કરી બેઠા ! – હર્ષદ ત્રિવેદી

સરોવરમાં તમે તો કાંકરીચાળો કરી બેઠાં,
ખબર છે ભર શિયાળે ધોમ ઉનાળો કરી બેઠાં ?

હંમેશાથી અમારો જીવ છે તો શાંત પાણીનો,
નજીવી વાતનો શું કામ હોબાળો કરી બેઠાં ?

અહીં આંસુ મૂકીને આંખ કોરી લઈ જતાં સઘળા,
તમે અપવાદ થઈને કાયમી ઢાળો કરી બેઠા ?

લગાવ્યો છે ઋતુઓનો અમે અંદાજ ધીરજથી,
નથી એવું કે જોયું ઝાડ ને માળો કરી બેઠા !

જીવન છે તો વ્યથા, વિસ્મય, વીતક, વ્યવહાર હોવાનાં,
જરી જીરવ્યું નહીં ને આળપંપાળો કરી બેઠાં ?

ઊઠીને કોણ ત્યાં લગ જાય ? અમારે તો અઠે આસન,
ભરીને આગ ભીતરમાં જ હેમાળો કરી બેઠા !

ઘણાં પદ્માસનોની જોઈ છે એવી ય અંદરવટ,
ભરી બંધૂક ઑગાળીને કરતાળો કરી બેઠા !

હતા અંગત અને બેઠા હતા પંગત મહીં ‘હર્ષદ’
થઈ દરિયાવ દિલના આદમી ટાળો કરી બેઠા ?

અહીં તો બાદબાકી ને બધે બસ બાદબાકી છે,
તમે ‘હર્ષદ’ ખરા સાલસ કે સરવાળો કરી બેઠા !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “કરી બેઠા ! – હર્ષદ ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.