ઝીણીવાત – નવનીત શાહ

[‘ઝીણીવાત’ પુસ્તકમાંથી સાભાર.]

[1] બદલાવ

જમાનો કેટલો બધો બદલાઈ ગયો છે એમ જે જૂની પેઢીના માણસો માને છે તેનું શું કારણ ? બદલાવું એટલે જૂનું રદબાતલ કરવું ? બદલાવું એટલે પ્રગતિ કરવી ? બદલાવું એટલે ખોટે માર્ગે જવું ? જૂની પેઢીનું કહેવું છે કે અમારો જમાનો ગયો, અમારા જમાનામાં જે બધું સારું હતું તે આજે નજરે પડતું નથી અને નવી પેઢી તે અપનાવતી નથી. માણસ પોતાની મર્યાદામાં રહી પોતાની દષ્ટિથી બધું માપે છે. જૂની પેઢીને આપણે છાશવારે બોલતા સાંભળીએ છીએ : ‘અમે યુવાન હતા ત્યારે’, ‘અમારા જમાનામાં’, પણ એવું વારંવાર રટણ કરવાનો શો અર્થ ? બદલાવવું એ સમાજનો સ્વભાવ છે. પરિવર્તન સ્વાભાવિક છે અને તે જરૂરી પણ છે.

આજની જૂની પેઢી એકવાર નવી પેઢી હતી. જૂની પેઢી નવી પેઢી હતી ત્યારે તે જૂની પેઢીનું બધું જ અપનાવતી નહોતી. સમય અને વાતાવરણ બદલાય છે એટલે જરૂરિયાતો પણ આપોઆપ બદલાઈ જાય છે. આજે વીજળી આપણે માટે અનિવાર્ય છે. એ વેરણ થાય ત્યારે દીવો સળગાવીએ છીએ પણ વીજળી હોય ત્યારે વીજળી બંધ રાખી આપણે દીવાનો ઉપયોગ નથી કરતા. એ તો જેવો જમાનો અને જેવી સુવિધાઓ. નવા જમાનાને કોઈ નીતિનિયમ કે આદર્શ નથી એમ એની ખોટી ખણખોદ કરીએ એ ઉચિત નથી. દરેક વસ્તુને બે પાસાં હોય છે. જૂનું બધું ખરાબ નથી એમ નવું બધું સારું નથી એનો આપણને અનુભવ થાય છે. જૂનું જો ખપનું હશે, આજના સંદર્ભમાં જો તે પ્રસ્તુત હશે તો માણસ, આજનો માણસ, તેને જરૂર અપનાવશે. નવાને પણ આપણે આવકાર આપવો પડશે. તેનાથી જ આપણે બીજા પ્રગતિશીલ દેશોની હરોળમાં બેસી શકીશું.

અમારા વખતમાં જે સુખ અને શાંતિ હતાં તે આજે નજરે ચઢતાં નથી એમ કહેનાર દેશની પ્રગતિને જોઈ શકતા નથી. પરંપરાને પકડી રાખીએ તો આપણે આગળ દોડી શકીશું નહિ. આપણે આગળ દોડી શકીશું નહિ તો આપણે દુનિયાના અનેક દેશોથી પાછળ પડી જશું. તેમાં આપણને જ ગેરલાભ થશે. આપણી નવી પેઢી તેનાથી પાંગળી બની જશે, આગળ વધી નહિ શકે. પ્રાચીનતાની પીપૂડી વારંવાર વગાડ્યા કરવાનો શો અર્થ ? અને એને સાંભળશે પણ કોણ ? આ દોડતો જમાનો આ પ્રાચીનતાની પીપૂડીનો અવાજ રોકી સાંભળશે નહિ. હા, આ દોટ આંધળી ન હોવી જોઈએ, ઠેસ વાગે, અહિત જેવું લાગે, તો અટકી જવું જોઈએ. કેટલાક લોકો પોતાની જાતને આધુનિકતામાં ખપાવવા માટે સ્વચ્છંદી બની જાય છે. આ કોઈપણ રીતે યોગ્ય નથી. જમાનો જૂનો હોય કે નવો હોય, પ્રાચીન હોય કે અર્વાચીન હોય, જીવનમાં જે સનાતન મૂલ્યો છે તેની તો જાળવણી કરવી જ રહી. જમાનો બદલાય ત્યારે આપણે પણ ઉચિત રીતે બદલાવું જોઈએ.

