ઝીણીવાત – નવનીત શાહ

[‘ઝીણીવાત’ પુસ્તકમાંથી સાભાર.]

[1] બદલાવ

જમાનો કેટલો બધો બદલાઈ ગયો છે એમ જે જૂની પેઢીના માણસો માને છે તેનું શું કારણ ? બદલાવું એટલે જૂનું રદબાતલ કરવું ? બદલાવું એટલે પ્રગતિ કરવી ? બદલાવું એટલે ખોટે માર્ગે જવું ? જૂની પેઢીનું કહેવું છે કે અમારો જમાનો ગયો, અમારા જમાનામાં જે બધું સારું હતું તે આજે નજરે પડતું નથી અને નવી પેઢી તે અપનાવતી નથી. માણસ પોતાની મર્યાદામાં રહી પોતાની દષ્ટિથી બધું માપે છે. જૂની પેઢીને આપણે છાશવારે બોલતા સાંભળીએ છીએ : ‘અમે યુવાન હતા ત્યારે’, ‘અમારા જમાનામાં’, પણ એવું વારંવાર રટણ કરવાનો શો અર્થ ? બદલાવવું એ સમાજનો સ્વભાવ છે. પરિવર્તન સ્વાભાવિક છે અને તે જરૂરી પણ છે.

આજની જૂની પેઢી એકવાર નવી પેઢી હતી. જૂની પેઢી નવી પેઢી હતી ત્યારે તે જૂની પેઢીનું બધું જ અપનાવતી નહોતી. સમય અને વાતાવરણ બદલાય છે એટલે જરૂરિયાતો પણ આપોઆપ બદલાઈ જાય છે. આજે વીજળી આપણે માટે અનિવાર્ય છે. એ વેરણ થાય ત્યારે દીવો સળગાવીએ છીએ પણ વીજળી હોય ત્યારે વીજળી બંધ રાખી આપણે દીવાનો ઉપયોગ નથી કરતા. એ તો જેવો જમાનો અને જેવી સુવિધાઓ. નવા જમાનાને કોઈ નીતિનિયમ કે આદર્શ નથી એમ એની ખોટી ખણખોદ કરીએ એ ઉચિત નથી. દરેક વસ્તુને બે પાસાં હોય છે. જૂનું બધું ખરાબ નથી એમ નવું બધું સારું નથી એનો આપણને અનુભવ થાય છે. જૂનું જો ખપનું હશે, આજના સંદર્ભમાં જો તે પ્રસ્તુત હશે તો માણસ, આજનો માણસ, તેને જરૂર અપનાવશે. નવાને પણ આપણે આવકાર આપવો પડશે. તેનાથી જ આપણે બીજા પ્રગતિશીલ દેશોની હરોળમાં બેસી શકીશું.

અમારા વખતમાં જે સુખ અને શાંતિ હતાં તે આજે નજરે ચઢતાં નથી એમ કહેનાર દેશની પ્રગતિને જોઈ શકતા નથી. પરંપરાને પકડી રાખીએ તો આપણે આગળ દોડી શકીશું નહિ. આપણે આગળ દોડી શકીશું નહિ તો આપણે દુનિયાના અનેક દેશોથી પાછળ પડી જશું. તેમાં આપણને જ ગેરલાભ થશે. આપણી નવી પેઢી તેનાથી પાંગળી બની જશે, આગળ વધી નહિ શકે. પ્રાચીનતાની પીપૂડી વારંવાર વગાડ્યા કરવાનો શો અર્થ ? અને એને સાંભળશે પણ કોણ ? આ દોડતો જમાનો આ પ્રાચીનતાની પીપૂડીનો અવાજ રોકી સાંભળશે નહિ. હા, આ દોટ આંધળી ન હોવી જોઈએ, ઠેસ વાગે, અહિત જેવું લાગે, તો અટકી જવું જોઈએ. કેટલાક લોકો પોતાની જાતને આધુનિકતામાં ખપાવવા માટે સ્વચ્છંદી બની જાય છે. આ કોઈપણ રીતે યોગ્ય નથી. જમાનો જૂનો હોય કે નવો હોય, પ્રાચીન હોય કે અર્વાચીન હોય, જીવનમાં જે સનાતન મૂલ્યો છે તેની તો જાળવણી કરવી જ રહી. જમાનો બદલાય ત્યારે આપણે પણ ઉચિત રીતે બદલાવું જોઈએ.

