શમણાંની સ્વતંત્રતા – મહાશ્વેતા દેવી (અનુ. એન. પી. થાનકી)

[ ફ્રેંકફર્ટ પુસ્તક મેળો, ઑક્ટોબર, ૨૦૦૬ના ઉદ્ઘાટન પ્રસંગે મહાશ્વેતા દેવીએ કરેલા પ્રવચનના અંશો અત્રે પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી થાનકીભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે thanki.nilesh@gmail.com અથવા આ નંબર પર +91 9723572677 સંપર્ક કરી શકો છો.]

[dc]આ[/dc]જે ૮૦થી વધુ ઉંમરે હું ઘણી વાર ભૂતકાળની છાયાઓમાં ડોકિયું કરું છું. ક્યારેક પ્રકાશમાં પાછી ફરવાની હિંમત પણ કરું છું. મારી જિંદગી આગળ વધી છે અને પુનરાવર્તન કરી રહી છું. હું મારી જાતનું જ પુનરાવર્તન કરી રહી છું. જે બન્યું, જે છે અને જે બની શક્યું હોત, તે આપ સૌના માટે વાગોળી રહી છું. વૃક્ષ, વન અને પાકથી લહેરાતાં હરિયાળાં ખેતરો, સૂર્યપ્રકાશમાં ચમકી રહેલું ઝરણું વગેરે જુઓ. ટપકાં/ચાંદલાવાળું હરણ કૂદી રહ્યું છે અને જંગલમાં ભાગી રહ્યું છે. માતાઓ બાળકોને તેડીને ઝરણાંમાંથી પાણીનાં મટકાં ભરી રહી છે, તે જુઓ. તેઓ તેમનાં ઘરો છોડીને આવી છે. તે પણ જુઓ. સૂર્ય પૃથ્વીનું દર્શન કરવા નીચે ઢળી રહ્યો છે. કિસાનો તેમનાં ખેતરો ખેડી રહ્યા છે. વનનો કેવો રળિયામણો વિસ્તાર છે! ટેકરીઓ કેવી લીલીછમ્મ છે !

સ્વપ્ન કઈ રીતે જોવું તે તમે ન જાણો, ન સમજો ત્યાં સુધી કશુંય બનતું નથી. તંત્ર રિમોટની મદદથી વિનાશ કરવા બેઠું છે. તેમ છતાં મગજના તમામ કોશો શમણાં સેવે છે. પરંતુ કેટલાંક સપનાં હાથ તાળી દઈ જાય છે, છટકી જાય છે. જેલમાંથી ભાગી ગયેલાં શમણાંઓની પાછળ હું પડી છું. સ્વપ્ન સેવવાનો અધિકાર જ માનવને ટકાવી રાખે છે. સમગ્ર વિશ્વ અને દરેક વ્યક્તિ માની રહી છે એવા આ અધિકારનો અંત આણો તો તમે વિશ્વનો અંત જ આણો છો. વિનાશ જ નોતરો છો. સ્વપ્ન સેવવાનો અધિકાર પ્રથમ મૂળભૂત –પાયાનો અધિકાર હોવો જોઈએ. સ્વપ્ન જોવાનો અધિકાર !

નાનકના જીવનનો એક પ્રસંગ છે. તેના પિતાએ તેને દુકાનમાં બેસાડીને વેપાર કરવાનું કહ્યું હતું. દસ, ગ્યારહ, બારહ, અને તેરા, તેરા, તેરા અને તેણે બધું જ આપી દીધું. સર્વ કંઈ તારું જ છે. હું પણ તારો છું. બધું જ તારું છે. અંદર /ભીતર કંઈ પણ સ્પર્શતું નથી. ભૌતિક/સ્થૂલબાબતો મને સ્પર્શતી નથી. હું બહારની વ્યક્તિ બની રહી છું. હું હમેશા અંદરની વ્યક્તિ બની શકું નહીં. અસલી ઉષ્મા, સાચી સમજ, કેટલીક મૈત્રી, કેટલીક વિચિત્ર બાબતો મને સ્પર્શે છે. પરંતુ હું એક સાથે બહારની અને ભીતરની વ્યક્તિ છું.