[2] ઉમ્મર

માણસની સરેરાશ ઉમ્મર વધી છે, પણ તેને કારણે તેની બીજી ઉપાધિઓ પણ વધી છે. ઉમ્મર વધે એટલે શારીરિક તંદુરસ્તી ઘટે, થયેલ રોગોમાં વૃદ્ધિ થાય અને સાથે સાથે એકલવાયું પણ વધે છે. દોડતી દુનિયા પ્રૌઢો અને વૃદ્ધો સાથે નિરાંતે બેસી કેવી રીતે શકે ? ને પ્રૌઢો તથા વૃદ્ધો દોડતી દુનિયા સાથે દોડી પણ કેવી રીતે શકે ? તનનો બન્નેનો મેળ નહિ એ તો ખરું જ, પણ બન્નેના મનનો મેળ પણ ક્યાંથી હોય ? ને દોડતી દુનિયા વૃદ્ધો તથા નિવૃત્ત માણસો સાથે બેસીને શું કરે ? ઘરમાં કુટુંબીજનો તથા વૃદ્ધો વચ્ચે બોલચાલ ક્રમશઃ ઓછી થતી જાય છે. બન્ને વચ્ચેનો ઉષ્માનો તંતુ પણ ક્ષીણ થતો જાય છે. ઔપચારિકતાઓ વધે છે. વૃદ્ધ પિતા યુવાન પુત્રને કંઈ પૂછે તો યુવાન પુત્ર કશો જવાબ ન આપે. વધુ પૂછે, વારંવાર પૂછે તો તેમને કચકચ કરવાનું બંધ કરે તેમ ગુસ્સાથી કહે. પુત્રી હોય, કુંવારી કે પરણેલી, તેને વૃદ્ધ મા-બાપ પ્રત્યે ભાવ ખરો, પ્રેમ ખરો. આમ હોવા છતાં માણસને પુત્ર પ્રાપ્તિની ઝંખના, પુત્રી પ્રાપ્તિની ઝંખના કરતાં વધુ રહે છે.

વૃદ્ધ સ્ત્રી ઘરના કામમાં મગ્ન રહે, પડોશમાં જઈને બેસે, એટલે તેને એકલવાયું લાગે નહિ. પણ વૃદ્ધ નિવૃત્ત પુરુષ આડોશપાડોશમાં ભળે નહિ, એટલે તેને એકલવાયું ખાવા જાય. તેમાંય જો તેની પત્ની હયાત ન હોય તો અંદર અંદર હિઝરાય. પોતાનું દુઃખદર્દ પ્રકટ ન કરે, આવા પત્ની વગરના એકલવાયામાં બહુધા પતિ વધુ જીવતો નથી, મૃત પત્ની પાછળ એ પણ મૃત્યુને શરણે જાય છે. પુત્રની પત્ની સારી હોય, સમજુ હોય, આમન્યા રાખનારી હોય તો નસીબ ! નહીં તો એનાં મહેણાંટોણાંનાં તીર નિવૃત્ત જીવથી સહન થતા નથી. પણ લાચારી તે આનું નામ ! કોને શું કહે ? સ્ત્રીઓની આપણે ભારોભાર પ્રશંસા કરીએ છીએ અને તેમનાં દુઃખોનો આપણે વિચાર કરીએ છીએ તે સારી વાત છે, પણ સ્ત્રીઓ જ ઘરને સ્વર્ગમાંથી નરકમાં લાવી દે છે એવું પણ જોવા-અનુભવવા મળે છે.

નિવૃત્ત વ્યક્તિઓની સમસ્યાઓ કોઈ સમજે તે જરૂરી છે. જો તેમની તંદુરસ્તી સારી હોય અને શારીરિક રીતે તેઓ જો કોઈને ભારરૂપ ન થતા હોય તો તે તેમને માટે સ્વયં આધાર છે. સમાજ અને ઘરનાં સભ્યો તેમને તો એમ જ કહેવાનાં : ‘બસ, તમે બહુ કર્યું. હવે જંપો. આવા શોખ તમને શોભે ? ઈશ્વર ભજન કરોને ! તમારે હવે કેટલા દિવસો ?’ બસ, ફક્ત તેમને અને બીજા લોકોએ તેમના મરણની જ રાહ જોવાની ? ઘરમાં કોઈ તૂટેલું ફૂટેલું ફર્નિચર પડ્યું હોય નકામું, તેવા તેઓ નકામા ? ઉમ્મર વધી એટલે ઉપાધીઓ પણ વધી.

Leave a Reply to mahendrakumarbabariya Dubai Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “ઝીણીવાત – નવનીત શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.