[2] ઉમ્મર

માણસની સરેરાશ ઉમ્મર વધી છે, પણ તેને કારણે તેની બીજી ઉપાધિઓ પણ વધી છે. ઉમ્મર વધે એટલે શારીરિક તંદુરસ્તી ઘટે, થયેલ રોગોમાં વૃદ્ધિ થાય અને સાથે સાથે એકલવાયું પણ વધે છે. દોડતી દુનિયા પ્રૌઢો અને વૃદ્ધો સાથે નિરાંતે બેસી કેવી રીતે શકે ? ને પ્રૌઢો તથા વૃદ્ધો દોડતી દુનિયા સાથે દોડી પણ કેવી રીતે શકે ? તનનો બન્નેનો મેળ નહિ એ તો ખરું જ, પણ બન્નેના મનનો મેળ પણ ક્યાંથી હોય ? ને દોડતી દુનિયા વૃદ્ધો તથા નિવૃત્ત માણસો સાથે બેસીને શું કરે ? ઘરમાં કુટુંબીજનો તથા વૃદ્ધો વચ્ચે બોલચાલ ક્રમશઃ ઓછી થતી જાય છે. બન્ને વચ્ચેનો ઉષ્માનો તંતુ પણ ક્ષીણ થતો જાય છે. ઔપચારિકતાઓ વધે છે. વૃદ્ધ પિતા યુવાન પુત્રને કંઈ પૂછે તો યુવાન પુત્ર કશો જવાબ ન આપે. વધુ પૂછે, વારંવાર પૂછે તો તેમને કચકચ કરવાનું બંધ કરે તેમ ગુસ્સાથી કહે. પુત્રી હોય, કુંવારી કે પરણેલી, તેને વૃદ્ધ મા-બાપ પ્રત્યે ભાવ ખરો, પ્રેમ ખરો. આમ હોવા છતાં માણસને પુત્ર પ્રાપ્તિની ઝંખના, પુત્રી પ્રાપ્તિની ઝંખના કરતાં વધુ રહે છે.

વૃદ્ધ સ્ત્રી ઘરના કામમાં મગ્ન રહે, પડોશમાં જઈને બેસે, એટલે તેને એકલવાયું લાગે નહિ. પણ વૃદ્ધ નિવૃત્ત પુરુષ આડોશપાડોશમાં ભળે નહિ, એટલે તેને એકલવાયું ખાવા જાય. તેમાંય જો તેની પત્ની હયાત ન હોય તો અંદર અંદર હિઝરાય. પોતાનું દુઃખદર્દ પ્રકટ ન કરે, આવા પત્ની વગરના એકલવાયામાં બહુધા પતિ વધુ જીવતો નથી, મૃત પત્ની પાછળ એ પણ મૃત્યુને શરણે જાય છે. પુત્રની પત્ની સારી હોય, સમજુ હોય, આમન્યા રાખનારી હોય તો નસીબ ! નહીં તો એનાં મહેણાંટોણાંનાં તીર નિવૃત્ત જીવથી સહન થતા નથી. પણ લાચારી તે આનું નામ ! કોને શું કહે ? સ્ત્રીઓની આપણે ભારોભાર પ્રશંસા કરીએ છીએ અને તેમનાં દુઃખોનો આપણે વિચાર કરીએ છીએ તે સારી વાત છે, પણ સ્ત્રીઓ જ ઘરને સ્વર્ગમાંથી નરકમાં લાવી દે છે એવું પણ જોવા-અનુભવવા મળે છે.