૧૯૮૦થી આપણા સૌથી વધુ સીમાંત અને શોષિત વર્ગ-આદિવાસીઓ, ભૂમિહીન ગ્રામીણો, જેઓ ભટકતા મજૂરો બની ગયા છે અથવા તો શહેરની ફૂટપાથો પર પડી રહ્યા છે, તેમના રોજિંદા અન્યાય અને શોષણને વ્યક્ત કરી રહી છું. વર્તમાનપત્રોના અહેવાલોમાં, પિટિશનોમાં, કોર્ટના દાવાઓમાં, સત્તાત્રોના પત્રોમાં, કર્મશીલોના મંડળોની પ્રવૃત્તિઓ અને સમર્થના કરવામાં સહભાગી થઈને, પાયાની પત્રિકા ‘બોરટિકા’ કે જેમાં વંચિતો તેમની સચ્ચાઈ રજૂ કરે છે એના સંપાદન દ્વારા અને મારી સાહિત્ય કૃતિઓમાં ભારતના ઉપેક્ષિત વર્ગની નક્કર વાસ્તવિકતા દેશના ધ્યાન પર લાવવા કોશિશ કરું છું. રાષ્ટ્રની સત્તાવાર તવારીખમાં તેમના વિસ્મૃત અને અદૃશ્ય ઈતિહાસનો સમાવેશ કરવાનો પ્રયાસ કરી રહી છું. મેં વારંવાર કહ્યું છે કે આપની આઝાદી, આપણી સ્વતંત્રતાભ્રામક છે. તેમાં વંચિતો માટે કોઈ સ્વતંત્ર નથી. તેઓ મોટા ભાગના મૂળભૂત અધિકારોથી વંચિત છે.

આવા સંજોગોમાં કોઈ પોતાની સંસ્કૃતિ કઈ રીતે બચાવી શકે ? આપણે કઈ સંસ્કૃતિને બચાવીએ છીએ ? અને એકવીસમી સદીમાં આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ છીએ ત્યારે આપણો મતલબ શું છે? કઈ સંસ્કૃતિ ? ક્યું ભારત ? મહામુશ્કેલીથી મેળવેલી આઝાદીનાં પચાસ વર્ષ પછી પણ ખાદીની સાડી અને મિનિસ્કર્ટ અને બેકલેસચોળી એ જ ભારત છે. ભારત એટલે બળદગાડું અને અતિ આધુનિક ટોયેટો અને મર્સીડીઝ ગાડી. નિરક્ષરતા આપણો પીછો કરે છે ત્યારે એ જ ભારત ઔષધ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના ક્ષેત્રે કેવાં સ્ત્રીપુરુષો પેદા કરે છે ! આઠ વર્ષનાં બાળકો અકલ્પનીય પરિસ્થિતિમાં અથાક મહેનત કરે છે અને બાળમજૂરો તરીકે ગાળો ખાય છે, એ ભારત છે. બીજી બાજુ, આઠ વર્ષની ઉંમરનાં બાળકો જે વાતાનુકૂલિત વર્ગખંડોમાં તેમનો સમય પસાર કરે છે અને વિશ્રાંતિના સમયમાં મોબાઈલ ફોનથી વાતો કરે છે, એ પણ ભારત છે. સત્યમ, શિવમ, સુંદરમ, ચોલી કે પીછે કયા હૈ એ પણ ભારત છે. મલ્ટિેપ્લે ક્સ અને મેગામોલ પણ ભારત છે. મદારીઓ અને મહર્ષિઓ તે પણ ભારત છે.

