મારો પોશાક એ જ મારો સંદેશ – દિનેશ શુક્લ

[‘શાશ્વત ગાંધી’ સામાયિક જાન્યુઆરી 2013માંથી સાભાર.]

[dc]ગાં[/dc]ધીજીના જીવન અને કાર્ય વિશે ઘણું લખાયું છે, ઘણાં સંશોધનો અને અભ્યાસો થયા છે. ગાંધીવિચાર આજના સંદર્ભમાં કેટલો પ્રસ્તુત એ વિશે મોટા પ્રમાણમાં વિમર્શ ચાલી રહ્યો છે, પણ ગાંધીજીના એક મહત્વના પાસા વિશે પ્રમાણમાં ઓછું લખાયું છે અને તે છે કે અત્યંત અસરકારક સંવહનકાર કમ્યુનિકેટર તરીકે ગાંધીજી. સ્વાતંત્ર્ય ચળવળમાં સામેલ થવા અને પોતાનાથી થઈ શકે તેટલું યોગદાન આપવા તેમણે લાખો લોકોને ઉદ્યુત કર્યા. તે માટે તેમણે ભાષા (શબ્દો) અને ભાષા સિવાયનાં સંવહન માધ્યમોનો કેવી અસરકારકતાથી ઉપયોગ કર્યો, તેનો સુંદર અભ્યાસ સામાજિક સંવહનવિજ્ઞાનોના પ્રસિદ્ધ વિદ્વાન પીટર ગોન્સાલ્વીઝે કર્યો છે. તેમના પુસ્તકનું નામ છે : ‘ક્લોથિંગ્સ ફોર લિબરેશન : એ કમ્યુનિકેશન એનાલિસિસ ઑફ ગાંધીઝ સ્વદેશી રેવોલ્યુશન.’

ભાષા અને શબ્દો દ્વારા સંવહન કરવામાં ગાંધીજી માસ્ટર હતા. તેમની ભાષા એકદમ સરળ, સચોટ અને ચોટડૂક હતી. તેમના જ શબ્દોમાં, ‘ભાષા તો કોશિયો પણ સમજી શકે’ તેવી હતી. નિરર્થક શબ્દોનો તેઓ ભાગ્યે જ ઉપયોગ કરતા. તેમના મુખેથી કે કલમમાંથી કોઈ પણ એવો શબ્દ નીકળતો ન હતો, જેનો અર્થ ન હોય. શબ્દાડંબરમાં તેઓ માનતા ન હતા. પોતાની વાત કહેવા માટે જરૂર જેટલા જ શબ્દોનો ઉપયોગ કરતા, વધારે નહીં કે ઓછા પણ નહીં. માત્ર ખપપૂરતા. બીજા શબ્દોમાં, ગાંધીજી શબ્દો અને ભાષામાં પણ કરકસર કરતા. બિનજરૂરી શબ્દોનો ઉપયોગ એમને મન એક પ્રકારનો બગાડ હતો. પોતાની લેખનશૈલી વિશે તેમણે લખ્યું છે કે ‘સત્યાગ્રહમાં મારી અતૂટ શ્રદ્ધા હોવાથી ગુસ્સામાં કે કોઈના પ્રત્યે દુર્ભાવ રાખીને હું લખી શકું નહિ. મારા વિષયો અને શબ્દભંડોળની પસંદગીમાં મારે કેટલો સંયમ રાખવો પડે છે, તેનો વાચકોને કદાચ ખ્યાલ નહીં આવે.’

ગાંધીજીએ માત્ર શબ્દો કે ભાષા દ્વારા જ પોતાના વિચારો અથવા આદર્શોનું સંવહન કર્યું છે, એવું નથી. પોતાની વાત બીજાઓને પહોંચાડવા માટે તેમણે બિનશાબ્દિક (નોન-વર્બલ) સંવહન પદ્ધતિઓનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. દાખલા તરીકે મૌન, ઉપવાસ, પોતાનાં વસ્ત્રો અને પોતાની ‘હાજરી’ વગેરે. આ સૌ તેમનાં બિનશાબ્દિક સંવહનનાં માધ્યમો હતાં. ગાંધીજી નિયમિત મૌનવ્રત પાળતા. ગાંધીજીના આ મૌનવ્રત વિશે રવીન્દ્રનાથ ટાગોર લખે છે કે, તેમનું મૌન, ઉચ્ચારાયેલા કે લખાયેલા કોઈ પણ શબ્દ કરતાં વધારે પ્રભાવશાળી હતું. ગાંધીજીના ઉપવાસ સામેથી વ્યક્તિઓના હૃદયને અપીલ કરવા માટેના હતા. જાતે કષ્ટ સહન કરીને તેઓ સામેનાઓના હૃદયને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતા. ગાંધીજીની ‘સદેહે હાજરી’ પણ સંવહનક્ષમતાનું સુંદર દષ્ટાંત પૂરું પાડે છે. હાથમાં ઘાતક હથિયારો સાથે મારો-કાપો કરતા ટોળા વચ્ચે તેઓ જાય છે, શાંતિથી ઊભા રહે છે અને તેઓ કેવું ગાંડપણ આચરી રહ્યા છે તે સમજાવે છે અને હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશ આપે છે. હિન્દુ-મુસ્લિમ એકતા અને શાંતિ જાળવી રાખવાની પોતાના નિવાસસ્થાને બેસીને અપીલ કરતા નથી. તેમની સદેહે હાજરી જ કશું બોલ્યા વિના ઘણું બધું કહી જાય છે. એ જ રીતે, અસ્પૃશ્યતા વિરુદ્ધનો સંદેશ તેઓ હરિજન કોલોનીમાં જાતે રહીને આપે છે.

