષ્ટિ જોઈએ. સમય ની સાથે પરિમાણો પણ બદલાય છે. માપદંડ. વસ્તુ ને સારી કે ખોટી માપવાની પદ્ધત્તિ બળાઈ છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે , કે માં-બાપ અને પુત્ર, પુત્રી વચ્ચે સંબન્ધો ની પરિભાષા બદલી ગઈ છે. મોકળાશ ખુબ જ થઇ ગઈ છે. સંબંધો માં સરળતા થઇ ગઈ છે. ખોટી ફોર્માલિટી જતી રહી છે. આ વાતાવરણ ખુબ જ આવકાર્ય છે.

 5. Nilesh Galshar says:

  hal na Sammy MA parents n evi mansikta chhe K maru child vehlu hosiyar thy jay….. biju dekha dekhi na karne hal ma nana nana bhulka o nu bachpan chhinvay rahyu chhe….. J khub dukh ni babat kehvay. …apne koi haq nthi nana bhulka o nu bachpan chhinavvano………..
  ( a mara angat vicharo chhe….. koi khotu lagadso ny)

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.