ભારતીય સંસ્કૃતિ ઘણા તાણાવાણાનું પોત ધરાવે છે. આ વણાટ અને તેની ભાત અનંત છે. આ ભાત ક્યાંક કાળી તો ક્યાંક ઉજળી, ક્યાંક કેસરી તો ક્યાંક ડાંગરનાં હરિયાળાં ખેતરો જેવી લીલી, ક્યાંક લોહિયાળ તો ક્યાંક હિમાલયના ઝરણાથી શીતળ થયેલી તો ક્યાંક તળબૂચની ચીર જેવી લાલમલાલ છે. બંગાળમાં ક્યાંક પાનખરના આકાશ જેવી ભૂરી તો ક્યાંક હરણની આંખ જેવી જાંબુડી છે. નવી નવેલી દુલ્હનના સિંદૂર જેવી તો ક્યાંક ઊર્દુના અક્ષરો જેવી તો ક્યાંક કન્નડ, ક્યાંક અસમી તો ક્યાંક મરાઠી મરોડવાળી આ ભાત છે. આ ભાત બદલે છે, વહે છે, ખચકાય છે ફરીથી બને છે અને મોસમે મોસમે રૂપ બદલે છે. હું એ ભાતમાં એક ભારત જોઉં છું. તમે બીજું ભારત જુઓ છો. છાયા અને પ્રકાશની લીલા ચાલુ છે. ઈતિહાસ અને વર્તમાન અથડાય છે. વહેમ અને કલ્પના, રવીંદ્ર સંગીત અને રેપ, સૂફી અને સુન્ની, જ્ઞાતિ અને કમ્પ્યુટર પણ છે. કથા અને ઉપકથા, હાસ્ય અને આંસું, સરકાર અને વિરોધપક્ષ, અનામત પ્રથા અને ક્વોટા, સંઘર્ષ અને કેદ, સફળતા અને સિદ્ધિઓ, હેમ્બર્ગર અને હેરિ ઓમ હરિ, સંસ્કૃત અને એસએમએસ, વરસાદની સોડમ અને સમુદ્રનો ધ્વનિ.

આ એક રૂપસંધાન છે. ઘણા ઘણા હાથોએ તે સિદ્ધ કર્યુંછે અને સિદ્ધકરી રહ્યાછે. મારોદેશ ફાટેલો, જર્જરિત, ગર્વિત, સુંદર, ઊષ્ણ, ભેજવાળો, ઠંડો, રેતાળ, ઊજળો, મંદ, શિક્ષિત, અસંસ્કારી, ઘાતકી અને ઝળહળતું ભારત અને તેની ભાતીગળ સંસ્કૃતિ/સંસ્કારો, પ્રાચીનકાળથી લઈને આજ સુધી, એકવીસમી સદીમાં સિંધુ ખીણથી લઈને આજના બ્લ્યુટૂથ હેંડસેટ સુધી ભારત ઘણી બધી ઘટનાનો સાક્ષી છે. આપઘાત, પોલીસની હિંસાખોરી, ઉદ્યોગોએ નોતરેલી પર્યાવરણની આપત્તિઓ અને બહુરાષ્ટ્રીય કંપનીઓએ ખરીદી લીધેલી ખેતીની જમીનો, ઈતિહાસમાં અને સંજોગોમાં ચેડાં છતાં ભારત હજુ અસ્તિત્વ ધરાવે છે. તેની સંસ્કૃતિ હજુ પણ હયાત છે. આથી આપણે પણ હજુ છીએ. ભારતે ટકી રહેવાનું, જૂના સાથે નવાનું સંયોજન કરવાનું , હાથમાં હાથ લઈને નવી સદીનાં નવપ્રભાતોનાં નવલાં ગીતો ગાવાનું શીખી લીધું છે. ખરેખર આ એ જમાનો છે જેમાં જૂતાં જાપાની, પતલૂન ઈંગ્લિશતાની, ટોપી રુસી, છે. પરંતુ દિલ…. દિલ તો ભારતનું જ છે અને રહેશે.