હાથે કાંતેલી અને વણેલી ખાદી અને તેનો પોશાક, એ દ્વારા ગાંધીજીએ એકીસાથે કેટલા બધા આદર્શો કમ્યુનિકેટ કર્યા છે ! એમાં સ્વદેશીનો આગ્રહ તો ખરો જ, પણ ખુદ આપણે બ્રિટિશરો દ્વારા થતા શોષણમાં ભાગીદાર થઈએ છીએ, એવો સ્પષ્ટ સંદેશ પણ રહેલો છે. સસ્તો કપાસ ઈંગ્લૅન્ડ જાય અને ત્યાંથી મોંઘું, મિલો દ્વારા તૈયાર થયેલું કાપડ આપણે ત્યાં આવે અને આપણે તે રાજીખુશીથી વાપરીએ અને વધારે ‘ફૅશનેબલ’ દેખાવાનો પ્રયાસ કરીએ ! ગાંધીજીએ ખાદીના પોશાકને કેવળ લોકપ્રિય નહીં પણ ફૅશનેબલ પણ બનાવ્યો. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખાદી વસ્ત્રધારી આપોઆપ સન્માનનીય બન્યા. જાતે કાંતી અને વણીને પહેરવાના આગ્રહે લોકોને સ્વાવલંબી થવાનો પણ સંદેશ આપ્યો. એટલું જ નહીં, પરંપરાગત એ વ્યવસાય કરનારાઓને સમાજમાં માનભર્યો દરજ્જો આપવાનો પણ પ્રયાસ કર્યો. તમારો ધંધો કયો, એવું જ્યારે તેમને પૂછવામાં આવતું ત્યારે તેઓ કહેતા કે, હું ‘વણકર’ છું.

એક અસરકારક કમ્યુનિકેટર તરીકે ગાંધીજીની જિનિયસ તો તેમના પોતાના પોશાકમાં ઉત્તરોત્તર થયેલ ફેરફારોમાં જોવા મળે છે. 1915માં જ્યારે ગાંધીજી ભારત આવે છે ત્યારે તેમણે કાઠિયાવાડી પોશાક પહેરેલો હોય છે. તેમને આવકારવા ભેગા થયેલા લોકોને આ પોશાકથી મોટું આશ્ચર્ય થાય છે. તેમણે સૂટબૂટમાં સજ્જ ગાંધીજીને જોવાની અપેક્ષા રાખેલી. દક્ષિણ આફ્રિકામાં હિન્દુસ્તાનનું નામ રોશન કરનાર શું આ ગાંધી છે ? થોડા સમય બાદ ગાંધીજીને લાગ્યું કે આ પોશાક દેશના ચોક્કસ એક ભાગ પૂરતો સીમિત છે અને સમગ્ર દેશના લોકોને તે ઝાઝી અપીલ નહીં કરી શકે. 1917 પછી તેમણે કયો પોશાક દેશના મોટા ભાગના લોકોને સ્વીકાર્ય બનશે એના પ્રયોગો શરૂ કર્યા. ખાદીના ઝભ્ભા-લેંઘાનો પ્રયોગ કર્યો. ઝભ્ભા-લેંઘા ઉપરાંત માથે ટોપી પહેરવાનું પણ શરૂ કર્યું. આ બધા પોશાકોથી પણ ગાંધીજીને સંતોષ ન થયો. તેમણે જોયું કે દેશના મોટા ભાગના લોકો તો અત્યંત ગરીબ છે, તેમાંના ઘણાની પાસે તો પહેરવાનાં પૂરતાં વસ્ત્રો પણ નથી. છેવટે 1921માં તેમણે સીવેલાં નહીં એવાં માત્ર શરીર ઢંકાય એવાં અને એટલાં જ વસ્ત્રો પહેરવાનો નિર્ણય કર્યો. ઢીંચણથી સ્હેજ ઊંચી એવી પોતડી અને ઉપરનું શરીર ઢંકાય એટલું વસ્ત્ર એ તેમનો છેલ્લા દિવસ સુધીનો પોશાક રહ્યો. એ જ પોશાક પહેરીને તેઓ રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સમાં હાજરી આપવા ઈંગ્લૅન્ડ ગયા અને એ જ પહેરવેશ સાથે બ્રિટનનાં રાજા-રાણીને પણ મળ્યા. ચર્ચિલે તો તેમને ‘નેકેડ ફકીર’ કહીને નવાજ્યા પણ ખરા ! આ પોશાક દ્વારા ગાંધીજી ભારતના તમામ દેશવાસીઓના, પણ ખાસ તો કરોડો ગરીબોના સાચા પ્રતિનિધિ તરીકે પોતાને રજૂ કરી શક્યા. સંવહનની આ કલામાં બ્રિટિશ સામ્રાજ્ય સામે ગાંધીજી જીત્યા. ગાંધીજીની વાણી અને લેખન પર તે પ્રતિબંધ મૂકી શકે, પણ મૌન, ઉપવાસ, પોશાક પર કેવી રીતે પ્રતિબંધ મૂકી શકે ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “મારો પોશાક એ જ મારો સંદેશ – દિનેશ શુક્લ”

Copy Protected by Chetan's WP-Copyprotect.