નિવૃત્ત વ્યક્તિઓની સમસ્યાઓ કોઈ સમજે તે જરૂરી છે. જો તેમની તંદુરસ્તી સારી હોય અને શારીરિક રીતે તેઓ જો કોઈને ભારરૂપ ન થતા હોય તો તે તેમને માટે સ્વયં આધાર છે. સમાજ અને ઘરનાં સભ્યો તેમને તો એમ જ કહેવાનાં : ‘બસ, તમે બહુ કર્યું. હવે જંપો. આવા શોખ તમને શોભે ? ઈશ્વર ભજન કરોને ! તમારે હવે કેટલા દિવસો ?’ બસ, ફક્ત તેમને અને બીજા લોકોએ તેમના મરણની જ રાહ જોવાની ? ઘરમાં કોઈ તૂટેલું ફૂટેલું ફર્નિચર પડ્યું હોય નકામું, તેવા તેઓ નકામા ? ઉમ્મર વધી એટલે ઉપાધીઓ પણ વધી.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મારો પોશાક એ જ મારો સંદેશ – દિનેશ શુક્લ
કરી બેઠા ! – હર્ષદ ત્રિવેદી Next »   

9 પ્રતિભાવો : ઝીણીવાત – નવનીત શાહ

 1. vijay says:

  Nice Article……

 2. વિરલ says:

  સાચી વાત… દુનિયાને દોડતી જોઇને થાક મને લાગ્યો. કઈ પ્રાપ્તિ માટે દોડાદોડ એ તો દોડનાર જાણે…

 3. nirali soni says:

  મૃગેશભાઈ,
  આ લખનાર શ્રીમાન નવનીતજીને મારે એટલું પૂછવું છે કે તેઓ જે “સારી પુત્રવધુ”ની વાત કરે છે એ સારી પુત્રવધુ ની વ્યાખ્યા તેમના માટે અને આજના જમાના પ્રમાણે શું હોવી જોઈએ?

  ઉદાહરણ તરીકે,
  એજ કે સસરાજી ના કહ્યા મુજબ સાંજે તેમના દીકરા સાથે પણ મોડે સુધી બહાર ફરવું નહિ એમ, કે પછી તેમને તકલીફ ના પડે તેમ ઘરમાં બધું arrengement કરીને જવું?

 4. નજિકમા નિવ્રુત્ત થનારા અને થયેલાઓને સુંદર શીખ આપતો લેખ.
  સાથે સાથે નિવ્રુત્તી એટલે વધુ ધન ભેગુ કરવાની લાલસા પણ ત્યજાવી જોઇએ.
  સુપુત્ર વીપરીત સંજોગોમા પણ મા-બાપની સાર સંભાળ લેશે ! જ્યારે કપુત ???
  “પુત કપુત હો યા સપુત, ધન સંચય ક્યો ?

 5. Nilesh Shah says:

  Reality of life, one has to prepared for the same.Expect less and be happy.

 6. Dinesh Sanandiya says:

  માતાપિતા એજ ભગવાન છે એ સમજ દરેક પેઢી માટે ઉપાય હોય શક્રે

 7. sunali shah says:

  Fantastic perception on progress and change and also how one should adapt to the changing time.

 8. Those who have habit of reading and fond of learning new things can pass sparetime happily.

 9. Arvind Patel says:

  સમય મહાન છે. માનસ મહાન નથી. સમય પારખવો , સમય નો અનુભવ કરવો , જરૂરી છે. માનસ મોટે ભાગે ભૂતકાળ ને વળગી રહે છે. સારો ભૂતકાળ મગજ માં થી ખસતો નથી. ચાલુ સમય સ્વીકારતો નથી. ખુબ મોટી ઉંમરના વડીલો ની કયેઈક આવી દશા હોઈ છે. સમય ની સાથે વહી જવું તે સાચી સમજ. આઘારું છે પણ આજ સત્ય છે.

  ==============

  સાચી વાત છે. ઘર નું વાતાવરણ જો વડીલો ને સન્માન આપતું ના હોય તો વડીલ માટે મુશ્કેલ સમય થાય છે. વડીલ બાળકો ને પ્રેમ આપે અને બાળકો વડીલનું સન્માન જાળવે આ જ કુદરતનો ક્રમ છે. નહીતર આજે જે તકલીફ વડીલ ભોગવે છે, કાલે તમે પણ વડીલ થવા ના જ છે !!! કુદરત ને હિસાબ કિતાબ માં ક્યાય ભૂલ હોતી નથી

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.