આપણે ભવિષ્યનો સામનો કરી રહ્યાં છીએ અને આ ગૌરવયુક્ત પ્રસંગે શ્રેષ્ઠ શ્રોતાઓ સમક્ષ મારા દેશની સંસ્કૃતિ વિશે બોલવાનું આમંત્રણ મળ્યું છે. હવે હું મારા એ અધિકારનો ઉપયોગ કરવા ઈચ્છું છું. હું એવા ભારતનું સ્વપ્ન જોઉં છું જેમાં મન નિર્ભય હોય અને મસ્તક ઊંચું હોય, જેમાં જ્ઞાન મુક્ત હોય, જેમાં સંકુચિત સ્થાનિક દીવાલોથી ખંડિત થયેલું વિશ્વ ન હોય, જ્યાં સત્યની ઊંડાઈએથી ઘોળાઈને શબ્દો ઊભરતા હોય, જ્યાં પૂર્ણતાની પ્રાપ્તિ માટે નિરંતર ઉદ્યમ થતો હોય, જ્યાં મૃત ટેવોની રેતમાં નિર્ભેળ બુદ્ધિ/તર્કનું ઝરણું સુકાઈ ગયું ન હોય. હું એવા ભારતનું સ્વપ્ન જોઉં છું જેમાં પછાત શબ્દ ક્યારેય પ્રયોજાય નહીં. હું ત્રીજું નહીં પરંતુ પ્રથમ વિશ્વ બનવા ઈચ્છું છું. બાળકો શિક્ષણ પામે એવું હું ઈચ્છું છું. હું ઈચ્છું છું કે મહિલાઓ જાહેર ક્ષેત્રમાં આવે. સામાન્ય મનુષ્યને-ખેડૂતને ટકી રહેવાનો ન્યાય મળે એવું મારું શમણું છે. ગરીબોને આશરો અને સૌને એક આશા મળે. હું ઈચ્છું છું કે કરજ-દેવા નાશ પામે, દરિદ્રતા ખતમ થઈ જાય. ‘ભૂખ’ એવો ભદ્દો શબ્દ બને કે કોઈ તેનો ઉચ્ચાર કરવાનું પણ પસંદ ન કરે. પર્યાવરણનું રક્ષણ થાય, તેને ચાહવામાં આવે અને તેનું પુન:સ્થાપન થાય. ભૂમિ ફળદ્રુપ-રસાળ બને. જળ ફરીથી સ્વચ્છ અને પવિત્ર બને. વાઘનું અસ્તિત્વ જળવાઈ રહે. આત્મસન્માન અને આત્મનિર્ભરતાની મારી ઈચ્છા છે. અને અંધશ્રદ્ધાની જંજીરોથી મુક્તિ મળે અને બધાને સમાન તબીબી સારવાર મળે એવું હું ઈચ્છું છું. દરેક વ્યક્તિને સૌ પ્રથમ વાંચતાં શીખવો. તેઓ તેમનાં નામ અને સરનામાં જાતે લખી શકે ત્યાં સુધી દરેક અક્ષર પર તેમનાં આંગળાં ફેરવો. તેઓ જાતે ‘હું જાણું છું, હું કરી શકું છું’ એવું લખી શકે ત્યાં સુધી તેમને સહાય કરો. જ્ઞાનની મદદથી અજ્ઞાન સામે આપણે લડી લઈએ. આપણે કલમની તલવારથી દુષ્ટનો વધ કરીએ. સતીઓ, દહેજ-મૃત્યુ, ગૌરવના કારણે થતી હત્યાઓ, દેહવિક્રયનો નાશ થાય તેમ હું ઈચ્છું છું. પોતાનાં જીવન બચાવવા માતાપિતાઓને તેમનાં બાળકોનું વેચાણ ન થવા દો. રાત્રિના અંધકારમાં બાળકન્યાઓના-ભૃણના ગર્ભપાતો ન થવા દો. વંચિતો/શોષિતોને જગાડો. ભૂલાયેલા ચહેરા અને દુર્બળ અવાજોને તેનું સ્થાન લેવા દો. આ ભાત, આ પોતને સ્થાન આપો. આ નવા તાંતણાઓને વણી લો. તેમાં નવા રંગ ઉમેરો. ભાવિને સ્વતંત્રતાના સ્વર્ગ માટે પ્રજ્જ્વલિત કરો. મારા ભારતની પુન: પુન: જાગવા દો. આ એક મહાન સ્વપ્ન છે. પરંતુ તે અશક્ય નથી.

ભારતીય સંસ્કૃતિની હું વાત કરું છું ત્યારે હું આ બધાની વાત કરું છું. સંસ્કૃતિ એક એવું તત્વ છે જે આપણને ભાવિમાં લઈ જાય છે. છતાં આપણને આપણાં મૂળ, પરંપરા સાથે અને આપણા વારસા સાથે જોડી રાખે છે. સંસ્કૃતિ આપણને હરણફાળ ભરવા દેશે અને ચંદ્ર પર પહોંચવા દેશે. પરંતુ તે પહેલાં આપણે આપણી જાતને સમજવા અને એકબીજાને જાણવા માટેનાં થોડાં કદમ ઊઠાવવાં જરૂરી બનશે. સંસ્કૃતિએ વધુ એક વખત સહિષ્ણુ અને સાચા અર્થમાં ધર્મનિરપેક્ષ બનવાનું યાદ કરાવવું પડશે. મેં મારી રીતે સંસ્કૃતિનું એક ચિત્ર આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ આપણા અંધાધુંધી, સ્થિતિસ્થાપક, જૂઠ, અમીર,ગરીબ, સમજદાર, ગેરસમજદાર વગેરે માટે સરળ એવી, દેશમાં સૌને માટે સ્વીકાર્ય એવી વ્યાખ્યા હું કઈ રીતે રજૂ કરું ? આખરે તો મેં વારંવાર કહ્યું છે કે ઘણાં બધાં ભારત છે અને બધાં જ ભારત સમકાલીન અને સમાંતર અસ્તિત્વ ધરાવે છે.

અને આ સંસ્કૃતિ ભલા કોની છે ? તમારી ? મારી? તેમની,? મારી જન્મભૂમિમાં રોજિંદી ઘટમાળમાં ટકી રહેવા માટે કઠોર જમીન સિવાય કંઈ ન હોય એવો એક વર્ગ છે, એવા અસંખ્ય લોકો છે, તેમની ? આપણે જેના માટે લડ્યા છીએ તે વંચિતો આઝાદીના છ દાયકાથી આપણી સાથે રહ્યા છે. તેઓ બધા ઝૂઝ્યા છે. શોષિતોની સંસ્કૃતિ વિષે અન્યત્ર મેં લખ્યું છે એવો દાવો મેં કર્યો છે. આ દાવો કેટલો સાચો છે એ કહેવામાં હું સંકોચ અનુભવું છું. હું ક્ષમા ચાહું છું. આપણી સંસ્કૃતિ જેટલી જૂની અને પ્રાચીન સંસ્કૃતિ સમયના પ્રવાહમાં જળવાઈ રહી હોય તો તેના પાયમાં સર્વસામાન્ય અને સર્વસ્વીકૃત, હાર્દરૂપ ખ્યાલ-માનવતા છે. એકબીજાના હક્કો/અધિકારોનો ગૌરવ અને આદરપૂર્વક સ્વીકાર કરવો એમાં માનવતા સમાયેલી છે.

મારા જીવન અને સાહિત્યમાં માનવ હોવું એટલે એકબીજાના હક્કો/અધિકારોનો ગૌરવ અને આદરપૂર્વક સ્વીકાર કરવો. આ મારી લડાઈ છે. આ મારું સ્વપ્ન છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “શમણાંની સ્વતંત્રતા – મહાશ્વેતા દેવી (અનુ. એન. પી. થાનકી)”

Copy Protected by Chetan's WP-Copyprotect.